પૈસા ક્યાં મૂકવા એની સલાહ આપનારું પણ કોઈ નહોતું

Published: Jul 07, 2020, 19:38 IST | Sanjay Goradia | Mumbai

‘બા રિટાયર થાય છે’ને એવી તે સક્સેસ મળી કે મારી તિજોરી આખી છલકાઈ ગઈ

સહકુટુંબ: ‘બા રિટાયર થાય છે’નું એક દૃશ્ય, જેમાં બા અને બાપુજી સાથે બે દીકરા, બન્નેની વહુ અને નવજાત બાળક સ્ટેજ પર
સહકુટુંબ: ‘બા રિટાયર થાય છે’નું એક દૃશ્ય, જેમાં બા અને બાપુજી સાથે બે દીકરા, બન્નેની વહુ અને નવજાત બાળક સ્ટેજ પર

‘બા રિટાયર થાય છે’નો શુભારંભ થયો. મિત્રો, સાચા અર્થમાં એ શુભારંભ હતો. પદ્‍મારાણીની એન્ટ્રી પર તાળીઓ અને પછી તો એકેક ડાયલૉગ પર લાફ્ટર. બાપુજી બનતા અશોક ઠક્કરે તો કૉમેડીમાં ઑડિટોરિયમમાં ઝાડુ ફેરવી દીધું હતું. મરાઠી નાટકમાં બાનું કૅરૅક્ટર સિરિયસ હતું, પણ ગુજરાતીમાં અરવિંદ જોષીએ એમાં થોડું હ્યુમર ભર્યું હતું તો શફીભાઈએ એ કૅરૅક્ટરને વધારે ઉપસાવીને સાવ અલગ જ લેવલ આપી દીધું હતું જેને લીધે ‘બા રિટાયર થાય છે’નાં બા રડમસ, રોતલ કે સોગિયું વર્તનારાં નહોતાં. શો પૂરો થયો, નાટકનાં ખૂબ વખાણ થયાં. બધાના મોઢે એક જ વાત, ‘નાટક ખૂબ ચાલશે.’

શુભારંભ પછી ‘બા રિટાયર થાય છે’ નાટકે ક્યારેય પાછું વળીને જોયું નથી. ખૂબ શો થતા, ચિક્કાર શો થતા. એ સમયે ચૅરિટીનું માર્કેટ એની ઉફાન પર હતું. મહિનાના અમે ૨૫-૩૦ શો કરતા. ગુજરાતનું એક ગામ બાકી નહોતું રહ્યું, જ્યાં આ નાટક ભજવાયું ન હોય. દરેક જગ્યાએ અમે નાટકનો શો કર્યો છે. તેજપાલમાં રવિવારે તો શો થાય, પણ એ ઉપરાંત વર્કિંગ-ડે એવા શનિવારે પણ શો થતો અને મજાની વાત એ છે કે શનિવારનો એ શો પણ હાઉસફુલ થતો. ઘાટકોપરમાં પણ ખૂબ શો થયા, પણ પ્રૉબ્લેમ એ હતો કે ત્રણ મહિને માંડ એક રવિવારની ડેટ મળે. જો રવિવારનો આગ્રહ રાખીએ તો તો એવી હાલત થાય કે ત્રણ મહિને એક શો કરવા મળે એટલે હું ઘાટકોપરમાં ગુરુવારે પણ ઑડિટોરિયમ લેતો અને એ દિવસે પણ શો કરતો, ગુરુવારનો શો સાવ ઓડ દિવસે પણ હાઉસફુલ રહેતો. અગાઉ આવું કયારેય થયું નહોતું અને મિત્રો, ‘બા રિટાયર થાય છે’ પછી પણ આવું કયારેય બન્યું નથી.

નાટક ખૂબ ચાલતું હતું અને ખૂબ રૂપિયા આવતા હતા. મારી તિજોરીમાં પૈસા સમાઈ નહોતા રહ્યા. મારા ઘરનાઓને તો કોઈને કલ્પના જ નહોતી કે નાટકમાં આવું બની શકે. એ લોકો તો અવઢવમાં જ હતા કે હું આ શું કરું છું. ‘બા રિટાયર થાય છે’ સુધીમાં મારા ફાધરનો દેહાંત થયો હતો એટલે સારું-ખરાબ, સાચું-ખોટું બધું મારે જાતે જ નક્કી કરવાનું હતું. ભવિષ્યના પ્લાનિંગ વિશે પણ કોઈ કહેનારું નહીં અને પૈસાનું ઍડ્જસ્ટમેન્ટ કેવી રીતે કરવું એ વિશે પણ કોઈ બોલનારું નહીં. બૅન્કમાં અકાઉન્ટ ખોલીને પૈસા એમાં જમા કરાવવા જોઈએ એવી સાદી અને સરળ સલાહ આપનારું પણ કોઈ નહોતું. એ સમયે મારા મનમાં તો બસ એક જ વાત કે મારે એટલા પૈસા ભેગા કરવા છે જેમાંથી હું એક ઘર ખરીદી શકું.

દર મહિને હું અને શફીભાઈ એ પૈસાનો હિસાબ કરતા અને અમારા બન્નેના ભાગે ખૂબ પૈસા આવતા. ઇમાનદારીથી કહું તો શફીભાઈએ ક્યારેય એવું વર્તન નહોતું કર્યું જેને લીધે મને એવું લાગે કે હું માત્ર તેમનો પાર્ટનર હોઉં, તેઓ મિત્ર તરીકે જ અને કોઈ-કોઈ વાર નાના ભાઈની જેમ જ મને રાખે. મને પાક્કું યાદ છે કે શફીભાઈ એ દિવસોમાં કે. બાપૈયાની ફિલ્મ કરતા હતા. એ ફિલ્મની વાત મેં થોડા સમય પહેલાં તમને કહી હતી. ફિલ્મનું નામ હતું ‘ઇજ્જતદાર’. દિલીપકુમાર લીડ ઍક્ટર અને સુધાકર બોકાડે ફિલ્મના પ્રોડ્યુસર હતા, પણ ફિલ્મનું બધું કામ સંભાળે કે. બાપૈયાનો ભાણેજ રમેશ રાવ.

આ રમેશ રાવની વાઇફ એક બિલ્ડરને ત્યાં જૉબ કરતી. મને એની ખબર એટલે એક દિવસ મેં તેને કહ્યું કે હું લોખંડવાલામાં જગ્યા શોધું છું. એ વખતે મારે ફિલ્મના કામ માટે લોખંડવાલામાં આવવાનું બહુ થતું. જેટલી વાર શાસ્ત્રીનગર પાસેથી પસાર થાઉં એટલી વાર મને થાય કે અહીં મારું ઘર હોય તો કેટલું સારું. એ સમયે શાસ્ત્રીનગરમાં બિલ્ડિંગો બહુ સરસ બનતાં હતાં. લોખંડવાલા માર્કેટમાં તમે એન્ટર થાઓ ત્યારે હંમેશાં બહુ ભીડ રહેતી, પણ બહારની બાજુએ એટલે કે સમર્થનગર સર્કલથી ચાર બંગલા તરફ જતા વિસ્તારમાં બિલકુલ શાંતિ હતી, એ શાંતિને લીધે મને એ એરિયા બહુ ગમતો.

વાત થયા પછી એક દિવસ મને રમેશ રાવ એ જગ્યાએ લઈ ગયા અને મને એક સૅમ્પલ ફ્લૅટ દેખાડ્યો. મને એ બે બેડરૂમનો ફ્લૅટ બહુ ગમી ગયો. હાફિઝ કૉન્ટ્રૅક્ટરનું નામ બધાએ સાંભળ્યું હશે, દેશનો બહુ મોટો આર્કિટેક્ટ. તેણે એ અપાર્ટમેન્ટની ડિઝાઇન બનાવી હતી. ફ્લૅટ ગમી ગયો એ પછી અશોક ઠક્કરની બાજુમાં રહેતા બાબલાભાઈ (હું તેમને એ જ નામે ઓળખું છું)એ કહ્યું કે માટુંગાના એક બિલ્ડરની આ જગ્યા છે, આપણે ફ્લૅટ માટે તેમને મળવા જઈએ.  શફીભાઈએ કહ્યું કે તું જો ફ્લૅટ લઈ રહ્યો છે તો હું પણ તારી સાથે આ બિલ્ડિંગમાં ફ્લૅટ લઈ લઉં.

અમે એ બિલ્ડરને મળવા ગયા. એ બિલ્ડિંગ હજી બનતું હતું અને એનું પઝેશન એક વર્ષ પછી મળવાનું હતું. મેં ફ્લૅટ લેવાનું નક્કી કર્યું એટલે શફીભાઈએ પણ નક્કી કર્યું અને મેં અને શફીભાઈએ એકેક ફ્લૅટ બુક કરાવી લીધો. બે બેડરૂમ-હોલ-કિચન. કિંમત ૧૦,૬૫,૦૦૦ રૂપિયા. લોખંડવાલામાં સુંદરવનમાં ફ્લૅટ લખાવ્યો, આ એ જ ફ્લૅટ હતો જ્યાં આજે હું રહું છું. ૯,૬૫,૦૦૦ ફ્લૅટના અને એક લાખ રૂપિયા ગૅરેજના.

જેવો મેં ફ્લૅટ લખાવ્યો કે મારો એ ગોલ પૂરો થયો એટલે હવે હું મૅરેજ માટે તૈયાર હતો. અમારા નાટકમાં કામ કરતી દીકરીનો રોલ કરતી નિમિષા વૈદ જે હવે નીતિન વખારિયાને પરણીને નિમિષા વખારિયા છે. એ વખતે તેણે મને કહ્યું કે મારી સિસ્ટર છે તેને તમે જોઈ લો અને તમે બન્ને એકબીજાને પસંદ કરો તો આપણે વાત આગળ વધારીએ. આમ મારી સામે જે સૌથી પહેલી છોકરી આવી તેની સાથે જ મેં લગ્ન કર્યાં. હું બીજી કોઈ છોકરી જોવા ગયો જ નહીં. મેં કહ્યું કે મને તારી બહેન પસંદ છે અને આ રીતે ટી. જી. પૅવિલિયનમાં મેં ધામધૂમથી લગ્ન કર્યાં. ૧૯૯૧ની ૭ ફેબ્રુઆરીએ મારાં લગ્ન થયાં. મારી પત્નીનું નામ ચંદ્રભાગા, પણ હું તેને પ્રેમથી ચંદા કહીને બોલાવું.

મૅરેજ થયાં ત્યારે અમારો ફ્લૅટ તૈયાર નહોતો એટલે થોડો સમય મારી બાના ઘરે રહ્યાં. ખેતવાડીમાં અમારી બે રૂમ. એક ૧૦૦ સ્ક્વેર ફુટની અને બીજી ૨૦૦ સ્ક્વેર ફુટની. ૧૦૦ સ્ક્વેર ફુટની નાની રૂમને મેં મારો બેડરૂમ બનાવ્યો અને ૨૦૦ સ્ક્વેર ફુટમાં રસોડું અને હૉલ. ફ્લૅટ તૈયાર થાય એટલે અમે ત્યાં શિફ્ટ થઈ જઈશું એવું નક્કી કર્યું.

આ બાજુ ‘બા રિટાયર થાય છે’ની આગેકૂચ સતત ચાલુ હતી. અમે ભારત સહિત જ્યાં-જ્યાં ગુજરાતી વસતા હતા એ બધા દેશોમાં શો કર્યા. એક રેકૉર્ડબ્રેકિંગ વાત કહું તમને. અમે સાઉથ ઇન્ડિયાની ટૂર કરી, જેમાં ત્યાંનાં બધાં જૈન સોશ્યલ ગ્રુપે ભેગાં થઈને અમારા ૭ શોનું આયોજન કર્યું. આ ટૂરમાં બૅન્ગલોર, હૈદરાબાદ, ચેન્નઈ, કોચિન, કાલીકટ, મદુરાઈ જેવાં શહેરો આવી જાય. અમે બસ લઈને ગયા હતા. મારી તકલીફ એ હતી કે હું પોતે દરેક જગ્યાએ જઈ શકું એમ હતો નહીં. અહીં મુંબઈમાં મારે શફીભાઈનું કામ પણ જોવાનું હતું એટલે અમે નાટક માટે એક પ્રોડક્શન મૅનેજર રાખ્યો હતો, જયંત ભગત.

જયંત ભગત ખૂબ સારો અભિનેતા અને એટલો જ સારો માણસ. જયંતને અમે વાત કરી એટલે તેણે ખુશી-ખુશી પ્રોડક્શન મૅનેજરની જવાબદારી સંભાળી લીધી. જયંતને લીધે મારી નાટકની આ બધી ટૂરની ચિંતા નીકળી ગઈ હતી. દેશના નાનામાં નાના શહેરમાં નાટકના શો થયા તો અમે કેન્યાની પણ ટૂર કરી હતી. એ ટૂર ૧પ ફેબ્રુઆરીએ શરૂ થવાની હતી અને ૭ ફેબ્રુઆરીએ મારાં લગ્ન થયાં. અમારા માટે તો આનાથી ઉત્તમ હનીમૂન બીજું કોઈ હોઈ જ ન શકે. મૅરેજ પછી હું અને મારી વાઇફ ચાર દિવસ માટે ગોવા ગયાં અને ત્યાંથી પછી અમે ટૂરમાં આફ્રિકા ગયાં. ૧૯ દિવસની ટૂર. એ પછી અમે મસ્કત, દુબઈ, સિંગાપોર અને હૉન્ગકૉન્ગની પણ ટૂર કરી, જેમાં હું એકલો ગયો, તો નાટકની અમેરિકા અને કૅનેડાની ટૂર કરી, પણ એમાં હું જોડાયો નહોતો.

‘બા રિટાયર થાય છે’ની આવી જ બીજી બધી વાતો સાથે ફરી જોડાઈશું આવતા મંગળવારે. ત્યાં સુધી ‘ઘરમાં રહો અને કોરોના વાઇરસને ભગાડવાનું કામ કરો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK