કચરો સાફ કરવો એ યોગ્ય રીતની કામગીરી બની રહે એ બહુ જરૂરી

Published: 10th November, 2014 05:46 IST

કોઈને પણ આ વાત ખરાબ લાગી શકે છે, પણ આ એક હકીકત છે. દેશને સાફ રાખવા માટે વડા પ્રધાન સહિતના મહાનુભાવો રસ્તા પર આવી જાય અને કામગીરી કરે એ મારી દૃષ્ટિએ બહુ સારી વાત ગણી શકાય.સ્પેશ્યલ કમેન્ટ - મેધા પાટકર, સમાજસેવિકા

એવું પણ કહી શકાય કે આ દેશમાં સૌ એકસમાન છે અને આપણું કામ કરવામાં ક્યાંય નાનપ નથી અનુભવવામાં આવતી એવો એક સંદેશ પણ પ્રસરે. જોકે આ સંદેશો ફેલાવવાની વાતમાં ક્યાંક એવું ન બની રહે કે આ કામગીરી માત્ર ફોટોગ્રાફ લેવડાવવા પૂરતી સીમિત રહી જાય અને એક વર્ષ સુધી આ જ કામ થયા કરે. કામ થવું જોઈએ, નક્કર કામ થવું જોઈએ. આ કામ કોઈ અચરજ બનીને કે પછી ફોટોસેશનના રૂપમાં બિલકુલ ન રહેવું જોઈએ.

સ્વચ્છતા અને સફાઈ જેવી વાતો આપણે દેશને સમજાવવી પડે એ મને પણ યોગ્ય નથી લાગી રહ્યું, પરંતુ એ કામ કરવું પડે છે. એના પાયામાં જઈને જો વાતને જોઈએ તો સમજાય કે કાં તો પાયાની વ્યવસ્થા અને સુવિધાઓ તેમને મળી નથી અને કાં તો એ સુવિધાનો ઉપયોગ કરવા જેટલી તેમનામાં સભાનતા નથી. હું માનું છું કે સભાનતા હંમેશાં અજ્ઞાનમાંથી પ્રસરે. સુવિધા આપવાનું કામ પણ સરકારનું છે અને અજ્ઞાનને દૂર કરવાની જવાબદારી પણ સરકારની જ ગણાય. અગાઉની સરકારની નુક્તેચીની કરવાનો કોઈ અર્થ નથી. એણે કામ કેટલું કર્યું અને કેવું કર્યું એ વાતને અત્યારે અવગણવી જોઈએ, કારણ કે હવે એ સરકાર સત્તા પર નથી. અત્યારની સરકારે આ બન્ને કામ કરવાં પડશે. જેમની પાસે સુવિધા નથી એ સુવિધા આપવાની જવાબદારી પણ સરકારની બને છે અને જેમની પાસે શૌચાલય અને સફાઈ શબ્દોની સમજ નથી તેમને એની સભાનતા પણ આપવી પડશે. શહેરી વિસ્તારો અને જ્યાં ભણતરનું પ્રમાણ ઊંચું છે એવી જગ્યાઓએ આ બન્ને વાતમાંથી શૌચાલયનો મુદ્દો આવતો જ નથી અને સફાઈ માટે પણ પૂરતી સાધનસામગ્રી એ માણસો છે; પરંતુ આ મુદ્દો નાનાં ગામો અને કસબાઓને સૌથી વધુ અસર કરી રહ્યો છે.

એ નાનાં ગામો સુધી પહોંચવું અને એ કસબામાં રહેતા લોકો સુધી આ સંદેશો પહોંચાડવો એ અઘરું કામ છે, પણ અશક્ય નથી. આ કામ કરવા માટે મહાનુભાવોના ફોટોગ્રાફ કામ કરે એવું મને નથી લાગતું. પાયાનાં એ ગામો સુધી પહોંચવા માટે ટીમ બનાવવી પડશે અને એના દ્વારા કામ કરવું પડશે. મુંબઈ સાફ હોય કે અમદાવાદ સાફ હોય એટલે દેશ અમેરિકા બની ગયો એવું તો કહી ન શકાય, પણ ડાંગ જિલ્લાના આહવા નામના ગામથી બાર કિલોમીટર દૂર આવેલા સોંધી નામના આદિવાસીઓના ગામને પણ સ્વચ્છતા શીખવવાની છે. આ એવું ગામ છે જ્યાં અખબારો પણ પહોંચતાં નથી અને પહોંચે તો એ વાંચતાં પણ કોઈને આવડતું નથી. આ ગામો સુધી તો સરકારે ટીમ પહોંચાડવી પડશે અને એ માટે એણે ટીમ બનાવવી પડશે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK