મીરા-ભાઇંદરની મતદારયાદીમાં એક જ પિતાના ૭૦ દીકરા

Published: 24th November, 2011 10:21 IST

વોટર્સ લિસ્ટ અપડેટ નહીં થાય તો બીજેપી ર્કોટનો દરવાજો ખટખટાવશે અને જરૂર પડશે તો ચૂંટણી કૅન્સલ પણ કરાવશે(પ્રીતિ ખુમાણ)

ભાઇંદર, તા. ૨૪

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે એ પહેલાં જ મતદારયાદીમાં થયેલા ગોટાળાની વાતો બહાર આવતાં મીરા-ભાઈંદરમાં ખળભળાટ મચી ગયો છે. મતદારયાદીમાં એક જ પિતાના ૭૦થી પણ વધુ દીકરાનાં નામ છે અને એ પણ જુદી-જુદી જાતિ-ધર્મનાં. નવાઈની વાત તો એ છે મતદારયાદીમાં જે જગ્યા અસ્તિત્વમાં જ નથી એવી જગ્યાઓનાં સરનામાં આપ્યાં છે. સામાન્ય જનતા તો પોતાના હકથી વંચિત છે જ, પણ કૉર્પોરેશનની ચૂંટણીમાં બે વાર ઊભાં રહેલાં શ્રીમતી મહેતાના ઘરના સરનામે કોઈ મિશ્રા નામવાળા ચાર વોટરો છે.

૮૫૦ જણનું સરનામું પાણીની ટાંકી

મીરા રોડના એક બાર અને રેસ્ટોરાંના સરનામે લગભગ ૭૦૦ વોટરનાં નામ આપવામાં આવ્યાં છે. ઉપરાંત મીરા રોડના સેક્ટર-૭માં આવેલી પાણીની ટાંકીના સરનામે ૮૫૦ વોટરનાં નામ યાદીમાં જોવા મળ્યાં છે. અસ્તિત્વમાં જ ન હોય એવી ઇમારતોમાં રહેતા વોટરોનાં નામ પણ યાદીમાં છે. મીરા રોડના જાંગિડ કૉમ્પ્લેક્સમાં આવેલી પૂર્ણતા ઇમારતમાં ફક્ત ૬૦થી ૭૦ ફ્લૅટ છે છતાં ત્યાં ૩૫૪ વોટરનાં નામ મતદારયાદીમાં નોંધાયેલાં છે.

૩૨૬ બૂથની યાદીમાં મોટા ભાગના વોટરોની યાદી બોગસ છે. એમાં ૧૮થી ૧૫ ટકા વોટર બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ ગયા છે. અમુક બૂથની યાદીમાં કોઈ પણ પ્રકારની આઇડેન્ટિટી નથી, રૂમનંબર નથી, ફોટોગ્રાફ નથી, નામો રિપીટ થયાં છે, જે વોટરોનાં નામ હોય તેમનાં સરનામાં ખોટાં છે અને ચાર માળની ઇમારતને છ માળની ઇમારત બતાવીને ત્યાં ખોટાં વોટરોનાં નામ લખવામાં આવ્યાં છે.

વિવિધ પક્ષોનું શું કહેવું છે?

ઇમારતો અસ્તિત્વમાં ન હોય અને એક જ નામ પર એક જ સરનામે કેટલાય વોટરોનાં નામ યાદીમાં જોવા મળ્યાં છે એમ જણાવીને બીજેપીના જિલ્લાધ્યક્ષ અને ભૂતપૂર્વ મેયર નરેન્દ્ર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મીરા-ભાઈંદરના રહેવાસીઓના હકનો દુરુપયોગ કરીને કૉન્ગ્રેસ પોતાની મનમાની કરી રહી છે. આવા ગોટાળા કરીને કૉન્ગ્રેસ છેલ્લા કેટલાય વખતથી અહીં રાજ કરી રહી છે, પણ હવે મતદારયાદીમાં બદલાવ કરવામાં નહીં આવે તો બીજેપી ર્કોટનો દરવાજો ખખડાવશે અને જરૂર પડી તો ચૂંટણી પણ રદ કરાવશે.’

મારા પોતાના જ પરિસરમાં છેલ્લાં સાત વર્ષથી મતદારયાદીમાં લોકોનાં નામ આવે એ માટે મારી લડત ચાલી રહી છે એમ જણાવીને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના ગ્રુપ-લીડર ભગવતી શર્માએ કહ્યું હતું કે ‘આ ગોટાળા પર હવે લગામ લાગવી જોઈએ. તેથી હવે અમે ઇલેક્શન-કમિશનરને અને ત્યાર બાદ ર્કોટમાં પણ જનહિત અરજી દાખલ કરીશું.’

વિરોધ પક્ષના નેતા આસિફ શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મીરા-ભાઈંદરની જનતા પાસેથી મત આપવાનો પવિત્ર હક કેટલાય સમયથી છીનવાઈ રહ્યો છે. લોકો પર આ એક પ્રકારનો અન્યાય છે એટલે મેં સંબંધિત વિભાગમાં નવી યાદી બનાવવા માગણી કરી છે.’

શિવસેનાના વૉર્ડ ક્રમાંક ૬૨ના નગરસેવક પ્રશાંત પાલાન્ડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ એક જાતનું કૌભાંડ છે અને એના પર લગામ લગાવી જ જોઈએ એટલે હવે અમે સંબંધિત વિભાગમાં અને જરૂર પડી તો ઉચ્ચ સ્તરે જઈને આ ગોટાળાનો અંત લાવીશું. જરૂર પડી તો ચૂંટણી પણ નહીં થવા દઈએ.’

કેટલા મતદાર?

મીરા-ભાઈંદરની જનસંખ્યા લગભગ ૧૦ લાખથી પણ વધારે છે.  કુલ ૩૨૬ બૂથ છે, જેમાં ૩.૩૩ લાખ વોટરોની યાદી બની છે. આ વોટરોની યાદીમાંથી ૫૦ ટકા મતદારોની યાદી બોગસ છે. થાણે ઇલેક્શન ઑથોરિટી પાસે થાણે ડિસ્ટ્રિક્ટની જનસંખ્યા માટે ફક્ત ૧૫થી ૨૦ કર્મચારીઓ જ છે
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK