કથા-સપ્તાહ - ગુરુદક્ષિણા (ઊજળો રિવાજ - ૪)

Published: 27th December, 2012 06:29 IST

‘મને તો તમારું આ પગલું પહેલેથી જ બહુ રુચ્યું નહોતું.’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  | 


ઘરે મળવા આવેલી દીકરી સામે માલિનીબહેને ખટકો જતાવ્યો, ‘અરેનકુમાર મૂળે ભાવનાવાદી. તેમની સોબતમાં પાછી તુંય એવી થઈ ગઈ. બાકી આજના જમાનામાં કોઈની જવાબદારી લેવી સહેલી છે?’

માની દલીલમાં તથ્ય તો ખરું જ... સાવિત્રીમાને મુંબઈ લઈ જવાની વાત ફેલાતાં ગામમાં એવુંય ચર્ચાયેલું કે વખત આવ્યે અરેન પોતાની સાવકી માને આમ સાચવશે ખરો? લલિતાબહેને જોકે પોતે આવી અધીરાઈ દાખવી નહોતી. લૌકિક રિવાજમાં હાજરી પુરાવતાં ત્યારેય કદી અરેન કે યશવી તરફ જોવાનું સુધ્ધાં નહીં! પ્રતિજ્ઞાબદ્ધ અરેન ઘરે જવાનો નહોતો, પરંતુ લલિતાબહેને આદિનેય તેડું નહોતું દીધું. ઊલટું, વટભેર સંભળાવતાં : મારે કોઈની સાડાબારી નથી, દીકરા-વહુની ખોટ મને નહીં લાગે!

‘માનો સ્વભાવ આપણે જાણીએ છીએ,’ અરેન નર્લિપ રહેતો, ‘તેમના બોલનું ખોટું શું લગાડવાનું?’

યશવીને થતું, અરેન કઈ માટીના બન્યા છે!

‘તું તારે સવિતામા પર ધ્યાન આપ. તેમનું હૈયું આપણે ઠારવાનું.’

તેમના મુંબઈ આવ્યાના આ બે મહિનામાં હું આમાં ક્યાં ઊણી ઊતરી? માને મેં પૂરા સન્માનથી, પ્રેમથી આવકાયાર઼્, રાખ્યાં. અરે, મા છે જ એવાં કે કોઈને પણ તેમના પ્રત્યે માન, પ્રેમ ઊભરાય. મારા પર વહુનું નહીં, દીકરીનું હેત ઘોળે. તેમની જીદથી હારીને મેં કાલેટ્ટ તેમને રસોઈ સોંપી, તો અરેને કેવું મહેણું માર્યું : આખરે માને કામે વળગાડી દીધી!

અરેન આવું ધારી જ કેમ શકે?

‘મને આ ન ગમ્યું, અરેન,’ સાવિત્રીમાએ ત્વરિત નારાજગી જતાવેલી, ‘હોંશભેર મેં દીકરા માટે તેનાં ભાવતાં ભોજન બનાવ્યાં, તું એને કામમાં ખપાવે છે? પાછો દંડે છે કોને - યશવીને? અરે, તે બિચારી તો ઘણી ના-ના કરતી રહી, પણ હું નહીં ગાંઠી, બોલ, મારો બોલ ઉઠાવીને તેણે ખોટું કર્યું?’

ગલતી સમજાઈ હોય એમ અરેને આંખોથી ‘સૉરી’ કહ્યું હતું, રૂમના એકાંતમાં સમજાવ્યું હતું : તારી ભાવનાને ઠેસ પહોંચાડવાનો મારો ઇરાદો હોય જ નહીં, યશવી, કદાચ એવું હશે કે લગ્ન પછી દીકરો મા માટે થોડો પ્રોટેક્ટિવ બની જતો હશે, તું મને એવો માવડિયો ગણી શકે!

ત્યારે તો યશવી હસી પડેલી, પરંતુ રીસ સાવ ઊતરી ન હોય એમ આજે માને ત્યાં આવતાં જ પ્રસંગ કહેવાઈ ગયો.

સાસરાની વાત પિયરમાં કરવાની ન તો યશવીને ટેવ હતી કે ન માલિનીબહેન એવી દરમ્યાનગીરી કરતાં. એક જ શહેરમાં હોઈ, મળવાનું થતું રહેતું, ક્યારેક સાથે હોટેલ-પિક્ચરમાંય જતાં, પરંતુ એમાં દખલઅંદાજી નહોતી.

અલબત્ત, ગુરુની ચિઠ્ઠી વાંચી રાતોરાત ગામ જવામાં તેમને શાણપણ નહોતું લાગ્યું. દીકરીના માથે સાસુ ક્યાં ટપકી એવો સંકુચિત ભાવ નહોતો, નવી જવાબદારી પતિ-પત્નીમાં વિખવાદ નહીં સર્જેને એવી ભીતિ હતી, જે આજે સાચી પડેલી લાગી.

‘સાવિત્રીબહેને પણ સમજવું જોઈએ. એવા શું રસોડાના અભરખા!’ માલિનીબહેનની દલીલમાં ખરેખર તો માની મમતા બોલી રહી હતી. વરસો અગાઉ અરેન-યશવીનાં લગ્નમાં, ત્યાર પછી મહાદેવભાઈના અંતિમ પ્રયાણ દરમ્યાન અલપઝલપ મળેલાં સાવિત્રીમાને જાણવાની તક તો હવે સાંપડી હતી. પોતાનાથી થોડાં મોટાં સાવિત્રીબહેન માયાળુ લાગ્યાં હતાં. અરેન-યશવી-આદિ પ્રત્યેનું તેમનું વહાલ પારદર્શી જણાયેલું, પરંતુ તેમને કારણે દીકરીને સાંભળવાનું થાય ત્યારે કોઈ પણ માની જેમ માલિનીબહેને વાંધો જતાવ્યો,

‘એ વખતે તો હું બોલી નહોતી, પણ લાગે છે, મારે અરેનકુમારને સમજાવવું પડશે કે...’

એવી યશવી સફાળી ચમકી.

‘મમ્મી, હું તો અમસ્તું જ બોલી ગઈ.’

આદિને સ્કૂલે મૂકી, ઘરગથ્થુ સામાનની ખરીદીએ નીકળેલી યશવી રસ્તામાં પડતા માના ઘરે પંદર-વીસ મિનિટ માટે આવી હતી. એમાંથી વાતનું વતેસર ન થવું જોઈએ!

‘અરેનને સાવિત્રીમાએ શું કહ્યું એ તો સાંભળ.’ તેણે કિસ્સો પૂરો કહ્યો.

જમાઈએ પણ માફી માગી જાણી માલિનીબહેન સહેજ કૂણાં પડ્યાં, ‘સાવિત્રીબહેન આમ તો સમજુ જણાય છે. પેટે છૈયાંછોકરાં નથી તો તમારી ઓથ મળી.’

‘છોકરું તો હતું તેમની કોખમાં, મમ્મી, પણ કમનસીબે દીકરો મૃત જન્મ્યો!’

મૃત પુત્ર. માલિનીબહેન અરેનના માસ્તરજી-સાવિત્રીમા જોડેના અટૅચમેન્ટથી વાકેફ હતાં, પરંતુ આ દુ:ખ અત્યારે પહેલી વાર જાણ્યું.

‘અરેન કહેતા હોય છે, આજે તે દીકરો હોત તો મારા જેવડો હોત.’

અચ્છા, ગળે શોષ પડતો હોય એમ માલિનીબહેન પાણી પીવા દોડી ગયાં : હે ભગવાન, હું આ શું વિચારું છું. એ શક્ય જ નથી. ક્યાં મહેસાણા નજીકનું બોરડી ગામ ને ક્યાં દક્ષિણ ગુજરાતનું સુરત શહેર! ફટ રે મનવા.

પસીનો લૂછવા છતાં જીવને જંપ ન વળ્યો : સાવિત્રીબહેનના મૃત દીકરા બાબત યશવી કેટલું જાણે છે એ જાણી લઉં... દુખતી રગ દબાવવાના ડરને અતિક્રમી તેમણે ખેડાણ આદર્યું, ‘સાવિત્રીબહેનની સુવાવડ ગામમાં દાયણ પાસે થઈ હશે. બોરડીમાં બીજી સુવિધા

શું હોય!’

‘ના રે,’ યશવીએ ધારણાથી વિપરીત જવાબ વાળ્યો, ‘પ્રથમ પ્રસૂતિ પિયરમાં કરવાના રિવાજે સાવિત્રીમા પણ ડિલિવરી અર્થે તેમના મહિયર કીમ ગયેલાં.’

કીમ એટલે સુરતની પાડોશનું ગામ. માલિનીબહેનની છાતીમાં ચિરાડ પડી. યશવીને આનાથી વધુ વિગતો માલૂમ નહોતી. સાવિત્રીમાની સુવાવડ કઈ હૉસ્પિટલમાં થયેલી, કયા દિવસે થયેલી એ જાણવા-પૂછવાની તેને જરૂરે ન હોય, એવું સૂઝ્યું પણ ન હોય!

‘હવે તો તેમના પિયરમાંય કોઈ નથી...’ કહી યશવી બીજી વાતે ચડી ગઈ, પણ માલિનીબહેનનું મગજ તો એ જ દિશામાં ઘૂમરી ખાતું રહ્યું!

હાશ, લાગે છે, મમ્મીના મનનું સમાધાન થઈ ગયું... મારી જ ભૂલ. અરેન જેનો પસ્તાવો વ્યક્ત કરી ચૂક્યા હોય એ વેણને શીદ વલોવવાં! દીકરા-વહુ-સાસુના ત્રિકોણમાં આવું તો બનતું રહેવાનું, સંસારના મૂળ તત્વ જેવો સ્નેહ સુલભ હોય ત્યાં આવો દરેક પ્રસંગ ક્ષુલ્લક છે. હળવી થતી યશવીને સહેજે અંદાજો નહોતો કે પોતાના આગમને માને નહીં કળાતા અજંપાની ગર્તામાં ધકેલી દીધી છે!

€ € €

શું કરું?

માલિનીબહેનને સૂઝતું નથી. સાવિત્રીબહેનને સીધું પૂછવાની હામ થતી નહોતી અને જાણ્યા વિના ચેન પડવાનું નહોતું! મેં તે સ્ત્રીને અગાઉથી જ જાણી લીધી હોત તો? ના રે, તેનાં નામઠામથી હું તો હંમેશાં જ દૂર રહેવા માગતી હતી, પણ હવે...

બરખાને પૂછું?

માલિનીબહેને શ્વાસ ઘૂંટ્યો : બરખા...

‘કન્ડિશન ક્રિટિકલ છે.’

માલિનીબહેનનું મન સુરતના મધર મૅટરનિટી હૉમમાં પહોંચી ગયું. લગ્નનાં સાત-આઠ વરસે અઘરણી રહી હતી. પતિ વિનેશના વહાલમાં કદી ઊણપ નહોતી વર્તાઈ, પણ સાસુની ધીરજ ખૂટી હતી, સંતાનના આગમનનાં વધામણાં વેળાસર ન મળ્યાં હોત તો કદાચ તેમણે દીકરા-વહુના છૂટાછેડા કરાવ્યા હોત - વાંઝણી વહુ મને ન ખપે!

પરંતુ પહેલી પ્રસૂતિ આસાન નહોતી... છઠ્ઠા મહિને સીમંત પતાવી સુવાવડ માટે પિયર સુરત આવ્યાં ત્યારે મુંબઈના ડૉક્ટરની જેમ અહીંના સિનિયર ગાયનેકે શરૂથી જ ચોખવટ કરેલી કે અમુક કૉમ્પ્લિકેશન્સને કારણે ડિલિવરી તકલીફદાયક નીવડવાના પૂરા ચાન્સિસ છે...

માલિનીનો જીવ કંઠે આવી ગયેલો. બીજું સંતાન શક્ય નથી એવું તો ડૉક્ટર હમણાંથી જ સૂચવતા હોય છે, પણ પહેલુંય જો હેમખેમ ન અવતુર્યં તો... અમંગળ કલ્પના તેને ધ્રૂજવી જતી. એ માનસિક દબાણ જેવું-તેવું નહોતું. ઈશ્વરને તે કાકલૂદી કરતાં એમ રેગ્યુલર ચેક-અપ માટે જતી વેળા ડૉક્ટર-નર્સનેય વિનવતાં : મા-સંતાનમાંથી એકને જ બચાવી શકાય એમ હોય તો મારા અંશને બચાવજો, તેના વિના હું આમેય મૃત જેવી!

આમાં મીઠડી લાગતી નર્સર્ બરખા જોડે માયા બંધાઈ ગઈ. સધિયારો આપી તેણે અંગતતા કેળવી, ‘પ્રસૂતિ સમયે હું હાજર રહીશ’ એવી ખાતરી આપી. ચીખલીથી સુરત અપ-ડાઉન કરતી નર્સે વચન પાળ્યું પણ ખરું...

૨૬મી ડિસેમ્બરે માલિનીબહેનને દાખલ કરાયાં, ત્યારે બરખાની જ ડ્યુટી હતી અને તેને કારણે જ આખો ખેલ પાર પડ્યો!

સાંજના સમયે વેણ ઊપડતાં માલિનીબહેનને ઑપરેશન થિયેટરમાં લઈ જવાયાં, ‘ડૉક્ટર... મારા બાળને બચાવજો હોં!’નું એક જ રટણ તેમના મોંએ હતું. સિનિયર ડૉક્ટરની ગેરહાજરીમાં ઇન્ટર્નશિપ કરતી યંગ ડૉ. મીનાક્ષી અને બરખાએ જ ડિલિવરી પાર પાડવાની હતી.

પીડા વધતાં માલિનીબહેને હોશ ગુમાવ્યા ને ભાન આવ્યું ત્યારે પોતે હજી ઑપરેશન થિયેટરમાં જ હતાં. પડખે કાળજુ વીંધતો સૂનકારો વર્તાયો. ત્યાં બરખા ડોકાઈ.

‘દીકરો અવતર્યો, પણ મૃત.’

હાય રે.

‘એક ઉપાય હજી છે.’ અત્યંત ધીમા અવાજે આસપાસ જોતી બરખા જાણે કાવતરું ઘડવાની ઢબે બોલી, ‘બીજી એક પેશન્ટને હમણાં જ દીકરી અવતરી છે - તમે કહેતાં હો તો, તમારા સુખ ખાતર બાળકોની અદલાબદલીનું પાપ કરવા હું તૈયાર છું.’

હેં!

‘આપણી પાસે ઝાઝો સમય નથી. બહાર તમારાં બન્નેનાં સગાં ઊભાં છે, પેલી પેશન્ટને હજી હોશ નથી આવ્યા ત્યારે બાળકોને સાફ કરવા લઈ ગયેલી આયા હમણાં માતાનું નામ પૂછવા આવશે, મારે ડૉક્ટરને રિપોર્ટ કરવાનો છે...’

ના કહેવામાં સંસાર ઊજડી જવાનો હતો. હકારમાં સુખ અકબંધ રહેતું હતું. અજાણી સ્ત્રીની ગોદ તો ફરી પણ ભરાઈ શકશે એ વિચારનો ધક્કો તેમને કબૂલ કરી ગયો... ઑપેરશન થિયેટરના પાર્ટિશન પાછળ રહેલી અદીઠી નારીની મનોમન ક્ષમા યાચી માલિનીએ પારકાને પોતાના કહેવાનું પાપ આચરી લીધું!

‘દીકરી?’

બે કલાક પછી સ્પેશ્યલ રૂમમાં પેશન્ટને ચકાસવા આવેલાં ડૉ. મીનાક્ષીએ નર્સને સહેજ ચમકીને પૂછ્યું હતું, ‘બરખા, આમને તો... તારી કંઈ ભૂલ તો નથી થઈને?’

સારું થયું, ચેકિંગને કારણે હૉસ્પિટલમાં હાજર વિનેશ રૂમ બહાર જતા રહેલા, નહીંતર... ભલું થજો બરખાનું કે તેણે આત્મવિશ્વાસથી વાત વાળી લીધી, ‘ભૂલચૂકનો અવકાશ જ નથી, ડૉક્ટર, મૃત પુત્ર રૂમ નંબર ૧૨ની પેશન્ટને અવતર્યો...’

ડૉક્ટરે ખભા ઉલાળ્યાં, ‘દીકરી સ્વીટ છે,’ કહી તે ગયાં ત્યારે માલિનીએ કસોટીમાંથી પાર ઊતરવાની ધરપત અનુભવી! હિન્દી ફિલ્મો કે વાર્તાઓમાં બાળકોની અદલાબદલીના પ્રસંગો સાવ મનઘડંત નથી હોતા એનું મારાથી યોગ્ય ગવાહ કોણ હોય?

દીકરી તો દીકરી, ઘરે પારણું બંધાયું એથી સાસુમા રાજી હતાં, સંસારનું સુખ નજરાવા દેવું ન હોય એમ બીજે દા’ડે તેમણે હૉસ્પિટલ છોડી, પિયરમાં પણ મહિનાથી વધુ ન રોકાયાં. રખે પેલી બાઈ છોકરી માગવા આવી ચડી તો! મૃત દીકરાની સૂરત પણ પોતે નહોતી જોઈ, દીકરીને છાતીએ એવી વળગાડી કે દીકરાના દુ:ખ માટે જગ્યા ન રહી. યશવી ઘરસંસારનું કેન્દ્ર બની ગઈ.

યશવીના આગમનના છઠ્ઠા મહિને, સાસુમાના નિધન પછી બરખાએ રિંગ રણકાવી હતી, ‘મારે તમને ડિસ્ટર્બ નહોતાં કરવાં, પણ...’

ના, પોતે બરખાને નહોતાં ભૂલ્યાં. સુરત છોડતાં અગાઉ દસ હજારની કૅશ, સોનાનું ઘરેણું તેને દેતાં આવેલાં : મારું સુખ તારી સૂઝ થકી ટક્યું, બરખા, તારું ઋણ કદી નહીં વીસરું! ફોન પર પણ કહેવાઈ ગયું, ‘ના, ના, તું બોલ, બરખા, શું વાત છે?’

‘દીદી...’ બરખાએ નવું સંબોધન શોધી કાઢ્યું, એ ખરેખર તો સંબંધ ટકાવવાની રમત હતી, ‘ઘર રિનોવેશન માટે પંદર-વીસ હજારની જરૂર પડી છે. તમારા સિવાય કોની આગળ હાથ લાંબો કરું?’

તેની વાણીમાં મીઠાશ અકબંધ હતી એમ દોંગાઈભર્યો અદૃશ્ય રણકો પણ હતો.

‘બરખા, આટલા રૂપિયા તો બહુ કહેવાય.’

‘અરે! દીદી, મારી સાથે તમે હિસાબ કરશો? તમારી ઝોળી સુખથી મેં ભરી છેને?’

બ્લૅકમેઇલિંગ.

માલિનીબહેન સમસમી ગયેલાં. સહેજે બળજબરી કે ધાકધમકી વિના બરખાએ આડકતરી રીતે સમજાવી દીધું કે તમારા સુખની ચાવી મારા હસ્તક છે... તેને નમ્યા સિવાય છૂટકો ક્યાં હતો? કોઈક ને કોઈક બહાને, પ્રસંગોપાત્ત પોતે બરખાને ‘મદદરૂપ’ થતાં રહ્યાં, મને દીકરીનાં વધામણાં દેનારી બરખાએ મારી નાની બહેન જેવી છેનાં દેખાડાથી ઘરમાં સૌને ભ્રમમાં રાખ્યા, તો જ પોતાની ‘મદદ’ બધાને ગળે ઊતરે : બાકી યશવીને બરખા દ્વારા થતો વહેવાર પાછળથી તે મારી પાસેથી જ વસૂલતી!

અને ખરેખર, ક્યારેય કોઈને સચ્ચાઈની ગંધ ન આવી, વિનેશના અંત સમયે કબૂલાત કરવાની મારી તીવ્ર ઇચ્છા હતી, પછી થયું છેવટની વેળાએ તેમનો જીવ શું કામ દુભાવવો? યશવીને મેં ક્યારે ખુદની દીકરી નથી માની? વિનેશના હેત પર તેનો જ હક હોય. માત્ર જન્મ દેવાથી જ મા-બાપ બનાય એવું ઓછું! બધું સમથળ ચાલતું હતું ત્યાં સંતાનની અદલાબદલી સાવિત્રીબહેન જોડે થઈ હોવાની સંભાવના પ્રગટી, જેણે માલિનીબહેનને ઝંઝોડી મૂક્યાં. બરખા યશવીનાં લગ્નમાં આવી હોત તો સત્ય ત્યારનું પરખાઈ ગયું હોત!

અરેનની ગુરુદક્ષિણા આવો વળાંક આણશે એવું કોણે ધાર્યું હતું?

સત્ય જાણ્યા વિના હવે આરો નહોતો, અને એના ઉજાગર થયા પછી?

(આવતી કાલે સમાપ્ત)


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK