સંતાનોને દુનિયા દેખાડનારાં મા-બાપે બાળકોને મુંબઈ દર્શન ક્યારેય કરાવ્યું છે ખરું?

Published: Aug 22, 2019, 13:51 IST | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી | મુંબઈ

મુંબઈમાં રહેતો સરેરાશ દરેક બીજો પરિવાર ફરવા માટે દર વર્ષે દેશ-વિદેશમાં જાય છે.

મુંબઈમાં રહેતો સરેરાશ દરેક બીજો પરિવાર ફરવા માટે દર વર્ષે દેશ-વિદેશમાં જાય છે. ખાસ કરીને દરેક બીજો ગુજરાતી પરિવાર. કાં તો સાથે જાય અને જો પરિવારમાં પુખ્તની સંખ્યા વધારે હોય તો પોતપોતાની રીતે એના પ્રોગ્રામો બને, પણ મારે આજે એક વાત પૂછવી છે. આમચી મુંબઈ કહીને ગર્વ અનુભવતા લોકોએ બાળકોને મુંબઈ દર્શન ક્યારેય કરાવ્યું છે ખરું? નાનાં બાળકોને લઈને ચોપાટી જવું એ મુંબઈ દર્શન નથી. ગર્લફ્રેન્ડને લઈને નૅશનલ પાર્ક જવું એ મુંબઈ દર્શન નથી અને ટીનએજ ક‌િડ્સને લઈને મૉલમાં જવું એ પણ મુંબઈ દર્શન નથી. યાદ રહે, ફિલ્મસિટીમાં જઈને બે-ચાર કલાકાર અને એકાદ ફિલ્મનું શૂટિંગ જોવું એ પણ મુંબઈ દર્શન નથી.

મુંબઈ દર્શનની વાત છે અને આપણે ત્યાં એ જ નથી થતું. ગેટવૅ ઑફ ઇન્ડિયા કે હોટેલ તાજ સિવાય પણ આ મુંબઈ પાસે જોવા જેવું, જીવનમાં ઉતારવા જેવું અઢળક છે અને એ જોવા માટે જવું એ દરેક મુંબઈકરની ફરજ છે. મંત્રાલય લૅન્ડ-માર્ક તરીકે એકેક મુંબઈવાસી જાણે છે, પણ મંત્રાલયની સામે ઊભા રહીને એ બિલ્ડિંગની ખાસિયત અને એ બિલ્ડિંગનું માળખું જોવાનું કામ કોઈએ નથી કર્યું. જો ભૂલથી પણ સામે ઊભા રહેવાનું બની ગયું હશે તો પણ ધ્યાન મંત્રાલય પર ક્યારેય હોતું નથી. બ્રિટિશરોએ બનાવેલું સાઉથ મુંબઈ, એનું કન્સ્ટ્રંકશન અને એના રોડ-રસ્તા સાથેનું ટાઉન પ્લાનિંગ પણ ધ્યાનથી જોવાની તસદી આપણે નથી લીધી. એ વિસ્તારમાંથી પસાર થતી વખતે મોટા અને ખુલ્લા રોડની તારિફ કરી લેવાનું કામ આપણાથી થઈ જાય છે, પણ એ ટાઉન પ્લાનિંગ સમયે શું-શું ધ્યાન રાખવામાં આવ્યું અને કેવી-કેવી વાતોનું એ સમયે પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું એ જોવાનું વિસરી જઈએ છીએ.

આમચી મુંબઈ.

કહેવાથી નહીં ચાલે. મુંબઈને સાચાં અર્થમાં તમારી ગણવી પડશે અને એ ગણવા માટે મુંબઈ સાથે ઓતપ્રોત થવું પડશે, મુંબઈના વર્તમાનની સાથોસાથ મુંબઈના ભૂતકાળને, મુંબઈના ઇતિહાસને પણ જીવનમાં ઉતારવો પડશે. દરિયો, ચોપાટી, મૉલ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સિવાય પણ કેટલું છે મુંબઈ પાસે જોવાલાયક. અઢળક મ્યુઝિયમ છે અને ઇતિહાસની પણ આંખો અંજાઈ જાય એવી ઇમારતો છે. જવાહરલાલ નેહરુની સાથે જોડાયેલી યાદો પણ મુંબઈ પાસે છે અને મહાત્મા ગાંધીના જીવનને ઉજાગર કરનારી વાતો પણ મુંબઈ પાસે છે. મુંબઈ પાસે દરિયાઈ સૃષ્ટિ જોવા માટેની જગ્યા પણ છે અને ભવન્સના કલ્ચરલ સેન્ટરમાં તમને જાતજાતના અને ભાતભાતના કલરવ સંભળાવતાં પક્ષીઓની દુનિયા પણ છે. મુંબઈ પાસે ખાણી-પીણીની પણ અદ્ભુત દુનિયા છે અને મુંબઈની કેઇએમ હૉસ્પિટલની પણ એક અનોખી દુનિયા છે. મુંબઈ પાસે અમિતાભ બચ્ચનનું ઘર પણ છે અને મુંબઈ પાસે કાન્હેરી અને મહાકાળી કૅવ્સ પણ છે. આસ્ફાટની સડક પણ મુંબઈ પાસે છે અને મુંબઈ પાસે ગોરાઈની ખાડી પણ છે. મુંબઈ પાસે વર્તમાન પણ છે અને મુંબઈ પાસે ભૂતકાળ છે. એક વાત યાદ રાખજો, વર્તમાન તો જ તમને સ્વીકારે જો તમે કોઈનો ભૂતકાળ પણ ગળે વળગાડો. મુંબઈના ભૂતકાળને ભૂલવાની ભૂલ કરી ચૂક્યા છીએ, પણ એ ભૂલને સુધારવાની તક હજી પણ હાથમાં છે.

એક વખત, માત્ર એક વખત તમારા સંતાનોને મુંબઈ દર્શન કરાવજો. મરાઠા મંદિર પણ દેખાડજો અને મુંબાદેવીના મંદિરે પણ એક વખત લઈ જજો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK