આ વર્ષનો અંતિમ આર્ટિકલ છે આ અને એને માટે આનાથી ઉચિત હેડલાઇન બીજી કોઈ હોઈ ન શકે. આ બધા આપણા બધા એ સ્વજનો માટે છે જેમણે આ વર્ષે અણધારી વિદાય લીધી છે. કલ્પના ન કરી હોય એવી વ્યક્તિઓ સાવ અણધારી રીતે આપણી વચ્ચેથી અલોપ થઈ ગઈ. ઘણાને વિદાયની વેળાએ કે પછી એ પછીની વિધિઓ દ્વારા વળાવવા માટેની ઘડી પણ ન મળી. એ જે સ્વજનો ગયા એમાં મારરાં બહુ પ્રિય કલાકાર અને ગુજરાતી રંગભૂમિનાં દરેકનાં ગમતાં એવાં ઉત્કૃષ્ટ વ્યક્તિ મેઘના રૉયે ૬૬ વર્ષની વયે આપણી વચ્ચેથી વિદાય લીધી. મેઘનાબહેનની વિદાયની મને હજી સુધી કળ નથી વળી. હા, મન માનવા રાજી નથી. અમે ૨૦૦૦ની સાલમાં ગુજરાતી નાટક બનાવ્યું હતું, જેનું શીર્ષક ‘આવજો વ્હાલા ફરી મળીશું’. આ નાટકની સાઉથ આફ્રિકાની ટૂર વખતે વંદના પાઠક મૅટરનિટી લીવ પર ઊતર્યાં અને નાટકના બહુ ઓછા શો થયા હતા. વંદના પાઠકની જગ્યાએ મેઘનાબહેન અમારી સાથે જોડાયાં હતાં.
અમને એવા એક કલાકારની શોધ હતી જે ખૂબ માયાળુ લાગતાં હોય અને શિસ્ત પણ જાળવી શકે એવાં હોય. મેઘનાબહેન આ રોલ માટે એકદમ ફિટ હતાં. જેટલાં સુંદર તેઓ દેખાય એટલાં જ સુંદર તે વ્યક્તિ. ગુજરાતી રંગભૂમિ પર કે તેમની સાથે કામ કરનાર કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ યુનિટમાં તમને ક્યારેય કોઈ એવી વ્યક્તિ નહીં મળે જેમની સાથે મેઘનાબહેનની ખોટી ખટપટ થઈ હોય, ના ક્યારેય નહીં. મને મારી મોટી બહેન કમલની સતત યાદ અપાવતાં હોય એવાં. મોટી બહેન કહો તો મોટી બહેન અને માની જગ્યાએ ગણો તો મા. હા, તેમણે ‘આવજો વ્હાલા ફરી મળીશું’ નાટકમાં મારી મધરનો રોલ કર્યો હતો. જેમણે આ નાટક ન જોયું હોય તેમની જાણ ખાતર આ નાટક પરથી એક ફિલ્મ બની હતી, ટાઇટલ એનું ‘વક્ત - રેસ અગેઇન્સ્ટ ધ ટાઇમ’. અમિતાભ બચ્ચન અને અક્ષયકુમાર સ્ટારર આ ફિલ્મમાં શેફાલી શાહે માતાનો અદ્ભુત રોલ કર્યો હતો અને મેઘનાબહેને નાટકમાં એટલો જ શ્રેષ્ઠ રોલ કર્યો હતો. એ નાટકમાં સુચિતા ત્રિવેદી પણ હતાં અને બીજા ઘણા પ્રિય કલાકારો, મિત્રો પણ હતા. એમાંથી રાજેશ સોનીને મિસ કરું છું, તેણે પણ બહુ ઝડપથી વિદાય લીધી. અમારા પ્રોડક્શન-મૅનેજર હતા મહેશ છાંટબાર, તેઓ પણ બહુ ઉમદા વ્યક્તિ હતાં. અમે બધાએ ખૂબ ટૂર કરી છે સાથે. નાટકમાં તો દીપેશ શાહના રિપ્લેસમેન્ટમાં પરેશ ગણાત્રા પણ જોડાયા હતા. ઑલમોસ્ટ બધા સરખેસરખી ઉંમરના, ખૂબ મજા કરી હતી અમે બધાએ. મેઘનાબહેન શરૂઆતમાં બહુ ખૂલ્યાં નહીં, પણ સાચું કહું તો અમારી સાથે એ જુદાં જ મેઘનાબહેન હતાં. તમે સાથે ટૂર કરો ત્યારે તમને એ વ્યક્તિની પર્સનાલિટી, તેમની આદતોનો અને સ્વભાવનો પરિચય થાય. ખૂબ મજા કરી છે અમે બધાએ. મેઘનાબહેનને ખૂલીને, મજા કરતાં જોયાનું આજે પણ મને યાદ આવે છે. એ જેટલાં ઉમદા વ્યક્તિ હતાં એનાથી વધારે તેઓ શ્રેષ્ઠ કે ઉમદા દીકરી હતાં.
કેટલાંય વર્ષો સુધી તેમણે જે રીતે પોતાનાં માબાપનું ધ્યાન રાખ્યું એથી આપણને ખરેખર તેમને માટે અહોભાવ જાગી જાય. ઘણા લોકો કહે છે કે માબાપનું મોટી ઉંમરમાં દીકરી જેટલું ધ્યાન રાખે એટલું દીકરા ન રાખી શકે. મને લાગે છે કે આવી વાતો મેઘનાબહેનને લીધે જ બની હશે, જન્મી હશે. દીકરીઓમાં શ્રવણની ઉપમા નથી, પણ આપણે પાડીએને. દીકરીઓમાં શ્રવણ કહી શકાય એવાં હતાં મેઘનાબહેન. માબાપ માટેનો પ્રેમ, તેમની સેવા, તેમની સારસંભાળમાં જ તેમનું જીવન વ્યસ્ત રહેતું. પોતાના જીવનની, પોતાના ભવિષ્યની કોઈ પણ ફિકર વગર તેમણે આખું જીવન પોતાનાં માબાપની સારસંભાળમાં કાઢી નાખ્યું અને એક પછી એક બન્ને વ્યક્તિની - માબાપની જ્યારે વિદાય થઈ ત્યારે એ વિદાય અને વિરહ કદાચ તેઓ ખમી ન શક્યાં એટલે જ તેમની પાસે પહોંચવામાં મેઘનાબહેને ઉતાવળ કરી. આવી વ્યક્તિ તમારા મન પર એક કાયમી છાપ છોડી જાય છે.
હું થોડો સમય પહેલાં તેમના ટચમાં રહેતો, પણ હમણાંની આ વ્યસ્તતા અને બીજી જવાબદારીઓને લીધે સંપર્ક નહોતો રહ્યો. વ્યસ્તતા અને જવાબદારીઓએ એવું જીવન કરી નાખ્યું છે કે જ્યારે કોઈ સ્વજન છૂટું પડે ત્યારે અફસોસ થાય અને પછી થોડા દિવસમાં હતા ત્યાં ને ત્યાં, ફરી વ્યસ્ત. આ સાઇકલને સમજું છું, પણ હમણાં તોડવી કેટલી યોગ્ય છે એ પણ હમણાંના સમયમાં, સમજાતું નથી અને કપરું લાગે છે, પણ આ વ્યક્તિ માટે મારે ‘સૉરી’ કહેવું છે.
‘મેઘનાબહેન, આઇ ઍમ રિયલી સૉરી કે તમારા સંપર્કમાં ન રહ્યો.’
મેઘનાબહેને મને રડતો જોયો છે. મારાં માબાપ મથુરા હતાં અને હું અમેરિકાની ટૂર પરથી મારી બાને ફોન કરીને ઇમોશનલ થઈને રડી પડતો. એ દિવસોમાં અમુક કારણસર મારા બાપુજી મારી સાથે નહોતા બોલતા. એ જે વિરહ હતો, એ જે લાગણી હતી એ મેઘનાબહેને જોઈ છે. પાછાં આવી ગયા પછી તેઓ મને જ્યારે પણ મળતાં ત્યારે મારાં બા-બાપુજી વિશે તે અચૂક પૂછે. હું કહીશ કે માબાપ માટેની લાગણીઓ તો મોટા ભાગના લોકોને હોય જ પણ એ લાગણી માટે જે જીવી જાણે અને પથદર્શક બની શકે એવી વ્યક્તિ આસપાસના બધાને સ્પર્શી જાય એવાં હતાં મેઘનાબહેન. મેઘનાબહેન, આપણે સાથે સાંભળેલો અને ગાયેલો ‘આંધળી માનો કાગળ’ હું ક્યારેય નહીં ભૂલી શકું. તેમનાં બહેન શૈલાની સાથે વાત કરતાં ખબર પડી કે થોડો વખત પહેલાં કપડાં સૂકવતાં તેઓ પડી ગયાં અને હેડ-ઇન્જરીથી ઘણી તકલીફો ઊભી થઈ. એ પછીનો સમય એટલે કે છેલ્લું એકાદ વર્ષ મુસીબતોથી ભરેલું હતું. એક નાનકડી ઈજા પણ ઘાતક બની શકે એવું શિક્ષણ તેમની આ પરિસ્થિતિમાંથી લઈને દરેક જણ કૅરફુલ રહે અને તેમને યાદ કરીને પોતાનાં માતાપિતા તરફ વધુ ધ્યાન આપે એ જ તેમને અપાયેલી સાચી શ્રદ્ધાંજલિ હશે. તખ્તા પર કદાચ સુપરસ્ટાર જેવી ખ્યાતિ નહીં હોય મેઘના રૉયની, પણ વ્યક્તિ તરીકે તો તેઓ મિલેનિયમ સ્ટાર કહી શકાય એવાં ઉમદા હતાં એમાં કોઈ અતિશયોક્તિ નથી.
આ વર્ષ એટલે કે ૨૦૨૦ હજી પૂરું નથી થયું. મહારાષ્ટ્રમાં રાતે કરફ્યુથી લઈને મૂકવામાં આવેલાં બીજાં નિયંત્રણો પરિસ્થિતિનો અંદાજ સૌકોઈને આપે છે. પાર્ટીઓના દિવસો છે ત્યાં લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્કની પરવા નથી કરતા એવું જોયું પણ છે અને મેં અનુભવ્યું પણ છે, માટે ફરી એક વાર કહું છું કે બીમારી ક્યાં અને કઈ હદ સુધી લઈ જશે એનો આપણને અંદાજ નથી. જાન હૈ તો જહાન હૈ. આ બહુ સાચી વાત છે, બે વાર વાંચજો, વિચારજો અને એને જીવનમાં ઉતારજો. આપણી હોય કે આપણા નજીકના લોકોની, આ પરિસ્થિતિથી થાકીને સરેન્ડર થવાનું નથી. થોડા ફની અને વિચિત્ર પણ મહત્ત્વની રીતે સમજાવું તો માસ્કને અન્ડરગાર્મેન્ટ જેટલાં મહત્ત્વનાં કરવાં જોઈએ, જેમ એ ગાર્મેન્ટ્સ વગર ન ચાલે અને એના વગર બહાર ન નીકળીએ એમ જ માસ્ક વગર ન ફરવું અને ન નીકળવું. વાત વિચિત્ર લાગે કે હસવું આવે તો હસી લેજો, પણ એનું મહત્ત્વ સહેજ પણ ઓછું ન થવા દેતા.
૨૦૨૧માં આ માસ્ક બધી મુસીબતો લઈને કાયમ માટે દૂર થઈ જાય એવી વૅક્સિન આવે અને પહેલાંની જેમ આઝાદીથી નિશ્ચિંત બનીને બહાર હરવાફરવા, ખાવાપીવા, સ્કૂલ-કૉલેજ, મૉલ, થિયેટર જવા-આવવા મળે. પોતાની નોકરી-ધંધામાં પહેલાંથી વધારે સફળતા મળે, બરકત આવે. આપ્તજનોને વૉટ્સઍપ અને ઝૂમ કૉલ કે વિડિયો કૉલમાંથી બહાર નીકળીને રૂબરૂ મળવા જવા મળે. પૂજાપાઠથી માંડીને મંદિર જવા અને સાથે મળીને ભજનો છૂટથી કરવા મળે. પહેલાંની જેમ જ ટ્રેનની ખીચોખીચ ગિરદીમાંથી નીકળીને, બીજાના પસીનાની વાસ અને ત્રીજાના પરફ્યુમની સુંગધમાંથી રસ્તો કરીને મિત્રો સાથે ગપ્પાં મારવા માટેની ચોથી સીટ મળે અને દરેક સંતાન નિશ્ચિંત બનીને પોતાનાં માબાપને ભેટી શકે, માબાપ પોતાનાં બાળકોને પ્રેમથી આલિંગન આપી શકે એવી શુભેચ્છા. ડૉક્ટર, પોલીસ-કર્મચારીઓ, સરકારી વ્યક્તિઓ, નેતાઓ અને જેમણે પોતાના પૈસા, સમય, વિચાર, વાણી, કળા વગેરે ખર્ચીને ખરા દિલથી વિટક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા દેશના દરેક જણને પોતપોતાની શક્તિ પ્રમાણે જે રીતે મદદ કરી હોય એ તમામને ખૂબ-ખૂબ વંદન અને તેમનો ખૂબ-ખૂબ આભાર અને આપણા બધા તરફથી જે સ્વજનની વિદાય થઈ હોય એ બધાને ‘આવજો વ્હાલા ફરી મળીશું.’
૨૦૨૦, ગુડ બાય.
(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)
લૉકડાઉન, ભવિષ્ય અને વાસ્તવિકતા: હવે વધતા આંકડાઓ મુંબઈની આવતી કાલ નક્કી કરશે
28th February, 2021 10:07 ISTજાનામિ ધર્મમ્: ખરેખર જાણો છો ધર્મને?
28th February, 2021 07:53 ISTભાષાપુરાણ: ભાષા ક્યારેય મરતી નથી, પણ એને માટેની સૂગ એને નાદુરસ્ત ચોક્કસ કરી શકે
27th February, 2021 09:40 ISTછેલ્લા ચારેક વર્ષથી સેક્સ ડ્રાઇવ લો છે, સમાગમમાં પણ રસ નથી, શું કરવું?
26th February, 2021 11:49 IST