શશાંક રાવ
સરકારી એજન્સીઓ RTO અને PWD વચ્ચે તાલમેલ ન હોવાનું ફરી એક વાર સામે આવ્યું છે અને આ વખતે મુદ્દો છે રિક્ષા અને ટૅક્સીના મીટર રીકૅલિબ્રેશનનો. પખવાડિયા પહેલાં RTOએ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર નવાં ભાડાંને સુસંગત મીટરો બેસાડેલી રિક્ષા અને ટૅક્સીનું રોડ-ટેસ્ટિંગ શરૂ કર્યું છે એની પરમિશન ન લીધી હોવાનો દાવો કરીને PWDએ વાંધો ઉઠાવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે PWDએ વડાલા RTOને તાજેતરમાં એક પત્ર લખીને જાણ કરી હતી કે RTOએ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર રીકૅલિબ્રેટેડ મીટર બેસાડેલી ટૅક્સીઓ અને રિક્ષાઓ ટેસ્ટિંગ માટે દોડાવવા માટે જરૂરી PWDની પરમિશન નથી લીધી.
વડાલા RTO ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વિક્રોલીમાં અત્યંત વ્યસ્ત રહેતા ગોદરેજ જંક્શન નજીક રિક્ષા અને ટૅક્સીનાં ભાડાંના મીટરનું ઑન-રોડ ચેકિંગ કરી રહી છે. PWDના એક એન્જિનિયરે કહ્યું હતું કે ‘હાઇવે પર કોઈ ટેસ્ટિંગ માટે વડાલા RTOએ અમારી પાસેથી જરૂરી પરમિશન ન લીધી હોવાથી આ પત્ર લખ્યો હતો. અમારા રેકૉર્ડમાં આ પ્રૉબ્લેમની સત્તાવાર નોંધ તો કમસે કમ થવી જ જોઈએ. આખરે RTO અમારી પ્રૉપર્ટીનો ઉપયોગ કરતી હોવાથી પરમિશન તો લેવી જ જોઈએ.’
PWDના દાવા પ્રમાણે આ કામગીરી દરમ્યાન ડ્રાઇવરો અને પરમિટહોલ્ડરો કચરો ફેંકે છે, સર્વિસ રોડ બ્લૉક કરે છે અને હાઇવેની હદમાં ધામા નાખીને બેસે છે. હાઇવે પર રોજનાં હજારો વાહનોની ઝડપી અવર-જવર થતી હોવાથી આ કચરાને કારણે અન્ય વેહિકલ્સના ડ્રાઇવરોનો ધ્યાનભંગ થાય છે.
આવો પત્ર મળ્યાની પુષ્ટિ કરીને RTOના અધિકારીઓએ કહ્યું હતું કે ‘મીટર-ટેસ્ટિંગની કામગીરી તો પંદર દિવસથી ચાલે છે. PWD છેક હવે કેમ જાગ્યું? હવે પરમિશનનો અર્થ શું છે? જોકે અમે ટૂંક સમયમાં આ પત્રનો જવાબ આપીશું.’
RTOની આ પ્રોસેસ શું છે?
રિક્ષા અને ટૅક્સીના ભાડામાં વધારો થયા બાદ હવે એમાં ભાડું દર્શાવતાં ઇલેક્ટ્રૉનિક્સ મીટરોમાં નવાં ભાડાં દર્શાવે એ રીતે જરૂરી ટેક્નિકલ ફેરફારો થઈ રહ્યા છે. આવા ફેરફારો થઈ ગયા બાદ મીટરો બરાબર ભાડાં દર્શાવે છે કે કેમ એના ઑન-રોડ ટેસ્ટિંગ માટે રિક્ષા કે ટૅક્સીને RTOના અધિકારીઓની હાજરીમાં બે કિલોમીટર સુધી દોડાવવામાં આવે છે. વડાલા RTOમાં રોજની લગભગ ૧૭૦૦ રિક્ષા અને ૩૦૦ ટૅક્સીઓ મીટરના આવાં ટેસ્ટિંગ માટે આવે છે, જેનાં ટેસ્ટિંગ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર થાય છે.