તળ મુંબઈના વીજગ્રાહકો વધુ એક દરવધારા માટે તૈયાર રહે

Published: 26th October, 2014 05:33 IST

રહેવાસી ગ્રાહકો માટે બેસ્ટના વીજળીના દરો શહેરમાં સૌથી વધુ છે અને જો સૂત્રોનું માનવામાં આવે તો આ દરો હજી વધશે. વીજળીના દરોમાં આગામી નાણાકીય વર્ષે ૧૪થી ૧૬ ટકાનો વધારો થવો શક્ય છે. ૧૦૧થી ૩૦૦ યુનિટ વીજળી વાપરનારા ગ્રાહકોનાં બિલોમાં યુનિટદીઠ એક રૂપિયાનો વધારો થશે, જ્યારે વધુ વપરાશ ધરાવતા રહેવાસી ગ્રાહકોનો યુનિટદીઠ વધારો હાલના ૮.૯૪ રૂપિયાથી વધીને યુનિટદીઠ ૧૦.૨૪ રૂપિયા થશે. મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (MERC) સમક્ષ થોડા દિવસોમાં બેસ્ટ પોતાનો પ્રસ્તાવ રજૂ કરશે અને MERC દ્વારા મંજૂર થતાં એ આવતા એપ્રિલ મહિનાથી અમલી બનશે. જોકે આ દરવધારા માટે MERCની મંજૂરી આવશ્યક છે. એપ્રિલ મહિનામાં દરવધારો કરવામાં આવ્યો હતો. એથી બેસ્ટની આવકમાં છેલ્લા છ મહિનાથી વધારો થતાં ઉપક્રમને એની ખોટ ભરપાઈ કરવામાં મદદ મળી છે.

બેસ્ટના કોલાબા-કફ પરેડથી લઈને માહિમ અને સાયન સુધી ૧૦.૫ લાખ ગ્રાહકો છે. બેસ્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે ૨૦૧૨-’૧૩ની કુલ ૩૮૮૩ કરોડ રૂપિયાની ખોટ ઘટાડીને ૨૦૧૩-’૧૪માં ૨૪૦૭ કરોડ રૂપિયા કરી હતી. ૨૦૧૩-’૧૪માં ૧૭૭ કરોડ રૂપિયાનો નફો અને ૨૦૧૪-’૧૫માં ૧૧૨૮ કરોડ રૂપિયાનો નફો કરવા ધારીએ છીએ.’

જો આ આંકડાઓ હકીકતમાં બદલાય તો બેસ્ટના નફામાં આ રેકૉર્ડ ઉછાળો હશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK