મીરા-ભાઇંદરની હૉસ્પિટલો ડેન્જર ઝોનમાં

Published: 22nd December, 2011 07:42 IST

થોડા દિવસો પહેલાં જ દક્ષિણ કલકત્તાની ધાકુરિયા વિસ્તારની પ્રખ્યાત એએમઆરઆઇ (ઍડ્વાન્સ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) નામની પ્રાઇવેટ હૉસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળતાં ૯૩ લોકોના જીવ ગયા હતા.

 

આ ઘટના બાદ મીરા-ભાઈંદર મહાનગરપાલિકા પણ ખૂબ જ સતર્ક થઈ ગઈ છે. એથી આગ જેવી ભયાનક પરિસ્થિતિથી બચવા સલામતી માટે જોઈએ એટલી અગ્નિશમન યંત્રણા ન હોવાથી મીરા-ભાઈંદરની મોટા ભાગની હૉસ્પિટલો ‘ડેન્જર ઝોન’માં છે.

મીરા-ભાઈંદરમાં નાની-મોટી કરીને લગભગ ૧૧૭ જેટલી હૉસ્પિટલો છે જેમાં મોટા ભાગની હૉસ્પિટલોમાં ફાયર સેફ્ટી સિસ્ટમની સુવિધા નથી અને અમુક પ્રાઇવેટ હૉસ્પિટલો તો રેસિડેન્શિયલ એરિયામાં આવેલી છે. એથી આગ જેવી કોઈ ઘટના બને તો મોટું નુકસાન થઈ શકે એટલે સલામતીના પગલારૂપે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ દ્વારા હૉસ્પિટલોમાં સર્વે કરવામાં આવશે.

મીરા-ભાઈંદરની પ્રખ્યાત એવી તુંગા, કસ્તૂરી, સાંઈબાબા, ઓમ શાંતિ જેવી કેટલીયે હૉસ્પિટલોમાં ફાયર સેફ્ટી સિસ્ટમની ઊણપ છે. એટલે ફાયરબ્રિગેડ દ્વારા બધી હૉસ્પિટલોનો સર્વે કરવામાં આવશે. આ સર્વેને ચાર પ્રભાગમાં વિભાજન કરવામાં આવ્યો છે. ૮ જણના પથકમાંથી બે વ્યક્તિ પ્રત્યેક પ્રભાગમાં આવતી હૉસ્પિટલોમાં સર્વે કરશે. સર્વે બાદ આવશ્યક એવી ફાયર સેફ્ટી ન હોય એવી હૉસ્પિટલોને નોટિસ ફટકારી ફાયર સેફ્ટી માટે આવશ્યક એવી યંત્રણા લગાડવાનો આદેશ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને ફાયર સેફ્ટી અંગે સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં મીરા-રોડની ઉમરાવ હોસ્પિટલ આગનો સામનો કરવા માટે સુસજ્જ ન હોવાનો અહેવાલ આપવામાં આવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK