Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પોતે 'બા'ના પર્યાય હોવા છતાંય તેમની પ્રોફેશનલ એથિક્સમાં કોઈ ખોટ નહીં

પોતે 'બા'ના પર્યાય હોવા છતાંય તેમની પ્રોફેશનલ એથિક્સમાં કોઈ ખોટ નહીં

09 June, 2020 03:55 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

પોતે 'બા'ના પર્યાય હોવા છતાંય તેમની પ્રોફેશનલ એથિક્સમાં કોઈ ખોટ નહીં

મેમરી લેન: ‘બા રિટાયર હોતી હૈ’ના બે આધારસ્તંભ અરવિંદ જોષી અને શફી ઈનામદાર

મેમરી લેન: ‘બા રિટાયર હોતી હૈ’ના બે આધારસ્તંભ અરવિંદ જોષી અને શફી ઈનામદાર


આ મારા જીવનનો એ સમયગાળો છે જે સમયે મારી આસપાસ ઘણું બધું બની રહ્યું હતું. નવું નાટક ‘બા રિટાયર થાય છે’ હું શફી ઈનામદાર સાથે પ્રોડ્યુસ કરવાનો હતો તો ‘ફતેચંદનું ફુલેકું’માં હું પહેલી વાર લીડ રોલમાં હતો એટલે મને એને માટે પણ ખૂબબધો હૉપ હતો. ત્રીજી તરફ ગુજરાતી સિરિયલનું પણ પ્લાનિંગ ચાલી રહ્યું હતું અને એને માટે મૌખિક મંજૂરી મળી ગઈ હતી, તો ચોથી તરફ શફીભાઈનું રેગ્યુલર કામ પણ મારે જોતા રહેવાનું હતું. શફીભાઈ એ સમયે સફળતાની નવી-નવી સીડી ચડતા જતા હતા. આમ એકસાથે અનેક મોરચે ભાગતો હોવાથી કામ કરવાની મને ખૂબ મજા આવતી હતી. મિત્રો, એક વાત યાદ રાખજો કે બીજા દિવસે જાગવાની તાલાવેલી હોય એ સમય સુખનો સમય છે અને એવું જ મારી સાથે થઈ રહ્યું હતું. દરરોજ રાતે સૂઉં ત્યારે મારી પાસે બીજા દિવસના કામની એક લાંબી યાદી હોય. હું મારા ખિસ્સામાં ત્રણ ઇંચની એક ડાયરી રાખતો, જેમાં હું રોજેરોજનાં કામ લખી રાખતો. જેમ-જેમ કામ પતતું જાય એમ-એમ છેકતા જવાનું. આજે પણ એ આદત ચાલુ છે, પણ હવે ડાયરીની જગ્યા મોબાઇલ ફોને લઈ લીધી છે.

‘ફતેચંદનું ફુલેકું’ ઓપન થવાનું હતું ત્યારે સાઇડ-બાય-સાઇડ ‘બા રિટાયર થાય છે’ના કાસ્ટિંગની તૈયારીઓ પણ અમે આરંભી દીધી હતી. નાટક પહેલાં ૨પ ફેબ્રુઆરીએ ઓપન થવાનું હતું, પણ આઇએનટીએ ‘અગ્નિપથ’નો એક શો સુરતમાં આપી દીધો હોવાથી અમારે ડેટ ચેન્જ કરવી પડી અને પચીસમીએ તેજપાલને બદલે ૪ માર્ચે પાટકરથી ઓપન કરવાનું ગોઠવ્યું.



‘ફતેચંદનું ફુલેકું’નાં રિહર્સલ્સ ચરમસીમા પર હતાં. મને ‘ફતેચંદનું ફુલેકું’ માટે બહુ હૉપ હતો. એમાં અમે બધાએ તનતોડ મહેનત કરી હતી. મને હજી યાદ છે કે હિન્દુજા ઑડિટોરિયમમાં અમે નાટકનાં ગ્રૅન્ડ રિહર્સલ્સ કરતા હતા. રવિવારે બિરલા ક્રીડા કેન્દ્રમાં પોણાઆઠ વાગ્યે નાટક ઓપન થવાનું હતું અને શનિવારે અમારી પાસે એક જ દિવસ હતો. અમે સવારે અગિયાર વાગ્યે ઑડિટોરિયમમાં ઘૂસ્યા અને બીજા દિવસે એટલે કે રવિવારે સવારે બહાર નીકળ્યા. નાટકમાં પાંચ-છ લોકેશન હતાં. એમાં ટ્રેનનો પણ એક સેટ હતો. કુમાર વૈદ્યએ બહુ જ સરસ સેટ બનાવ્યો હતો. વીસથી બાવીસ કલાકારો, છ-છ સેટ્સ, જાતજાતનાં કૉસ્ચ્યુમ્સ. રવિવારે સાંજે ‘ફતેચંદનું ફુલેકું’ ઓપન થયું અને લોકોએ નકારી કાઢ્યું. એ સમયે હું મનોમન ખૂબ નાસીપાસ થયો હતો. નિષ્ફળતાનો મને ક્યારેય ડર નથી રહ્યો, પણ એનો અર્થ એવો પણ નથી થતો કે એનું દુઃખ ન થાય. ‘ફતેચંદનું ફુલેકું’ માટે મને ખૂબ આશા હતી. નાટક પણ ખૂબ સારું બન્યું હતું. જોકે મારા અમુક વાંધા હતા, પણ એ વખતે મારી એવી કોઈ હેસિયત નહોતી કે રાજુ જોષી કે પ્રકાશ કાપડિયાને હું કહું કે નાટકમાં બદલાવ કરો. એ વખત પણ આવ્યો, પરંતુ એની વાત આગળ કરીશું, અત્યારે તો નાટક નહીં સ્વીકાર્યું. નીતિન દેસાઈની આગાહી મુજબ મારું એક નાટક ફ્લૉપ ગયું જે ઍક્ટિંગવાળું હતું એટલે હવે મારાં પ્રોડ્યુસ કરેલાં નાટક સફળ થવાના ચા‌ન્સ ખૂબ વધી ગયા. ઇન્ડસ્ટ્રીમાં તો સૌકોઈએ આ સબ્જેક્ટને નકારી કાઢ્યો હતો. આપણે ત્યાં ક્યારેય બા રિટાયર થાય જ નહીં. વર્કિંગ વુમનનો કોઈ કન્સેપ્ટ આપણા ગુજરાતીઓમાં છે જ નહીં એટલે આપણે ત્યાં ક્યારેય બા રિટાયર થાય નહીં. મને ઘણા લોકોએ વાર્યો પણ હતો કે આ નાટક કરવાનું રહેવા દે, પણ મને મારી આંખો પર ભરોસો હતો. મેં મરાઠી નાટક જોયું હતું. નાટક જોતાં-જોતાં અનેક વખત હું ધ્રુસકે-ધ્રુસકે રડ્યો હતો અને થોડો-થોડો હસ્યો પણ હતો. મને શફીભાઈની કાર્યશૈલી પર વિશ્વાસ હતો. એ સમયે તેમણે ખાસ કોઈ ગુજરાતી નાટક કર્યાં નહોતાં, પણ તેમણે જેકોઈ હિન્દી નાટકો કર્યાં હતાં એ નાટક-ઇન્ડસ્ટ્રી માટે ટ્રેન્ડસેટર બન્યાં હતાં. આજે પૃથ્વી થિયેટર ફૂલ્યુંફાલ્યું છે એના પાયામાં શફીભાઈ પણ છે. મને અરવિંદ જોષીની લેખનશૈલી પર પણ શ્રદ્ધા હતી. નાટક ઇમોશનલ તો હતું જ, પણ એમાં ઑર્ગેનિક હ્યુમર ભરવાની ક્ષમતા તેમનામાં હતી. આ ત્રણ ટ્રસ્ટના પાયા પર અમે આગળ વધતા હતા.


‘બા રિટાયર થાય છે’નું લીડ કૅરૅક્ટર પદ્‍મારાણી નક્કી હતાં. અલીરઝા નામદારને અમે મોટા દીકરાના રોલમાં ફાઇનલ કર્યો. અલી મારો જૂનો મિત્ર. લતેશ શાહનાં નાટકોમાં કામ કરતા એ સમયથી અમારી ઓળખાણ. અલીએ શફીભાઈનાં હિન્દી નાટકોમાં પણ ખૂબ કામ કર્યું હતું એટલે શફીભાઈએ મોટા દીકરાના રોલમાં અલીને ફાઇનલ કર્યો તો તેની વાઇફના રોલમાં શચી જોષી, નાના દીકરાના રોલમાં નીતિન વખારિયા અને નીતિનની વાઇફના રોલમાં ફાલ્ગુની દવે નક્કી કર્યાં. સમાજસેવકના રોલમાં ભરત શ્રોફ અને દીકરીના રોલમાં નિમિષા વેદ (હવે વખારિયા)ને ફાઇનલ કરી. જોકે એ પછી પણ એક ખૂબ મહત્ત્વનો અને સારો રોલ હજી બાકી હતો, બાપુજીના પાત્રનો. એ રોલ માટે શફીભાઈએ અશોક ઠક્કરનું નામ સૂચવ્યું અને આમ બાપુજીના રોલમાં અશોકભાઈ ફાઇનલ થયા. એ વખતે કલાકારોનું શું પેમેન્ટ હતું એની પણ વાત તમને કહું.

કલાકારોનાં કવરની વાત કરીએ એ પહેલાં વાત કરીએ નાટકના ટિકિટના દરની. અત્યારે નાટકની ટિકિટના દર ૫૦૦થી ૭૦૦ રૂપિયાથી શરૂ થાય છે, પણ એ સમયે ટિકિટનો ભાવ ૫૦ રૂપિયા હતો. અત્યારની ટિકિટના ૫૦૦ રૂપિયા પકડીએ તો સીધી ત્રિરાશિ દર્શાવે છે કે ભાવ દસ ગણા વધ્યા છે. હું કે શફીભાઈ કોઈ પણ પ્રકારનું કવર લેતા નહોતા. મૂળ લેખક અશોક પાટોળે અને અરવિંદ જોષીને ૧૫૦-૧૫૦ રૂપિયાનું કવર આપવામાં આવતું તો પદ્‍માબહેન સાથે ૧૨૦૦ રૂપિયાનું કવર નક્કી થયું. પદ્‍માબહેનની પ્રોફેશનલ એથિક્સની મારે તમને વાત કરવી જ જોઈએ. પદ્‍માબહેન સાથે ૧૨૦૦ રૂપિયા નક્કી થયા પછી તેમણે ૫૦૦ શો સુધી એક પણ રૂપિયાનો વધારો માગ્યો નહોતો, ક્યારેય નહીં અને એવું પણ નહીં કે બીજી કોઈ વાતમાં કે ફૅસિલિટીમાં ડિમાન્ડ કરી હોય. કોઈ પ્રકારનું એવું બ્લૅકમેઇલિંગ નહીં કે નાટક મારે કારણે ચાલે છે તો પ્રોડ્યુસરે આટલું તો કરવું પડેને! નાટક પદ્‍માબહેનનું પર્યાય બની ગયું હતું. ‘બા રિટાયર થાય છે’નાં બા એટલે પદ્‍માબહેન, આ વાત લોકોના મગજમાં છપાઈ ગઈ હતી. બા તરીકે તેમને જોવા ઑડિયન્સ ટેવાઈ ગયું હતું. બીજી કોઈ પણ ઍક્ટ્રેસ હોત તો કદાચ તેણે અમારું નાક દાબીને અમારી પાસેથી પૈસા ઓકાવ્યા હોત, પણ ના, પદ્‍માબહેને તો દૂર-દૂર સુધી એવો અણસાર સુધ્ધાં આવવા નહોતો દીધો. આવનારી પેઢીને કદાચ માનવામાં પણ નહીં આવે કે પદ્‍મારાણી જેવી સમયની પાબંદ, પ્રોફેશનલી એથ‌િકલ અને અદ્ભુત અભિનેત્રી આ રંગભૂમિ પર ક્યારેય આવી હશે.


વાત કરીએ બીજા ઍક્ટરોનાં પેમેન્ટની.

બાના હસબન્ડનું કૅરૅક્ટર કરનાર અશોક ઠક્કરને ૬૦૦ રૂપિયાનું કવર મળતું હતું તો મોટા દીકરા એવા અલીરઝા નામદારને ૨૫૦ રૂપિયાનું કવર મળતું હતું. અલીની વાઇફનું કૅરૅક્ટર કરતી શચી જોષીને પણ એટલું જ કવર હતું અને નાનો દીકરાના રોલમાં નીતિન વખારિયાને ૨૨પ રૂપિયા અને ફાલ્ગુની દવેને ૧૫૦ રૂપિયાનું કવર મળતું હતું. નિમિષા વખારિયા-વેદ એટલે કે નાટકમાં બાની દીકરીનું કૅરૅક્ટર કરતી હતી તેને ૧૨૫ રૂપિયાનું કવર મળતું હતું. નિમિષા સાથે મારું બીજું પણ એક સગપણ છે જે આ નાટકના શો દરમ્યાન જ બંધાયું, પણ એની વાત અત્યારે નથી કરતા. એ વાત આગળ જતાં કરીશું, અત્યારે નાટકના પેમેન્ટની જ વાતને આગળ વધારીએ. નાટકમાં ભરત શ્રોફ સમાજસેવકનો રોલ કરતો હતો અને તેનું ૨૫૦ રૂપિયાનું કવર નક્કી થયું હતું. ‘બા રિટાયર થાય છે’ની સર્જનયાત્રા આવતા મંગળવારે આગળ વધારીશું પણ એ પહેલાંની એક ખાસ સલાહ, લૉકડાઉન ખૂલ્યું છે તો એનો ઉપયોગ કરજો, દુરુપયોગ નહીં.

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2020 03:55 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK