કથા-સપ્તાહ - ગુરુદક્ષિણા (ઊજળો રિવાજ - ૨)

Published: 25th December, 2012 06:45 IST

બપોરે હરિશંકર ગોરનો પત્ર મળ્યો ત્યારથી યશવી પતિની જીવનઝરમર સંભારે છે. પહેલી જ મુલાકાતમાં અરેને સ્મરણોનો પટારો ખોલી નાખ્યો હતો. બે હૈયાં વચ્ચે એથી આત્મીયતા ઘૂંટાઈ હતી.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


‘એ રાત મારી જિંદગીની સૌથી વેરણ રાત્રિ હતી...’

બપોરે હરિશંકર ગોરનો પત્ર મળ્યો ત્યારથી યશવી પતિની જીવનઝરમર સંભારે છે. પહેલી જ મુલાકાતમાં અરેને સ્મરણોનો પટારો ખોલી નાખ્યો હતો. બે હૈયાં વચ્ચે એથી આત્મીયતા ઘૂંટાઈ હતી.

દસ વરસના કુમળા છોકરાને સાવકી મા બેરહેમપણે મારે ને જેની સાથે લોહીની કે સંસારની કશી સગાઈ નથી એ સાવિત્રીમા તેનાં મળમૂત્ર સાફ કરે એના પરથી એટલું તો ફલિત થાય જ છે કે ભાગ્યમાં દર્દ લખનાર ઈશ્વરે હમદર્દની વ્યવસ્થા પણ કરી જ રાખી હોય છે.

‘તમે સાચું કહો છો અરેન, કેટલાંક ઋણ કદી ફેડી શકાતાં નથી.’

‘જોકે સાજા થતાં મારે સ્વગૃહે પાછું ફરવું પડ્યું.’

અરેનને અમાનુષી માર ફટકારવા બદલ આ વખતે ગામના બે-ચાર વડીલોએ લલિતાને લબડધક્કે લીધી. ફરી આવું કર્યું તો પોલીસને સોંપી દઈશુંની ધમકીએ તેને થથરાવી. દોષનો ટોપલો તેણે ધણી પર નાખ્યો : તમારામાં પાણી નથી ત્યારે જ ગામલોકો મને આટલું સંભળાવી ગયાને! લાવવો હોય તો લઈ આવો તમારા દીકરાને, પણ કહી રાખું છું મારી આગળ તમારી કે તેની ચૂં કે ચા ચાલવાની નથી. હા!

થોડો વખત યુદ્ધવિરામ જેવું રહ્યું, પણ પછી એની એ જ ઘરેડ.

‘ક્યાં સુધી તારી સાવિત્રીમાનો ખોળો શોધીશ, અરેન? હવે તું મોટો થયો.’

અરેનને ૧૪મું બેસતાં હરિશંકર માસ્તરે નવો પાઠ શીખવ્યો, ‘માનો પાલવ પકડી જિંદગીની કેડી નહીં કંડારી શકાય... દુખનો પ્રતિકાર કરતાં તને આવડવું જોઈએ. સુખની શોધ તારે પોતે કરવાની હોય.’

‘હજી નાનો છે મારો દીકરો!’ સાવિત્રીમા તેને અછોવાનાં કરતાં.

‘મા માટે દીકરો કદી મોટો થવાનો નહીં સાવિત્રી, એટલે આયનો દેખાડવાની કડવી ફરજ પિતાએ નિભાવવી પડે છે...

દરેક બાપ દીકરાને પોતાના પગ પર ઊભો રહેતો જોવા ઝંખે છે. અરેનમાં હવે આ સાન કેળવાવવી જોઈએ.’

અરેનની સમજ વિસ્તરી.

‘અરેન, લલિતા સાવકી તોય મા. તેના પ્રત્યે દ્વેષ ન રાખીશ. કારેલું એની કડવાશ છોડી ન શકે એમ ફૂલે એની સુવાસ ન ત્યજવી જોઈએ... પણ હા, લલિતા સામે બળવો નહીં પોકારવાનો અર્થ એ પણ નથી કે તેના દમનનો પ્રતિકાર પણ ન કરવો.’

પિતા મહાદેવભાઈએ પણ કંઈક આવી જ સમજ આપી હતી : તારું સુખ તું ક્યાંક બીજે ગોતી લેજે.

અને એક દિવસ અરેનને મારવા ઊઠેલો લલિતાનો હાથ પકડી લીધેલો : બસ મા, હવે વધુ નહીં!

‘આટલું થયા પછી ઘરે રહેવાય એમ નહોતું... પિતા માટે ચિઠ્ઠી છોડી,

માસ્તરજી-સાવિત્રીમાના આશિષ લઈ હું મુંબઈ આવ્યો.’

પછી શરૂ થયો સંઘર્ષ જેમાં જીતવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

‘માસ્તરજીની સોબતને કારણે સાહિત્ય, સંસ્કૃતમાં શરૂથી રસ એટલે એ વિષયમાં આગળ વધવાનું નક્કી કર્યું. હોટેલમાં વાસણ ધોયાં, ટ્યુશન્સ કર્યા. ફૂટપાથની લાઇટમાં વાંચીને આ મુકામે પહોંચ્યો છું.’

યશવી અંજાયેલી.

‘આટલી અંગત વાતો મેં કદી કોઈને કરી નથી...’ અરેને સ્મિત ફરકાવેલું. ‘મારો એવો કોઈ મિત્ર પણ નથી. એકલવાસ મને સદી ગયો છે કદાચ. લતાનાં ગીતો, સારાં પુસ્તકો મારા સાથી જેવા છે.’

‘આમાં તમે મારું નામ ઉમેરી શકો, અરેન?’

પૂછતી વેળા યશવીને દ્વિધા નહોતી. હકાર ભણતી વેળા અરેન સ્પષ્ટ હતો.

વિનેશભાઈ-માલિતીબહેન રાજીના રેડ.

લગ્ન મુંબઈમાં લેવાયાં. સાવકા દીકરા પ્રત્યે હજી પણ દ્વેષ ઘૂંટતી લલિતા શુભ પ્રસંગમાં સામેલ નહોતી થઈ, પરંતુ મહાદેવભાઈ ઉપરાંત હરિશંકર-સાવિત્રીમાના આર્શીવાદ પામી યશવી ગદ્ગદ થયેલી.

લગ્ન પછી કુળદેવીને પગે લાગવા ગામ ગયાં ત્યારે સાવકી સાસુની કટુતા પ્રત્યક્ષ અનુભવાઈ હતી યશવીને.

‘ખબરદાર.’

કારમાંથી ઊતરતાં દીકરા-વહુને તેડવા જતા ધણીને તેણે ઊંચા સ્વરે સંભળાવ્યું હતું, ‘ઘર છોડી મને ભૂંઠી ઠેરવનારને આવકારવા આમ હરખપદૂડા કાં થાવ? દીકરાનાં લગ્નમાં મેં તમને જવા દીધા એનો અર્થ એ નહીં કે વરઘોડિયાંને હું મારા ઘરમાં દાખલ થવા દઈશ!’

અને બસ, તેના એ વલણે સગપણનો રહ્યોસહ્યો તાંતણો તોડી નાખેલો. અરેને ઉંબરેથી જ જવાબ વાળેલો : મા, તમારા આશિષ નહીં મળે ત્યાં સુધી ઠીક, પરંતુ અમને ઘરમાં પ્રવેશ પણ ન મળવાનો હોય તો મારા ખ્યાલથી અમે હંમેશ માટે પાછાં વળી જઈએ. આ ઘરનાં દાણોપાણી મારે હરામ બરાબર!

પુત્રના આકરા ફેંસલાએ મહાદેવભાઈ ધ્રૂજી ઊઠેલા. વરસો પોતે દીકરાનો વિરહ વેઠ્યો. દીકરાની ચિઠ્ઠી માસ્તર પર ક્વચિત આવતી એમાં પિતાને યાદ લખતો. પોતે પત્નીથી છાનો એક વાર મનીઑર્ડર કરેલો તો એ શુકનનો રૂપિયો રાખી તેણે બાકીની રકમ પરત કરેલી. એવા સ્વમાની દીકરાનાં લગ્નમાં મહાલી પરમ સંતોષ થયેલો. બધું ભૂલી તે ગામ આવવા તૈયાર થયો એમાં પરમાત્માની કૃપા જણાઈ. પરંતુ લલિતાને મન મોટું રાખતાં ન આવડ્યું. તેના અંતરનો મેલ હજી ધોવાયો નથી. અરેન પણ કેટલાં સમાધાન કરે, અને શું કામ?

‘તમે ઓછું ન આણશો પપ્પા. તમને મારા હૈયાથી હું દૂર નથી કરતો.’ મહાદેવભાઈનો હાથ પકડી અરેને કહેલુ, ‘યાદ છે પપ્પા, તમારા શબ્દો? તમે કહેતાં કે તારું સુખ ક્યાંક બીજે શોધી લે...’ તેણે યશવી તરફ આંગળી ચીંધેલી. ‘મારું સુખ મને મળી ગયું પપ્પા. એનો રૂદિયે આનંદ રાખજો. દુ:ખમાં એક સાદે દોડ્યો આવીશ એવો ભરોસો પણ.’

‘ક્યારેક તો આ થવાનું જ હતું બેટા.’ ડૂમો ખંખેરી તેમણે પત્ની તરફ દૃષ્ટિપાત કર્યો, ‘પણ વહુ પહેલી વાર આંગણે ઊભી હોય ત્યારે જ?’

‘એ જ તો.’ લલિતાને મોકો મળ્યો. જમણી હથેળીમાં ડાબા હાથની થાપટ ઠોકતાં તે બોલી, ‘બૈરીને ઘરમાં ઘૂસવા ન દીધી એમાં તો તમતમી ઊઠ્યો તમારો દીકરો. લાજશરમ વિના બાપ જોડે છેડો ફાડ્યો એવો તે કેવો વહુઘેલો! મૂઆ અમે આટલું કરીએ છીએ તોયે કોઈને કદર નથી! આટલો ભવાડો થવા છતાં મોંમાંથી કંઈ ફાટે છે તમારી બત્રીસલક્ષણી વહુ?’

મહાદેવભાઈએ હાથ ઊંચો કર્યો. હડબડતી લલિતાની બોલતી બંધ થઈ. ‘સિધાવો.’ નિર્ણાયક સ્વરે તેમણે દીકરા-વહુને આજ્ઞા આપી, ‘અહીં તમારા સુખનું સ્થાન નથી. સ્ત્રીના કર્કશ રૂપની ઝાંખી વહુના માનસ પર અંકિત થાય એ પહેલાં તેને અહીંથી દૂર લઈ જા, અરેન... સુખી રહેજો એ જ મંગળ કામના.’ તેમણે દ્વાર બંધ કર્યા ત્યારે લલિતાનો સ્વર બારણું ભેદી પડઘાતો હતો : નવી વહુને જોતાં જૂની બૈરી કર્કશા લાગવા માંડી એમ ને!

‘અરેન પ્લીઝ, મારું અપમાન થયું જાણી તમે આકરા નહીં થતા.’

બારોબાર કુળદેવીનાં દર્શન કરી હરિશંકર માસ્તરને ત્યાં શુકનની લાપસી આરોગી અરેન પળ માટે વધુ રોકાયો નહોતો. માસ્તરજી-સાવિત્રીમાએ સમજાવેલું, ‘જે થયું એ ઠીક થયું એમ તો નહીં કહીએ, પરંતુ પિતાના ખૈરખબર રાખતો રહેજે, ભાઈ! ’

ખાનગીમાં સાવિત્રીમાએ આ જવાબદારી યશવીને સોંપી હતી, ‘અરેન તેના મૂળથી સાવ જ વેગળો ન થઈ જાય એ હવે તારે જોવાનું, વહુ!’

એટલે તો વળતી સફરમાં અને ત્યાર બાદ મુંબઈ વસવાટમાં પણ તક મળ્યે યશવી પતિનું મન ખોતરતી રહેતી. પરંતુ અરેનને નિર્ણયમાં ફેરબદલ કરવા જેવું લાગતું નહોતું, ‘મા પ્રત્યેની કડવાશ કે પછી ઉશ્કેરાટમાં આવી લેવાયેલો આ ફેંસલો નથી યશવી... ઘર ત્યજ્યા પછીના સંઘર્ષમાં હું માને વધુ સમજ્યો છું. એક તો તેમણે બીજવરને પરણવું પડ્યું. છોગામાં ઓરમાન દીકરાની જવાબદારી આવી. પોતાના તકદીરને કોસતી સ્ત્રી અમને ધુતકારતી થઈ ગઈ. તે કદી મને અપનાવવા માગતી જ નહોતી. આ દૃષ્ટિકોણ શરૂથી પ્રગટ હોવા છતાં મને આપણે આંગણે ઊભાં રહ્યાં એ સમયે સ્પષ્ટ થયો...’

પતિનું વિશ્લેષણ યશવીને સચેત લાગતું.

‘વીત્યાં વરસોની મારી ગેરહાજરીથી માને કોઈ ફરક નહોતો. અમારી વચ્ચેનું અંતર તેણે મિટાવ્યું જ ન હોય તો મારું ગમે એટલાં ડગલાં ચાલવું અર્થહીન હતું. મેં તો એ જ આપ્યું જે માએ ઇછ્યું.’

યશવીને થયું આ ઘટનાને એ નજરિયાથી કોઈએ નહીં નિહાળી હોય!

‘પોતાને નિમિત્ત સમજી તું ટેન્શન ન લઈશ, યશવી...’ અરેન તેને આલિંગન આપતો. ‘બાકી તું મારા ઘરની આટલી ખેવના કરે છે એ મને ગમ્યું હોં.’

અરેન તેને પ્રણયપાશમાં ગૂંગળાવી દેતો. યશવી પતિ પર ઓળઘોળ થતી. બેના મધુરા સંસારમાં ત્રીજાના આગમનના પગરવ બહુ જલદી પડઘાયા.

યશવીએ ખુદ સાવિત્રીમાને પત્ર લખી વધામણાં આપેલાં. ગામના ઘરે પત્ર-ફોન થાય એમ નહોતા અને માસ્તરજીએ ફોનની ઝંઝટ રાખી નહોતી એટલે પત્રવ્યવહાર પર આધાર રાખવો પડતો. ખુશખબર મળ્યાં પછી સાવિત્રીમાનો પત્ર દર મહિને આવતો : વયને કારણે અમારાથી આવી શકાય નહીં. સંતાનને લઈ તમે જ આવજો. મહાદેવભાઈ પણ હરખઘેલા થઈ તમારી રાહ જુએ છે!

વચમાં એકાદ ગામવાળા સાથે તેમણે મેથીના લાડુ પણ મોકલેલા. સુવાવડ પછી એ ગુણકારી!

આવો જ હરખ કોઈને થયો હોય તો એ હતાં યશવીનાં મમ્મી માલિનીબહેન!

‘તું નસીબવાળી મારી દીકરી કે પરણ્યાના પહેલા જ વરસે તારી ગોદ ભરાણી...’ હેતથી દીકરીને ચૂમી તે બોલી જતાં, ‘બાકી ક્યારેક આ સુખ એવી હાથતાળી આપતું હોય છે કે... મારો જ દાખલો લે. લગ્નનાં કેટલાં વરસે મને અઘરણી રહી. તારા પપ્પા કશું કહેતા નહીં. ઊલટું મને સધિયારો આપતા. પણ વિધવા સાસુમાની ઉઘરાણીનો ખૌફ જેવોતેવો નહોતો... તને પામવા શું નથી કર્યું મેં!’

માની વાણીમાં યશવીને અકથ્ય ભેદ વર્તાતો. પછી પૂછવાનું સૂઝતું, ‘હેં મમ્મી, દાદીને તો પૌત્ર જોઈતો હશેને...’

‘હેં!’ સજાગ થતાં માલિનીબહેન વાત વાળી લેતાં. ‘સાવ એવું નહોતું. તારા આગમનને તેમણે વધાવેલું. જોકે બિચારાં પછી ઝાઝું જીવ્યાં પણ નહીંને! મને બીજું સંતાન થવાનો સંભવ નહોતો તોયે કદી તારા પપ્પાએ વંશવારસનો તકાજો કર્યો નથી. તને ઊલટભેર અપનાવેલી.’

‘અફર્કોસ, મારા પપ્પા તો વર્લ્ડના બેસ્ટ ડૅડી છે!’ ગજી ફૂલવતી યશવીને ઝબકારો થયેલો ‘મમ્મી, બરખામાસીને તેં મારા પ્રેગનન્સીના ખબર આપ્યા કે નહીં!’

માલિનીબહેનના પિયરમાં હવે તો કોઈ રહ્યું નહોતું. ચીખલી રહેતી બરખા ખરેખર તો માલિનીબહેનના પિયર સુરતના પ્રસૂતિગૃહની નર્સ હતી. વયમાં માલિનીબહેન કરતાં પાંચ-સાત વરસ નાની.

‘મને દીકરી અવતર્યાના ખબર બરખાએ આપ્યા. તારો કુમળો દેહ તેણે મારી ગોદમાં મૂક્યો એ ઘડીથી મેં તેને મારી બહેનપણી બનાવી લીધી.’ મા કહેતી.

યશવીએ નિહાળ્યું હતું કે આ દોસ્તી માએ બરાબર નિભાવી છે. વારંવાર એકમેકને મળવાનું ભલે ન થતું હોય, વખતોવખત માએ માસીને નાની-મોટી મદદ કરી જ છે.

‘તારી મા બહુ ઉદાર હોં.’ કો’કવાર મુંબઈ આવતાં બરખામાસી ગળગળા થઈ કહેતાં. ‘એક ખુશીના બદલામાં આટલું તો કો’ક જ આપે!’

આમાં પપ્પાનો પણ ફાળો ખરોને... તેમણે મમ્મીને ક્યાં કદી ટોકી છે? અરે, તેમણે તો એકલવાયાં માસીને પરણાવવાનીય તૈયારી બતાડેલી, પરંતુ માસીએ કદાચ પરણવું જ નહોતું. સંજોગવશાત લગ્નમાં નહીં આવી શકેલી બરખામાસીએ સોનાની લગડી લગ્નભેટમાં આપી હતી. મને બાળક આવવાનું જાણી તે ય હરખાવાનાં!

‘બરખાને મેં કહ્યું નથી. આ વાતનો બહુ ગામઢંઢેરો ન હોય!’

મા થોડી રૂક્ષતાથી બોલી હોય એવું કેમ લાગ્યું? યશવીએ માથું ખંખેરેલું, હશે.

અરેન કહે છે એમ આ તબક્કે મારે કોઈ ટેન્શન લેવું નથી!

પ્રસૂતિ હેમખેમ વીતી. આદિનો જન્મ થયો. અરેન માટે એ તબક્કો સૌથી કપરો હતો. પ્રસૂતિમાં મેં મારી મા ગુમાવેલી. કુદરતે ફરી એવું જ કર્યું હોત તો એટલું તો ચોક્કસ કે હું આદિ માટે નવી મા ન જ લાવત!

યશવી પતિને રસતરબોળ કરી દેતી. ત્રીજા મહિને ગામ જઈ માસ્તરજી-સાવિત્રીમા અને મહાદેવભાઈને દીકરો દેખાડી આવ્યાં. વળતાં ચીખલી બરખામાસીને ત્યાંય ગયેલાં. કેવાં હરખાઈ ઊઠેલાં બિચારાં! ‘અચાનક આવી જમાઈના સ્વાગતનો લહાવો પણ ન લેવા દીધો મને!’ કહી યશવીને મીઠું વઢેલાં પણ ખરાં.

પછી સમય સડસડાટ વહેતો રહ્યો. હાર્ટઅટૅકમાં યશવીના પપ્પા પાછા થયા તો ગામમાં અરેનના પિતાએ પિછોડી તાણી. ઠાઠડીને કાંધ આપવા પૂરતો અરેન ઘરમાં પ્રવેશેલો. પરંતુ અગ્નિદાહ દઈ ગામ રોકાયો નહોતો. ક્રિયાપાણી મુંબઈમાં જ કરેલાં. પછી અહીં મસરુફી વધતી ગઈ. ગામ સાથે સંપર્ક ઘટતો ગયો. પાછલાં ત્રણ-ચાર વરસમાં સાવ જ નહીંવત્ થઈ ગયો. આદિના ઉછેરમાં યશવીને પણ સમય ન રહેતો. અરેન ક્યારેક માસ્તરજી-સાવિત્રીમાને યાદ કરી લેતો ખરો, પણ એક યા બીજા કારણસર સંપર્ક થતો નહીં.

આજે કેટલા અંતરાલે હરિશંકર માસ્તરનો પત્ર આવ્યો હતો!

ઊંડો શ્વાસ લેતી યશવીએ વળી નજર કવર પર ટેકવી.

તેમણે માગેલી ગુરુદક્ષિણા પાછળ કુદરતનો શું સંકેત છે એની કોને ખબર હતી?     

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK