મેટ્રો રેલવેની સાઇટ પાસેથી પસાર થવું જોખમથી ભરેલું

Published: 2nd December, 2012 05:00 IST

ઘાટકોપર અને અંધેરી સ્ટેશન પાસેના ઘણા વિસ્તારોમાં લાઇટ ન હોવાથી રાહદારીઓ અને મોટરિસ્ટો પરેશાનરણજિત જાધવ


મુંબઈ, તા. ૨

વર્સોવાથી અંધેરી થઈને ઘાટકોપર સુધીની ૧૧.૦૭ કિલોમીટર લાંબી રેલવેલાઇન બાંધવાનું કાર્ય થઈ રહ્યું છે, પણ બે-ત્રણ રેલવે-સ્ટેશનો બાંધવામાં આવી રહ્યાં છે એની નીચેથી પસાર થતા રોડ પર અંધારું હોય છે એથી ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને મોટરિસ્ટોએ ભારે અગવડ ભોગવવી પડે છે અને આ પરિસ્થિતિ અકસ્માતને આમંત્રણ આપે એવી છે. અગાઉ ‘મિડ-ડે’એ પ્રકાશિત કરેલા અહેવાલના પગલે આ રેલવેલાઇનના કામકાજ પર ધ્યાન રાખી રહેલી સરકારી એજન્સી એમએમઆરડીએએ બાંધકામ કરી રહેલી મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડ (એમએમઓપીએલ) કંપનીને આદેશ આપતાં ઘણાં રેલવે-સ્ટેશનોના પરિસરમાં હેલોજન લાઇટો નાખવામાં આવી હતી. જોકે આમ છતાં પણ હજી બે-ત્રણ સ્ટેશનો પર આ લાઇટોનો અભાવ છે.

એમએમઓપીએલ કંપનીએ દરેક રેલવે-સ્ટેશનના પરિસરમાં થઈ રહેલા કામકાજના સ્થળે ૧૦થી ૧૨ હેલોજન લાઇટો નાખી હતી. આ સિવાય આ પરિસરમાં સેફ્ટી નેટ પણ નાખવામાં આવી હતી જેથી રેલવે-સ્ટેશન પરિસરમાંથી પસાર થતા લોકો પર બાંધકામના સ્થળ પરથી કોઈ વસ્તુ પડે નહીં. આમ છતાં ઘાટકોપર (ઈસ્ટ)માં સ્ટેશન પાસેના મેટ્રો સ્ટેશન પરિસરની નીચે, અસલ્ફા પાસે મહેશ્વર ટેમ્પલ સ્ટેશન પાસે અને અંધેરી (ઈસ્ટ)માં ઍરર્પોટ રોડ મેટ્રો સ્ટેશન પર આવી લાઇટો હજી સુધી લગાવવામાં આવી નથી. આ પરિસરમાં રોડ ભીના હોવાથી ટૂ-વ્હીલરો સ્કિડ થવાના અકસ્માત થતા રહે છે.

લાઇટો ચોરાઈ ગઈ

એમએમઓપીએલના એક અધિકારીએ કહ્યું હતું કે ‘મહેશ્વર ટેમ્પલ રેલવે- સ્ટેશન પરિસરમાં અમે હેલોજન લાઇટો લગાવી હતી, પણ કોઈકે આ લાઇટો ચોરી લીધી હતી. જો હમણાં લાઇટો નહીં હોય તો અમે લાઇટો જલદીથી લગાવી દઈશું.’

રાહદારીઓની સેફટી જરૂરી


એમએમઆરડીએના જૉઇન્ટ પ્રોજેક્ટ ડિરેક્ટર દિલીપ કવઠકરે કહ્યું હતું કે ‘આખા મેટ્રો કૉરિડોર પર હેલોજન લાઇટો લગાવી દેવા માટે અમે આ કંપનીને આદેશ આપ્યો હતો. અમારા માટે રાહદારીઓ અને મોટરિસ્ટોની સલામતી સૌથી અગત્યની છે. તેમણે અમને જણાવ્યું છે કે દરેક સ્ટેશન પરિસરમાં લાઇટો લગાવી દેવામાં આવી છે. છતાં પણ જો કોઈ સ્ટેશન પર લાઇટો નહીં હોય તો અમે આ માટે ચોક્કસ આદેશ આપીશું.’

એમએમઆરડીએ = મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK