મેડિકલ ટૂરિઝમ : મુંબઈ માટે મજલ હજી લાંબી છે

Published: Jul 13, 2019, 16:58 IST | સરિતા પ્રતીક | મુંબઈ

ભારતનાં અન્ય શહેરોની સરખામણીમાં મુંબઈમાં મેડિકલ ટૂરિઝમનો વિકાસ ધીમી ગતિનો છે. આજે મેડિકલ ફીલ્ડ સાથે સંકળાયેલા કેટલાક નિષ્ણાતો સાથે આ સંદર્ભમાં થયેલી વાતચીત પ્રસ્તુત છે

મેડિકલ ટુરિસ્મ
મેડિકલ ટુરિસ્મ

રિશી કપૂર અત્યાર ન્યુ યૉર્કમાં સારવાર કરાવી રહ્યા છે. આવા તો અઢળક સેલિબ્રિટીઝ વિદેશમાં સારવાર કરાવવા જાય છે જે અખબારોની હેડલાઇન બને છે. પૈસાનો પ્રશ્ન ન હોય એ તમામ ક્ષેત્રના લોકો મેડિકલ સારવાર માટે વિદેશની રાહ પકડે એ આપણે ત્યાંનો ટ્રેન્ડ રહ્યો છે. જોકે ભારત મેડિકલ સારવારની બાબતમાં જરાય ઊતરતું નથી. વિદેશથી ભારતમાં સારવાર માટે આવતા દરદીઓની સંખ્યા જાણો તો એની ખબર પડશે. ઘણા એવા વિદેશીઓ છે જે ભારતમાં આવતા હોય છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ મેડિકલ ટૂરિઝમની. ભારતમાં મેડિકલ ટૂરિઝમ સારા પાયે વીકસી રહ્યું છે, પણ જ્યારે આપણે મુંબઈની વાત કરીએ તો તજજ્ઞોના મતે મુંબઈમાં મેડિકલ ટૂરિઝમ ક્ષેત્રે હજી ઘણું કામ કરવાનું બાકી છે.

મેડિકલ ટૂરિઝમ. ઘણા લોકો માટે આ નવો શબ્દ હશે કે મેડિકલ, દવા, શસ્ત્રક્રિયા વગેરેનું ટૂરિઝમ કઈ રીતે હોઈ શકે? હા, વાત વિચારવા જેવી છે. જોકે ભારતમાં સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવા મળતી હોવાથી હવે વિદેશીઓ સારવાર માટે ભારત તરફ આકર્ષાયા છે. હવે દરદી એકલો તો સારવાર માટે આવશે નહીં, તેની સાથે તેની સારસંભાળ લેનાર પણ આવશે. ત્યારે તેમની રહેવાની સગવડ અને આખો દિવસ માણસ હૉસ્પિટલમાં તો રહેશે નહીં ત્યારે તે જે-તે શહેરની મુલાકાત, જાણીતાં સ્થળો અને બજારોની મુલાકાત પણ લેશે. એટલે કે સારવારની સાથે આવી અનેક વાતો જોડાયેલી હોવાથી એને મેડિકલ ટૂરિઝમ કહેવામાં આવે છે. આજે ભારત દરેકે ક્ષેત્રે પ્રગતિના પંથ પર છે ત્યારે મેડિકલ ટૂરિઝમ ક્ષેત્રે પણ ભારતની હરણફાળ છે. ભારતનાં દિલ્હી, અમદાવાદ, પુણે, હૈદરાબાદ, ચેન્નઈ અને મુંબઈ જેવાં શહેરોમાં વિદેશી દરદીઓની સંખ્યા વધી છે. પણ આ તમામ શહેરોની સરખામણીમાં જો મુંબઈની વાત કરીએ તો સારી તબીબી સેવાને બાદ કરતાં બીજાં અનેક ક્ષેત્રોમાં મુંબઈએ ઘણું કામ કરવાની જરૂર છે.

મેડિકલ ટૂરિઝમ માત્ર તબીબ, સારવાર અને હૉસ્પિટલ પૂરતું મર્યાદિત નથી પણ વીઝા પ્રક્રિયા, ઍરપોર્ટથી હૉસ્પિટલ સુધીના રસ્તા, અન્ય માળખાકીય સુવિધા જેવાં અનેક પરિમાણો પર આધારિત છે. મુંબઈમાં સારી તબીબી સેવા છે, પણ માળખાકીય સુવિધા એટલી સારી નથી. પહેલાં લોકો મુંબઈમાં સસ્તી સારવારને કારણે આવતા, પણ હવે તજજ્ઞ તબીબોને કારણે આવે છે. જોકે હૈદરાબાદ, ચેન્નઈ જેવાં શહેરોમાં સારી તબીબી સેવા સાથે સારી માળખાકીય સુવિધાઓ હોવાથી વિદેશીઓ મુંબઈ કરતાં આ શહેરોમાં સારવાર લેવાનું પસંદ કરે છે. જોકે મુંબઈની પરિસ્થિતિ સાવ નિરાશાજનક નથી, પણ તબીબોના મત મુજબ હજી મુંબઈમાં મેડિકલ ટૂરિઝમનો વિકાસ કરવા સરકારનો સહકાર આવકાર્ય છે. પણ દુ:ખની વાત એ છે કે આ વિશે જ્યારે અમે સરકારી અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીને બાદ કરતાં તમામે આ વિશે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. ત્યારે સરકાર આ વિષયને કેટલી ગંભીરતાથી લઈ રહી છે એ તો સાફ દેખાઈ રહ્યું છે.

સામાન્ય રીતે મેડિકલ ટૂરિઝમમાં શસ્ત્રક્રિયા વિભાગનો મોટો ફાળો હોય છે જેમાં ઘૂંટણ અને થાપાના ટ્રાન્સપ્લાન્ટ, આઇવીએફ અને સરોગસી, પ્લાસ્ટિક સર્જરી અને સ્કિન ટ્રીટમેન્ટ, મેદસ્વિતા ઘટાડવાની શસ્ત્રક્રિયા વગેરે મહત્ત્વના વિભાગો છે. આ વિશે અમે શહેરના કેટલાક જાણીતા તબીબો સાથે વાત કરી એ જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે મુંબઈમાં મેડિકલ ટૂરિઝમની પરિસ્થિતિ શું છે. ત્યારે આ વિશે મિશ્ર પ્રતિભાવ મળ્યા હતા. તબીબી ક્ષેત્રે એવા કેટલાક વિભાગો છે જ્યાં વિદેશી દરદીઓની સંખ્યા વધુ છે, જ્યારે કેટલાંક ક્ષેત્રમાં નિષ્ણાતો હોવા છતાં આ સંખ્યા નિરાશાજનક છે. અહીં ઉલ્લેખનીય છે મેડિકલ ટૂરિઝમનો મુંબઈમાં વિકાસ થાય એ હેતુથી ઑક્ટોબર માસમાં એક કૉન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે.

મેડિકલ ટૂરિઝમ ક્ષેત્રની વાત કરીએ તો મુંબઈમાં એનો ધીરે-ધીરે વિકાસ થઈ રહ્યો છે. છેલ્લાં ત્રણ વર્ષની વાત કરીએ તો આ ક્ષેત્રમાં ત્રણગણો વિકાસ થયો છે; કારણ કે હવે આ ક્ષેત્રે મુંબઈમાં કૉર્પોરેટ ટીમ્સ છે, વિદેશી દરદીઓ માટે સ્પેશ્યલ વૉર્ડ છે, આંતરરાષ્ટ્રીય સ્તરે આ ક્ષેત્રના વિકાસ માટે મેડિકલ કૅમ્પ યોજાઈ રહ્યા છે. ફાર્મા કપંનીઓ દ્વારા પણ પ્રયાસો થઈ રહ્યા છે. પણ જો આપણે દિલ્હી અને મુંબઈની સરખામણી કરીએ તો દિલ્હી આ ક્ષેત્રે સ્થાપિત છે. જોકે મુંબઈ વિકાસશીલ છે. બન્નેમાં સારવાર તો એકસરખી જ છે, કારણ કે જો અપોલો જેવી હૉસ્પિટલની વાત કરીએ તો એ દિલ્હીમાં પણ છે અને મુંબઈમાં પણ છે. દિલ્હીમાં સારવારનો ખર્ચ ઓછો છે, પણ રહેવાની સગવડ વગેરે મુંબઈની સરખામણીમાં મોંઘી છે. જ્યારે મુંબઈમાં સારવાર મોંઘી છે, પણ અન્ય સુવિધાઓ સસ્તી છે એટલે કુલ મળીને બન્ને શહેરોનાં પૅકેજ તો સરખાં જ થાય છે. ખરું કહું તો વિદેશીઓ ડૉક્ટર્સને કારણે મુંબઈ સારવાર માટે આવે છે અને દિલ્હીમાં સારી હૉસ્પિટલને કારણે જાય છે. જોકે મુંબઈ પાસે સારા અને વધુ અનુભવી ડૉક્ટર્સ હોવાથી મુંબઈનો આ ક્ષેત્રે ઘણો વિકાસ થઈ શકે છે. જો સરકારી પૉિલસીમાં થોડા સુધારા કરવામાં આવે, વીઝા પ્રિક્રયામાં સુધારા કરવામાં આવે તો એ વધુ સરળ બનશે. ઉપરાંત જે રીતે આપણે યોગનો પ્રચાર કરી રહ્યા છીએ એવી જ રીતે આપણી જે અન્ય થેરાપીઝ છે આયુર્વેદ, હોમિયોપથી વગેરેનો પણ પ્રચાર થવો જોઈએ તો મુંબઈ આ ક્ષેત્રે હરણફાળ ભરશે. - ડૉ. અમોગ યાદવ (સર્જ્યન અને મેડિકલ ટૂરિઝમ કંપનીના માલિક)

ઇન્ફર્ટિલિટી ક્ષેત્રે મુંબઈ ઘણું સારું હતું, પણ હવે નિરાશાજનક પરિસ્થિતિ છે

ઇન્ફર્ટિલિટી ક્ષેત્રે મેડિકલ ટૂરિઝમમાં ઘણું સારું કામ થતું હતું, પણ હવે વિદેશોની સરખામણીમાં આપણે વેલ એસ્ટાબ્લિશ્ડ નથી. લોકો હવે પોસ્ટ-ઑપરેટિવ ટ્રીટમેન્ટ માટે વધુ આવે છે. આઇવીએફ અને સરોગસી ક્ષેત્રે મુંબઈનું ઘણું નામ હતું, પણ હવે એવું રહ્યું નથી. કેટલીક જગ્યાએ સરોગસીને કારણે ગરીબ મહિલાઓનું શોષણ થતું હોવાના સમાચાર આવ્યા હતા. ઉપરાંત વિદેશીઓ આવીને સરોગસી કરાવતા જેમાં એક વર્ષનો સમયગાળો લાગતો. પાછા જઈ આ કપલમાં ડિવૉર્સ થતાં અથવા બેમાંથી એકનું મૃત્યુ થઈ જાય તો સરોગસી દ્વારા થયેલા બાળકની જવાબદારી લેવા કોઈ તૈયાર ન થતું. અને આખરે સરકારને એ બાળકની જવાબદારી લેવી પડતી. આવાં અનેક કારણોસર સરકારે કેટલાક કડક નિયમો બનાવી દીધા છે. હવે વિદેશીઓ ઉપરાંત એનઆરઆઇ પણ અહીં સરોગસી કરાવી શકતા નથી. અને એ જરૂરી પણ હતું. જોકે આવા બેત્રણ લોકોને કારણે મેડિકલ ટૂરિઝમ પર માઠી અસર થઈ છે. હવે આપણે ત્યાં સારા ડૉક્ટર્સ, સારી અને સસ્તી સારવાર અને સરળ પ્રોસીજર હોવા છતાં પેશન્ટ આવી શકતા નથી. ઉપરાંત વિદેશોની જેમ અટ્રૅક્ટિવ સુવિધાઓ પણ નથી. હા, પણ ઇન્ટર સ્ટેટ ટૂરિઝમમાં વધારો થયો છે, પણ ગ્લોબલી આપણે પાછળ છીએ. - ડૉ. ઇન્દિરા હિન્દુજા. (પદ્મશ્રી અને ધન્વન્તરી અવૉર્ડી, લીડિંગ ગાયનેક ઍન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ, પી.ડી. હિન્દુજા હૉસ્પિટલ)

આપણે પ્રગતિપંથ પર છીએ છતાં આ ક્ષેત્રમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે

વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં શ્રેષ્ઠ સેન્ટર્સ છે. યુરોપ અને યુએસ કરતાં પણ વધુ અનુભવી તબીબો છે. મોટા ભાગના તબીબો પાસે વિદેશમાં પ્રૅક્ટિસનો અનુભવ પણ છે. આપણી પાસે આઇએસઓ સર્ટિફિકેટ પણ છે. ફાયદો એ છે કે આપણે ત્યાં કનેક્ટિવિટી સારી છે. મિડલ ઈસ્ટ અને યુરોપના કેટલાક ભાગોમાંથી ઘણા દરદીઓ સારવાર માટે આવે છે, કારણ કે આપણે ત્યાં વીઝા પ્રોસેસ સહેલી છે. આ તો ઓવરઑલ સિનારિયો છે, પણ જ્યારે આપણે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં પણ મેડિકલ ટૂરિઝમનો વિકાસ તો થયો છે, પણ હજી ઘણું કામ કરવાનું બાકી છે. સરકારનો સહયોગ જરૂરી છે. વિદેશ મંત્રાલયમાં મેડિકલ ટૂરિઝમનું એક સેન્ટર અને રેપ્રિઝેન્ટેટિવ હોવો જોઈએ. સરકારી દવાખાનાંઓમાં ટ્રાન્સપ્લાન્ટ થતાં નથી તેથી પ્રાઇવેટ હૉસ્પિટલ માટે પીપીપી મૉડલ અપનાવવું જોઈએ. ઉપરાંત કરપ્શન અને ક્વૉલિટી ઑફ મટીરિયલનું મૉનિટરિંગ પણ આવશ્યક છે. આપણે ત્યાં માળખાકીય સુવિધાઓનો અભાવ છે, જેના પર ધ્યાન આપવું જરૂરી છે. સાથે આ વિશે મીડિયાએ પણ હકારાત્મક વલણ દાખવવું જોઈએ. આપણે ત્યાં સારા તબીબો તો છે જ પણ જો આ બાબતો પર ધ્યાન આપવામાં આવે તો આપણે આ ક્ષેત્રે ઘણો સારો વિકાસ કરી શકીશું. - ડૉ. વિજય સુરાસે (ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ)

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

છેલ્લાં પાંચ વર્ષમાં દક્ષિણનાં શહેરોની સરખાણીમાં આપણે પાછળ છીએ

આપણે ત્યાં આફ્રિકન કન્ટ્રી અને એનઆરઆઇ પેશન્ટ વધારે આવે છે, કારણ કે એ લોકોને આપણા ડૉક્ટર્સ પર વિશ્વાસ છે. મુંબઈમાં સારવાર ભલે મોંઘી હોય, પણ લોકો વિશ્વાસને કારણે આવે છે. લીગામેન્ટ કન્સ્ટ્રક્શન, રિપ્લેસમેન્ટ વગેરે માટે પેશન્ટ આવે છે. પણ હજી માળખાકીય સુવિધાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. હૉસ્પિટલ ક્લીન હોય છે પણ હૉસ્પિટલ સુધી પહોંચવાના રસ્તા સાફ નથી. ત્યારે ડૉક્ટર્સ અને હૉસ્પિટલની સાથે-સાથે ઍરપોર્ટથી હૉસ્પિટલ સુધીના અપ્રોચ રોડ પર ધ્યાન આપવું જોઈએ. દરદી સાથે તેના કૅરટેકર પણ આવે છે અને એ લોકો અહીં ફરવાનું અને શૉપિંગ કરવાનું પણ પસંદ કરે છે. જો મેડિકલ ટૂરિઝમનો વિકાસ કરવો હોય તો એની સાથે સંલગ્ન તમામ ક્ષેત્રોના વિકાસ પર ધ્યાન આપવું પડશે. આપણે ત્યાં હૉસ્પિટલને ઇન્ડસ્ટ્રી તરીકે નથી જોવાતું. હેલ્થ કૅરની અવગણના થઈ રહી છે. તેથી આપણે છેલ્લાં પાંચ વર્ષમાં ભારતનાં અન્ય શહેરોની સરખામણીમાં અને ખાસ કરીને દક્ષિણનાં શહેરોની સરખામણીમાં પાછળ પડ્યા છીએ. - ડૅા. તેજસ ઉપાસની (ઑર્થોપેડિક ઍન્ડ કમ્પ્યુટર અસિસ્ટેડ જૉઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જ્યન ફોર્ટિસ હૉસ્પિટલ)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK