ચિદમ્બરમ પુરાણઃ કૉન્ગ્રેસ આખું ફફડે છે, સપનામાં પણ જેલ દેખાય છે

Published: Aug 24, 2019, 11:11 IST | મનોજ નવનીત જોષી- મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ચિદમ્બરમની ઘટના પછી તો એવા જ હાલ છે અત્યારે કૉન્ગ્રેસ અને કૉન્ગ્રેસીઓના. ચિદમ્બરમ વિશે એક વાત કહીશ તમને. આ માણસની છાપ નખશિખ પ્રામાણિક, શાંત અને નિરુપદ્રવીની રહી છે અને એ પછી પણ અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે

હા, ચિદમ્બરમની ઘટના પછી તો એવા જ હાલ છે અત્યારે કૉન્ગ્રેસ અને કૉન્ગ્રેસીઓના. ચિદમ્બરમ વિશે એક વાત કહીશ તમને. આ માણસની છાપ નખશિખ પ્રામાણિક, શાંત અને નિરુપદ્રવીની રહી છે અને એ પછી પણ અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે એ છાતીના પાટિયા ભીંસી નાખે એવું છે. ત્રણસો કરોડની લાંચના પુરાવા મળ્યા છે અને એવી ધારણા મૂકવામાં આવે છે કે આ આંકડો વધીને એક હજાર કરોડ સુધી પહોંચી શકે એમ છે. આઇએનએક્સ નેટવર્કની આ કમાલ છે. પરમિશન નહોતી એ ફંડ પણ લઈ લેવામાં આવ્યું અને એટલું જ નહીં, એ ફંડ લેવા માટે કંપનીના માલિકોએ દેશના ફાઇનાન્સ મિનિસ્ટરને પણ ફોડ્યા. 

ફાઇનાન્સ મિનિસ્ટર પણ કેવા તો કહે, એકદમ શાંત પ્રકૃતિના અને પ્રામાણિક રહેનારા કે પછી પ્રામાણિક હોવાનો સતત ડોળ કરનારા. કાયમ સફેદ કપડાં પહેરનારા આ પ્રધાનશ્રીને છાંટા ઉડવાના શરૂ થતાં એવી હાલત થઈ ગઈ છે કે કૉન્ગ્રેસીઓના હાજા ગગડી ગયા છે. આખી પાર્ટી ફફડે છે અને સપનામાં જેલ, તો ઊંઘમાં કોર્ટ દેખાય છે. આ જ હાલત થવાની છે એ પણ નક્કી છે. ગઈ કાલે કહ્યું એમ, કર્મ ક્યારેય પોતાની ફરજ ચૂકતું નથી સાહેબ. દુઃખી કર્યા હોય તો દુઃખી થવું પડે. હેરાન કર્યા હોય તો હેરાન થવું પડે. અત્યારના તબક્કે તો હેરાન અને દુઃખી થવાનો વારો આખી કૉન્ગ્રેસને આવી ગયો છે. એકેએક પાર્ટી મહોદય ક્યાંક અને ક્યાંક ખરડાયેલા છે, એકેએક ભૂતપૂર્વ સત્તાધીશના હાથમાં ભ્રષ્ટાચારનો કાદવ ચીંટકેલો છે. આ અવસ્થામાં તમે જરા કલ્પના કરો કે તમારી સામે પ્રામાણિક વડા પ્રધાન આવીને ઊભા છે. જેના પર આ જ રીતે સીબીઆઇએ વાર કર્યો હતો અને એ વાર પછી સીબીઆઇના તમામ આક્ષેપોમાંથી એ સાંગોપાંગ બહાર આવ્યા હતા. આવવાનું છે તમારે પણ બહાર, જો તમે સાચા હો તો અને જો નહીં હો તો, તો આખો દેશ ઈચ્છે છે કે તમને કડકમાં કડક સજા થાય અને દેશનો એકેક રાજકારણી આના પરથી ધડો લે અને ક્યારેય ભ્રષ્ટાચાર કરવાની ભૂલ ન કરવી એ વાત સમજી જાય.
કૉન્ગ્રેસના અઢળક નેતાઓ અત્યારે બીજેપીની ગલીમાં પોતાનો એકાદ જાસૂસ મળી જાય એની વેતરણમાં છે. બીજેપી સાથે જોડાવા રાજી છે, પણ બીજેપી એને લેવા માટે રાજી નથી એટલે એ કપડાં બદલી શકે એમ નથી. દેશ છોડવો છે પણ ખબર છે કે એ દેશ છોડશે એટલે તરત જ ભાગેડુ જાહેર કરીને બિનજામીન પાત્ર ગુના સાથે પાછાં લઈ આવવાનું કામ કરવામાં આવશે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે, જેણે પેટ ભર્યા છે એ સૌની ઊંઘ અત્યારે હરામ થઈ ગઈ છે. જેણે ખિસ્સા ભર્યા છે એ સૌ કોઈની ચોક્કસ જગ્યાએ દુખાવો શરૂ થઈ ગયો છે અને જેણે દીવાલોમાં રૂપિયા ચણાવ્યા છે એ સૌ કોઈ અત્યારે બધું પાછું આપીને પણ ભૂલ સુધારવાની વેતરણમાં છે.

આ પણ વાંચો: ચિદમ્બરમ પુરાણ- યાદ રાખજો, કર્મ તમારો પીછો છોડતું નથી અને છોડશે પણ નહીં

કર્મ, સાહેબ કર્મ. કરતાં પહેલાં વિચારજો, યાદ રાખજો કે પાપ છાપરે ચડીને પોકારવાનું છે. પાપ ત્યારે જ છાપરે નથી ચડતું જ્યારે પલ્લું સામેવાળાનું ભારે હોય અને અહીંયા તો પાપને બહાર કાઢનારાનું પલ્લું સાવ ખાલીખમ છે. પાપ આવશે, છાપરે ચડીને પોકારશે અને જે કોઈએ ગજવા ભર્યા છે એ સૌ કોઈના શરીર ફાડીને એ પૈસો બહાર લાવવામાં આવશે. નક્કી છે આ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK