કાળી ચૌદશ: કકળાટ કાઢવા માટે ક્યાંય કોઈની જરૂર નથી, તમે એકલા જ પૂરતા છો

Published: Oct 26, 2019, 14:31 IST | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી | મુંબઈ

આજે કાળી ચૌદશ છે. વૈષ્ણવો આને રૂપ ચૌદશ પણ કહે છે, પરંતુ કાળી ચૌદશ માટે મારે એક વાત કહેવી છે. આ કાળી ચૌદશ છે જ નહીં, મૂળભૂત રીતે આ કાલી ચૌદશ છે.

કાળી ચૌદશ
કાળી ચૌદશ

આજે કાળી ચૌદશ છે. વૈષ્ણવો આને રૂપ ચૌદશ પણ કહે છે, પરંતુ કાળી ચૌદશ માટે મારે એક વાત કહેવી છે. આ કાળી ચૌદશ છે જ નહીં, મૂળભૂત રીતે આ કાલી ચૌદશ છે. મા કાલીને ફાળવવામાં આવેલો દિવસ એટલે આજનો દિવસ પણ વાંધો નહીં, કાળી હોય કે કાલી હોય, ભાવના શુદ્ધ હોવી જોઈએ અને જેકંઈ કરવામાં આવતું હોય એ દિલથી થતું હોય તો ઈશ્વર સુધી એ અવાજ પહોંચે જ છે. યાદ હશે વાલિયા લૂંટારાની જ્યારે આંખો ખૂલી ત્યારે તેને સૌથી પહેલાં પ્રાયશ્ચિત્ત સૂઝ્યું હતું. પ્રાયશ્ચિત્ત વચ્ચે તેણે ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું અને ‘રામ-રામ’ સ્મરણ શરૂ કરી દીધું. રામના સ્મરણમાં એટલી હદે જાણ ચાલતો હતો કે વાલિયાને એ પણ ખબર ન રહી કે તે ક્યારેય ‘રામ-રામ’ને બદલે ‘મરા-મરા’નું સ્મરણ કરવા માંડ્યો હતો. જરૂરી પણ નહોતું કે કોઈ તેની આ વાત સુધારે અને કોઈ તેને સાચું માર્ગદર્શન આપે. ન તો આ કામ ભગવાને કર્યું અને ન તો ત્યાંથી પસાર થનારાએ. પસાર થનારાઓને વાલિયાના સ્મરણમાં ગાંડપણ દેખાતું હતું અને ભગવાનને તેના સ્મરણમાં ભક્તિ દેખાતી હતી.

વાલિયાને રામનો સાક્ષાત્કાર થયો. આ સાક્ષાત્કાર વચ્ચે ફરીથી આપણે આપણી દિશામાં આગળ વધીએ. આજે કાળી ચૌદશ છે. મા કાલીનો દિવસ. કાલીના આ દિવસે એટલું જ કહેવાનું કે દરેક બહેન-દીકરી યાદ રાખે કે તેની અંદર પણ એક કાલી શ્વસે છે, તેને માત્ર શ્વસતી નથી રાખવાની, પણ જરૂર પડે ત્યારે હાથમાં ત્રિશૂળ લઈને એ તાણી પણ લેવાનું છે અને જરૂર પડે ત્યારે સામેવાળાની છાતી ફાડીને એમાંથી રક્તધારા વહેતી પણ કરી દેવાની છે. બદતમિઝીનો કકળાટ ક્યાંય કાઢવા જવાની જરૂર નથી, એને માટે તમે પૂરતા છો, તમે એકલા બસ છો. જો તમે એ ન કરી શકો કે તમે એનો સામનો ન કરી શકો તો યાદ કરો, એક કાલી તમારી અંદર પણ વસે છે. એ તમને શ્વાસ લેવાની તાકાત આપે છે તો તે જ તમને શ્વાસ ઝૂંટવી લેવાની તાકાત પણ આપે છે.

શરીર પર થતા‍ અજાણ્યા સ્પર્શો અને એ સ્પર્શમાં રહેલી વિકૃતિ અને એ વિકૃતિમાં રહેલી વાસનાને તાબે નહીં થતા. ના, ક્યારેય નહીં અને જરા પણ નહીં. તમારી સાથે કરવામાં આવતા એ ગેરવર્તનનો જવાબ આપજો, એવો જવાબ કે સામેવાળાનું જડબું તૂટી જાય અને એ જડબું તોડવાની તાકાત તમારામાં છે, છે અને છે જ. તમારે આજની કાળી ચૌદશે એ જ નક્કી કરવાનું છે કે અંદર રહેલી એ તાકાતને તમે બહાર લાવશો, જો એ સૂતેલી હશે તો તમે એને જગાડશો અને જો એ બુઠ્ઠી થઈ ગઈ હશે તો તમે એની નવેસરથી ધાર કાઢશો પણ એ ચલાવી નહીં લો. આ પિશાચો, આ રાક્ષસો તમારી આ ચુપકીદીને લીધે જ પાવરધા બન્યા છે, સાંઢ જેવા થયા છે. બધા પુરુષો એવા છે એવું ધારવાની બિલકુલ જરૂર નથી અને બધાના મનમાં એવી ભાવના હોય છે એવું પણ માનવાને આવશ્યકતા નથી. મૂંગા રહેવાની આ ભાવના તમારે મનમાંથી કાઢવાની છે. કાલી છો જ, જરૂર પડ્યે એ કાલીનું રૂપ હાંસલ કરવાનું છે તમારે. એક વખત, માત્ર એક કે બેની સામે એવી રીતે વર્તશો તો લખી રાખજો કે બીજા ૨૦૦ સીધા થઈને તમારી સામે આવશે.

બનજો કાલી. છે ક્ષમતા તમારામાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK