અણઆવડત અને હોશિયારીઃ ધૂળ છે તમારી ફિશિયારી પર જો તમારા વડીલો હજી પણ અણઘડ હોય

Published: Sep 11, 2019, 08:04 IST | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

થોડા સમય પહેલાંની વાત છે. મારે મારા એક પરમ મિત્રના ઘરે જવાનું થયું. પાર્લાના જૂના ઘરની પાસે જ રહેતા એ મિત્રના ઘરે પહોંચ્યો ત્યારે એ મહાશય ત્યાં હાજર નહોતા, પણ તેમનાં વયોવૃદ્ધ મમ્મી-પપ્પા હતાં.

થોડા સમય પહેલાંની વાત છે. મારે મારા એક પરમ મિત્રના ઘરે જવાનું થયું. પાર્લાના જૂના ઘરની પાસે જ રહેતા એ મિત્રના ઘરે પહોંચ્યો ત્યારે એ મહાશય ત્યાં હાજર નહોતા, પણ તેમનાં વયોવૃદ્ધ મમ્મી-પપ્પા હતાં. મને જોઈને બન્ને ખુશ થઈ ગયાં. નવરાશ હતી એટલે હું પણ તેમની સાથે વાતોએ વળગ્યો. થોડી વાર પછી મિત્રનાં મમ્મી અચાનક ઊભાં થયાં અને અંદર જઈને મોબાઇલ લઈ આવ્યાં અને મને આપીને એ સમજાવવાનું કહેવા માંડ્યાં - વિનંતી સાથે અને જો મને વાંધો ન હોય એવા વિવેક સાથે. મેં જોયું તો તેમના હાથમાં બીજું એક બૉક્સ પણ હતું. એમાં નવો મોબાઇલ હતો. મેં પૂછ્યું કે આ નવો મોબાઇલ છે તો પછી શું કામ આ જૂનો વાપરો છો. તેમણે જે કહ્યું એ મને ખરેખર હાડોહાડ લાગી આવ્યું. તેમણે કહ્યું કે ‘આ નવો મોબાઇલ મારી દીકરી મને ભેટ આપી ગઈ, પણ હવે મને કોઈ જૂના મોબાઇલમાંથી નવા મોબાઇલમાં ઓ’લી ચિપ નાખી નથી દેતું અને સમજાવતું નથી કે એ કામ કેમ થાય. હવે દીકરી પાછી સાસરેથી આવશે ત્યારે તેની પાસે જ કરાવીશ.’

સાહેબ, ફટ છે એ દીકરાને, તેની વહુને અને તેમનાં પૌત્ર-પૌત્રીઓને કે જેમની દાદી આ પ્રકારના શબ્દો વાપરે છે. હું તો કહીશ કે મારો એ મિત્ર આગળ વધવાના ગમે એટલા ઉછાળા માર્યા કરે અને પૈસા કમાવાની લાયમાં ગમેએટલો ભાગે પણ જેની મા આમ જીવ બાળતી ઘરમાં બેઠી હોય તેની કોઈ પ્રગતિ ક્યારેય થાય જ નહીં અને થાય તો એમાં પણ ભગવાને તેને ફસાવવાની કોઈ ચાલ જ ગોઠવી હોય.

હું કહીશ કે ભગવાન તો બહુ દૂર છે. આપણા પહેલા ભગવાન તો આપણાં મા-બાપ અને આપણા ગુરુ છે. તમે જોજો, ગુરુને મેં ત્રીજા ક્રમે મૂક્યા છે. પહેલા સ્થાને મા-બાપ જ હોય અને તેમનું એ સ્થાન કોઈ લઈ શકે નહીં. મા-બાપની અજ્ઞાનતા કે પછી મા-બાપની ભૂલ એ હકીકતમાં તો સંતાનોની અણઆવડતનું જ પરિણામ છે, એના સિવાય બીજું કંઈ નથી. ઐશ્વર્યા રાય કે પછી મુકેશ અંબાણીનાં મમ્મી-પપ્પા પણ કંઈ ટેક્નૉલૉજી સાથે નહોતાં જન્મ્યાં. તેમને માટે પણ આ મોબાઇલ અને કમ્પ્યુટર એક સમયે નવાં જ હતાં અને એ શીખવાં તેમને માટે પણ અઘરાં જ હતાં પણ એમ છતાં આજે તેઓ આ બધાં ગૅજેટ્સને ખૂબ ઉમદાપૂર્વક વાપરી શકે છે.

આપણાં મા-બાપની ઉંમરના જ છે આ લોકો, એમ છતાં તેમને આવી ગૅજેટ્સની નડતર નથી, કારણ કે તેમના આ સ્તરે પહોંચેલાં સંતાનો પણ તેમનાં મા-બાપને આજના સમયના બનાવવાનું કામ કરે છે અને હું તો કહીશ કે એ જ કારણ છે કે તેમની સફળતા પણ આવી અચરજ પામે એ સ્તર સુધી પહોંચેલી છે. દરેક વખત તમે તમારી મહેનતને જ દાદ આપો એવું જરૂરી નથી. કેટલીક વખત તમારી મહેનત સાથે જો આપણા વડીલોના આશીર્વાદ પણ જોડાયેલા હોય તો એ મહેનતનું પરિણામ ગંજાવર મળતું હોય છે. જો એવું જ પરિણામ જોઈતું હોય અને એવા જ પરિણામની અપેક્ષા રાખતા હો તો વડીલોને એક પણ સ્તર પર લાચારી ન આવે એ જોવાનું ધ્યાન રાખો.

આ પણ વાંચો: વાત વાણીસ્વાતંત્ર્યની: કહો જોઈએ, તમે બોલો છો કે બકવાસ કરો છો?

વડીલોની હાજરી કઠતી હશે આજે, પણ તેમની ગેરહાજરી જિંદગીભર કઠશે. એ પીડા એવી હશે જે તમે સહી પણ નહીં શકો અને તમે કોઈ પાસે વર્ણવી પણ નહીં શકો. એક દિવસ એ જવાના છે, પણ એ જશે ત્યારે તમારાં સંતાનોને એ બધું તમે જ શીખવી દીધું હશે કે ઘરડાં થઈ ગયા પછી તમારે કેવી રીતે અમારી સાથે વર્તવાનું છે. જો એવું ન કરવું હોય તો મહેરબાની કરીને આજે સુધરી જજો. નહીં તો, મુઝ વીતી તુજ વીતશે...

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK