Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > સરદાર: ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 22)

સરદાર: ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 22)

13 January, 2019 10:16 AM IST |
Geeta Manek

સરદાર: ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 22)

સરદાર: ધ ગેમ-ચેન્જર (પ્રકરણ 22)


 ‘તમે લિયાકત અલીને આવી બાંયધરી કઈ રીતે આપી શકો? જો જૂનાગઢમાં લોકમત લેવાનો હોય તો હૈદરાબાદમાં પણ એ જ કરવું પડશે.’ સરદારે સખત વિરોધ નોંધાવ્યો.

‘વલ્લભભાઈ, તમે આટલા બધા આકરા શું કામ થાઓ છો? જૂનાગઢમાં લોકમત લેવાય તો પણ એ તો ભારતના પક્ષમાં જ આવવાનો છેને?’ નેહરુએ બચાવ કરતાં કહ્યું.



‘પ્રશ્ન ફક્ત જૂનાગઢનો નથી જવાહર. આપણે એક બહુ જ ખોટું ઉદાહરણ બેસાડી રહ્યા છીએ. જ્યારે આપણે એક રાજ્યમાં લોકમતની વાત કરીએ ત્યારે અન્ય તમામ રાજ્યોમાં એ જોખમ ઊભું રહે છે. આ જ વાત કાલે કાશ્મીરમાં આવીને ઊભી રહેશે ત્યારે આપણે સપડાઈ જઈશું.’ સરદારે કહ્યું.


‘જૂનાગઢમાં લોકમત લેવાનું સૂચન ડિકીનું હતું અને એને હું કઈ રીતે નકારી દઉં?’

‘તમે એ મીટિંગમાં હિન્દુસ્તાનના વડા પ્રધાન તરીકે હાજર હતા, માઉન્ટબેટનના મિત્ર તરીકે નહીં.’ સરદારે પોતાની આખાબોલી વાણીમાં કહ્યું.


અલબત્ત એ વખતે તો સંકટ ટળી ગયું, કારણ કે જો જૂનાગઢમાં લોકમત લેવાની વાત કરવામાં આવશે તો હૈદરાબાદમાં પણ એ જ થશે એવી ચાલ ચાલીને સરદારે પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી. હૈદરાબાદમાં બહુમતી હિન્દુઓની હતી એટલે ત્યાં પ્રજા ભારતમાં જોડાવાના પક્ષમાં જ મતદાન કરે એ દેખીતી વાત હતી. કાશ્મીરમાં ભલે મુસ્લિમ બહુમતી હોય, પણ પ્રજાનો ઝુકાવ ભારત પરત્વે જ હતો એ જિન્નાહ અને લિયાકત અલી બન્ને સારી રીતે જાણતા હતા. આ અરસામાં ભારત અને પાકિસ્તાનના વડા પ્રધાન વચ્ચે આરોપ અને પ્રતિઆરોપ કરતા પત્રવ્યવહાર થતા રહ્યા.

€ € €

‘ભારતનું સૈન્ય ગમે ત્યારે જૂનાગઢમાં આવી જાય એમ છે.’ જૂનાગઢના દીવાન શાહનવાઝ ભુટ્ટોએ નવાબને જણાવ્યું ત્યારે તેમના અવાજમાંનો ભય અનુભવી શકાતો હતો.

જૂનાગઢના નવાબ અને દીવાન અડધી રાતે ચર્ચા કરી રહ્યા હતા. જે રીતે ઘટનાઓ બની રહી હતી બન્નેની ઊંઘ ઊડી ગઈ હતી. માલિકના મનની ચિંતા કળી ગયા હોય એમ તેમનાં આઠેક કૂતરાં-કૂતરીઓ પણ તેમની આસપાસ સ્થિર થઈને બેસી ગયાં હતાં.

‘જિન્નાહસાહેબને જાણ કરો કે તાબડતોબ આપણને મદદ મોકલે.’

‘નવાબસાહેબ, મેં તાર મોકલ્યા છે, પણ હજી ત્યાંથી કોઈ સહાયતા આવી નથી.’

‘મદદ આવે ત્યાં સુધી આપણા સૈન્યને કહો કે મુકાબલો કરવા માટે સજ્જ રહે.’ નવાબના અવાજમાં પણ ગભરાટ હતો. નવાબે તેમની લૅબ્રૅડોર કૂતરીના ગળામાંનો હીરાજડેલો પટ્ટો સરખો કરતાં એને પોતાની બાજુમાં બેસાડી. આ ઊંચી અને કાળી કૂતરીના પાસે બેસવાથી જાણે તેમનામાં થોડીક હિંમત આવી રહી હોય એવું તેમને લાગ્યું.

‘સૈન્યનો જુસ્સો ઘટી ગયો છે. એમાં ઘણા હિન્દુઓ છે અને આપણી તિજોરી પણ ખાલી થઈ રહી છે.’ શાહનવાઝે વાસ્તવિકતાનું બયાન કર્યું.

લગભગ અડધો-પોણો કલાક નવાબ તેમના કૂતરાઓના માથે હાથ ફેરવતા રહ્યા. પછી અચાનક બોલ્યા, ‘લિયાકતને તાર કરી દો કે હું અને મારો પરિવાર કાલે પાકિસ્તાન પહોંચીશું.’

નવાબનો આદેશ સાંભળીને એક મિનિટ માટે શાહનવાઝ ચોંકી ગયા, કારણ કે નવાબ પાકિસ્તાન ચાલ્યા જાય તો આખા રાજ્યની જવાબદારી તેમના શિર પર આવી પડે. જોકે નવાબ આ તબક્કે પોતાનો નિર્ણય બદલે એવું લાગતું નહોતું.

‘હું પાકિસ્તાન જઈને તમને સહાયતા મોકલીશ. આપણે હિન્દુસ્તાનને જડબાતોડ જવાબ આપીશું અને એક વાર પરિસ્થિતિ કાબૂમાં આવી જાય પછી અમે બધા પાછા આવી જઈશું. ત્યાં સુધી તમે અહીંનું બધું સંભાળી લેજો.’ શાહનવાઝને આ સૂચન આપ્યા પછી નવાબે તેમની કૂતરી લૈલાને પૂછ્યું, ‘ક્યોં પાકિસ્તાન ચલોગી ન હમારે સાથ?’

24 ઑક્ટોબરની પરોઢ થવાને પણ હજી વાર હતી. સૂર્યોદય થાય એ પહેલાં જ જનાનખાનામાં વાત પહોંચી ગઈ કે પાકિસ્તાન જવાનું છે. તેમની છ બેગમોએ તેમનાં કુલ ઓગણીસ શહઝાદા અને શહઝાદીઓને તૈયાર કરવા માંડ્યાં. ભરઊંઘમાં સૂતેલાં નાનાં-નાનાં બાળકોને બેગમોએ ઉઠાડી મૂક્યાં. આભૂષણો, ઝવેરાત અને જેટલો સમેટી શકાય એટલો સામાન બાંધવા માંડ્યો. નવાબ પણ સવારથી જ તેમના ખજાનામાંની કીમતી ચીજવસ્તુઓ પટારામાં ભરવા માંડ્યા હતા. નવાબની ઇચ્છા તો તેમના આઠસોથી પણ વધુ કૂતરાઓને સાથે લઈ જવાની હતી, પણ તેમની માલિકીના ડકોટા પ્લેનમાં ૩૨ પ્રવાસીઓ બેસી શકે એટલી જ જગ્યા હતી! તેમને સૌથી વધુ વાર તો કયા કૂતરાને લઈ જવા અને કયા મૂકી જવા એની પસંદગી કરવામાં જ લાગી. ભારે હૈયે તેમણે પંદર કૂતરાઓને લઈ જવા માટે પસંદ કર્યા. બાકીનાઓના માથે વહાલસોયો હાથ ફેરવતાં વચન આપ્યું, ‘તુમ ચિંતા મત કરના. પાકિસ્તાન પહોંચતે હી મૈં તૂમ સબકો લેને કે લિએ પ્લેન વાપસ ભેજૂંગા.’ અને પછી શાહનવાઝ તરફ જોઈને ગળગળા થઈને કહ્યું, ‘ઇન સબકા ખયાલ રખના.’

મધ્યાહ્ન પહેલાં તો નવાબ તેમની છ બેગમો, આઠ શહઝાદાઓ અને દસ શહઝાદીઓ સાથે પ્લેનમાં ગોઠવાઈ ગયા. નવાબ મહાબત ખાને વહેલી સવારે તેમના બન્ને અંગત ડૉક્ટર ઝવેરીલાલ વસાવડા અને દિલસુખ વસાવડાને પણ સંદેશો મોકલી આપ્યો હતો. તે બન્ને પણ પોતાનો સામાન બાંધીને પ્લેનમાં બેસી ગયા. આ બન્ને ડૉક્ટરોની સાથે નવાબના કૂતરાઓની કાળજી લેતા પશુઓના નિષ્ણાત ડૉ. કાન્તિલાલ બી. વ્યાસ પણ હતા. નાની ઉંમરનાં બાળકો બારીવાળી સીટ માટે ઝઘડી રહ્યાં હતાં તો સૌથી મોટા દીકરા દિલાવરના ચહેરા પર તનાવ હતો. દીકરીઓ અને બેગમોના ચહેરાઓ બુરખાથી ઢંકાયેલા હોવા છતાં તેમની આંખોમાં અજાણી જગ્યાએ અને એ પણ આમ અચાનક નીકળી પડવાનો ખૌફ નજરે પડતો હતો.
દીવાન શાહનવાઝ અને થોડાક વફાદાર નોકરો પ્લેનની પાસે ઊભા હતા. પ્લેનનું એન્જિન શરૂ થવાની ઘરઘરાટી થઈ. સીડી હટાવવામાં આવી જ રહી હતી ત્યાં પાછળની સીટ પરથી એક બેગમે જોરથી બૂમ પાડી.

‘રુકો, રુકો.’

નવાબે પાછળ વળીને જોયું તો બેગમ હાંફળી-ફાંફળી તેમના તરફ આવી રહી હતી.

‘બબલુ રહ ગયા હૈ. વો... વો... સો રહા થા તો... મૈં અભી ઉસે લેકર આતી હૂં...’ તેણે આજીજીભર્યા સ્વરમાં કહ્યું. તેની આંખોમાં આંસુ તગતગી રહ્યાં હતાં.

તે ઝડપથી પ્લેનની સીડીઓ ઊતરી અને ઊંધું ઘાલીને દોડવા માંડી. પોતાના સૌથી નાના દીકરાને તે મહેલમાં જ ભૂલી ગઈ હતી એ વાત તેને પીડા આપી રહી હતી. બેગમને પ્લેનમાંથી ઊતરીને મહેલની દિશામાં ગયાને માંડ બે મિનિટ પણ નહીં થઈ હોય ત્યાં નવાબે ફર્શ પર બેઠેલા બે કૂતરાઓને બેગમની ખાલી થયેલી સીટ પર ગોઠવી દીધા.

‘કિસી કા ઇન્તેઝાર કરને કી ઝરૂરત નહીં.’ નવાબે કૉકપિટમાં જઈને પાઇલટને પ્લેન ઉડાડવાનો આદેશ આપ્યો. પ્લેનનો દરવાજો બંધ થાય એ પહેલાં તેમણે શાહનવાઝને સંબોધીને મોટેથી કહ્યું, ‘અહીં કોઈ મુશ્કેલી સર્જા‍ય તો બેગમ અને બચ્ચાને દીવ મોકલી દેજો. ત્યાં પોર્ટુગીઝ સરકાર છે. બન્નેને સાચવી લેશે.’

બેગમ અને દીકરાની રાહ જોયા વિના જ પ્લેન ઊપડી ગયું અને પાકિસ્તાનની દિશામાં ઓઝલ થઈ ગયું.

€ € €

શાહનવાઝ ભુટ્ટોને લાગવા માંડ્યું કે નવાબ મહાબત ખાન તો તેમના પરિવાર અને કૂતરાઓ સાથે જેને તેઓ જન્નત ગણતા હતા એવા પાકિસ્તાનમાં પહોંચી ગયા, પણ તેમને જહન્નૂમ જેવી સ્થિતિમાં મૂકતા ગયા છે. નવાબ ડરના માર્યા ભાગી ગયા એના બીજા જ દિવસે ભારતીય સૈન્યને બાબરિયાવાડ અને માંગરોળમાં દાખલ થઈને કબજો લઈ લેવાનો ઑર્ડર સરદાર આપી જ રહ્યા હતા ત્યાં માઉન્ટબેટન વધુ એક આગ્રહભરી વિનવણી લઈને આવ્યા. માઉન્ટબેટન હજી પણ જૂનાગઢના વિસ્તારમાં સૈન્ય મોકલવાની વિરુદ્ધ જ હતા.
‘મિસ્ટર પટેલ, તમે લશ્કર મોકલવાને બદલે સેન્ટ્રલ રિઝર્વ પોલીસને મોકલી આપોને! એ રીતે તમારું કામ પણ પાર પડશે અને સૈન્ય ન મોકલવાને કારણે વિશ્વ સામે ભારતની છબી એવી જ રહેશે.’

‘કટોકટીની આ પળે મારા માટે જૂનાગઢની પ્રજા વધુ મહત્વની છે.’ સરદાર કોઈ પણ હિસાબે સૈન્ય મોકલવા બાબતે બાંધછોડ કરવા તૈયાર નહોતા. માઉન્ટબેટનની વાતને સદંતર અવગણીને તેમણે ગૃહખાતાના વડા તરીકેની સત્તાનો ઉપયોગ કર્યો.

€ € €

એક તરફ જૂનાગઢની તિજોરીનું તળિયું દેખાવા માંડ્યું હતું. પોતાનો અંગત ખજાનો તો નવાબ પટારાઓમાં ભરીને લઈ ગયા હતા. આવી કથળેલી આર્થિક સ્થિતિ અને પ્રજાના વિરોધ વચ્ચે જૂનાગઢ રાજ્યનો મુગટ શાહનવાઝ ભુટ્ટો માટે કાંટાળો તાજ બની ગયો હતો. તેમણે ૨૭ ઑક્ટોબરે જિન્નાહને ઉદ્દેશીને પત્ર લખ્યો.

કાયદ-એ-આઝમ મોહમ્મદઅલી જિન્નાહસાહેબ,
સલામ વાલેકુમ
પાકિસ્તાન મેં સબ ખૈરિયત હોગી.

અહીં હાલાત બહુ બગડી રહ્યા છે. ભારતીય સૈન્ય બાબરિયાવાડ અને માંગરોળ પછી હવે જૂનાગઢમાં ગમે એ ઘડીએ આવી પહોંચે એમ છે.

સરદારઃ ધ ગેમ-ચેન્જર (પ્રકરણ - 21)

અમને રેલવે અને કસ્ટમ્સમાંથી જે આવક થતી હતી એ લગભગ બંધ થઈ ગઈ છે. પાકિસ્તાને અમને બહુ અનાજ મોકલ્યું, પણ એ પૂરતું નથી. મુસલમાનો સાથે ખરાબ વર્તણૂક થઈ રહી છે. રાજવી પરિવારનો જીવ જોખમમાં હોવાને કારણે તેઓ ભાગી ગયા છે અને જે મુસલમાનો પહેલાં બહુ ખુશ હતા કે પાકિસ્તાન સાથે જોડાઈએ છીએ તેઓ પણ થાકી ગયા છે.

એ હકીકત છે કે તમારી નામદાર સરકારે અમને ક્રાઉન પોલીસની સાત ટુકડીઓ મોકલવાની તૈયારી દર્શાવી છે, પણ અમને લાગે છે કે શત્રુઓના સૈન્ય સામે એ અપૂરતી થઈ રહેશે. મુશ્કેલીઓ દિવસે-દિવસે એટલી વધતી જાય છે કે મુસ્લિમ પ્રજા મારી પાસે સતત ઉકેલની માગણી કરી રહી છે. વફાદારોના કષ્ટ અને તેમનું વધુ લોહી વહેતું જોવાની મારી શક્તિ નથી. મારા પર ગમે એટલી તકલીફોનો બોજ આવે મને વાંધો નથી, પણ હું હજારો પ્રજાજનોના દુ:ખ માટે જવાબદારી ન લઈ શકું.

અમારે દેવાળું ફૂંકવાનો વારો આવી ગયો છે અને તમારા તરફ આશાભરી મીટ માંડીને બેઠા છીએ...
તમારો વિશ્વાસુ,
શાહનવાઝ ભુટ્ટો
(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

13 January, 2019 10:16 AM IST | | Geeta Manek

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK