Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મનોરંજનવિશ્વનું મનોમંથનઃ રશ્મિન શાહ

મનોરંજનવિશ્વનું મનોમંથનઃ રશ્મિન શાહ

28 February, 2019 11:23 AM IST |

મનોરંજનવિશ્વનું મનોમંથનઃ રશ્મિન શાહ

મિડ ડેની 24મી વર્ષગાંઠે 24મો વાર્ષિક અંક

મિડ ડેની 24મી વર્ષગાંઠે 24મો વાર્ષિક અંક


એન્ટરટેઇનમેન્ટ ફીલ્ડનો સિનારિયો ચેન્જ થયો છે. એક સમય હતો જ્યારે સ્ટાર્સની અવેલેબિલિટી પર પ્રોજેક્ટ બનતા અને હવે સમય આવી ગયો છે જ્યારે સબ્જેક્ટ સારા હોય તો ફિલ્મ બને છે. એક સમય હતો જ્યારે દસમાંથી આઠ મસાલા ફિલ્મ બનતી અને બે મૉડર્નસિનેમાની ફિલ્મો બનતી, પણ હવે સમય બદલાયો છે. હવે દસમાંથી માંડ એક મસાલા ફિલ્મ બને છે અને આઠ મૉડર્ન સિનેમાની એટલેકે સબ્જેક્ટ ઓરિયેન્ટેડ ફિલ્મો બને છે. આવું થવાનું કારણ માત્ર એક જ છે - આશા. આશાના આધારે નવું કામ કરવાની હિંમત આજના પ્રોડ્યુસરો અને ઍક્ટરોમાં આવી છે, પણ આ હિંમત પછીયે અનેક નવા પડકારો ઇન્ડસ્ટ્રી સામે ઊભા છે એ પણ એટલું જ સાચું છે

હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં દર વર્ષે સરેરાશ અઢીસો ફિલ્મો બને છે. વાત ૨૦૧૬ની કરો તો ૨૦૧૬માં ૨૪૮ ફિલ્મો બની. ૨૦૧૭માં આ આંકડો ૨૫૩ પર પહોંચ્યો અને ૨૦૧૭માં ૨૫૭ ફિલ્મો રિલીઝ થઈ. જોકે આ આંકડાઓની પાછળ રહેલા આંકડાઓ તમને વધારે અચંબિત કરશે. ૨૦૧૬માં બનેલી ફિલ્મો માટે અંદાજે ચાર અબજ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થયું હતું, જ્યારે ૨૦૧૭માં બનેલી ફિલ્મો માટે ઇન્વેસ્ટમેન્ટનો આંકડો ઘટીને અઢી અબજ પર આવ્યો. આની પાછળ કોઈ અર્થશાસ્ત્રી જવાબદાર નથી કે પર્ફેક્ટ પ્લાનિંગ પણ કારણભૂત નથી. આ માટે જવાબદાર જો કંઈ હોય તો એ છે ફિલ્મોની બદલાતી જતી ડિમાન્ડ અને સબ્જેક્ટ્સમાં આવી રહેલું વેરિયેશન. એક સમય હતો જ્યારે દસમાંથી આઠ ફિલ્મ મસાલા ફિલ્મો બનતી. એટલું જ નહીં, બનનારી આ આઠ મસાલા ફિલ્મોમાંથી છ ફિલ્મો ફ્લૉપ જતી અને એને લીધે ઇન્વેસ્ટમેન્ટ પર રિસ્ક વધી ગયું હતું. જોકે હવે સિનારિયો બદલાયો છે. હવે એવી સિચુએશન આવી ગઈ છે કે દસમાંથી આઠ ફિલ્મો સબ્જેક્ટ ઓરિયેન્ટેડ બનવા માંડી છે જેને લીધે રિસ્ક-લેવલ ઘટ્યું છે અને એને લીધે જ પ્રોડ્યુસરો અને ઍક્ટરોમાં પણ એવી ફિલ્મોમાં કામ કરવાની હિંમત આવી છે. જોકે એ હિંમત પછી પણ નવા પડકારો ઇન્ડસ્ટ્રીની સામે ઉમેરાયા છે.



ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મ-સમીક્ષક કોમલ નાહટા હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સામે આવનારા આ નવા પડકારોની વાત કરતાં કહે છે, ‘નવા સબ્જેક્ટ્સ માટે હજી પણ આપણે જોઈએ એટલા ઓપન નથી થયા. જેટલા સબ્જેક્ટ્સ સ્ક્રીન પર જોવા મળે છે એના કરતાં દસગણા સબ્જેક્ટ્સ રિજેક્ટ કરી નાખવામાં આવે છે. જોકે એ બધાની સામે એક વાત તો છે જ કે જ્યારે ‘બધાઈ હો’ કે ‘ઉડી’ જેવી ફિલ્મો ચાલે ત્યારે બધા નવેસરથી જુદા સબ્જેક્ટ્સ માટે દોડતા થઈ જાય છે. આવું એકધારું ચાલુ રહે એ માટે ઑડિયન્સે પણ તૈયાર રહેવું પડશે અને નવા સબ્જેક્ટ્સને આવકારવા પડશે.’


ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સામે સૌથી મોટો પડકાર જો કોઈ હોય તો આજે પણ એ જ પડકાર છે જે હવે ધીમે-ધીમે રાક્ષસ બની ગયો છે - પાઇરસી. એવી ધારણા રાખવામાં આવે છે કે પાઇરસીને અટકાવવા માટે સાઇબર લૉ વધુ કડક બને અને પાઇરસી કરનાર પકડાય ત્યારે તાત્કાલિક પગલાં પણ લેવામાં આવે. ફિલ્મ-ડિરેક્ટર કેતન મહેતાની ફિલ્મ ‘માંઝી - ધ માઉન્ટન મૅન’ રિલીઝ થવાના એક વીક પહેલાં ઇન્ટરનેટ પર લીક થઈ ગઈ હતી. આવું અનેક ફિલ્મો સાથે બન્યું છે. ઇન્દ્ર કુમારની ફિલ્મ ‘ગ્રૅન્ડ મસ્તી’ શુક્રવારે રિલીઝ થાય એના ૪૮ કલાક પહેલાં વીસ રૂપિયામાં Dસ્D પર મળતી હતી. ડિરેક્ટર ઇન્દ્ર કુમાર કહે છે, ‘અમે વર્ષ-બે વર્ષ મહેનત કરીએ અને એ આમ કલાકોમાં જ વેડફાઈ જાય ત્યારે દુખ થાય. પાઇરસી કરનારા લોકોને આજ સુધી આપણે ઇમોશનલી સમજાવવાની કોશિશ કરી કે આવું ન કરો, અનેક લોકોની કરીઅર એમાં જોડાયેલી છે; પણ એની કોઈ અસર નથી થતી. મને લાગે છે કે હવે આપણે સાઇબર લૉને વધારે કડક બનાવીને એનો તાત્કાલિક અમલ કરવો જોઈએ. જો પાંચ-પંદર લોકોને કડક સજા થશે અને એ સજાની વાતો લોકો સુધી પહોંચશે તો આવું કામ કરનારા લોકોમાં ડર આવશે જે બહુ જરૂરી છે. જેમ રેપ એ ગુનો છે એમ જ પાઇરસી પણ ગુનો છે, પણ રેપમાં આકરી સજા થાય છે એટલે એવું કરવાની હિંમત જૂજ લોકો જ કરી શકે છે. મારું કહેવું એ જ છે કે પાઇરસી કરનારાઓ માટે પણ આવા જ કડક કાયદાઓ બનાવવાની જરૂર છે અને ધારો કે એવું હોય તો એનો કડક અમલ કરવો જરૂરી છે.’

પાઇરસી ઉપરાંત હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સામે જો કોઈ બીજો મોટો પડકાર હોય તો એ છે સેક્સ-કૉમેડી ફિલ્મોનો. ડબલ મીનિંગ કે પછી સેક્સ-કૉમેડી ફિલ્મની ડિમાન્ડ વધી છે તો લોકોની આવી ડિમાન્ડને પૂરી કરવા માટે અન્ડરવલ્ર્ડ કે પોલીસ-ઑફિસરને સેન્ટર પૉઇન્ટ બનાવતી ફિલ્મોમાં ગાળોની ભરમાર પણ વધી છે, જેને લીધે એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડથી હવે ફૅમિલી ઑડિયન્સ કે સ્વચ્છ ઑડિયન્સ દૂર થવા માંડ્યું છે. જાણીતા સ્ક્રીનપ્લેરાઇટર જાવેદ અખ્તરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ગુસ્સો દેખાડવા માટે ગાળો બોલવી જરૂરી હોય એવું મને ક્યારેય લાગ્યું નથી. ગુસ્સો આંખોમાં હોય, જીભ પર નહીં. તમે જુઓ કે ‘ઝંજીર’, ‘દીવાર’ જેવી ફિલ્મોમાં વિલન સ્ટ્રૉન્ગ હતો,  પોલીસ-ઑફિસર પણ સ્ટ્રૉન્ગ છે અને એ પછી પણ બેમાંથી એક પણ કૅરૅક્ટરના મોઢામાં ગાળો નથી આવતી. ‘શોલે’માં તો ડાકુની વાત છે જેનો ખોફ સ્ક્રીન પર દેખાય છે, પણ એ ખોફ દેખાડવા માટે ગાળોનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. પહેલાંની ‘ડૉન’ અને એની રીમેકમાં પણ ક્યાંય બેડ વર્ડ્સ નથી અને એ પછી પણ એ ડૉન જ છે, ખોટું કામ કરનારો જ છે. આ બાબતમાં સજાગ રાઇટરે બનવું પડશે. તેની પાસે ડિમાન્ડ થાય તો ડિમાન્ડ ખોટી છે એવું તેણે કહેવું પડશે.’


વાત બિલકુલ સાચી છે. ઇન્ડસ્ટ્રી સામે આ પડકાર છે તો એ આશા પણ અકબંધ છે કે આ પ્રકારની ફિલ્મો બનાવનારાઓ પણ વધી રહ્યા છે. કોમલ નાહટા કહે છે, ‘નવી જનરેશનના અનેક ડિરેક્ટરો એવા છે જેઓ પ્યૉર ફૅમિલી એન્ટરટેઇનર બનાવવા માગે છે. ધર્મા પ્રોડક્શન્સ અને યશરાજ ફિલ્મ્સ જેવાં એસ્ટૅબ્લિશ્ડ પ્રોડક્શન હાઉસિસે હજી આ મર્યાદા તોડી નથી અને તેમણે વેબસિરીઝની જે લૅન્ગ્વેજ છે કે પછી એવી લૅન્ગ્વેજની જે ડિમાન્ડ ફિલ્મોમાં કરવામાં આવે છે એનો પ્રયોગ નથી કર્યો. આ એક સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી છે જેને તમામે સમજવાની જરૂર છે. આવતા સમયમાં ફિલ્મો અને વેબસિરીઝ વચ્ચેની આ ભેદરેખા છે એ બધા જાળવી રાખે અને ન્યુ એજ-સિનેમાના નામે મર્યાદા છોડવામાં ન આવે એવી આશા ઇન્ડસ્ટ્રી પાસેથી સેવી શકીએ.’

સ્ટ્રગલ સબ્જેક્ટની કે ઑડિયન્સની?

ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની આશા અને પડકાર બન્ને એક જ છે - ઑડિયન્સ. નવી જનરેશનની ગુજરાતી ફિલ્મો બનવા માંડી એ વાત પણ હવે દસકો જૂની થઈ ગઈ છે, પણ ગુજરાતી ફિલ્મનું ઑડિયન્સ હજી પણ શૅરબજારના ઇન્ડેક્સની જેમ વર્તે છે. એકાએક કોઈ એક ફિલ્મને પુષ્કળ ઑડિયન્સ મળી જાય અને પછીની પાંચ ફિલ્મ ક્યારે રિલીઝ થઈ એની ખબર પણ કોઈને હોતી નથી. ઍક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા આ વાતમાં સુધારો કરાવતાં કહે છે, ‘વર્ષે ૭૦ ગુજરાતી ફિલ્મ બને છે અને ઑડિયન્સ માંડ ત્રણ-ચાર ફિલ્મ જોવા જાય છે. આમાં કેવી રીતે કહી શકાય કે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ચેન્જ થઈ ગઈ. ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી હતી ત્યાંની ત્યાં જ છે. હા, એમાં થોડાઘણા સુધારા થયા છે એટલું જ, બાકી કશું નહીં. આનું કારણ પણ છે. આપણી ગુજરાતી પ્રજા હિન્દી સિનેમાથી એટલી બધી અભિભૂત છે કે એ એમાંથી બહાર જ નથી આવતી. આજે ગુજરાતી સિનેમાને ઑડિયન્સની જરૂર છે. જો લોકો જોવા નહીં આવે તો ક્યાંથી સારી ફિલ્મો બનવાની? આજે હિન્દીમાં ફિલ્મ બનાવો તો ફિલ્મની બૉક્સ-ઑફિસ ઇન્કમ ઉપરાંત સૅટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક રાઇટ્સ, વેબહોસ્ટિંગ રાઇટ્સ, ફૉરેન ટેરિટરી રાઇટ્સ અને એવી બીજી ઇન્કમ પણ કાઉન્ટ થતી હોય છે. જોકે ગુજરાતીમાં એવું કશું નથી. આવી કન્ડિશનમાં કોઈ ફિલ્મ બનાવવા પૈસા શું કામ નાખે?’

દેશની અન્ય રીજનલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો મરાઠી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ છેલ્લાં પાંચ વર્ષમાં જબરદસ્ત યુ ટર્ન લીધો છે. બંગાળી ફિલ્મોને પણ ઑડિયન્સનો તોટો નથી. સાઉથ ઇન્ડસ્ટ્રીનો દબદબો દુનિયા આખીને ખબર છે. સાઉથમાં હિન્દી ફિલ્મોને ઑડિયન્સનો તોટો પડી જાય છે અને એટલે જ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ જેવી મોટા લેવલની ફિલ્મ પણ તેલુગુ અને તામિલમાં ડબ કરીને રિલીઝ કરવી પડે છે. આ થઈ એક વાત. બીજી વાત. અઢીસો કરોડનો બિઝનેસ કરનારી રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’ એ તેલુગુ ફિલ્મ ‘ટેમ્પર’ની રીમેક છે. જો તમારે સાઉથ જવું હોય તો એની ભાષામાં ફિલ્મ કરવી પડે અને જો તમને સારી કન્ટેન્ટ જોઈતી હોય તો તમારે એની ફિલ્મોની રીમેક કરવી પડે. આ એ ઇન્ડસ્ટ્રીની તાકાત છે, કમાલ છે. ગુજરાતી ફિલ્મોનો ગોલ્ડન પિરિયડ જોનારા ઍક્ટર અરવિંદ રાઠોડ કહે છે, ‘સાઉથમાં લોકોને પોતાની ભાષાની જ ફિલ્મ જોવી છે. તેમને હિન્દી કે અંગ્રેજી ભાષા સમજાતી નથી એવું નથી, પણ તેમનો આ આગ્રહ છે કે અમને અમારી ભાષામાં જ ફિલ્મો જોવી છે. આ આગ્રહ એ હદ પર છે કે આપણે એને દુરાગ્રહ કહી શકીએ, પણ આ દુરાગ્રહ સ્થાનિક ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે લાભદાયી છે. એમને ઑડિયન્સ મળે છે એટલે મોટા બજેટની ફિલ્મો બનાવી શકાય છે. ‘બાહુબલી’ એક રીજનલ ફિલ્મ હોવા છતાં એનું કૅન્વસ કેટલું વિશાળ છે. ‘૨.૦’ પણ રીજનલ ફિલ્મ છે અને એ પછી પણ એ ફિલ્મનું લેવલ જુઓ. ગુજરાતીમાં પણ આ બધું શક્ય છે અને ગુજરાતી ફિલ્મોમાં પણ આ શક્ય છે, પણ ઑડિયન્સ નથી ત્યારે કોઈ દેવાળું ફૂંકવા માટે આવાં કામ તો ન જ કરે એ પણ સમજી શકાય.’

ઑડિયન્સ નથી અને એને લીધે ગુજરાતી ફિલ્મો નથી ચાલતી એવી જ્યારે આખી ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની ફરિયાદ છે ત્યારે ડિરેક્ટર વિપુલ મહેતા બચાવ કરતાં કહે છે, ‘ગુજરાતી ફિલ્મો આ જ કારણે નથી ચાલતી એવું મને નથી લાગતું. જો તમે હકીકત જુઓ તો તમને પણ દેખાશે કે બૉલીવુડમાં પણ વષ્ોર્ બસો-અઢીસો ફિલ્મો બને છે અને એમાંથી વીસ-પચીસ ફિલ્મો હિટ જાય છે. ગુજરાતીમાં પણ રેશિયો એ જ છે કે વષ્ોર્ ૭૦ જેટલી ફિલ્મો બને છે અને એમાંથી સાત ફિલ્મ હિટ જાય છે. સરેરાશ દસ પર્સન્ટનો રેશિયો જોવા મળે છે અને એવું જ બીજી ઇન્ડસ્ટ્રીમાં પણ હોય છે. મારું માનવું છે કે આજે ઑડિયન્સ પાસે જોવા માટે પુષ્કળ કન્ટેન્ટ છે ત્યારે તમારી કન્ટેન્ટ પણ પાવરફુલ હોય એ ખૂબ જરૂરી છે. જો કન્ટેન્ટ પાવરફુલ હશે તો લોકો એ જોવા જશે જ જશે, પણ એક વાત યાદ રાખવાની છે કે એ જ્યાં પણ બેઠો છે ત્યાં તેની પાસે કન્ટેન્ટ છે એટલે તમારે એ કન્ટેન્ટની સામે કૉમ્પિટ કરવાનું છે અને એ કૉમ્પિટિશનમાં તમારે આગળ નીકળવાનું છે. જો એવું થશે તો જ તમારી ફિલ્મ ચાલશે. બાકી આપણે ત્યાં જ ખરાબ ફિલ્મો બને છે એવું નથી. ગુજરાતી, મરાઠી, તામિલ અને તેલુગુમાં પણ વાહિયાત કહેવાય એવું કન્ટેન્ટ બને જ છે એટલે કન્ટેન્ટ કેવું છે એના આધાર પર જ ઑડિયન્સ નક્કી થશે. ‘છેલ્લો દિવસ’, ‘થઈ જશે’, ‘ગુજ્જુભાઈ’, ‘ચાલ જિંદગી જીવીએ’ જેવી ફિલ્મોને ઑડિયન્સ મYયું જ છે અને એ ફિલ્મો ગુજરાતી હોવા છતાં પણ હિન્દીની મોટી ફિલ્મો સામે હાઉસફુલ ગઈ છે કારણ કે એમાં કન્ટેન્ટ પાવરફુલ છે.’

વેબ પ્લૅટફૉર્મ છે અનલિમિટેડ ડેટાનો આર્શીવાદ અનલિમિટેડ ઇન્ટરનેટ ડેટાને લીધે જો કોઈ મોટો ચમત્કાર થયો હોય તો એ છે વેબ પ્લૅટફૉર્મ અને એ પ્લૅટફૉર્મ પર મળનારી વેબસિરીઝ. ‘બૉસ : ડેડ/અલાઇવ’ના ક્રીએટિવ પ્રોડ્યુસર હંસલ મહેતા કહે છે, ‘દોઢ વર્ષ અને વધીને બે વર્ષ પહેલાં કોઈને એવો ખ્યાલ પણ નહોતો કે ઇન્ડિયામાં વેબસિરીઝની માર્કેટ આ લેવલ પર આગળ વધશે અને આટલી પૉપ્યુલર થશે. જોકે એ થયું અને એ માટે જો જશ આપવાનો હોય તો એ મોબાઇલ કંપની છે. અનલિમિટેડ ડેટાને કારણે વેબ આજે બધા માટે અવેલેબલ થઈ ગયું છે અને એ હજી પણ વધશે.’

નેટફ્લિક્સ ઇન્ડિયામાં આવ્યું, પણ એણે ખૂબ નાના સ્તર પર વેબસિરીઝ બનાવવાનું શરૂ કર્યું. એ પહેલાં વેબસિરીઝ નહીં પણ શૉર્ટ ફિલ્મ માટે ઇન્ડિયાને ટેવ પડવા માંડી હતી અને યુટuુબ એનો જશ લેતું હતું. જોકે નેટફ્લિક્સ અને એ પછી આવેલા ઍમેઝૉન પ્રાઇમના પ્લૅટફૉર્મે લોકોનું ધ્યાન એ દિશામાં ખેંચ્યું, પણ ૩ઞ્ નેટવર્કને કારણે એ પ્લૅટફૉર્મને પૉપ્યુલરિટી નહોતી મળી. જોકે ૩ઞ્ નેટવર્ક અને અનલિમિટેડ ડેટા મળવાનું શરૂ થતાં વેબ પ્લૅટફૉર્મની માર્કેટમાં ધસમસતી તેજી આવી તો આ તેજીમાં બીજો લાભ જો કોઈ મYયો તો એ કે વેબસિરીઝને સેન્સરશિપની જરૂર નહોતી, જેને કારણે પણ મનમાં આવતું અને જે ધારવામાં આવતું એ કન્ટેન્ટ જનરેટ થવું શરૂ થઈ ગયું. વેબ પ્લૅટફૉર્મ પર કામ કરતા સિનિયર લેવલના એક ઑફિસર નામ ન લખવાની શરતે કહે છે, ‘આજે એવી સિચુએશન છે કે દરેક મોબાઇલ ‘સી’ ગ્રેડ ફિલ્મનું થિયેટર બની ગયો છે. ‘ચડતી જવાની’, ‘ઉડતા બદન’, ‘બિસ્તર કા સાપ’ જેવી વાહિયાત ફિલ્મો જોવા જવા માટે પહેલાં ‘સી’ ગ્રેડના થિયેટરમાં જવું પડતું, પણ વેબસિરીઝને કારણે હવે એ પ્રકારની કન્ટેન્ટ બહુ સરળતાથી અવેલેબલ બની ગઈ છે જેનું ચણા-મમરાના ભાવે સબãસ્ક્રપ્શન પણ ભરી શકાય છે. આ બંધ થવું જરૂરી છે. નહીં તો એવી સિચુએશન આવશે કે લોકોની માનસિક વિકૃતિનું પ્રમાણ વધશે અને એ સમયે ખૂબ મોડું થઈ ગયું હશે.’

વાત ખોટી નથી. વેબસિરીઝની એક ઍપ્લિકેશન છે જે દર ૪૮ કલાકે સેમી-પૉર્ન કહેવાય એવા પોતાના એપિસોડ અપલોડ કરે છે અને એ પ્લૅટફૉર્મનું એક વર્ષનું સબãસ્ક્રપ્શન ૩૯ રૂપિયા માત્ર છે. આવી અમાઉન્ટ પર મળી રહેલી આવી ફાલતુ કન્ટેન્ટથી છુટકારો મળે એવું ખુદ વેબ-ઇન્ડસ્ટ્રી ઇચ્છી રહી છે તો એની સામે સકારાત્મક આશા એ પણ છે કે આ વેબ પ્લૅટફૉર્મ ટીવીને રિપ્લેસ કરી દેશે અને તમે ઇચ્છો એ સમયે તમારા કાર્યક્રમો જોઈ શકાશે. ‘મૅરી કૉમ’ અને ‘સરબજિત’ જેવી ફિલ્મોના ડિરેક્ટર ઓમંગ કુમાર કહે છે, ‘ઇન્ટરનેટ નાનાં ગામો સુધી પહોંચી ગયું છે અને મોબાઇલ પણ આજે દરેકના હાથમાં છે. શું જોવું, ક્યારે જોવું અને ક્યાં જોવું એની આઝાદી હવે લોકો જાતે નક્કી કરે એવું બનશે. વેબને કારણે એક ઍડ્વાન્ટેજ એ મળશે કે મિસ કરેલો શો જોવા માટે તમારે રિપીટ ટેલિકાસ્ટની રાહ પણ નહીં જોવી પડે. બધી ચૅનલો વેબ-ઍપ પર આવી ગઈ છે અને પોતાના શો અપલોડ કરતી થઈ ગઈ છે જેને લીધે દિલ્હી અને ચેન્નઈ જેવાં શહેરોમાંથી કેબલ કનેક્શનો નીકળવાનાં શરૂ થઈ ગયાં છે અને એ હવે વધશે પણ ખરાં.’

ડિરેક્ટર-પ્રોડ્યુસર વિક્રમ ભટ્ટ પણ આ વાત સાથે સહમત થતાં કહે છે, ‘પહેલાં બુક્સ ગાયબ થઈ, બુક-સ્ટોર બંધ થયા. પછી રેડીમેડ ગાર્મેન્ટ્સના શોરૂમ બંધ થયા અને ઑનલાઇન સ્ર્ટોસ આવ્યા. લોકો ક્લોથથી માંડીને પોતાને ગમતી બુક્સ ઑનલાઇન મગાવવા લાગ્યા અને ઇન્ડસ્ટ્રીનું ડિજિટાઇઝેશન થયું. એ પછી મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીમાંથી ઘ્D અને Dસ્D ગઈ અને ઑનલાઇન મ્યુઝિક આવ્યું. હવે જ્પ્ પણ બંધ થવા માંડ્યું છે અને ઑનલાઇન રેડિયો આવી ગયા છે. હવે ટીવીનો વારો આવ્યો છે. કેબલ ઑપરેટર વચ્ચેથી હટી જશે અને ફિક્સ ટાઇમે ટીવી સામે ફિક્સ થવાનો જે વિચાર હતો એ પણ નીકળી જશે.’

આવું થવાનું એક કારણ એ પણ છે કે હવે કોઈને કોઈના પર આધીન નથી રહેવું. ડિજિટલ પ્લૅટફૉર્મે એ જ કામ કર્યું છે. લેસ્બિયન લવ સ્ટોરી ‘ધી ‘અધર’ લવ સ્ટોરી’ નામની વેબસિરીઝની રાઇટર-ડિરેક્ટર પૂજા રાવ કહે છે, ‘પહેલાં વેબસિરીઝ માટે લોકોને તૈયાર કરવા પડતા; પણ હવે દરેક મોટો સ્ટાર આ પ્રકારના શો કરવા તૈયાર થઈ જાય છે, અમુક ફિલ્મ-ડિરેક્ટરો ટીવી-શો કરવા રાજી નથી, પણ વેબસિરીઝ કરવા તૈયાર થઈ જાય છે. આ ઇન્ડસ્ટ્રીનો હજી એક ડ્રૉબૅક છે. રેવન્યુ ક્લિયર નથી થઈ રહી અને જ્યાં સુધી રેવન્યુ ક્લિયર નહીં થાય ત્યાં સુધી આખી ઇન્ડસ્ટ્રી અધ્ધર ગણાશે.’

માર્કેટિંગ ગુરુ વિવેક બિન્દ્રા આ ઇકૉનૉમિક્સને ‘ફ્રીમિયમ’ ગણાવીને સમજાવે છે, ‘પહેલાં પ્રીમિયમ કસ્ટમરની વૅલ્યુ હતી અને તેમને અમુક ઍડ્વાન્ટેજ મળતાં. હવે માર્કેટિંગમાં નવો કન્સેપ્ટ આવ્યો છે. પ્રીમિયમ ફૅસિલિટી ફ્રીમાં આપો અને કસ્ટરમને ફ્રીમિયમ બનાવો. ફ્રીમાં જ્યારે ચીજ મળે ત્યારે એમાં કસ્ટમર પોતાના સમયને કિંમત તરીકે ચૂકવતો હોય છે.’

ડિજિટલ વલ્ર્ડ પાસે એક આશા એવી રાખવામાં આવે છે કે એમાં સભ્યતા આવે, પણ એક વર્ગ એવો પણ છે કે એવું ક્યારેય શક્ય નહીં બને. વિક્રમ ભટ્ટ કહે છે, ‘તમારે શું જોવું છે એ તમે નક્કી કરો. તમે શું કામ કોઈને ફરીથી સેન્સરના ચક્કરમાં લઈાવવાનું કામ કરવા માગો છે. બધું તમારા હાથમાં છે. દર્શક નક્કી કરે કે તેણે શું જોવું અને એ જ આ ઇન્ડસ્ટ્રીની બ્યુટી છે.’

આ પણ વાંચોઃ કહો જોઈએ, તમે દુ:ખને શોધો છો કે દુ:ખ તમને શોધી લે છે?

ડિજિટલ વલ્ર્ડ આશા સેવે છે કે વધુમાં વધુ લોકો આ દુનિયામાં આવે. અત્યારે માત્ર મેટ્રો અને મોટાં શહેરોના લોકો જ આ કન્ટેન્ટ જોઈ રહ્યા છે. ટકાવારી કાઢવામાં આવે તો માત્ર ૧૪ ટકા વર્ગ જ આ દિશામાં છે, જ્યારે ૮૬ ટકાને ડિજિટલ વલ્ર્ડ તરફ લાવવાનો છે તો સામા પક્ષે ઇન્ડસ્ટ્રી સામે મોટો પડકાર એ પણ છે કે દેશના ૬૦ ટકા લોકોને વેબ પ્લૅટફૉર્મ માટે એજ્યુકેટ કરવાના છે અને સાથોસાથ પાઇરસી સામે પણ લડવાનું છે. પોતાના પ્લૅટફૉર્મ પર અપલોડ કરવામાં આવેલું પેઇડ કન્ટેન્ટ બીજા પ્લૅટફૉર્મ પર ફ્રીમાં ડાઉનલોડ આપવામાં આવે છે અને એને લીધે આજે એવી સિચુએશન છે કે વેબસિરીઝ જોનારાઓમાંથી ૬૦ ટકાથી પણ મોટું ઑડિયન્સ પાઇરસી કન્ટેન્ટ જોઈ રહ્યું છે. આ પડકારને પહોંચી વળવો અઘરો છે, પણ અશક્ય તો બિલકુલ નથી એ પણ સનાતન સત્ય છે. વિક્રમ ભટ્ટ કહે છે, ‘જો સાઇબર લૉ પર ધ્યાન આપવામાં આવે અને ઇન્ટલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઇટ્સને વધારે સિરિયસ્લી લેવામાં આવે તો જ આ અટકશે. નહીં તો બનશે એવું કે આ પ્રકારની કન્ટેન્ટ બનાવનારાઓમાં જે ઉછાળો આવ્યો છે એ આવતાં બે-ચાર વર્ષમાં ગુમ થઈ જશે અને વેબ પ્લૅટફૉર્મની હાલત પણ આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી જેવી જ થઈ જશે.’ વાત સાચી પણ છે અને ચિંતાજનક પણ છે.

 

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2019 11:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK