Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અગિયાર મહિનામાં માઇનસ ૩૬

અગિયાર મહિનામાં માઇનસ ૩૬

24 June, 2019 11:15 AM IST | મુંબઈ
વર્ષા ચિતલિયા - મૅન્સ વર્લ્ડ

અગિયાર મહિનામાં માઇનસ ૩૬

પ્રશાંત મહેતા

પ્રશાંત મહેતા


મૅન્સ વર્લ્ડ

સમોસા, પીત્ઝા, ભેળપૂરી-સેવપૂરી, વડાપાંઉ જેવું જન્ક ફૂડ ખાવાના શોખીન કાંદિવલીના ૩૯ વર્ષના પ્રશાંત મહેતાએ આજથી એક વર્ષ અગાઉ વજન ઉતારવા વિશે વિચાર્યું નહોતું. ભારેખમ શરીરના કારણે તું ઉંમર કરતાં આઠ-દસ વર્ષ મોટો દેખાય છે, નજીકની એક ફ્રેન્ડના એવા ટોણાએ તેમના જીવનની દિશા બદલી નાખી. હવે તો વજન ઘટાડીને જ બતાવવું છે, જ્યાં સુધી વજન ઊતરશે નહીં ત્યાં સુધી તારી સામે આવીશ નહીં. મનોમન આવો દૃઢ નિશ્ચય કર્યા બાદ માત્ર અગિયાર મહિનામાં તેમણે ૩૬ કિલો વજન ઘટાડીને બતાવ્યું છે. આટલા ઓછા સમયમાં અધધધ વજન કઈ રીતે ઘટ્યું એની પ્રેરક દાસ્તાન તેમના જ શબ્દોમાં રજૂ કરી છે.



એવું તે શું થયું કે આખો દિવસ આચરકૂચર ખાવાની ટેવ ધરાવતા પ્રશાંતભાઈએ અચાનક વજન ઉતારવાની હઠ પકડી? આ પ્રશ્નનો જવાબ આપતાં તેઓ કહે છે, ‘વજન ઉતારવા માટે હું લાઇફમાં ક્યારેય ગંભીર હતો જ નહીં. શૅરબજારમાં કામ કરું છું તેથી ખુશી હો યા ગમ બન્ને સિચુએશનમાં પાર્ટી હોવી જોઈએ એ પ્રકારની લાઇફ-સ્ટાઇલ હતી. છેલ્લાં દસ વર્ષથી તો ૧૧૫ કિલો વજન એકસરખું રહ્યું હતું. ધીમે-ધીમે કરતાં ૧૨૯ સુધી પહોંચી ગયો. આટલી નાની વયે સ્થૂળકાય શરીર સારું ન કહેવાય, પરંતુ ખાવા પર મારો કોઈ કન્ટ્રોલ જ નહીં. આઇસક્રીમ ખાવા બેસું તો એક-દોઢ કિલો ઝાપટી જાઉં. ગયા વર્ષે એવી ઘટના બની કે સલમાન ખાનની જેમ મને કિક લાગી ગઈ. મારી એક ક્લોઝ ફ્રેન્ડે ટોણો માર્યો કે જાડા માણસો ઉંમર કરતાં વૃદ્ધ દેખાય, તું પણ પિસ્તાળીસની ઉપરનો દેખાય છે. બસ, આ વાત હૃદય સોંસરવી ઊતરી ગઈ.’


મારા માટે વજન ઉતારવું લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું કાર્ય હતું એમ જણાવતાં પ્રશાંતભાઈ કહે છે, ‘હું વૈષ્ણવ છું, પણ કેટલાક જૈન મિત્રોની પ્રેરણાથી થોડાં વર્ષ પહેલાં અઠ્ઠાઈ કરવાની હિંમત કરી હતી. એ રીતે થોડો વિલપાવર હતો જ. એ વખતે થોડું વજન ઊતર્યું હતું, પણ ખાઈપીને જલસા કરવાની ટેવ રહી એટલે પાછું વધી ગયું. આ વખતે પપ્પા અને પુત્ર મારા પ્રેરણાસ્રોત બન્યા. મારા દીકરા માનવે એસએસસીમાં સારા ટકા લાવવા જે રીતે ટાઇમટેબલ બનાવ્યું છે એ જોઈને મને થયું કે લાઇફમાં કોઈ ધ્યેય નક્કી કરો તો એને અચીવ કરવા મચી પડવું જોઈએ. મારું સંતાન કરી શકે તો હું કેમ ન કરી શકું? એ જ રીતે પપ્પા પૅરૅલિસિસના હુમલા બાદ સ્વસ્થ થયા એનાથી મને તંદુરસ્તીની વ્યાખ્યા સમજાઈ. ભૂતકાળમાં વજન ઉતારવાના અનેક વાર પ્રયાસો કર્યા હતા, અડતાળીસ કલાકથી વધુ સમય ભૂખ્યો રહી શક્યો નથી તેથી શરૂઆતમાં બધાને થયું કે આ સોડાબૉટલનો ઊભરો છે, હમણાં શમી જશે. પણ આ વખતે હું મક્કમ હતો.’

કોઈ પણ જાતના ડાયટ ચાર્ટ અને હેવી એક્સરસાઇઝ વગર સ્વબળે વજન ઊતર્યું કઈ રીતે? વજન ઉતારવા તેમણે કરેલા પ્રયોગો અને નવી લાઇફ-સ્ટાઇલ વિશે માહિતી આપતાં પ્રશાંતભાઈ કહે છે, ‘સૌથી પહેલાં તો ટાર્ગેટ નક્કી કર્યો કે એક વર્ષની અંદર કોઈ પણ હાલતમાં પિસ્તાળીસથી પચાસ કિલો વજન ઉતારવું છે. આઠ વાગ્યા પહેલાં પથારી ન છોડવાની આદત બદલી સવારે સાડાપાંચ વાગ્યે ઊઠવાનું શરૂ કર્યું. દીકરાની સાઇકલ લઈને નીકળી પડતો. થોડી વાર વૉકિંગ અને થોડી વાર સાઇક્લિંગ એમ એક કલાક એક્સરસાઇઝ કરતો હતો. આ સાથે ઘઉં અને રાઇસનો સદંતર ત્યાગ કર્યો. ભૂખ લાગે ત્યારે કાકડી, ટમેટાં અને સીઝનલ ફ્રૂટ્સ, ખાસ કરીને પપૈયું અને સફરજન ખાતો. કોઈક વાર બહુ જ ભૂખ લાગે તો શિંગોડા અથવા થોડી શિંગ ખાઈ લઉં. મારી વાઇફ માનસી વૈવિધ્યસભર સૅલડ અને અટ્રૅક્ટિવ લાગે એ રીતે ફ્રૂટ્સને સજાવી આઠ-આઠ ડબ્બા ભરીને આપતી. ઑફિસમાં બધા જોઈ રહેતા કે આ માણસ કરે છે શું? પહેલા છ મહિનામાં માત્ર પંદર કિલો જ વજન ઘટ્યું હતું. ઇંચમાં ખાસ ફરક પડ્યો નહીં. વજન ઘટવાની પ્રક્રિયા ધીમી લાગતાં સ્પીડ ડબલ કરી નાખી. સાડાપાંચની જગ્યાએ સાડાચાર વાગ્યે ઊઠવા લાગ્યો. કાંદિવલી વેસ્ટથી ઈસ્ટ અને મલાડ સુધી સાઇકલ લઈને જતો. હવે તો અંધેરી સુધી સાઇકલ ચલાવું છું. સૌથી મોટો ફાયદો પાણીથી થયો. શરીર સ્થૂળ હતું ત્યારે પણ પાણીનું ઇનટેક ચાર લીટર જેટલું હતું. લિક્વિડ લેવાની કૅપેસિટી વધુ હોવાથી આખો દિવસ છાશ પીધા કરતો. એનાથી પેટ ભરાયેલું રહેતું.’


હઠમાં ને હઠમાં અનાજ છોડી દીધું, પણ ખાધા વગર કેમ ચાલે? ક્યારેય વિચાર આવ્યો કે જવા દો, કંઈ નથી કરવું. આવો સવાલ સાંભળી પ્રશાંતભાઈ બોલ્યા, ‘એક વાર નહીં અનેક વાર વિચાર આવ્યો. ખાધા વગર રાતે ઊંઘ ન આવે. અડધી રાતે ખાવાની ઈચ્છા થઈ આવે. જ્યારે આવું થતું ત્યારે હું સાચે બેડ પરથી ઊભો થઈ મારી ફ્રેન્ડનો ફોટો કાઢીને જોઈ લેતો. પછી મારો પોતાનો ફોટો જોતો. માથા પર વજન ઉતારવાનું એવું ઝનૂન સવાર હતું કે ખાવાની જરૂર પડતી નહીં. ઊલટાનું રાતે અઢી વાગ્યે યુ-ટ્યુબમાં જોઈ-જોઈને ઍરોબિક્સ કરતો અને પાછો સૂઈ જતો.’

આ પણ વાંચો : તમારું બ્લડપ્રેશર લોનના હપ્તાએ વધારી દીધું છે?

આકરી મહેનત, ડેડિકેશન અને લાઇફ-સ્ટાઇલમાં બદલાવ લાવી પ્રશાંતભાઈએ ૩૬ કિલો જેટલું વજન ઉતાર્યું છે. કમરનો ઘેરાવો ૪૬ ઇંચમાંથી ૩૮ થઈ ગયો છે. અત્યાર સુધીમાં ચાર વાર તેઓ કપડાં ઑલ્ટરેશન કરાવી ચૂક્યા છે. મમ્મીના હાથની અડદની દાળ તેમની ફેવરિટ છે. પરિવારના સભ્યોના આગ્રહને વશ થઈ હવે તેઓ અઠવાડિયામાં એક વાર અડદની દાળ ખાય છે. રોટલી અને ભાત ખાવાનું હજી શરૂ કર્યું નથી. લાંબા સમયથી અનાજ ન લેવાના કારણે તેમને કોઈ હેલ્થ ઇશ્યુઝ આવ્યા નથી. શાકભાજી અને ફળમાંથી તેમને જરૂરી પોષક તત્ત્વો મળી રહે છે. તેઓ પોતાના ટાર્ગેટની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. ટોણો મારનાર ફ્રેન્ડ સાથે એક વર્ષથી કૉન્ટૅક્ટ ન રાખનારા પ્રશાંતભાઈ જુલાઈમાં પોતાની ફ્રેન્ડ સમક્ષ રૂબરૂ હાજર થઈ તેને સરપ્રાઇઝ આપશે.

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2019 11:15 AM IST | મુંબઈ | વર્ષા ચિતલિયા - મૅન્સ વર્લ્ડ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK