Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રેડી? ગેટ સેટ ગો... આઇપીએલ 13

રેડી? ગેટ સેટ ગો... આઇપીએલ 13

19 September, 2020 01:59 PM IST | Mumbai
Bhakti D Desai

રેડી? ગેટ સેટ ગો... આઇપીએલ 13

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કપરા કોરોનાકાળના બોરિંગ માહોલમાં ક્રિકેટ-ચાહકો માટે આજથી એક્સાઇટમેન્ટ અનલિમિટેડ શરૂ થઈ રહ્યું છે. સ્ટેડિયમમાં જઈને અથવા તો મિત્રોની સાથે મળીને T20 ફૉર્મેટની આ મૅચ જોવા જવાની મજા જ કંઈક ઓર છે. પણ આ વખતે ન તો સ્ટેડિયમમાં જોવા જઈ શકાશે, ન તો ચોગ્ગા ને છગ્ગા વખતે ચિચિયારીઓ કરતું ક્રાઉડ અને ચિયર લીડર્સ ટીવી પર જોવા મળશે. ત્યારે સવાલ એ છે કે અત્યાર સુધીની બાર સીઝનમાં જે મજા માણી છે એવી કદાચ આ વખતે માણવા મળશે ખરી? જોકે થોડાંક રિસ્ટ્રિક્શન્સ સાથે પણ આ ટુર્નામેન્ટ થઈ રહી છે એ જ વાત ક્રિકેટપ્રેમીઓ માટે બહુ મોટી છે. મુંબઈના કેટલાક યંગસ્ટર્સ તેમની ફેવરિટ ટુર્નામેન્ટની યાદો અને આ વખતની યુનિક ટુર્નામેન્ટને માણવા માટે કેવા જોશ સાથે તૈયાર છે એ જાણીએ

દુનિયાનું કોઈ પણ બંધન શોખની સામે નબળું પડી જાય છે, પણ કોવિડ-19એ આ માન્યતાને પણ ખોટી ઠેરવી દીધી છે. વિશ્વમાં કોવિડના કેરને કારણે માર્ચ મહિનાથી મુલતવી રહેલી ૨૦૨૦ આઇપીએલ હવે આજથી યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં શરૂ થઈ રહી છે ત્યારે સ્ટેડિયમમાં બેસી મિત્રો સાથે નાચતાં-કૂદતાં આઇપીએલ જોવાના આદી યુવા ચાહકો આની ૧૩મી સીઝનને નિહાળવા સ્ટેડિયમમાં નહીં જઈ શકે. ૨૦૦૭થી એટલે કે આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે ત્યારથી આ પહેલું એવું વર્ષ છે જેમાં દર્શકો વિનાના ખાલી સ્ટેડિયમમાં ક્રિકેટ રમાશે. હજારોની મેદની, પોતાના ફેવરિટ ક્રિકેટરના નામનો હર્ષોલ્લાસ, ચોગ્ગા-છગ્ગા અને વિકેટ પડે ત્યારે ચાહકોની કિકિયારીઓ વિનાની સૂની-સૂની ટુર્નામેન્ટ જોવા મળશે.



વન-ડે અને ટેસ્ટ ફૉર્મેટની સરખામણીએ ટી૨૦ ફૉર્મેટ અને ખાસ કરીને આઇપીએલ ટુર્નામેન્ટે અનેક ક્રિકેટ ચાહકોને સ્ટેડિયમમાં જઈને મૅચ જોતા કરી દીધા એમ કહીએ તોય ચાલે. જેમણે આઇપીએલની મૅચ સ્ટેડિયમમાં જઈને જોઈ છે ફક્ત તેઓ જ જાણે છે કે સ્ટેડિયમની મજા શું છે. મુંબઈમાં કેટલાય એવા ક્રિકેટ ચાહકો છે જે મુંબઈમાં મૅચ હોય અને સ્ટેડિયમમાં ન જાય એવું બને જ નહીં. આ વર્ષે સ્ટેડિયમમાં જવાની વાત તો ભૂલી જ જવાની. ઘણા લોકો એવું પણ માને છે કે સ્ટેડિયમમાં જઈને એ જ લોકો ટુર્નામેન્ટ જુએ છે જેને બધી ટીમ અને બધા ક્રિકેટર્સનું જ્ઞાન હોય છે. પણ એવું નથી. ઘણા લોકો માત્ર પિચ પર રમતા ક્રિકેટર્સ કેવા દેખાય છે, જ્યારે સિક્સર, ફોર મારે અથવા કોઈ ક્રિકેટર આઉટ થાય ત્યારે ત્યાં બેસેલા પ્રેક્ષકો કેવો ઘોંઘાટ કરે છે, કઈ રીતે ખેલાડીઓને ચિયર કરે છે અને ઘણા તો માત્ર કોઈ એકાદ ખેલાડીના પ્રેમને ખાતર તેને રમતા જોવાનો નિર્મળ આનંદ ઉઠાવવા પણ જાય છે. આ વર્ષે જ્યારે ખાલી સ્ટેડિયમમાં આઇપીએલ રમાવાની છે અને સૌએ ટીવીમાં જ એ મૅચ જોવી પડવાની છે ત્યારે મુંબઈના કેટલાક ક્રિકેટપ્રેમીઓ સાથે વાત કરી એ કે તેઓ આ ટુર્નામેન્ટ માટે કેટલા આતુર હતા, આ વર્ષે તેઓ શું કરશે અને શું મિસ કરશે?


સ્ટેડિયમમાં જોવાની મજા જ કંઈક ઓર હોય છેઃ કૈરવી સોલંકી

કાલબાદેવીમાં રહેનાર સીએ ભણતી કૈરવી સોલંકીના સંયુક્ત પરિવારમાં તેઓ એક જ દીકરી છે. તેઓ કહે છે, ‘મારા ત્રણ ભાઈઓ અને હું આઇપીએલનાં ખૂબ મોટાં ચાહક છીએ. આ રમત એટલી સરસ છે કે આખો મૂડ બદલી નાખે છે. હમણાં સુધીમાં મેં સાત મૅચ સ્ટેડિયમમાં જઈને જોઈ છે અને સ્ટેડિયમમાં રમતની જમાવટ જુદી જ હોય છે, જે ઘરમાં નથી. ગયા વખતે ત્યાંના પ્રેક્ષકોનો ક્રિકેટર્સનો ઉત્સાહ વધારવાનો અવાજ, ઘોંઘાટ, બધાનું જોરથી ‘વિરાટ વિરાટ વિરાટ’કહીને બૂમો મારવી આ બધું આજે પણ કાનમાં ગુંજી રહ્યું છે. આ વખતે નક્કી જ લોકો મહેન્દ્ર સિંહ ધોની માટે ‘ધોની ધોની ધોની’નો નારો બોલાવશે જે હું ત્યાં લાઇવ માણી નહીં શકું. આ બધું ત્યાં રહીને જોવાની મજા જ ઓર હોત. હું રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની અને એમાં પણ એ બી ડી વિલિયર્સની મોટી ફૅન છું. આ વર્ષે ભલે આઇપીએલ જોવા સ્ટેડિયમમાં નહીં  જઈ શકાય, પણ ઘરમાં બધા સાથે મળીને જોવાની મજા આવશે અને આખો માહોલ કોરોનામાંથી બદલાઈને આઇપીએલમય થઈ જશે. હું તો દિલથી આ જલસાની રાહ જોઈ રહી છું.’


ધોનીને ખાતર દુનિયાના કોઈ પણ ખૂણામાં આઇપીએલ જોવા જવાનું મન થાય: જયનીલ રાયચુરા

બોરીવલીમાં રહેતા ડેન્ટિસ્ટ્રીના ત્રીજા વર્ષમાં ભણનાર આઇપીએલના ચાહક જયનીલ રાયચુરા કહે છે, ‘હું આઇપીએલનો પ્રેમી છું, પણ મહેન્દ્ર સિંહ ધોનીનો તો ખૂબ મોટો ચાહક છું. આ વખતે જો કોવિડની સમસ્યા ન હોત તો હું ધોનીને ખાતર દુનિયાના કોઈ પણ ખૂણામાં આઇપીએલ ટુર્નામેન્ટ જોવા સો ટકા ગયો હોત. સ્વાભાવિક છે કે ધોનીને કારણે મારી મનગમતી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) છે. મારે માટે અને તેના અનેક ચાહકો માટે ધોનીને રમતા જોવાનો આ એક છેલ્લો અવસર હશે. મેં પહેલાં પુણે અને મુંબઈમાં રમાયેલી આઇપીએલ ટુર્નામેન્ટ સ્ટેડિયમમાંથી જોઈ છે. હું મુંબઈ ક્રિકેટ અસોસિએશન માટે ક્રિકેટ રમ્યો છું, પણ મેડિકલમાં આવ્યા પછી સમયના અભાવે મારે એ છોડવું પડ્યું. એક ક્રિકેટર તરીકે પણ મને આઇપીએલ ફૉર્મેટ વધારે પસંદ છે એનું કારણ આ રમત એટલી ઝડપથી ચાલે છે કે પાંચ કે દસ ઓવરમાં બધું જ બદલાઈ જાય છે. બીજું મુખ્ય કારણ એ પણ છે કે એક દેશના ખેલાડીઓ વિવિધ ટીમમાં રમે છે અને પોતાના જ દેશના અન્ય ખેલાડીને પ્રતિસ્પર્ધી બનીને હરાવે છે. આમ એક દેશ માટે રમનાર બે ખેલાડીઓ મિત્ર હોય છે, પણ અહીં હરીફ છે અને ફરી પાછા રમત પછી કોઈ મનભેદ નથી રાખતા. મારે હિસાબે આઇપીએલ વિવિધતામાં એકતાનું પ્રતીક છે.’

મુંબઈમાં રમાયેલી દરેક મૅચ મેં સ્ટેડિયમમાં જ જોઈ છે, આ વખતે ઘરે જ જોવી પડશે: દેવાંગ ઠાકર

ચીરાબજારમાં રહેતા દેવાંગ ઠાકરે મુંબઈમાં રમાયેલી દરેક આઇપીએલ સ્ટેડિયમમાં જઈને જોઈ છે. તેઓ તેમના આ અનુભવ અને આઇપીએલના પ્રેમ વિશે કહે છે, ‘મને આઇપીએલ ખૂબ જ પસંદ છે અને આજ સુધી મુંબઈમાં રમાયેલી બધી જ આઇપીએલ મેં સ્ટેડિયમમાં બેસીને માણી છે. આ રમતની મજા જ કંઈક જુદી છે. સ્ટેડિયમમાં બેસીને જોવું એટલે સતત ઊર્જાના પ્રવાહમાં વહેતા રહેવા જેવો અનુભવ થાય છે. આવો અવાજ જો બીજે ક્યાંય સાંભળીએ તો ઘોંઘાટ લાગે, પણ આઇપીએલ સમયે આ જ શોરબકોર-ઘોંઘાટ પ્રેક્ષક અને ખેલાડીઓને એક જોશ આપે છે. પોતાના મનગમતા ખેલાડીના ઉત્તમ પર્ફોર્મન્સ પર તેની પ્રશંસા કરવા જે અવાજ ત્યાં કરી શકાય છે એ ઘરમાં નથી કરી શકાતો, પણ આ વખતે તો ઘરે બેસીને જ આ ટુર્નામેન્ટ જોવાની છે. હું મુંબઈ ઇન્ડિયન્સનો ફૅન છું અને ઘરેથી પણ મુંબઈ ઇન્ડિયન્સને જોરશોરથી ચિયર કરીશું.’

બદલાતા જમાના સાથે બદલાયેલી આ ટુર્નામેન્ટની નવી પદ્ધતિ એટલે કે T20 લીગ અથવા આઇપીએલએ લોકોને દીવાના બનાવી દીધા છે. પોતાના ઘરે જાણે કોઈ પ્રસંગ આવતો હોય એમ લોકો આઇપીએલની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. એ સમય હવે દૂર નથી જ્યારે દુબઈમાં ક્રિકેટર્સ છક્કા અને ચોક્કા મારશે અને એના પ્રતિસાદમાં મુંબઈના ચાહકો ઘરેઘરમાંથી સ્ટેડિયમ જેવી ધૂમ મચાવશે.

ધોનીને ખાતર દુનિયાના કોઈ પણ ખૂણામાં આઇપીએલ જોવા જવાનું મન થાય: જયનીલ રાયચુરા

બોરીવલીમાં રહેતા ડેન્ટિસ્ટ્રીના ત્રીજા વર્ષમાં ભણનાર આઇપીએલના ચાહક જયનીલ રાયચુરા કહે છે, ‘હું આઇપીએલનો પ્રેમી છું, પણ મહેન્દ્ર સિંહ ધોનીનો તો ખૂબ મોટો ચાહક છું. આ વખતે જો કોવિડની સમસ્યા ન હોત તો હું ધોનીને ખાતર દુનિયાના કોઈ પણ ખૂણામાં આઇપીએલ ટુર્નામેન્ટ જોવા સો ટકા ગયો હોત. સ્વાભાવિક છે કે ધોનીને કારણે મારી મનગમતી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) છે. મારે માટે અને તેના અનેક ચાહકો માટે ધોનીને રમતા જોવાનો આ એક છેલ્લો અવસર હશે. મેં પહેલાં પુણે અને મુંબઈમાં રમાયેલી આઇપીએલ ટુર્નામેન્ટ સ્ટેડિયમમાંથી જોઈ છે. હું મુંબઈ ક્રિકેટ અસોસિએશન માટે ક્રિકેટ રમ્યો છું, પણ મેડિકલમાં આવ્યા પછી સમયના અભાવે મારે એ છોડવું પડ્યું. એક ક્રિકેટર તરીકે પણ મને આઇપીએલ ફૉર્મેટ વધારે પસંદ છે એનું કારણ આ રમત એટલી ઝડપથી ચાલે છે કે પાંચ કે દસ ઓવરમાં બધું જ બદલાઈ જાય છે. બીજું મુખ્ય કારણ એ પણ છે કે એક દેશના ખેલાડીઓ વિવિધ ટીમમાં રમે છે અને પોતાના જ દેશના અન્ય ખેલાડીને પ્રતિસ્પર્ધી બનીને હરાવે છે. આમ એક દેશ માટે રમનાર બે ખેલાડીઓ મિત્ર હોય છે, પણ અહીં હરીફ છે અને ફરી પાછા રમત પછી કોઈ મનભેદ નથી રાખતા. મારે હિસાબે આઇપીએલ વિવિધતામાં એકતાનું પ્રતીક છે.’

મુંબઈમાં મૅચ હોય તો ગમે તે કિંમતની ટિકિટ ખરીદીને સ્ટેડિયમમાં જ જોતો: નેવિલ સોની

રામવાડીમાં રહેતા હીરાના ક્ષેત્રમાં નોકરી કરતા આઇપીએલના ફૅન નેવિલ સોની કહે છે, ‘હું આઇપીએલનો એટલો મોટો ચાહક છું કે જો ટિકિટ ન મળે તો ક્યાંયથી પણ એની વધારે કિંમત ચૂકવીને મુંબઈમાં રમાતી આઇપીએલ તો સ્ટેડિયમમાંથી જ જોઉં. સ્ટેડિયમમાં આવનાર પ્રેક્ષકો આપણા ઓળખીતા નથી, પણ વિવિધ જગ્યાથી આવનાર અજાણ્યા લોકો પણ એક જ ઉદ્દેશથી આવે છે. આ એકસમાન ધ્યેય અને ઉદ્દેશ એટલે આઇપીએલ માટેનો અસીમ પ્રેમ અને પોતાની ગમતી ટીમ અને ખેલાડીઓને નજર સમક્ષ રમતાં જોવાની તીવ્ર ઇચ્છા. બસ, આનાથી જ આખો માહોલ બની જાય છે. મુંબઈની બધી જ ટુર્નામેન્ટને મેં લાઇવ સ્ટેડિયમમાંથી મિત્રો સાથે મળીને જોઈ છે. મુખ્ય તો અહીં જે અવાજ હોય છે અને જે રંગત જામે છે એ ઘરે બેસીને ક્યાં બની શકે? હું રોહિત શર્માનો મોટો ચાહક છું. મને ખૂબ ખુશી છે કે કોવિડના સમયમાં પણ આઇપીએલ યોજાઈ રહી છે. એને જોવાનો ટીવી પર લહાવો મળશે એનો સંતોષ છે.’

આઇપીએલ ગમે છે, કારણ કે બધી જ ટીમમાં સારા ખેલાડીઓ વહેંચાઈ જાય છે: હર્ષ પાંધી

બોરીવલીમાં રહેનાર હર્ષ પાંધી અગિયારમામાં ભણે છે. તેઓ કહે છે, ‘મને આઇપીએલ ખૂબ ગમે છે, કારણ કે એમાં બધી જ ટીમમાં સારા ખેલાડીઓ વહેંચાઈ જાય છે અને બધી જ ટીમ મજબૂત બની જાય છે. આમાં છેલ્લે જે રસાકસી હોય છે એમાં આપણે એટલા મશગૂલ થઈ જઈએ છીએ કે આપણે જ રમતા હોઈએ એવો અનુભવ થાય છે. હું સ્કૂલમાં હતો ત્યારથી આઇપીએલ જોવા જાઉં છું અને મુંબઈ ઇન્ડિયન્સનો મોટો ચાહક છું. મેં વાનખેડે સ્ટેડિયમમાં જઈને આ ટુર્નામેન્ટ જોઈ છે અને એક વાર સ્ટેડિયમમાં જોયા પછી ઘરે બેસીને જોવાની મજા નથી આવતી. આ વખતે તો આઇપીએલ જોવા હું તરસી ગયો છું અને જ્યારે હજી પણ કોવિડનો ભય છે ત્યારે સમય પસાર કરવા માટે આઇપીએલથી વધારે સારું શું હોઈ શકે?’

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2020 01:59 PM IST | Mumbai | Bhakti D Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK