અંધારાના ચહેરા પર રોશનીનો મુખવટો

Published: 29th November, 2020 19:03 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

આપણે તો હોમ લોનનો ૨૫,૦૦૦ રૂપિયાનો એક હપ્તો ચૂકી ગયા હોઈએ તો તરત બૅન્કના બાબુઓનાં રિમાઇન્ડર આવે. બીજી તરફ ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોશની કૌભાંડ આચરનાર જમ્મુ-કાશ્મીરના નેતાઓ અને અધિકારીઓ બેધડક ખુલ્લેઆમ ફરે છે

કૌભાંડોની વાત આવે તો એમાં આપણો દેશ હંમેશાં આન, બાન અને શાનથી ઊભરી આવ્યો છે. ખાયકી જાણે ખાધાખોરાકીનો એક ભાગ હોય એમ સ્વીકાર્ય છે. બડે બડે નેતાલોગ જે તોસ્તાન કૌભાંડો આચરે છે એની વિગતો જોઈને જનધન ખાતાધારી હેબતાઈને પૂતળું બની જાય. સત્તાધારીઓ જે સિફતથી ગોટાળા કરે છે અને વર્ષોનાં વર્ષો સુધી પકડાતા નથી એ વિસ્મયજનક છે. આપણે તો હોમ લોનનો ૨૫,૦૦૦ રૂપિયાનો એક હપ્તો ચૂકી ગયા હોઈએ તો તરત બૅન્કના બાબુઓનાં રિમાઇન્ડર આવે. બીજી તરફ ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોશની કૌભાંડ આચરનાર જમ્મુ-કાશ્મીરના નેતાઓ અને અધિકારીઓ બેધડક ખુલ્લેઆમ ફરે છે. સમરથ કો નહીં દોષ ગુંસાઈ. પ્રજાની લાચારી નીરવ વ્યાસની પંક્તિઓમાં પડઘાય છે...

રોશની ક્યાં સદાય માગું છું?

રાતની બસ વિદાય માગું છું

હું સ્વીકારુ છું સૌપ્રથમ તડકો

એ પછીથી જ છાંય માગું છું

તડકો સ્વીકારી-સ્વીકારીને જનતા થાકી જાય પછી પણ તેના નસીબમાં સરકારી છાંયો ન આવે. કાશ્મીરખાઉ ગુપકર ગૅન્ગના માલેતુજાર છતાં મનથી ગરીબ એવા સભ્યો અને સરકારી અધિકારીઓની મિલીભગતને કારણે રોશની ઍક્ટ અંતર્ગત રાજ્યની જમીનો ભાઈ-ભતીજા, બેન-બનેવીઓમાં વિતરિત થઈ ગઈ. જેનો હક છે તે પ્રજા મોં વકાસીને જોતી રહી અને કોળિયો તેમના મોઢામાંથી છીનવી લેવામાં આવ્યો. લોકસભામાં બડી બડી બાતાં કહેવાની આઝાદી ભોગવતા ગુલામ નબી આઝાદે પણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હોવાના નાતે ચૂનો લગાડવામાં સહાય કરી એ વાત છેડાઈ છે. ‘ચોરનો ભાઈ ઘંટીચોર’ કહેવત અમસ્તી નહીં પડી હોય. આમ અંદરોઅંદર ઝગડતા પણ લાભની વાત આવે ત્યારે એક થઈ જતા રાજકારણીઓને રાકેશ સાગર સગરનો શેર અપમાનપૂર્વક અર્પણ...

એ ઉતારીને તમે અંધારું ઘરમાં ના કરો

બાપના ફોટા થકી તો રોશની છે ભીંત પર

ભીંત સાથે ભીંત ઝઘડી ના પડે જોજો હવે

ભાઈઓના ભાગલાની માગણી છે ભીંત પર

ભાગલા પાડીને રાજ કરવાની નીતિ અંગ્રેજો ગયા પછી પણ યથાવત્ રહી છે. કોરોનાકાળમાં ઝાડુ-પોતું કરી લીધું છે એવું કહીને ખોટું બોલતો પતિ અથાક પ્રયત્નો પછી પણ પત્ની પાસે આખરે પકડાઈ જાય છે. પત્ની ઘરની જમીન જોઈને જ કહી દે કે વાતમાં કેટલો દમ છે. બીજી તરફ કરોડો રૂપિયાની જમીન પચાવી પાડનારાઓ પ્રત્યે આંગળી ચીંધાવામાં જ જો દોઢ દાયકો થયો હોય તો સજા તો દૂરની વાત રહી. રોશની કૌભાંડ એટલે કોથળામાંથી બિલાડું નહીં, આખેઆખો હાથી બહાર આવવાની ઘટના છે. યેનકેનપ્રકારેણ આ પ્રકરણને દબાવી દેવાની કરામતી કોશિશ થશે અને અબ્દુલ્લાઓ તથા મુફ્તીઓ પોતે પાંચ વર્ષના બાળક જેટલા નિર્દોષ છે એવું સાબિત કરવા એલાન કરશે. અદમ ટંકારવીના શબ્દોમાં તેઓ પાપને છાવરવાનો પુરુષાર્થ યકીનન કરવાના...

બેઠા હતા અમે અને જલતું હતું હૃદય

તેથી જ તો એની સભામાં રોશની હતી

અફસોસ કે દુનિયાએ બનાવી હજાર વાત

નહીંતર અમે તો એક-બે વાતો કરી હતી

ભગવાન જાણે કાશ્મીરના સત્તાધારીઓએ આવાં એક-બે કૌભાંડ કર્યાં હશે કે પાંચ-પચ્ચીસ! જેમ ડીપ ફ્રીઝર હોય એમ કોઈ ડીપ તિજોરીમાં અબજો રૂપિયા સરકાવી દીધા હશે, છતાં સધિયારાની વાત એ કે કાશ્મીર હાઈ કોર્ટે આ આખ્ખી વાતમાં લાગતાવળગતાઓનાં નામ જાહેર કરવાનું ફરમાન કર્યું. એને કારણે એક પછી એક લાડકાં નામો ધાણીની જેમ ફૂટીને બહાર આવી રહ્યાં છે. ચામડીને બદલે બખ્તર પહેરેલાઓને રિન્કુ રાઠોડ રોશનીની આ પંક્તિઓ આ જન્મે સમજાય એ વાતમાં માલ પણ નથી અને એનો સવાલ પણ નથી...

ના ખુદા કે રામ કાગળ પર લખ્યું

ફક્ત માનું નામ કાગળ પર લખ્યું

શબ્દથી વ્યાપી રહી જ્યાં રોશની

એ ધબકતું ધામ કાગળ પર લખ્યું

કાશ્મીર એટલે ખુદાની મહેર પામેલું ધામ. કેટલું લખલૂટ સૌંદર્ય અહીં કુદરતે પાથર્યું છે. આકરા શિયાળામાં ગુલમર્ગની મુલાકાત લેનારા રસિયાઓ સ્કિઇંગનો આનંદ માણે છે. અહીંની વાદીઓમાં કુદરતની અઝાન સાથે આતંકવાદીઓની ગોળીઓની ધણધણાટી પણ સંભળાય એ ખેદજનક છે. પાકિસ્તાન બીજું કંઈ એક્સપોર્ટ કરે કે ન કરે, પણ આતંકવાદ એક્સપોર્ટ કરવામાં એકદમ એક્સપર્ટ છે. જૈમિન ઠક્કર પથિક કહે છે એમ બધાં અરાજક તત્ત્વોને ઢાળી દેવામાં જ સાર છે...

સત્યનો રસ્તો પડે અઘરો છતાં

એ તરફ થોડું વળું, તો પણ ઘણું

રોશની મારી ઘટી રહી છે સતત

હું સમયસર જો ઢળું, તો પણ ઘણું

રોશની કૌભાંડના ગુનેગારો લાલુપ્રસાદની જેમ જેલના સળિયાની પાછળ જવા જોઈએ. ચિદમ્બરમની જેમ જામીન પર છૂટીને ફરતા રહેશે તો એનો કોઈ મતલબ નથી. સમય બોલે અને એના બોલ પાળવા બધા મજબૂર થાય એવી કવિ-કામના કરીએ. આદિલ મન્સૂરી એક નિસબત ધરાવતી સચ્ચાઈ બયાં કરે છે...

તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે

મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે

સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ

જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે

ક્યા બાત હૈ

આજ, ગમતી જિંદગી ક્યાં છે?

ચાંદ છે, પણ ચાંદની ક્યાં છે?

 

છે બધે અંધારની છાયા

માણસાઈ, રોશની ક્યાં છે?

 

આંજવા છે એકબીજાને

ખુશ રહે દિલ, સાદગી ક્યાં છે?

 

જાન આવે એક મડદામાં

ઓ ખુદા એ બંદગી ક્યાં છે?

 

પ્રેમમાં ‘જય’ સૌ પડે લેકિન

‘મજનુ-લયલા’ આશિકી ક્યાં છે?

- જયવદન વશી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK