ભાવક અને યાચક : તમારા કર્મને તમે કઈ રીતે જુઓ છો એ બહુ મહત્વનો મુદ્દો છે

Published: May 16, 2019, 14:15 IST | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી | મુંબઈ

મહારાષ્ટ્રના એક સમયના મુખ્ય પ્રધાન મનોહર જોષી સાથે ભાઈ એટલે કે મારા બાપુજી નવનીત જોષીને સારી ભાઈબંધી.

મહારાષ્ટ્રના એક સમયના મુખ્ય પ્રધાન મનોહર જોષી સાથે ભાઈ એટલે કે મારા બાપુજી નવનીત જોષીને સારી ભાઈબંધી. ભાઈબંધી એટલે એ પ્રકારની નહીં કે બન્ને વચ્ચે કોઈ જૂની દોસ્તી હોય અને બન્ને વષોર્થી એકબીજાને ઓળખતા હોય. રાષ્ટ્રવાદ અને પ્રકંડ શાસ્ત્રોક્ત જ્ઞાનના કારણે જ ભાઈની તેમની સાથે ઓળખાણ થઈ અને એ પછી એ સંબંધો ગાઢ બન્યા. મને આજે પણ યાદ છે કે નેવુંના દશકના વિધાનસભા ઇલેક્શન સમયે ભાઈ મને તેમની સાથે દાદરની મનોહર જોષીની જાહેરસભામાં લઈ ગયા હતા અને મનોહર જોષી ભાઈને મળવા સ્ટેજ પરથી નીચે આવ્યા હતા.

મનોહર જોષી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા એ પછી ભાઈને મળવા માટે તેમણે અનેક વખત બોલાવ્યા હતા. ભાઈ તેમને મળવા પણ જતાં અને શાસ્ત્રો વિશે, વિસરાઈ ગયેલાં શાસ્ત્રો વિશે ખૂબબધી બન્ને વચ્ચે વાતો થતી. અહીંથી મૂળ વાત શરૂ થાય છે. મનોહર જોષીની ઇચ્છા હતી કે જે શાસ્ત્રો હવે દુર્લભ બની ગયાં છે અને જે શાસ્ત્રો અલભ્ય બની ગયાં છે એ શાસ્ત્રોનું આજની ભાષામાં વાંચી શકાય એ પ્રકારે અવતરણ કરવામાં આવે. આ દિશામાં પુષ્કળ કામ થયું અને એ કામ આજે પણ માત્ર અને માત્ર નવનીત જોષીના નામે બોલે છે. આ બાબતમાં સતત મીટિંગો ચાલી રહી હતી એ દરમ્યાન અમારા એક હિતેચ્છુ ભાઈને મળવા આવ્યા. વાતો થતાં તેમને ખબર પડી કે જોષીજી સાથે ભાઈની બેઠકો થાય છે. હિતેચ્છુ ભાઈએ તરત જ ભાઈને સલાહ આપતાં કહ્યું કે મુખ્ય પ્રધાનના ક્વોટામાંથી હાઉસિંગ સોસાયટીમાં આસાનીથી ફ્લૅટ મળી શકે, એ લઈ લો. આગળ વાત કરતાં પહેલાં કહી દઉં કે એ સમયે અમે મુંબઈમાં નહોતા રહેતા.

મુખ્ય પ્રધાનને બે ટકાનો ક્વોટા મળતો હોય છે અને આ સત્તાવાર છે. મુખ્ય પ્રધાન હંમેશાં આ ક્વોટાનો ઉપયોગ શાસ્ત્રોક્ત રીતે સંકળાયેલા મહાનુભાવો કે પછી કળા અને લોકકળા સાથે જોડાયેલા કલાકારો માટે કરતા હોય છે. ભાઈએ હિતેચ્છુને ધ્યાનથી સાંભYયા. એ સમયે હું પણ ત્યાં હતો. મુંબઈનું મને આકર્ષણ ગજબનાક, ઍક્ટિંગના ક્ષેત્રમાં આગળ આવવાની ભાવના હતી અને ઍક્ટિંગનું કાશી એટલે મુંબઈ એવી સમજણ પણ ખરી. ભાઈએ પેલા હિતેચ્છુની વાત સાંભળીને ધીમેકથી કહ્યું : ‘હું ભાવક છું, યાચક નહીં. માગવું એ મારો ધર્મ નથી અને લેવું એ મારો સ્વભાવ નથી. આપવું એ મારી જવાબદારી છે અને કર્મને અનુસરવું એ મારા લોહીમાં છે.’

આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી : નવી ટૅલન્ટ અને અનુભવીઓનો સંગ રંગ લાવશે

એ દિવસે હિતેચ્છુ તો રવાના થઈ ગયા, પણ અજાણતાં જ એક બહુ મોટી શીખ મેં મેળવી લીધી. નવનીત જોષીના એ સ્વભાવની ઓળખ બીજા કોઈ સમયે થઈ હોત તો એ જીવનમાં ઉતારવાની સમજણ ન આવી હોત, પણ એ દિવસે બે ટકાનો ક્વોટા છોડી દેવા માટેની જે તત્પરતા જોઈ અને એ પણ સમજણ સાથેની તત્પરતા જોઈ એ ખરેખર આંખો ખોલનારી હતી. એ દિવસે એક વાત બહુ સહજ રીતે સમજાઈ ગઈ. તમે ભાવક બનીને આવ્યા છો, યાચક બનીને નહીં. એ જ ભાવ કેળવી લીધો અને કેળવાયેલા એ ભાવ સાથે જીવનને એક નવી દિશા મળી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK