Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દુનિયા જીતવી હોય તો છેડો સા રે ગા મા પાનો સૂર

દુનિયા જીતવી હોય તો છેડો સા રે ગા મા પાનો સૂર

18 February, 2019 10:51 AM IST |
વર્ષા ચિતલિયા

દુનિયા જીતવી હોય તો છેડો સા રે ગા મા પાનો સૂર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મૅન્સ વર્લ્ડ

જીવનસાથીની પસંદગીમાં ચહેરાની લાક્ષણિકતા મહત્વનો ભાગ ભજવે છે એમાં કોઈ શંકા નથી. સાઇકોલૉજિકલ રિસર્ચ કહે છે કે સંગીતના કારણે પુરુષોનો ચહેરો આકર્ષક દેખાય છે. તેમના ચહેરા પર જોવા મળતા વિભિન્ન હાવભાવના કારણે મહિલાઓ તેમની તરફ આકર્ષાય છે. સંગીતપ્રેમી પુરુષો તેમની પ્રથમ પસંદગી હોય છે એવું નોંધવામાં આવ્યું છે. હૉબીની બાબતમાં પુરુષોની પસંદગી ખૂબ જ લિમિટેડ હોય છે તેથી એ જાણવું રસપ્રદ રહેશે કે મ્યુઝિક સાથેનો તેમનો નાતો કેટલો ગહેરો છે. ચાલો ત્યારે સૂર અને સંગીતનો જબરો શોખ ધરાવતા પુરુષોને મળીએ.



આ દુનિયામાં તમને ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ મળશે જેને સંગીત પ્રત્યે લગાવ ન હોય એવો અભિપ્રાય આપતાં કલ્યાણના બિઝનેસમૅન જગદીશ પટેલ કહે છે, ‘નાના બાળકથી લઈને વડીલોના કાનમાં સંગીતના સૂર રેલાય એટલે નિજાનંદ મળે છે. ઘોડિયામાં સૂતેલું બાળક પણ હાલરડાં સાંભળીને શાંત થઈ જાય છે એ દર્શાવે છે કે સંગીતને ઉંમર સાથે કોઈ બાધ નથી. વડીલોને ભજન ગમે છે તો નવી જનરેશનને ધમાલિયું સંગીત ગમે અને મારા જેવા સંગીતપ્રેમીને વળી અર્થસભર ગઝલો ગમે. મને નાનપણથી જ મ્યુઝિકનો ગાંડો શોખ. બે કાન વચ્ચે સૂર રેલાય એટલે શરીરમાં એક પ્રકારની ઝણઝણાટી આવી જાય, જોમ આવી જાય. કોઈક વાર ગીતની પંક્તિઓ ગણગણવાનું મન થઈ આવે તો ક્યારેક થાય આ ગીતમાં તો ફુલ વૉલ્યુમ હોવું જોઈએ. સંગીત વગરની દુનિયા હું કલ્પી જ નથી શકતો. માત્ર સાંભળવાનો જ નહીં, વાદ્યો વગાડવાનો પણ જબરો શોખ છે. ડ્રમ, કી-બોર્ડ, ઢોલક અને હાર્મોનિયમ જેવાં વાદ્યો વગાડતાં જાતે જ શીખ્યો છું. કવિતાઓ પણ લખું છું. ઇન્ટરનેટના કારણે મારા શોખને ગતિ મળી. એને જીવંત રાખવા ઊંઘવાના સમયમાંથી થોડો સમય ચોરી લઉં છું. મારા ખુશમિજાજ સ્વભાવમાં સંગીત અને સાહિત્યનો મોટો હાથ છે. મ્યુઝિક થેરપીથી રોગને ભગાડી શકાય છે એવું વિજ્ઞાન કહે છે, પરંતુ મારું અંગતપણે માનવું છે કે સૂર સાથે તમારો સંબંધ હોય તો રોગ આવતો જ નથી.’


સૂર અને સ્વરના કારણે મારા જીવનની દિશા જ બદલાઈ ગઈ એમ જણાવતાં કાંદિવલીના મ્યુઝિક-કમ્પોઝર અને સિંગર જયેશ આશર કહે છે, ‘મ્યુઝિકનો પ્રભાવ એટલો શક્તિશાળી છે કે નસીબ જોર કરતાં હોય તો તમારી લાઇફનો ટર્નિંગ પૉઇન્ટ બની જાય. જેમ ‘૩ ઇડિયટ્સ’ ફિલ્મમાં ફરહાન કુરેશી પરાણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો એવી જ રીતે હું ચાર્ટર્ડ અકાન્ટન્સીની પરીક્ષાની તૈયારી કરતો હતો. ભણવા કરતાં સંગીતમાં વધારે રસ હતો, પરંતુ ઘરના સભ્યોને એમાં ફ્યુચર દેખાતું નહોતું. મને નવથી પાંચની જૉબ કરતાં નવથી નવના વર્ક પ્રોફાઇલનો ક્રેઝ હતો. એક દિવસ હિંમત કરી બધાની ગાળો ખાઈ લીધી અને અભ્યાસ પડતો મૂક્યો. આજે કોઈ રિગ્રેટ નથી. ગમેતેટલો થાકેલો હોઉં સ્ટુડિયોમાં જઈને બેસું એટલે બધો થાક ઊતરી જાય. મ્યુઝિક સ્ટુડિયો એવી જગ્યા છે જે તમારા ઉત્સાહમાં વધારો કરે છે. ઉપરોક્ત રિસર્ચ સાથે પણ હું સંપૂર્ણપણે સહમત છું. મ્યુઝિક એ મનોરંજનનું અને લોકોના હૃદય સુધી પહોંચવાનું માધ્યમ છે. તમે જ્યારે લોકોને એન્ટરટેઇન કરો છો ત્યારે અલગ ઑરા ક્રીએટ કરો છો. મ્યુઝિકને પોતાની હૉબી બનાવનારા અને એક્સ્ટ્રા ટૅલન્ટ ધરાવતા પુરુષો સેન્ટર ઑફ ધ અટ્રૅક્શન બને છે એ વાત સાચી છે. માત્ર ઑપોઝિટ સેક્સ જ નહીં, નાના બાળકથી લઈને વડીલો સહિત બધા તમારા પ્રત્યે આકર્ષાય છે. મને યાદ છે કૉલેજના જમાનામાં હું પિકનિક પર માઉથ ઑર્ગન વગાડતો અને ગીતો ગાતો ત્યારે બધા મારી આગળપાછળ ગોઠવાઈ જતા. આવો જાદુ બીજા કોઈ ફીલ્ડમાં જોવા નથી મળતો.’

સંગીતને યોગ સાથે સરખાવતાં ભાઈંદરના બિઝનેસમૅન નટવરલાલ શર્મા કહે છે, ‘સંગીત અને યોગનો સમન્વય થાય એટલે વ્યક્તિ જોશમાં આવી જાય. મ્યુઝિક એક પ્રકારનું મેડિટેશન જ છે. ગીતો ગાવાથી તમારો દિવસભરનો થાક ઊતરી જાય છે. સાઉન્ડ સિસ્ટમ દવાનું કામ કરે છે. હાથમાં માઇક પકડો એટલે સ્ટ્રેસ ભાગી જાય. મેડિટેશનને મ્યુઝિક સાથે શું લેવાદેવા એવું વિચારતા હો તો કહી દઉં કે પુરુષો માટે આ લાઇફ ચેન્જિંગ ઍક્ટિવિટી છે. આ વાત હું મારા વર્ષોના અનુભવના આધારે કહું છું. મેં મારા જીવનના સારાનરસા દિવસોને સંગીતના માધ્યમથી મધુર બનાવ્યા છે. જેમ યોગ સાધનામાં પ્રાણાયામનું અદકેરું મહત્વ છે એવી જ રીતે સંગીત મારા માટે પ્રાણવાયુ છે. મને ભજન ગાવાનો શોખ છે. આ હૉબી મને વારસામાં મળી છે. ભજનના શબ્દો કાનમાં પડે એટલે અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. અમે ભજનમંડળી બનાવી છે. જેવું આવડે એવું અને જે ગીત ગમે એ ગાવાનું. એકબીજાને પ્રોત્સાહિત કરવા અમે વૉઇસ ઑફ રફી, વૉઇસ ઑફ મુકેશ એવાં નામો પણ આપ્યાં છે. કોઈને ગાવાનો શોખ હોય, પણ સૂરની સમજ ન હોય તો તેને શીખવાડીએ પણ ખરા. બધા ભેગા મળીને સંગીતને લગતી અલકમલકની વાતો કરીએ. તમારા ચહેરા પર ખુશી હોય એની સામેવાળા પર પૉઝિટિવ અસર થાય. સાયન્સે પણ આ બાબતની પુષ્ટિ કરી છે. સંગીતમાં ઊંડો રસ ધરાવતા પુરુષો સૌને આકર્ષે છે અને તેમના ચાહકોનો વિશાળ વર્ગ હોય છે એ વાત સો ટકા સાચી છે.’


આ પણ વાંચો : જાએં તો આખિર જાએં કહાં?

રાગથી રોગને ભગાડી શકાય છે એવું સાયન્સે શોધી કાઢ્યું છે એવી માહિતી આપતાં બોરીવલીનાં મ્યુઝિક ટીચર અને મ્યુઝિક થેરપિસ્ટ સપના શાહ કહે છે, ‘મારી પાસે આવતા વીસ ટકા સ્ટુડન્ટ્સ એવા હોય છે જેને ડૉક્ટરે સંગીત શીખવાની સલાહ આપી હોય. આમાં ટ્યુમર અને બ્લડ-પ્રેશરની બીમારી ધરાવતા સ્ટુડન્ટ્સની સંખ્યા વધુ છે. સંગીત જે કરી શકે છે એ દવાની ગોળીઓ નથી કરી શકતી. ભારતીય સંગીતમાં ગજબનો જાદુ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના વૈજ્ઞાનિકો પણ માને છે કે ક્લાસિકલ સંગીતથી રોગ મટાડી શકાય છે. સંગીત કૅન્સર જેવા જીવલેણ રોગમાં રિલીફ આપે છે તો ઇન્સૉમ્નિયા જેવી બીમારીનો રામબાણ ઇલાજ છે. થોડાં ઉદાહરણ લઈએ : ઊંઘને લગતી સમસ્યા હોય એવા દરદીએ મોડી સાંજે યમન રાગ સાંભળવો જોઈએ. હું ગૅરન્ટી સાથે કહું છું કે ઊંઘની ગોળી ખાવી નહીં પડે. એ જ રીતે રાગ બાગેશ્રી ડાયાબિટીઝ અને હાઇપરટેન્શનમાં રાહત આપે છે. રાગ દરબારી તમને તાણમુક્ત કરે છે અને રાગ ભૈરવ બ્લડ-પ્રેશરને કન્ટ્રોલમાં રાખવાનું કામ કરે છે. પુરુષોને લગતી ઉપરોક્ત સ્ટડી વિશે મારું માનવું છે કે સંગીત શીખવાથી તમારામાં શાગિર્દ ભાવ જાગે છે. તમારા સ્વભાવમાં વિનમ્રતાનો ગુણ વિકસે એટલે ઓવરઑલ પર્સનાલિટીમાં ચાર ચાંદ લાગી જાય. સંગીતના કારણે તમારો અવાજ પણ સૉફ્ટ બને છે. મૃદુભાષી પુરુષો કઈ સ્ત્રીને ન ગમે? સંગીતમાં એટલો પાવર છે કે તમે અનાયાસે એ તરફ ખેંચાઈ જાઓ છો. સૂર અને તાલના સહારે તો જગ પણ જીતી શકાય છે.’

મ્યુઝિકના કારણે જીવનની દિશા ફંટાઈ ગઈ - જયેશ આશર, સિંગર ઍન્ડ મ્યુઝિક કમ્પોઝર

રાગથી તો રોગ પણ દૂર ભાગે છે - સપના શાહ, મ્યુઝિક ટીચર

મારા ખુશમિજાજ સ્વભાવનું કારણ સૂર અને સંગીત જ - જગદીશ પટેલ, બિઝનેસમૅન

સંગીત માત્ર શોખ નથી, મારો પ્રાણવાયુ છે - નટવરલાલ શર્મા, બિઝનેસમૅન

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2019 10:51 AM IST | | વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK