કથા-સપ્તાહ - ગુરુદક્ષિણા (ઊજળો રિવાજ - ૫)

Published: 28th December, 2012 06:16 IST

મુંબઈ આવ્યે તેમને છ મહિના વીતી ચૂક્યા હતા અને એવું લાગતું, જાણે પોતે વરસોથી અહીં રહેતાં હોય.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  | 


‘આવો-આવો વેવાણ.’

સાવિત્રીમાએ હોંશભેર માલિનીબહેનને આવકાર્યા.

મુંબઈ આવ્યે તેમને છ મહિના વીતી ચૂક્યા હતા અને એવું લાગતું, જાણે પોતે વરસોથી અહીં રહેતાં હોય. ઘર તેમનાથી ને તેઓ ઘરથી ટેવાઈ ગયાં હતાં. કામ બાબત અરેને એક વાર યશવીને ટકોરી ત્યારે સાવિત્રીમાએ ચોખવટ માગેલી : તું મને મહેમાન ગણે છે કે મા? મા માનતો હોય તો સાસુ-વહુના મામલામાં ફરી કદી બોલીશ નહીં! બસ, ત્યાર પછી ઘરમાં કદી કલેહ-કંકાસ થયા નહીં. આદિ તેમનો હેવાયો હતો. ઘર-દીકરાને તેમને સોંપી અરેન-યશવી વીકએન્ડ માણવા બહાર જાય એવુંય બનવા માંડ્યું.

‘ઘરડેઘડપણ મારું જીવતર ભર્યુંભાદર્યું થઈ ગયું. પાણીનો પ્યાલો ધરતાં સાવિત્રીમાએ ગણ ગાયો, ‘અરેનને તો જાણે ગુરુદક્ષિણાની ફરજ હતી, પણ યશવી? પતિનું મન સાચવવાની વૃત્તિથી તેણે માંડેલા યજ્ઞમાં ક્યારે અમારો મનમેળ થઈ ગયો એની ન મને ગત રહી, ન યશવીને... આનો સઘળો યશ તમને મળે, વેવાણ, તમારી કોખ જ એટલી ઊજળી.’

- એ કોખ તમારી પણ હોઈ શકે છે! માલિનીબહેનના ગળે આવી ગયું. જોકે આજે જાણ્યા વિના પાછું હટવું નહોતું, ને જાણ્યા પછી શું કરવું એ માટે પણ જાતને આ ચાર મહિનામાં સજ્જ કરી દીધી હતી. અરેન કૉલેજ ગયો હતો, આદિ આ સમયે સ્કૂલમાં હોય ને યશવી બ્યુટીપાર્લર જવાની પોતાને જાણ હતી એટલે તો એકાંતનો મોકો શોધી સાવિત્રીબહેનને મળવા આવી ચડ્યાં. હવે દેર નથી કરવી.

‘ચા-નાસ્તો મારે કશું કરવું નથી, તમે બેસો, સાવિત્રીબહેન.’ આટલા વખતમાં માલિનીબહેનને પણ તેમની માયા વળગી હતી, યશવી તેમને જાળવે એટલું સાવિત્રીમા પણ જાળવી જાણે છે એનો અણસાર મળ્યાં પછી આત્મીયતા બંધાઈ હતી. એટલે તો પોતાનો દોષ વધુ પજવતો. ક્યારેક પરિવાર ભેગો થયો હોય ત્યારે યશવી-સાવિત્રીબહેનના ચહેરા સરખાવતાં : આમ તો યશવી પિતા પર પડી છે એવું બધા કહેતા, પણ શું તેની મુખરેખા સાવિત્રીમાને નથી મળતી કે પછી આ મારી ભ્રમણા છે! માલિનીબહેન ગૂંચવાતાં. જોકે પોતાની ગડમથલનો અંદેશો તેમણે બીજા કોઈને આવવા દીધો નહોતો. બરખાને ઇશારો આપવામાં બ્લૅકમેઇલિંગ વધવાનું જોખમ હતું. હવે તો બસ, સાવિત્રીમાને મોઢામોઢ પૂછી લેવું છે...

‘બોલો તો, વેવાણ,’ માલિનીબહેન સાચવીને આગળ વધ્યાં, ‘આવતા અઠવાડિયે આવતી ૨૬ ડિસેમ્બરે શું વિશેષ છે?’

‘છવ્વી...સ ડિસેમ્બર,’ બબડી કશુંક સાંભર્યું હોય એમ સાવિત્રીમા સહેજ ફિક્કાં પડ્યાં, ‘એ તારીખ હું કેમ ભૂલું! તમે કદાચ જાણતાં નથી હોં, બહેન, એ દિવસે મેં પુત્ર જણીને ગુમાવી દીધો!’

તેમનો નિ:સાસો દઝાડી ગયો. વરસ, હૉસ્પિટલનું નામ પૂછતાં સંશય ન રહ્યો - મારી સામે યશવીની સગી જનેતા બેઠી છે!

‘કેવો જોગાનુજોગ. એ જ દિવસે, એ જ હૉસ્પિટલમાં આપણી યશવીનો પણ જન્મ થયો.’

હેં! અચંબિત થતાં સાવિત્રીમાને ધ્યાન આવ્યું.

‘વેવાણ, મારા મૃત દીકરાની સ્મૃતિમાં આપણે યશવીનો જન્મદિવસ નથી બગાડવો. અરેને મારા માતૃત્વની ખોટ સરભર કર્યા પછી હૈયે એનો વસવસો પણ નથી, આપણે ધામધૂમથી યશવીની વર્ષગાંઠ ઊજવીશું.’

પળવાર માલિનીબહેન લલચાયાં : સાવિત્રીમાને જ્યારે મૃત પુત્રનો રંજ નથી, ત્યારે મારે શું કામ દટાયેલાં મડદાં ઉખેળવાં? પણ તેમની ભોળી સૂરતને જોતાં લાલસા ફસકી ગઈ, ઇરાદો ઘૂંટાયો : એક માને હું વધુ છેતરી ન શકું... આ વખતનો યશવીનો બર્થ-ડે આપણા સૌ માટે અનોખો બની રહેવાનો!

€ € €

‘યશવીની બર્થ-ડે પાર્ટી? મારે ખાસ આવવાનું છે? જરૂર-જરૂર...’ માલિનીબહેનનું નિમંત્રણ સ્વીકારી બરખાએ મોબાઇલ કટ કર્યો. પછી હૉસ્પિટલના બિછાને પડેલી પેશન્ટ તરફ મોં મલકાવ્યું, ‘યુ નો ડૉક્ટર, દુનિયામાં મૂરખાઓની કમી નથી!’

બ્રેસ્ટ કૅન્સરની સારવાર માટે મહેસાણાની જાણીતી હૉસ્પિટલમાં ઍડ્મિટ થયેલી મીનાક્ષીના હોઠ વંકાયા : કેટલી આસાનીથી મૂરખ ઠરી હતી માલિની!

માલિનીની સુવાવડ કષ્ટદાયક નીવડવાની હતી એમાં બેમત નહોતો. તેને અંતરંગ થઈ બરખાનો ઇરાદો તો માત્ર બક્ષિસ પામવાનો હતો... ત્યાં કુદરતે અણધાર્યો જોગ ઘડી આપ્યો. લગભગ એકસાથે બે સ્ત્રીઓ ડિલિવરી માટે ઑપરેશન થિયેટરમાં લવાઈ, મુખ્ય ડૉક્ટર ગેરહાજર અને નર્સ તરીકે બરખા હાજર હોય એ કુદરતનું કરવું જ ગણાય. એક પ્રસૂતાને દીકરી ને બીજાને મૃત દીકરો જન્મતાં બરખાને ઝબકારો થયો, તમે થોડી મદદ કરો તો ખુલ જા સિમ સિમનો ખજાનો મળી શકે એમ છેની લાલચે મીનાક્ષીને પલોટવું તેને માટે આસાન નીવડ્યું, કેમ કે સાથે કામ કરી ડૉક્ટરનાં ખૂબી-ખામીથી તે પરિચિત હતી.

ના, તેમણે કોઈ જ અદલાબદલી નહોતી કરી. મૃત પુત્ર સાવિત્રીને જ જન્મ્યો હતો. દીકરી માલિનીએ જ જણી હતી. માલિનીની દુખતી રગ જાણતી બરખાએ સંતાન મૃત જન્મ્યાના ખબર આપી ભડકાવી, આઘાતની પળોમાં પોતે દીકરી ધરી હોવાનો ઉપકાર પાકો કરી લીધો... તપાસના બહાને રૂમમાં પધારેલાં ડૉ. મીનાક્ષીની વર્તણૂકે આના પર મહોર મારી દીધી. પછી માલિનીમાં બીજી ખાતરી કરવાની હામ પણ રહી ન હોયને! ધારો કે માલિની દીકરી લેવા સંમત ન થાય તો બરખાએ કશું બહાનું ઊપજાવી વાત વાળી લેવી એવું નક્કી થયું હતું, પણ એનો અવકાશ ન રહ્યો. આવશ્યકતા પણ નહીં... પોતાની જ દીકરીને ઉછેરવાના ગુના બદલ માલિનીબહેન આજસુધી બ્લેકમેઇલ થતાં રહ્યાં એ કેવું!

બરખાએ પણ પાઠ નિભાવવામાં કચાશ નહોતી છોડી. તે પોતે પરણી નહોતી, સંસારમાં એકલવાયી હતી. પરણીને મહેસાણા સ્થાયી થયેલી ડૉ. મીનાક્ષી જોડે તે હજીયે સંપર્કમાં હશે એવી તો માલિનીબહેનને ધારણા પણ કેમ હોય? મીનાક્ષીનો વર પણ ગાયનેક હતો ને ખાનગીમાં અબૉર્શનનો ધંધો જમાવી દંપતી ખૂબ કમાયું હતું. એ હિસાબે મીનાક્ષીને બ્લૅકમેઇલના રૂપિયામાં રસ નહોતો. માલિનીને મૂરખ બનાવવામાં પોતાની બુદ્ધિમત્તાનો વિજય જણાતો. તેનો પતિ જોકે આ કારસ્તાનથી અજાણ હતો અને આવા કિસ્સા અપવાદરૂપ જ બનતા હોયને!

કૅન્સર થવામાં કોઈના નિસાસા કનડ્યા એવો વિચાર સેંકડો ગર્ભહત્યા કરનારીને આવે એ સંભવ નહોતો. રોગમાં તેને જીવનું જોખમ નહોતું. ખબર કાઢવા આવેલી બરખા માલિનીબહેનના ફોનને કારણે મીનાક્ષી સાથે આખો પ્રસંગ ઉખેળી બેઠી. બન્નેના ધ્યાનબહાર રહ્યું કે આ વાતો અનાયાસે રૂમના દ્વારે આવી ચડેલી વ્યક્તિના કાને પડી ચૂકી છે!

તે હતી અરેનની સાવકી મા લલિતા!

€ € €

અભાગણી!

અરીસામાં દેખાતી પોતાની કૃશ કાયા નિહાળી લલિતાબહેને નિ:શ્વાસ નાખ્યો.

છએક મહિના અગાઉ, અરેન-યશવી સાવિત્રીમાને મુંબઈ તેડી ગયાં ત્યારે પોતે બહુ રુઆબભેર કહેલું કે મને કોઈની સાડીબારી નથી, પરંતુ પછી માંદગીમાં શરીર ગળાતું ગયું. બ્લડ-કૅન્સરના નિદાને કેડ ઝૂકી ગઈ... ચેક-અપ માટે મહેસાણાની મોટી હૉસ્પિટલે જવાનું થવા છતાં ગામમાં પોતે કોઈને કહ્યું નથી કે મારી જિંદગી આખરી તબક્કામાં છે. કહ્યું હોત તો આ વાત અરેન સુધી જરૂર પહોંચત ને તો શું તે દોડી આવત ખરો?

કદાચ હા. લલિતાએ ડોક ધુણાવી : તે છોકરો નોખી માટીનો છે! પરંતુ આ પળોમાં મારે તેને શું કામ યાદ કરવો જોઈએ! જીવનભર જેના પ્રત્યે ધિક્કાર સેવ્યો, કદી જેને હું અપનાવી-સ્વીકારી ન શકી. અરે, જેના પર જુલમ વરસાવવામાં મેં કંઈ જ બાકી ન રાખ્યું તે અરેનની ઝંખના કરી હું ખુદની હાંસી ઉડાવું છું કે પછી આમાં જ સંસારની કરુણા છુપાઈ છે? નાનકડો છોકરો મને ‘મા’ કહેતો રહ્યો ને હું તેને સોટી મારતી રહી. આજે કુદરતની સોટી મને વાગી ત્યારે મને ‘મા’ કહેનારો જ વધુ સાંભરે છે એમાં મારો પસ્તાવો છે કે પછી અંત સમયે એકલાં પડી જવાની બીક. વિચારો જ વિચારો. લલિતાબહેન થાકી જતાં. એકલતા ખાવા ધાતી. કદી નિરુદૃશ બારસાખે બેસી પડતાં તો વીત્યા ખંડનાં દૃશ્યો તરવરતાં. પોતે જ અરેન પર વિતાવેલો ત્રાસ હેબતાવી જતો. કૅન્સરને પોતાની કરણીનું જ ફળ માનવા પ્રેરાતાં. ડૉક્ટર કેમોથેરપીનો તકાજો કરતા હતા. ગઈ કાલે પણ તેમણે કહ્યું કે તમે રાહ શાની જુઓ છો? આનો શું જવાબ હોય!

અરીસાથી નજર વાળતાં લલિતાબહેનના ચિત્તમાં સળવળાટ સજ્ર્યો : ગઈ કાલ.

હૉસ્પિટલની ગઈ કાલની મુલાકાત દરમ્યાન એક રૂમ આગળથી પસાર થતાં ‘યશવી’ શબ્દ કાને પડતાં ચોંકી જવાયું. પગ આપોઆપ થંભ્યા. કાન માંડી જાણેલો ભેદ કેવો ખતરનાક હતો!

યશવીની વર્ષગાંઠની ઉજવણીનું મને નિમંત્રણ ન જ હોય, પરંતુ એ શુભ દિને તેનાં મધરને મળી જરૂરી ખુલાસો કરી દઉં તો મારાં પાપ કંઈક ઓછાં થાય.

લલિતાબહેનને ત્યારે રાહત વર્તાઈ.

€ € €

- અને એ ઘડી આવી પહોંચી.

સાંજના સાતનો સુમાર હતો. અરેનના ઘરે પાર્ટીનો રંગ જામતો હતો. આંગણામાં ફાઉન્ટન, રંગબેરંગી રોશની, હળવું સંગીત... પચાસ જેટલા આમંત્રિતોમાં મિત્રો-સ્નેહી અને સંબંધીઓ હતા. વૅલકમ ડ્રિન્ક, ડ્રાયફ્રૂટ્સની પ્લેટ્સ ફરતી રહી. સિલ્કની કલરફુલ બાંધણીમાં યશવી ગજબની રૂપાળી લાગતી હતી. યજમાનગીરીમાં વ્યસ્ત અરેન ચોરીછૂપી પત્નીનું રૂપ નિહાળી લેતો. આદિ ઠાવકો થઈ સાવિત્રીદાદીના ખોળામાં બેઠો હતો. આમ તો હરિશંકરના નિધનને વરસ થયું નહોતું છતાં શોક વિસારી સાવિત્રીમાએ અરેને આણેલી સાદી છતાં ભારે સાડી પણ હોંશભેર પહેરી હતી. માલિનીબહેન વારે વારે કાંડાઘડિયાળ જોઈ લેતાં : બરખા કેમ ન આવી! તેની સાક્ષી જરૂરી છે.

ત્યાં તે દેખાઈ. યશવી ખુશ થઈ. માસી, વૉટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ!

પરંતુ ખરી સરપ્રાઇઝ તો બરખાને મળી. સહેજ ખૂણે લઈ જઈ માલિનીબહેનને તેને સાવિત્રીમા તરફ ઇશારો કરી અણધાર્યો ફણગાનો ચિતાર આપી પોતે હમણાં જ રાઝ ખોલી દેવા માગે છે એમ કહેતાં બરખા હેબતાઈ : આમાં જો કોઈને ડીએનએ ટેસ્ટનું સૂઝ્યું તો મારો ભાંડો ફૂટી જવાનો! પડેલા સાદે તેણે બે-ચાર દલીલ કરી જોઈ, પણ માલિનીબહેન મક્કમ નીકળ્યાં : હવે આજની કાલ નહીં થાય! શક્ય છે, સત્ય જાણી યશવી સુધ્ધાં મને માફ નહીં કરે, પરંતુ એ ડરથી હું ગુનાનો ગુણાકાર નહીં કરી શકું!

બરખા થોડી ચિડાઈ : કેવા આદર્શવાદીઓ અહીં ભેગા થયા છે! આટલાં વરસે માલિનીબહેનને ડહાપણ સૂઝ્યું એમાં અરેનની ગુરુદક્ષિણા જવાબદાર છે. સાવિત્રીબહેનન જો મુંબઈ આવ્યાં જ ન હોત તો આમાંનું કંઈ જ ન થાત! બાકી મારા બ્લૅકમેઇલિંગથી ત્રાસીને લેવાયેલો આ નિર્ણય નથી...

‘બોલ બરખા,’ માલિનીબહેને તેને હલબલાવી, ‘તું સાથ આપીશને? અદલાબદલીનો ગુનો તારા માથે લેવાનું નથી કહેતી, માત્ર મારી સચ્ચાઈમાં સૂર પુરાવીશને!’

‘બરખાથી એમ નહીં બને.’ મોટા અવાજે સૌનું ધ્યાન ખેંચ્યું.

અરે, આ તો લલિતામા! અરેન-યશવી દોડી ગયાં. પગે લાગ્યાં, ‘તમે, અચાનક! તમારું શરીર કેવું કંતાઈ ગયું છે, મા?’

‘મારી ફિકર છોડ, અરેન,’ લલિતાબહેન માલિનીબહેન તરફ વળ્યાં, બરખા તરફ કતરાઈ લીધું, ‘બરખા નહીં બોલે, કેમ કે તેના પેટમાં પાપ છે.’

બરખાને ફાળ પડી : આજે આ થવા શું બેઠું છે? છે કોણ, આ સ્ત્રી!

‘ધ્યાનથી સાંભળજો સૌ...’ ઊંચા અવાજે લલિતાબહેને હાક મારતાં સાવિત્રીમાને થયું, લડકણી ગણાતી બાઈ રંગમાં ભંગ પાડવા તો નથી આવીને!

- પણ ના, તેમણે કહેલું એક-એક વાક્ય હૈયાના તાર ઝણઝણાવી ગયું, માનવા - ન માનવાની દ્વિધા જન્માવી ગયું! રાઝ ખૂલતાં બરખાની આંખે અંધારાં છવાયાં.

‘ઓહ,’ યશવીને તમ્મર આવ્યાં, ‘માસી માને બ્લૅકમેઇલ કરતાં હતાં. મા સમજતી રહી હું તેની દીકરી નથી...’ અરેને તેને સંભાળી, ‘તને તો મા પર ગર્વ થવો જોઈએ, યશવી, સાવિત્રીમાને મળ્યાં-જાણ્યા પછી સત્ય જાહેર કરવાની તેમની નીયતે જ પાસો આમ પલટાવ્યો. જોકે સાવિત્રીમાની ગોદ...’

‘તારા રહેતાં મારી ગોદ સૂની ન ગણાય, અરેન! મારું માતૃત્વ તો મેં મેળવી લીધું, વેવાણ, ખરાં છો તમે, આટલો સંતાપ કદી દેખાડ્યો પણ નહીં? આ વાત આપણે ખાનગીમાં સમજી લેત.’ સાવિત્રીમા માલિનીબહેનને ભેટી પડ્યાં.

સ્નેહમિલનનાં દૃશ્યોની આડમાં બરખા છટકી ગઈ એનો કોઈને અફસોસ નહોતો. તેને સજા કુદરત કરશે - મીનાક્ષીને કૅન્સર આપી કરી એમ!

‘સજા તો મનેય મળી ગઈ...’ બેઠક લેતાં લલિતાબહેને ઘટસ્ફોટ કર્યો.

‘આવી હાલતમાં તમે આવ્યાં મા. મારે ખાતર!’ યશવી ગદ્ગદ થઈ. લલિતાબહેને સંતૃપ્તિ અનુભવી, ફિક્કુ મલક્યા, ‘હું શરૂથી જ સ્વાર્થી છું, યશવી, બીમાર પડી એટલે તમારી ચાકરી લેવા દોડી આવી.’

તેમનો સંકોચ સૌને સમજાયો. અરેન-યશવી અને માલિનીબહેન તરફ દૃષ્ટિપાત કરી સાવિત્રીમા ટહુક્યાં, ‘તારા કરતાં વધુ સ્વાર્થી તારાં-મારાં દીકરા-વહુ છે, લલિતા, માને નોંધારી નહીં મૂકવાનો તેમનો સ્વાર્થ છે.’ પછી લલિતાના માથે હાથ ફેરવ્યો, ‘માનો પસ્તાવો શબ્દોનો મોહતાજ નથી હોતો, લલિતા, જિંદગીભરની ભૂલો ક્યારેક એક પગલાથી ભુલાઈ જતી હોય છે એ એક પગલું તેં આજે ઉઠાવી લીધું. હવે ભૂલોનો બોજ ન રાખીશ.’

‘જો એવું જ હોય સાવિત્રીભાભી, તો કહો અરેનને કે તેની પ્રતિજ્ઞા પાછી ખેંચે. ગામના તેના ઘરે હકથી પ્રવેશે. હું તેને કોળિયો ભરાવું ને આંખો મીંચું ત્યારે આગ પણ તે જ દે.’ લલિતાબહેને અરેન સાથે દૃષ્ટિસંધાન કર્યું, ‘બોલ, અરેન, થશે આટલું?’

ઘરના સૌ અરેનને ટાંપી રહ્યા. કશું જ સમજાયું ન હોવા છતાં આદિ ટગર-ટગર પપ્પાને નિહાળતો હતો. શું હોઈ શકે અરેનનો જવાબ?

‘માતા જગતની શ્રેષ્ઠ શિક્ષક છે,’ અરેનનો સાદ સહેજ ભીનો હતો, ‘તેનું આદેશપાલન પુત્ર માટે ગુરુદક્ષિણા ચૂકવ્યા બરાબર જ ગણાય. મા, તમને ઇનકાર હોઈ જ નહી.’

‘આજે સ્વર્ગમાં માસ્તર મહાદેવભાઈ અને વિનેશભાઈને ઘરના ઘરભેગા થયાની તૃપ્તિ થતી હશે.’ સાવિત્રીમા બોલ્યાં ને યશવીની આંખો વરસી પડી!

(સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK