સ્ત્રીની વાતોમાં ફીલિંગ્સ અને ઇમોશન્સ હોય જ્યારે પુરુષ એટલે સાવ સૂકોભઠ. નારીને રડવાની, લાગણી વ્યક્ત કરવાની, આંસુ સારવાની છૂટ; પરંતુ પુરુષ આમ કરે તો હાંસીને પાત્ર બને છે. સ્ત્રી અને પુરુષની આ સામાન્ય સામાજિક વ્યાખ્યા છે. પુરુષને હંમેશાં સ્ટ્રૉન્ગ પર્સન તરીકે જ ડિફાઇન કરવામાં આવ્યો છે પરિણામે તે પોતાના ઇમોશન્સને એક્સપ્રેસ કરવામાં નબળો પુરવાર થાય છે. ફિઝિકલી અને મેન્ટલી સુપિરિયર ગણાતો પુરુષ ખરેખર પ્રૅક્ટિકલ છે કે પછી લાગણીવેડા કરવા તેને ગમતા નથી? કેટલાક મુંબઈગરાઓને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે શું કહ્યું જાણીએ
રૂંધાવા કરતાં વ્યક્ત કરવું સારું, પણ નથી કરી શકાતું : જયેશ મોમાયા, માટુંગા
પુરુષોને લાગણીઓ વ્યક્ત કરતાં આવડતી નથી અને વ્યક્ત કરવામાં માનતા પણ નથી આ બન્ને વાત સો ટકા સાચી છે એવો અભિપ્રાય આપતાં જયેશ મોમાયા કહે છે, ‘સિક્કાની બે બાજુ હોય છે. જે ઉપર છે એ દેખાય છે. નીચેની બાજુ ડાર્ક સાઇડ હોય છે. સ્ત્રીઓ બોલે છે એ દેખાય છે જ્યારે પુરુષ નીરસ લાગે છે. પુરુષોની સાથે શરૂઆતથી આમ જ થતું આવ્યું છે. સોશ્યલ, પ્રોફેશનલ અને પર્સનલ પ્રેશરના કારણે તેઓ મનની વાત જલદીથી કોઈને શૅર કરતા નથી. એનો અર્થ એ નથી કે તેમનામાં સંવેદનશીલતાનો અભાવ છે. પ્રેમ અને ગુસ્સા જેવી લાગણીઓ તેમનામાં હોય તો ખરી જને! રૂઢિચુસ્ત ભારતીય સમાજમાં પુરુષોને શરૂઆતથી જ સ્ટ્રૉન્ગ બનવાની સલાહ આપવામાં આવે છે. એના લાગણીવેડા કોઈને ગમતા નથી. હું જે બોલીશ એનું રીઍક્શન શું આવશે? સામેવાળી વ્યક્તિનું માન જળવાશેને? પુરુષને પોતાને આવી શંકા હોય છે એટલે બોલવાનું ટાળે છે. કોઈની સાથે બહુ જ સ્ટ્રૉન્ગ બૉન્ડિંગ હોય ત્યારે જ બે શબ્દો વ્યક્ત કરી શકે છે. ઘણાં કપલ એમ કહેતાં હોય કે અમે તો એકબીજાને બધી વાત કરીએ. આ પૂરેપૂરું સાચું નથી. સંબંધ ગમે એટલો મજબૂત હોય, સ્ત્રી કે પુરુષ બન્ને કંઈક તો છુપાવે જ છે. સો ટકા ફીલિંગ્સ ક્યારેય વ્યક્ત કરી શકાતી નથી. જોકે અંદરખાને રુંધાવું એના કરતાં જેટલું વ્યક્ત કરી શકો છો કરી લેવું જોઈએ જેથી મન હળવું થઈ જાય.’
લાગણીઓને વ્યક્ત કરવાનો તેમનો તરીકો જુદો છે : દર્શના મહેતા, વિલે પાર્લે
પુરુષોમાં ફીલિંગ્સ તો છે. ફૅમિલી મેમ્બરોની જરૂરિયાતો પૂરી કરવી, પત્નીની પસંદ-નાપસંદને નોટિસ કરવું, સંતાનોના અભ્યાસમાં રુચિ લેવી, વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, આ બધા લાગણી વ્યક્ત કરવાના પ્રકારો છે. દર્શના મહેતા કહે છે, ‘પત્નીને આઇ લવ યુ કહેવું, ગિફ્ટ લાવી આપવી કે કલાકો સુધી બેસીને પ્રેમાલાપ કરવો દરેક પુરુષને ગમતું નથી. મોટા ભાગના પુરુષોને શબ્દોથી નહીં, હેલ્પિંગ અને કૅરિંગના માધ્યમથી લાગણીઓ વ્યક્ત કરવી ગમે છે. તેઓ પત્ની સાથે બેસીને વાતો કરતા નથી એનાં બીજાં કારણો પણ છે. મહિલાઓ બોલે ત્યારે સામાન્ય રીતે ઘરની ફરિયાદો મુખ્ય હોય. આપણી પાસે બીજો વિષય ન હોય તો એ લોકો બોલે શું? અને આપણે સમજીએ છીએ કે તેઓ નીરસ છે. હકીકતમાં એવું હોતું નથી. પુરુષોને જુદા-જુદા વિષયો પર વાતો કરવી ગમે છે, પરંતુ ઘરના અને બહારના એમ મલ્ટિપલ સ્ટ્રેસથી બચવા તેઓ પોતાની બનાવેલી બૉર્ડરની બહાર નીકળતા નથી. ઘણી વાર સંતાનો અને ફૅમિલી મેમ્બરોને પુરુષ સભ્ય બોલે એ ઇન્સ્ટ્રક્શન આપતા હોય એવું લાગે છે તેથી તેમણે લિમિટ બાંધી રાખી છે. અમારા ઘરના પુરુષો પણ જલદીથી ઓપનઅપ થઈ શકતા નથી. તેમને બોલવા કરતાં અમારા માટે કંઈક કરવું વધુ ગમે છે. જોકે અમારો પ્રયત્ન એવો હોય કે ડિનર લેતી વખતે તેઓ સ્ટ્રેસ-ફ્રી થઈને બોલે ને અમે શાંતિથી સાંભળીએ. આવું જ્યારે થયું છે અમે અનુભવ્યું છે કે પુરુષો પાસે વ્યક્ત કરવા માટે ઘણુંબધું છે.’
સામાજિક દાયરાની બહાર નીકળવું પુરુષ માટે અઘરું છે : અલ્પેશ ચૌહાણ, કાંદિવલી
સ્ત્રીઓ જનરલ વાતો કરે એમાંય ફીલિંગ્સ હોય, જ્યારે પુરુષોની વાતો સાવ નીરસ હોય છે એવું તો સાવ ન કહી શકાય. પુરુષોને લાગણીઓ વ્યક્ત કરતાં આવડે છે, પરંતુ તેઓ એક દાયરામાં બંધાયેલા છે એવો અભિપ્રાય આપતાં કાંદિવલીના અલ્પેશ ચૌહાણ કહે છે, ‘નાનપણથી પપ્પા, મોટાભાઈ અને ઘરના અન્ય પુરુષોને ફૉલો કરવાની ટેવના કારણે તેઓ એક લેવલથી વધુ સંવેદનશીલ બની શકતા નથી. બહુ લાગણીવેડા કરવા જાય તો સામેવાળી વ્યક્તિને છિછોરાપણું લાગે છે, કારણ કે તેના મનમાં પુરુષની જુદી ઇમેજ બનેલી છે. જોકે હવે માહોલ બદલાયો છે. મનમાં મૂંઝાયા કરવાથી અને ઇમોશન્સને દબાવી રાખવાથી હાર્ટ-અટૅક સહિત અનેક પ્રકારના હેલ્થ ઇશ્યુ ફેસ કરવા પડે છે. ઇમોશન્સને એક્સપ્રેસ કરવાથી નબળા પુરવાર નથી થતા આ વાત તેઓ સ્વીકારતા થયા છે. મને તો જાહેરમાં આંસુ વાટે લાગણી વ્યક્ત કરવામાં પણ સંકોચ થતો નથી. એક પ્રાર્થનાસભામાં ભાઈની બેની લાડકી ગીત સાંભળીને આંસુ રોકી શક્યો નહોતો. આજના સમયમાં પચાસ ટકા પુરુષો મહિલાઓની સાથે, ખાસ કરીને પત્નીની સાથે દિલ ખોલીને વાતો કરી શકે છે. અંગત જીવનમાં શબ્દો દ્વારા પ્રેમ વ્યક્ત કરવો ગમે છે અને કરી શકું છું. હા, વ્યવસાયિક ટેન્શનની રજૂઆત કરવામાં અમે નથી માનતા. એનાં જુદાં કારણો છે. અહીં લાગણીવેડા નથી ચાલતા અને સ્ત્રીઓ લૉજિકમાં સમજતી નથી પરિણામે પુરુષો અમુક વાતો કરવાનું ટાળે છે. ઘરનું વાતાવરણ બગડે નહીં એ માટે કેટલીકવાર ચુપકીદી સાધવી પડે છે. આ મામલામાં સ્ત્રીઓ વધુ લાગણીશીલ છે અને ઊભરો ઠાલવી શકે છે એવું કહી શકાય.’
મહિલાઓને સાંભળવાની આદત નથી એટલે પુરુષ નીરસ લાગે છે : હેમલ શાહ, મલાડ
શારીરિક અને માનસિક રીતે મજબૂત ગણાતા પુરુષની વાતોમાં ફીલિંગ્સ નથી હોતી એવું જે ચિત્ર મહિલાઓના મન પર અંકિત થયેલું છે એનું કારણ તે પોતે જ છે. સ્ત્રીએ ક્યારેય પુરુષને બોલવાની તક આપી નથી તો લાગણી દેખાય ક્યાંથી? હેમલ શાહ કહે છે, ‘લગભગ દરેકના ઘરમાં મહિલાઓ એટલું બધું બોલતી હોય છે કે પુરુષો શાંત રહેવાનું પસંદ કરે છે. તમે જેને પાષાણ હૃદયની ઉપમા આપો છો તેને એક વાર સાંભળી જુઓ, પુરુષના હૃદયમાં ઘણી વાતો ધરબાયેલી છે. પ્રેમ, ફરિયાદ, ગુસ્સો આ બધું કંઈ જેન્ડર બાયસ નથી. ઘર અને સંતાનોની બાબતમાં નિર્ણય લેવાનો હોય ત્યારે ઇન્ફૉર્મ કરવાની જગ્યાએ તેમનો અભિપ્રાય પૂછી જુઓ, એકથી એક ચડિયાતા ઇનોવેટિવ આઇડિયાઝ મળશે. અફસોસ કે મહિલાઓને સાંભળવાની કે ચૂપ બેસવાની આદત નથી એટલે તેને પુરુષ નીરસ લાગે છે. લગ્ન પહેલાં હું પણ એવું જ માનતી હતી કે મારા હસબન્ડ પાસે બોલવા માટે કંઈ નહીં હોય. જોકે મારી આ માન્યતા બહુ જલદી બદલાઈ ગઈ હતી. પ્રથમ વખત સાસુ માટે મધર્સ ડેની ગિફ્ટ લેવા ગયાં ત્યારે તેમણે મારાં મમ્મી માટે પણ સેમ ટુ સેમ ગિફ્ટ લીધી હતી. મારે કહેવાની જરૂર નથી પડી. એ પછી તો દામ્પત્યજીવનમાં નાની-મોટી ઘણી એવી ઘટનાઓ બની જેમાં મારે ફક્ત સાંભળવાની અને તેમના રીઍક્શનને જોવાની તૈયારી રાખવાની હતી. મારો અનુભવ કહે છે કે પુરુષો પાસે ઘણી વાતો છે. બસ, તમે તેને બોલવાની તક આપો.’