કરે કોઈ, ભરે કોઈ

Published: 7th February, 2021 08:29 IST | Mehul Jethva | Mumbai

શ્રી મુલુંડ ક્ષત્રિય રાજપૂત સમાજના એક સભ્યે પોતાના જ સમાજના લોકોનાં બૅન્ક-અકાઉન્ટ્સનો ગેરકાયદે કામ માટે ઉપયોગ કરતાં ઇન્કમ-ટૅક્સની નોટિસને લીધે ૧૮ મહિનાથી ૮૦ લોકોનાં ખાતાં સીઝ થઈ જવાની સાથે તેમની જિંદગી પણ અટકી ગઈ છે;

આરોપી નવીન રાઠોડ (ડાબે)એ કરેલી છેતરપિંડીને લીધે પરેશ રામાણી (વચ્ચે)એ કપડાંનો બાંકડો લગાવવો પડ્યો છે, જ્યારે સુમિત સોલંકીએ નોકરી છોડીને મેડિકલ સ્ટોરમાં કામ કરવું પડે છે.
આરોપી નવીન રાઠોડ (ડાબે)એ કરેલી છેતરપિંડીને લીધે પરેશ રામાણી (વચ્ચે)એ કપડાંનો બાંકડો લગાવવો પડ્યો છે, જ્યારે સુમિત સોલંકીએ નોકરી છોડીને મેડિકલ સ્ટોરમાં કામ કરવું પડે છે.

છેલ્લા દોઢ વર્ષથી હેરાનગતિનો સામનો કરી રહેલા શ્રી મુલુંડ ક્ષત્રિય રાજપૂત સમાજના લોકોને થોડા સમય પહેલાં ફરી એક વાર ઇન્કમ-ટૅક્સની નોટિસ આવતાં તેઓ ગભરાઈ ગયા છે. એનું કારણ એ છે કે આ નોટિસને લીધે તેમની જિંદગી અટકી ગઈ છે.

શ્રી મુલુંડ ક્ષત્રિય રાજપૂત સમાજના આશરે ૮૦ સભ્યોને ૨૦૧૯ની શરૂઆતમાં આઇટીની નોટિસો મળી હતી. એમાં તેમના બૅન્ક-ખાતામાં ૨૦૧૦માં થયેલા કરોડો રૂપિયાના ટ્રાન્ઝૅક્શન માટે લાખો રૂપિયાનો ટૅક્સ ભરવાનો આવ્યો હતો. મંડળના સભ્યોએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ૨૦૧૦માં શ્રી મુલુંડ ક્ષત્રિય રાજપૂત સમાજના સભ્ય નવીન રાઠોડે આ લોકોનાં બૅન્ક-અકાઉન્ટ્સનો ગેરકાયદે કામ માટે ઉપયોગ કર્યો હતો. એના ટૅક્સરૂપે આ લોકોને નોટિસ મળી હોવાનું જાણવા મળ્યું હતું. નોટિસ મળ્યાના થોડા દિવસમાં ૮૦ સભ્યોનાં બૅન્ક-અકાઉન્ટ્સ સીઝ થઈ ગયાં હતાં. ત્યાર બાદ શ્રી મુલુંડ ક્ષત્રિય રાજપૂત સમાજના લોકોએ ગયા વર્ષના માર્ચ મહિનામાં મુલુંડ પોલીસ-સ્ટેશનમાં નવીન રાઠોડ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત ૨૦૨૧ના જાન્યુઆરી મહિનામાં પણ આશરે ૯ લોકોને ટૅક્સ ભરવાની નોટિસ મળી હતી. આરોપીએ ૨૦૧૦માં સમાજનું ભલું કરવાના નામે સમાજના મેમ્બરો પાસે આધાર કાર્ડ અને પૅન કાર્ડની કૉપી લીધી હતી. ત્યાર બાદ તેણે અમુકનાં ખાતાંમાં ટ્રાન્ઝૅક્શન કર્યાં હતાં તો અમુકનાં નવાં અકાઉન્ટ ખોલ્યાં હતાં. આ સમાજમાં ઓછા ભણેલા લોકો હોવાથી આરોપીએ એવા લોકોને જ ટાર્ગેટ કર્યા હતા જેમને પોતે શું ખેલ ખેલી રહ્યો છે એની ખબર ના પડે. હવે આ બધાનાં બૅન્ક-અકાઉન્ટ્સ આઇટી અધિકારીઓએ સીલ કર્યાં હોવાથી તેઓ મોટી પરેશાનીમાં મુકાયા છે.

મુલુંડમાં રહેતા સુમિત સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બૅન્ક-અકાઉન્ટ ન હોવાથી મારી ૪૫,૦૦૦ રૂપિયાની નોકરી છૂટી ગઈ છે. નોકરી છૂટવાનું કારણ એ છે કે મારું બૅન્ક-અકાઉન્ટ સીલ થઈ ગયું છે અને હું જ્યાં પણ નોકરી માટે જાઉં છું ત્યાં તેઓ રોકડામાં પગાર આપતા નથી. તેઓ ઑનલાઇન અથવા ચેક આપે છે. એ કારણે હું હાલમાં મુલુંડની એક મેડિકલ શૉપમાં ૧૫,૦૦૦ રૂપિયાના પગારમાં કામ કરું છું. પોલીસ-ફરિયાદ કર્યા પછી પણ કોઈ પ્રકારની કાર્યવાહી નથી થઈ રહી.’

મુલુંડમાં રહેતા પરેશ રામાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉન પહેલાં હું એક કંપનીમાં નોકરી કરતો હતો. એ કંપની મારી પરેશાની સમજીને પહેલાં રોકડમાં પગાર આપતી હતી, પણ ત્રણ મહિના પછી એણે મને રોકડ પગાર આપવાની ના પાડી દીધી હતી. એને કારણે હાલમાં હું મુલુંડની માર્કેટમાં કપડાંનો એક સ્ટૉલ લગાડું છું અને મારું ગુજરાન ચલાવી રહ્યો છું. મેં ઘણી વાર આઇટી વિભાગનાં ચક્કર ખાધાં છે, પણ તેઓ મારી વાત સામે આંખ આડા કાન કરે છે.’

મુલુંડમાં રહેતા શંકર મકવાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો પરિવાર મોટો છે એટલે મેં મોટું ઘર લેવાનો વિચાર કર્યો હતો. એના માટે મેં જગ્યા જોઈ હતી. જોકે બધું ફાઇનલ થયા બાદ મને માલૂમ પડ્યું હતું કે મને ઘર માટે તો શું એક મોબાઇલ લેવા પણ બૅન્ક લોન નહીં આપે. એ વાતથી હું અને મારો પરિવાર તૂટી ગયા હતા. આ ઉપરાંત બૅન્ક-અકાઉન્ટ ન હોવાથી મારા વેપારમાં પણ ઘણી પરેશાની થઈ રહી છે. પોલીસને મારી અપીલ છે કે તે જલદી તપાસ શરૂ કરે.’

શ્રી મુલુંડ ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ જિતેન્દ્ર મકવાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ફરિયાદ તો પોલીસે નોંધી છે, પણ એની તપાસ ક્યારે શરૂ થશે એ નક્કી નથી. ફરિયાદ નોંધાવી એને આશરે ૧૮ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. અમારા કેસની તપાસ કરી રહેલા અધિકારીની પણ ટ્રાન્સફર થઈ ગઈ છે. અમારી તપાસ માટે અમારે કોની પાસે જવું એ અમને સમજાતું નથી. પોલીસ અમારો કેસ ઇકૉનૉમિક ઑફેન્સિક વિન્ગમાં ટ્રાન્સફર કેમ નથી કરતી એવો સમાજના લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે.’

પોલીસની ભૂમિકા સામે સવાલ

ઝોન સાતના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પ્રશાંત કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જો ફરિયાદ થઈ છે તો તપાસ ચાલુ હશે. આ સિવાય આ બાબતે વધુ કંઈ પણ વાત કરવાનું તેમણે ટાળ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK