બળાત્કારનો ચિત્કાર : દેશને સાચી દિશામાં લઈ જવા માટે આ અધર્મ પર રોક લાગવી અત્યંત આવશ્યક

Published: Mar 12, 2020, 15:49 IST | Manoj Joshi | Mumbai

બળાત્કાર જેવા ગુનામાં ડર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો ડર નહીં હોય તો અસૂરોની તાકાત ક્યાંય અટકશે નહીં, તેનામાં સભાનતા પણ નહીં આવે અને તે ક્યારેય કોઈ બાબતમાં જાતીય આવેગ પર કાબૂ લાવવાની મહેનત પણ નહીં કરે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

હમણાં વૉટ્સઍપ પર એક મેસેજ આવ્યો. સાચો છે કે ખોટો એની પરખ કર્યા વિના જ તમને એ મેસેજની વાત કહેવી છે. મેસેજમાં કહ્યા મુજબ, ગુજરાતમાં દરરોજ ચાર રેપ-કેસ થાય છે. રેપની બાબતમાં અમદાવાદ પહેલા નંબરે છે અને સુરત બીજા ક્રમે આવે છે. આ જ મેસેજમાં લખ્યું છે કે આખા દેશમાં ઉત્તર પ્રદેશ બળાત્કારમાં સૌથી આગળ છે અને જો કોઈ જગ્યાએ મોલેસ્ટેશન એટલે કે છેડતી વધારે થતી હોય તો એ શહેરમાં મુંબઈનું નામ આવે છે. આંકડાઓ હજી પણ આગળ છે પણ આપણે આંકડાની નહીં, આપણે આ મુદ્દાની ચર્ચા કરવાની છે. દેશને સાચી દિશામાં લઈ જવો હોય, દેશને સાચી ઓળખ આપવી હોય અને દેશને પ્રગતિશીલ બનાવવો હોય તો બળાત્કાર જેવા અધર્મને અટકાવવો પડશે, એમાંથી છુટકારો મેળવવો પડશે અને વહેલી તકે આ પ્રકારના ક્રાઇમમાંથી ફ્રી થવું પડશે.

આ પ્રકારના ક્રાઇમને અટકાવવાનું કામ જો કોઈના હાથમાં હોય તો એવા બે જ રસ્તા છે. એક તો કાયદો કડક થાય અને બીજું, માનસિકતા બદલાય. કાયદો કડક કરવા વિશે અઢળક વાતો થઈ છે એટલે એની વધારે ચર્ચા કર્યા વિના એટલું જ કહીશ કે અત્યારે એવી પરિસ્થિતિ છે કે પીડિતાએ સાબિત કરવું પડે છે કે આવું જઘન્ય કૃત્ય તેની સાથે થયું છે, પણ હકીકત જુદી હોવી જોઈએ. જઘન્ય કૃત્યમાંથી પસાર થયેલી પીડિતાએ નહીં, એ કૃત્યમાં સંકળાયેલા કે પછી જેના પર આરોપ છે એ આરોપીએ પોતાની નિર્દોષતા પુરવાર કરવી જોઈએ. બહુ જરૂરી છે આ આખી પ્રોસેસ. જો આ પ્રોસેસમાં યુવતી જ અટવાયેલી રહેશે તો કેસ આપોઆપ ઢીલો પડી જશે અને કેસ ઢીલો પડશે તો ક્યારેય કોઈને ન્યાય નહીં મળે અને સાહેબ, જો ન્યાય મળશે નહીં તો કોઈ ડર પેસશે નહીં. બળાત્કાર જેવા ગુનામાં ડર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો ડર નહીં હોય તો અસૂરોની તાકાત ક્યાંય અટકશે નહીં, તેનામાં સભાનતા પણ નહીં આવે અને તે ક્યારેય કોઈ બાબતમાં જાતીય આવેગ પર કાબૂ લાવવાની મહેનત પણ નહીં કરે.

વાત બીજા રસ્તાની પણ સમજવાની જરૂર છે. જો માનસિકતા બદલાશે તો જ હિન્દુસ્તાન આખું બદલાશે. માનસિકતા બદલવી પડશે અને એની શરૂઆત ઘરથી કરવી પડશે. જો ઘરથી આ કામ થાય તો અને તો જ માનસિકતા પર લાંબા ગાળાની અસર દેખાય. ઘરની સાથોસાથ માનસિકતા બદલવા માટે તમારે એ પ્રકારનું વાતાવરણ પણ ઊભું કરવું પડશે. જો ‘ગંદી બાત’ અને એવી વેબ-સિરીઝ સોસાયટીમાં ઠલવાતી રહેશે તો ક્યારેય કોઈ ફરક નહીં આવે. આ પ્રકારનું સાહિત્ય આવેગોને ઉશ્કેરવાનું અને ખોટી દિશામાં શક્તિ ખર્ચવાનું આહવાન કરે છે અને અત્યારે એ જ થઈ રહ્યું છે. ગંદું કે બીભત્સ સાહિત્ય હાથવગું છે, મોબાઇલવગું છે. બે ચાંપ દબાવવાથી વાસનાની આખી દુનિયા સામે આવી જાય છે. મોબાઇલ ગંદકી ઓકવા માંડે છે અને ઓકી રહેલી આ ગંદકી માનસિકતા બગાડવાનું કામ કરે છે. જો સ્વસ્થ સમાજ જોઈતો હશે તો સ્વસ્થ સાહિત્ય અને સ્વસ્થ મનોરંજન પૂરું પાડવું પડશે. દરેક વખતે મૉડર્નાઇઝેશન વાજબી નથી હોતું, કેટલીક વખત પછાત હોવાનો પણ લાભ મળતો હોય છે અને અત્યારે તો એ જ દેખાઈ રહ્યું છે. મૉડર્ન થઈને આપણે વિકૃત થવા માંડ્યા છીએ. આ વિકૃતિને રોકવી હોય તો બધાએ સજાગ થઈને જાગૃત અવસ્થામાં કામ કરવું પડશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK