Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ ગુજરાતી ગર્લની બહાદુરીને સલામ

આ ગુજરાતી ગર્લની બહાદુરીને સલામ

28 February, 2021 09:08 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

આ ગુજરાતી ગર્લની બહાદુરીને સલામ

ઉરણના દરિયામાં પોલીસની સાથે ગયેલી ઋતુજા ઉદેશી

ઉરણના દરિયામાં પોલીસની સાથે ગયેલી ઋતુજા ઉદેશી


ગુજરાતીઓ મોટા ભાગે બિઝનેસ સિવાયની કોઈ પણ બાબતમાં રિસ્ક લેવાનું ઓછું પ્રિફર કરતા હોય છે. જોકે નવી મુંબઈની ઋતુજા ઉદેશી અને તેના પરિવારે આ માન્યતા બદલાવી નાખે એવું કામ કર્યું છે. દરઅસલ બન્યું એવું કે અરબી સમુદ્રમાં ઉરણ પાસે કોળી કમ્યુનિટીના કેટલાક લોકોએ એક પ્રોટેસ્ટ શરૂ કર્યું હતું, જેમાં તેમણે જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટનાં કેટલાંક કાર્ગો જહાજની અવરજવર અટકાવી દીધી હતી. દરિયાની વચ્ચોવચ નાની-નાની હોડીઓ અને પૅસેન્જર જહાજ સાથે મહિલાઓ તથા બાળકો સાથે પહોંચી ગયેલા ઉરણ પાસેના શેવા ગામના પરિવારોનું વિરોધ-પ્રદર્શન ઉગ્ર બને અને હાથાપાઈ કે ધક્કામુક્કી જેવું કંઈ થાય અને દરિયામાં તરતાં ન આવડતું હોય એવી કોઈ વ્યક્તિ દરિયામાં પડી જાય તો શું થશે એની ચિંતા પોલીસને હતી એટલે જ લાઇફગાર્ડ અને મહિલા સ્વિમર ત્યાં હાજર હોય તો તરત જ મહિલા અને બાળકોને બચાવવામાં મદદ મળી રહે. જોકે અત્યારે કોવિડના સમયમાં સામાન્ય મહિલા તરવૈયાઓમાંથી ઘણી મહિલાઓએ આટલું મોટું રિસ્ક લેવાની ના પાડી દીધી, પરંતુ નવી મુંબઈમાં રહેતી ૨૪ વર્ષની ઋતુજા ઉદેશી એકમાત્ર ગુજરાતી ગર્લ આ ટાસ્ક માટે તૈયાર થઈ હતી. તે પોલીસ સાથે અરબી સમુદ્રમાં જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ પર પહોંચી પણ ખરી. લગભગ ત્રણેક કલાક તે પૅસેન્જર જહાજમાં રહી હતી. આંદોલનકારીઓ સાથે વાટાઘાટ કરવાના પ્રયાસ પોલીસ કરી રહ્યા હતા. એક પૉઇન્ટ એવો આવ્યો જ્યાં પોલીસ આગળ જવા માટે તૈયાર થઈ અને ઋતુજાને સ્પીડબોટમાં ઉતારીને તૈયાર કરી લીધી. જોકે ધીમે-ધીમે આંદોલનકારીની ઉગ્રતા શમી અને તેઓ વાતચીત માટે તૈયાર થયા એટલે વાત વધુ વકરી નહીં, પણ ઋતુજા બધી ઇમર્જન્સી માટે તૈયાર હતી.

આ આખા ઘટનાક્રમનું વર્ણન કરતાં ઋતુજાએ કહ્યું કે ‘મારા કોચનો પોલીસે અપ્રોચ કર્યો હતો. તેમને પુરુષ સ્વિમર્સ તો તરત મળી ગયા હતા, પરંતુ મહિલા સ્વિમર મેળવવામાં થોડી તકલીફ પડી હતી, કારણ કે કોઈ પણ પરિવાર પોતાની દીકરીને મોકલવા તૈયાર નહોતો. મને જ્યારે મારા કોચે પૂછ્યું ત્યારે હું તરત તૈયાર થઈ ગઈ. જોકે મેં મારી મમ્મીને શરૂઆતમાં બધેબધું કીધું નહોતું. પોલીસની ગાડી સવારે પોણાસાત વાગ્યે મને લેવા આવી હતી. અમે બોટમાં બેસીને પોર્ટ પાસે ગયાં. અરબી સમુદ્રમાં દરિયાની વચ્ચે ઘણા લોકો નાની-નાની બોટમાં ભેગા થયા હતા અને એમાં નાનાં છોકરાંઓ અને મહિલાઓ પણ હતાં.’



એ સમયે જૉઇન્ટ પોલીસ કમિશનરે ઋતુજાને બોટમાં હતા ત્યારે કહી દીધેલું કે કદાચ કોઈ બોટમાંથી દરિયામાં પડે તો તેમને બચાવીને બહાર લાવવા માટે તારે દરિયામાં કૂદવું પડશે. ઋતુજાએ કહ્યું કે ‘પોલીસે મને કહ્યું કે કોઈની વધારે નજીક ન જવું, કારણ કે કદાચ કોઈના હાથમાં કોઇતા જેવાં હથિયાર પણ હોઈ શકે. જોકે એટલું સાંભળ્યા પછી ભયનું લખલખું પસાર થઈ ગયું હતું, પણ પછી હું મોટિવેટ થઈ ગઈ હતી, કારણ કે કોઈનો જીવ બચાવવાની મોટી જવાબદારી મારા પર હતી. વાતચીતનું પરિણામ ન આવતું દેખાયું એટલે પોલીસો સ્પ્રેડ થઈ ગયા અને મને પણ સ્પીડબોટમાં શિફ્ટ કરવામાં આવી. મને કમિશનરે એટલું જ કહેલું કે હું ઑર્ડર કરું એ પછી જ દરિયામાં કૂદકો મારજે, પણ ફરીથી વાતચીત સાચી દિશામાં વળતી દેખાઈ અને ગામવાળાઓ અને પોલીસ વચ્ચે વાટાઘાટ થઈ.’


અહીં ઉલ્લેખનીય છે કે ઋતુજાને ૨૦૧૮માં ‌શિવ છત્રપતિ ક્રિયા પુરસ્કાર જેવા સ્ટેટ લેવલના અને નૅશનલ લેવલના ઘણા મેડલ મળ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલી જિમ્નેશિયાડની કૉમ્પિટિશનમાં ભારતને રીપ્રેઝન્ટ કર્યું ત્યારે તે ઓગણીસમા ક્રમે આવી હતી.

પ્રોટેસ્ટનો મુદ્દો શું છે?


૧૯૮૫માં જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ બનાવવા માટે જમીન અધિગ્રહણ કરવામાં આવી ત્યારે ઉરણના શેવા ગામના ૨૫૬ પરિવારોને વિસ્થાપિત કરવામાં આવ્યા હતા. ત્યારથી લઈને આ લોકો ઉરણના હનુમાન કોલીવાડા વિસ્તારમાં બનાવેલા ટ્રાન્ઝિટ કૅમ્પમાં જ રહે છે. પ્રોટેસ્ટરોએ કરેલા દાવા મુજબ છેલ્લાં ૩૪ વર્ષથી તેઓ વિરોધ કરી રહ્યા છે, પરંતુ કાયદા પ્રમાણે તેમને વિસ્થાપિત કરવાની દરકાર લેવામાં આવી નથી.

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2021 09:08 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK