ઘર પાસેની હોટેલમાં રૂમ ભાડે લઈને આત્મહત્યા

Published: 30th December, 2014 05:38 IST

પત્ની ને ત્રણ દીકરીઓ લગ્નમાં ગયાં એ પછી  નાલાસોપારાના માણસનું રહસ્યમય સુસાઇડ


પ્રીતિ ખુમાણ ઠાકુર

નાલાસોપારામાં સ્ટેશન નજીકની એક હોટેલની રૂમ ભાડે લઈને એક વ્યક્તિએ એમાં આત્મહત્યા કરી હોવાનો શૉકિંગ બનાવ બન્યો છે. તેની પત્ની અને ત્રણ દીકરીઓ લગ્નપ્રસંગે ભિંડીબજાર ગયાં ત્યાર બાદ તેણે હોટેલમાં એક રૂમ ભાડે લઈને એમાં સુસાઇડ કર્યું હતું.

નાલાસોપારા (ઈસ્ટ)ના આચોલે રોડ પર આવેલા ઝૈનબ અપાર્ટમેન્ટના ફ્લૅટ-નંબર ૨૦૬માં પત્ની અને ત્રણ દીકરીઓ સાથે રહેતો ૪૫ વર્ષનો મુફદ્દલ દુર્ગવાલા ગ્લાસ અને ઍલ્યુમિનિયમ સ્લાઇડિંગની ટ્રેડિંગ શૉપમાં કામ કરતો હતો. પરિવાર સાથે તે રાજીખુશીથી રહેતો હતો. દરમ્યાન ૨૭ ડિસેમ્બરે તેનો પરિવાર ભિંડીબજારમાં એક સંબંધીનાં લગ્નમાં ગયો હતો. મુફદ્દલ એ વખતે ઘરે જ રહ્યો હતો. ઘરના લોકો લગ્નમાં જવા ઊપડી ગયા બાદ તેણે ઘર પાસે આવેલી વ્રજ લૉજિંગ ઍન્ડ બોર્ડિંગ નામની હોટેલમાં એક રૂમ ભાડે લીધી હતી. રૂમ લીધા બાદ તે કોઈક કામસર બહાર ગયો હતો અને શનિવારે રાતે રૂમમાં પાછો ફર્યો હતો. ત્યારે હોટેલના વેઇટરે ક્યારે ચેક-આઉટ કરશો એવું પૂછતાં તેણે રવિવારે સવારે જઈશ એમ કહ્યું હતું.

નાલાસોપારા પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે સવારે  ચેક-આઉટનો સમય થવા છતાં તે ન આવતાં વેઇટરે રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતાં વેઇટરે મૅનેજરને એની જાણ કરી હતી. ત્યાર બાદ મૅનેજરે ડુપ્લિકેટ ચાવી વડે દરવાજો ખોલ્યો ત્યારે તેમને મુફદ્દલ રૂમમાં પંખા પર ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. હોટેલના રેકૉર્ડ પર નંબર જોઈને અમે તેના પરિવારને ઘટનાની જાણ કરી અને તેની ડેડ-બૉડી પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપી હતી. અમે એના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. અમે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. જોકે રૂમમાંથી કોઈ સુસાઇડ-નોટ ન મળતાં તેણે આવું પગલું કયા કારણસર ભર્યું એ રહસ્યમય બની રહ્યું છે. તેણે પોતાના ઘરમાં સુસાઇડ ન કરતાં હોટેલમાં જઈને શા માટે કર્યું એ પણ જાણવા જેવું છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK