કભી ના ભૂલ પાએંગે મુંબઈ કી વો બરસાત

Published: Jul 25, 2020, 09:33 IST | Varsha Chitaliya | Mumbai

મુંબઈનો વરસાદ માણવા જેવો ખરો, પણ વરસાદ અને મુંબઈગરાઓને એકબીજા સાથે જામતું નથી

મુંબઈનો વરસાદ માણવા જેવો ખરો, પણ વરસાદ અને મુંબઈગરાઓને એકબીજા સાથે જામતું નથી. લોકલ ટ્રેનો ખોટકાઈ જવી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાં, રસ્તા પર ટ્રાફિક જૅમ, વીજળી પુરવઠો ખોરવાઈ જવો સામાન્ય બાબત છે. ચોમાસાની મોસમમાં દર વર્ષે આવી ઘટનાઓ બનતી રહે છે તેથી આપણે બધા આવી હેરાનગતિથી ટેવાયેલા છીએ અને એટલે જ ફરિયાદ કરવાની જગ્યાએ એનો આનંદ ઉઠાવીએ છીએ. જોકે આજથી પંદર વર્ષ પહેલાં ૨૬ જુલાઈએ આવેલી કુદરતી આપદાએ મુંબઈને ઘમરોળી નાખ્યું હતું. એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઠેર ઠેર પશુ-પ્રાણીઓની ડેડ-બૉડી તરતી હતી. ચારે તરફ પાણી ઓસરી ગયા પછીનો ગંદવાડ અને કાદવ સિવાય કશું દેખાય નહીં. જાનમાલની નુકસાનીનો અંદાજ કાઢવો મુશ્કેલ હતો. મુશળધાર વરસાદ, દરિયામાં ભરતી અને મીઠી નદીનાં પાણી ફરી વળતાં મુંબઈમાં આવેલા જબરદસ્ત પૂરને જોતજોતામાં દોઢ દાયકો વીતી ગયો. જોકે આજે પણ એ દિવસને યાદ કરતી વખતે અનેક લોકોનાં દિલ ધબકારો ચૂકી જાય છે. ચાલો ત્યારે પૂરનો અનુભવ કરી ચૂકેલા કેટલાક મુંબઈગરાઓ પાસેથી ફરી સાંભળીએ ભુલાઈ ગયેલી આ દાસ્તાન

અમારાં નજરાણાં અને રેકૉર્ડનો ખજાનો પાણીમાં તણાઈ ગયો: હેમા અને આશિત દેસાઈ

ઘરનું સમસ્ત રાચરચીલું, મોંઘા ભાવની ડિઝાઇનર સાડીઓ, કીમતી ઘરેણાં, ચાર હાર્મોનિયમ અને સાત તબલાંની જોડ તેમ જ લોકપ્રિય કાર્યક્રમોની ઓરિજિનલ રેકૉર્ડ પાંચ ફીટ પાણીમાં તણાઈ જાય ત્યારે જીવનનો અમૂલ્ય ખજાનો લૂંટાઈ ગયો હોય એવું લાગે. ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે વૈવિધ્યપૂર્ણ કારકિર્દી ધરાવતાં અને આદરપૂર્વક જેમનું નામ લેવાય છે એવાં હેમાંગિની અને આશિત દેસાઈએ ૨૬ જુલાઈએ મુંબઈમાં આવેલા પૂરમાં આવાં કીમતી નજરાણાં ગુમાવ્યાં હતાં. વાતનો દોર હાથમાં લેતાં હેમાબહેન કહે છે, ‘એ દિવસે પવન સાથે જોરદાર વરસાદ પડતો હતો. આશિત અને આલાપ સ્ટુડિયોમાં ગયા હતા. સ્ટુડિયો સાઉન્ડપ્રૂફ હોય એટલે તેમને પહેલાં તો ખબર ન પડી કે બહાર શું ચાલી રહ્યું છે. હું અને સ્નેહા ઘરમાં એકલાં હતાં. લૅન્ડલાઇન બંધ થઈ જતાં અમે તેમનો કૉન્ટૅક્ટ કરી શક્યાં નહીં. આ બાજુ ઘરમાં પાણીનો સ્તર વધી રહ્યો હતો. સ્નેહાની ઉંમર નાની અને લગ્નને હજી વર્ષ માંડ થયું હતું તેથી ગભરાઈ ગઈ. અમે બન્ને અહીંથી ઊંચકીને બીજે એમ તમામ કીમતી વસ્તુઓ ઊંચા સ્થાને મૂકવાનો પ્રયાસ કરતાં હતાં. જોકે બધું વ્યર્થ હતું. છેવટે ગળા સુધી પાણી આવી જતાં અમારે જીવ બચાવવા ઘર છોડી દેવું પડ્યું. બીજા દિવસે નીચે આવીને જોયું તો ગંદવાડ ફેલાયેલો હતો. હીંચકો, ફ્રિજ, ડબલબેડ પાણીમાં તરતાં હતાં. ઑટોમૅટિક કાર તો ભંગારમાં આપવી પડી. સાડીનો મને બહુ શોખ. જુદા-જુદા શહેરોમાં કાર્યક્રમ માટે જાઉં ત્યારે નેક્સ્ટ શોમાં પહેરવા માટે અચૂક નવી ખરીદી લાવું. બધી સાડીઓ કાદવથી લથબથ થઈ ગઈ ને ફેંકવી પડી. સ્નેહાના આણાના ડ્રેસિસ ખરાબ થઈ ગયા. સાચવીને રાખેલા સ્પૂલ (રેકૉર્ડની માસ્ટર પીસ) વૉશઅપ થઈ ગયા. આશિત તો ત્રણ દિવસે ઘરે પાછા ફર્યા. નુકસાનની ગણતરી પૈસામાં અમે કરી જ નથી, પણ નજરાણાં ચાલ્યા જતાં જીવ બળી ગયો. ત્યાર બાદ દોઢ વર્ષ માટે કાંદિવલી રહેવા જવું પડ્યું. ઈશ્વરની કૃપાથી ફરી ઘર ઊભું થઈ ગયું. જોકે એકસાથે બધું ધોવાઈ જવાનો વસવસો અને કાયમ માટે મનમાં ડર રહી ગયો. વરસાદનો આનંદ ઉઠાવવો અમને બહુ ગમે છે, પરંતુ એની તીવ્રતા જોઈને આજે પણ દિલ ધબકારો ચૂકી જાય છે.’

મદદ ન કરી શક્યાનો આજ સુધી અફસોસ છે: કિરણ મહેતા

આપણે મુંબઈગરાને વરસાદમાં બહાર નીકળવાનો બહુ શોખ છે. વરસાદનું આકર્ષણ જ એવું છે કે પલળ્યા વગર રહી ન શકો. એમાંય આપણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં છે એવી ખબર પડે એટલે નજારો જોવા નીકળી પડીએ. એ દિવસે અમે હાથે કરીને મોતને આમંત્રણ આપ્યું હતું એમ જણાવતાં કિરણ મહેતા કહે છે, ‘બહાર મસ્ત વરસાદ પડે છે તો જુહુ સુધી આંટો મારી આવીએ એમ વિચારી ચાર બહેનપણીઓ વરસાદનો આનંદ ઉઠાવવા બહાર નીકળ્યાં. પાણીમાં ચાલતાં મીઠીબાઈ કૉલેજ નજીક પહોંચ્યાં. અહીં પાણીનો સ્તર વધારે હતો. સામેની સાઇડ એક કારમાં બે યુવાનો બેઠા હતા. અમને થયું આ લોકો આપણી જેમ નજારો માણવા નીકળ્યા હશે. ત્યાં તો અચાનક જુહુનો દરિયો રોડ પર ધસીને આવી ગયો હોય એવાં મોટાં-મોટાં મોજાં ઊછળવા લાગ્યા. જોરથી પવન ફૂંકાતો હતો. છાતી સુધી પાણી આવી જતાં બૅલૅન્સ ન રહ્યું. એકબીજાનો હાથ પકડી ઘર તરફ જવાનો પ્રયાસ કર્યો. જેમ-તેમ જીવ બચાવીને ઘરે પહોંચ્યાં. અમારી સોસાયટીમાં જોયું તો ગ્રાઉન્ડ ફ્લોરવાળાની હાલત ખરાબ હતી. બીજા દિવસે અખબારમાં સમાચાર વાંચ્યા કે મીઠીબાઈ પાસે કારમાં બેઠેલા યુવાનો પાણીના ધસારાથી ગૂંગળાઈને અવસાન પામ્યા છે. એ વખતે અમારામાંથી કોઈ બોલ્યું પણ હતું કે કારમાં બેઠેલા યુવાનો જલદી ઘરભેગા થાય તો સારું. આવા પાણીમાં તેમની ગાડી ચાલશે નહીં. જોકે વરસાદનું જોર એટલું હતું કે ત્યારે રસ્તો ક્રૉસ કરીને સામે જવાય એવું હતું નહીં ને મગજ પણ કામ કરતું નહોતું. કદાચ હિંમત કરી હોત તો? યુવાનોને બચાવી ન શક્યાનો આજ સુધી મનમાં અફસોસ રહી ગયો છે.’

નજરની સામે કારને તણાતી જોઈ હિંમત હારી ગયા: નીરવ ગોરડિયા

પંદર વર્ષ પહેલાં કસ્ટમ હાઉસમાં કામ કરતા નીરવ ગોરડિયા ૨૬ જુલાઈના ગોઝારા દિવસે રાબેતા મુજબ ન્હાવાશેવા ગયા હતા. વરસાદ હોવાથી ઑફિસથી વહેલા ઘરે જવા નીકળ્યા. પછી તો બે દિવસે ઘરે પહોંચ્યા. તેઓ કહે છે, ‘મારી પાસે મારુતિ ૮૦૦ હતી. હાઇવે પર પાણી નહોતાં, પરંતુ પવનનું જોર એટલું હતું કે કાર સીધી આગળ જવાની જગ્યાએ વાંરવાર ફંટાઈને રસ્તા પરથી ઊતરી જતી હતી. આટલી હળવી ગાડી પવનને ખમી શકશે નહીં એમ વિચારી પાછો ફર્યો. બીજા બે જણને લીધા જેથી કારમાં વજન વધી જાય. જેવો નેરુલ ફ્લાયઓવર પાર કર્યો કે સામે ટ્રાફિક જૅમ અને ચારે બાજુ પાણી. અચાનક પાછળની કારવાળાએ ઓવરટેક કર્યો ને સામેથી ટ્રેલર આવતાં પાણીનું મોટું મોજું ઊછળ્યું. કંઈ વિચારીએ એ પહેલાં તો ઓવરટેક કરનારની કાર નાળામાં તણાઈ ગઈ. નસીબજોગે બારીમાંથી ખેંચીને તેને બચાવી લીધો. કારને તણાતી જોઈ અમે ગભરાઈ ગયા. કારને હાઇવે પર મૂકી નેરુલ તરફ ચાલવા લાગ્યા. ઓળખીતાના ઘરે રાતવાસો કરી સવારે છ વાગ્યે હાઇવે આવીને જોયું તો સેંકડો કાર કાદવથી ખદબદતી પડી હતી. મોટાં-મોટાં કન્ટેનર રસ્તા પર પડ્યાં હતાં. લોકો રસ્તો ક્લિયર કરવામાં લાગી ગયા. મારી કારને ધક્કો મારી સર્વિસ લેનમાં મૂકી. હાઇવેથી કોઈ સાધન ન મળતાં વાશી સુધી ચાલ્યા. વાશીથી ઘાટકોપર માટે ટૅક્સી કરી તો તેણે છેડાનગર આવતાં જ ઉતારી દીધા. ફરી ચાલતા ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં બીજા દિવસની રાત પડી ગઈ. એ દિવસે હું ન્હાવાશેવા, મારા પપ્પા મુંબઈ, મમ્મી ઘરે અને વાઇફ પિયર એમ ચારેય જણ ચાર દિશામાં કોઈ કૉન્ટૅક્ટ વગર ફસાયેલાં રહ્યાં. આ વરસાદ ક્યારેય નહીં ભુલાય.’

સવાસો જેટલા લોકોએ રાત સ્કૂલમાં વિતાવી: હર્ષદ મહેતા

સવારે ઝરમર-ઝરમર વરસાદ હતો એટલે ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગયા હતા. જમનાબાઈમાં ભણતો પાર્થ પણ સ્કૂલમાં હતો. ૨૬ જુલાઈના વરસાદને યાદ કરતાં પાર્થના દાદા હર્ષદ મહેતા કહે છે, ‘વરસાદમાં પાણી ભરાઈ જવાં એ મુંબઈમાં નવી વાત નથી. હું અને મારો દીકરો દેવેન્દ્ર વહેલા ઘરે આવી રહ્યા છે એ જણાવવા ઘરે ફોન કર્યો તો ખબર પડી કે પૌત્રને લેવા તેની મમ્મી સ્કૂલમાં ગઈ છે પણ હજી તે પાછાં આવ્યાં નથી. વરસાદ વધતાં વાલીઓ તેમનાં સંતાનોને પાછાં લાવી રહ્યાં છે એવી જાણ થતાં વહુ નીકળી ગયાં હતાં ને મારી પત્નીને ચિંતા થતી હતી. અમે આશ્વાસન આપતાં કહ્યું, વરસાદમાં પાણી ભરાય, એમાં ડરવાની જરૂર નથી. અમે સ્કૂલમાંથી બન્નેને પિક કરી લઈશું. ડીએન નગર પોલીસ-સ્ટેશન સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં પાણીનો સ્તર એટલો વધી ગયો કે અમારે કાર ત્યાં જ છોડી દેવી પડી. પાણીમાં ચાલતાં સ્કૂલમાં પહોંચ્યા. સ્કૂલ મૅનેજમેન્ટે સલામતીને ધ્યાનમાં રાખી નાના બાળકને લઈ જવાની ના પાડી એમાં વહુ ઘરે આવી શક્યાં નહોતાં એટલું જ નહીં, પાણી ઊતરે ત્યાં સુધી હવે બધાએ અહીં જ રોકાઈ જવાનું છે એવી સૂચના આપી. શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને અન્ય સ્ટાફ મળીને લગભગ સવાસો જેટલા લોકો બીજા દિવસ સુધી સ્કૂલના ઉપરના માળ પર ફસાયેલાં રહ્યાં. બાળકો ખૂબ ડરી ગયાં હતાં. કૅન્ટીનમાં ઈડલી-સંભાર સહિત થોડીઘણી નાસ્તાની વ્યવસ્થા હતી એ ખાઈ અંધારામાં જેને જ્યાં જગ્યા મળી ત્યાં લંબાવી દીધું. જોકે ઊંઘ કોઈને ન આવી. બીજા દિવસે સવારે પાણી ઊતરવાનું શરૂ થયા પછી બધા વાલીઓ બાળકોને તેડીને ઘર તરફ રવાના થયાં. મુંબઈમાં આવો ગાંડો વરસાદ ક્યારેય નથી જોયો.’

દરવાજો તોડીને બાળકોને બહાર કાઢ્યાં: હર્ષા ચિતલિયા

ચોથા માળની બારીમાં બેઠાં-બેઠાં મા-દીકરો વરસાદ જોતાં હતાં. પવન સૂસવાટા મારતો હતો. એટલી વારમાં સામેની ઇમારતની અંદાજે આઠ ફીટ ઊંચી દીવાલ કડડડભૂસ થઈ ગઈ અને પાણીનો પ્રવાહ અમારા બિલ્ડિંગ તરફ ફંટાયો. ગળગળા સ્વરે વાત કરતાં હર્ષા ચિતલિયા કહે છે, ‘હાલમાં અમારું બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં ગયું છે, પરંતુ એ ગાળામાં એનો આકાર રકાબી જેવો હતો. સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય. આખા મુંબઈમાં પૂર આવ્યું હોય ત્યારે કેટલું પાણી આવ્યું હશે એની કલ્પના ન કરી શકો. ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણીનો સ્તર વધી ગયો હશે એ વિચારથી મદદ કરવા નીચે ઊતર્યાં. એક ઘરમાંથી બાળકોનો જોર-જોરથી રડવાનો અવાજ આવતો હતો. મારા દીકરાની હાઇટ સારી અને અમને બન્નેને તરતાં આવડે એટલે હિંમત કરી પહેલાં દરવાજો ખખડાવ્યો પછી બારીમાંથી ડોકાઈને જોયું તો બે બાળકો ડબલબેડની ઉપર ચડીને રડતાં હતાં. તેની મમ્મી બૅન્કમાં ગઈ હતી. બૂમ પાડી બીજા લોકોને બોલાવ્યા અને દરવાજો તોડી બન્નેને સલામત બહાર કાઢ્યાં. પછી આજુબાજુની વિન્ગમાંથી બૂમો સંભળાવા લાગી. નાનાં બાળકોને ખભે બેસાડીને તેમ જ વડીલોને વ્હીલ-ચૅર સહિત ચાર માળ સુધી ઊંચકીને લઈ ગયા. લાઇટ તો હતી નહીં. રાતના વડીલો અને બાળકોને ભૂખ્યાં ન રહેવું પડે એ માટે બે-ત્રણ લેડીઝે મળીને થેપલાંનો થપ્પો કરી રાખ્યો. જેમ-તેમ રાત નીકળી ગઈ. સવારે જોયું તો બધાના ઘરમાં કાદવ ભર્યો હતો. ડ્રેનેજમાંથી પાણી ઉપર આવતાં ઘર ગંધાતાં હતાં. એક પાડોશીનો દીકરો ઑગસ્ટમાં વિદેશ ભણ‍વા જવાનો હતો તેના બધા ડૉક્યુમેન્ટ્સ અને અમેરિકાના વિઝા પલળી ગયા. ધોધમાર વરસાદ પડે ત્યારે આજે પણ ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે આવા દિવસો ફરી ન બતાવતો.’

દરેક આપદામાં મુંબઈના સ્પિરિટને મારા સો સલામ: નિક્ષિત શાહ

વરસાદનું જોર અને હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં લઈ ફોર્ટમાં ઑફિસ ધરાવતા નિક્ષિત શાહ અને ઑફિસમાં કામ કરતી યંગ ગર્લ બપોરના અઢી વાગ્યાની આસપાસ ટૅક્સી કરી મલાડ જવા નીકળ્યાં. માહિમ પહોંચીને ટૅક્સી બંધ પડી ગઈ. આગળ પાણીનું સ્તર ઘણું વધારે હતું. તેઓ કહે છે, ‘અંદાજે ચાર ફીટ પાણીમાં લોકો ચાલતા‍ હતા. અમે પણ બધાની પાછળ લાઇનમાં ચાલવાનું શરૂ કર્યું. લાઇનસર ચાલવાનું કારણ એટલું કે કોઈ વ્યક્તિ ગટરમાં કે ખાડામાં ન પડી જાય. દરેક જગ્યાએ સ્થાનિક રહેવાસીઓ મદદ માટે ઊભા હતા. રોજનો રસ્તો હોય એટલે તેમને ખાડાની જાણ હોય. જરૂર જણાય ત્યાંથી અમને ડાઇવર્ટ કરતા હતા. સાંતાક્રુઝ આવતાં યુવતી છૂટી પડી ગઈ. અહીંથી આગળ જવું શક્ય નહોતું. હવે શું? કઈ રીતે ઘરે જાણ કરવી? પંદર વર્ષ પહેલાં ટેલિવિઝન પર વન લાઇનર મૂકતા હતા. કુદરતી આપદા વખતે નીચે પટ્ટીમાં નામ વાંચી લોકો સલામત હોવાની ખાતરી કરી લેતા. મારી ફૅમિલીએ વન લાઇનર મૂક્યું હતું એની પાછળથી જાણ થઈ. મારી ચિંતા જોઈ સાથે ચાલતા એક ભાઈએ કહ્યું, મારા ઘરે રોકાઈ જજો. અજાણી વ્યક્તિના ઘરે રાત વિતાવી. સવારે સેંકડો લોકો ટ્રૅક પરથી ચાલતા જઈ રહ્યા હતા. મુંબઈગરાઓની એક ખાસિયત છે. ગમેતેવી આપદામાં તેમનો સ્પિરિટ દેખાય છે. ટ્રૅક પર અનેક લોકો હાથ જોડીને બિસ્કિટનાં પૅકેટ આપતા હતા. ખાઈ લો ભાઈ, બહુ દૂર જવાનું છે. આ શબ્દો હજી યાદ આવે છે. આવી આફત ક્યારેય ન ત્રાટકે એવી પ્રાર્થના કરીએ, પરંતુ કદાચિત આવું થાય તો ઘણા ઑપ્શન મળી રહે. વૉટ્સઍપ પર તરત મેસેજ આવી જાય કે ફલાણી જગ્યાએ ફસાયા હો તો અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ચ્યુઅલ વર્લ્ડના કારણે હવે વરસાદમાં થોડી ધરપત રહે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK