સાર્વજનિક જગ્યા, ચોપાટી અને મુખ્ય રસ્તાઓ પર તમે માર્શલને જોયા જ હશે. આ માર્શલ માસ્ક ન પહેરતા અથવા તો ગમે ત્યાં થૂંકતા લોકોને પકડીને ફરજિયાત દંડ વસૂલ કરે છે. હવે આવા માર્શલો તમને લોકલ ટ્રેનની અંદર કે પ્લૅટફૉર્મ પર ફરતા દેખાય તો નવાઈ ન પામતા. મુંબઈમાં કોવિડ-19ના કેસમાં વધારો થતાં બીએમસીએ કડક વલણ અપનાવવાનો મક્કમ નિર્ણય લીધો છે એટલે ટૂંક સમયમાં જ તમને માર્શલો કડક કાર્યવાહી કરતા જોવા મળશે. આ ઉપરાંત દરેક વૉર્ડ પ્રમાણે બીએમીસીના તમામ અધિકારીઓ અને વૉર્ડ-ઑફિસરોને સૂચના આપવામાં આવી છે કે સરકારે નક્કી કરેલી એસઓપી (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર)નું કોઈ પણ સ્થિતિમાં પાલન થવું જ જોઈએ.
માર્શલ ઇન લોકલ
બીએમસીના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘લોકલ શરૂ થતાં મોટા પ્રમાણમાં લોકો ટ્રેનમાં પ્રવાસ કરવા લાગ્યા છે. લોકલ પણ એક કારણ છે જ્યાંથી કેસ વધી રહ્યા છે. એટલે ત્યાં માસ્ક પહેરવો અતિ આવશ્યક છે. જોકે લોકો માસ્ક પહેર્યા વગર અથવા માસ્ક મોઢા નીચે રાખીને ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છે અને બેજવાબદારીપૂર્વક વર્તન કરી રહ્યા છે. રેલવેમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ લોકો માસ્ક પહેરશે. એથી બીએમસી માર્શલ નિયુક્ત કરી રહી છે. માર્શલો ટ્રેનની અંદર અને પ્લૅટફૉર્મ પર રહેશે અને જેમણે માસ્ક નહીં પહેર્યો હોય તેમની વિરુદ્ધ કાર્યવાહી કરીને દંડ વસૂલ કરવામાં આવશે. આ પ્રકારની કાર્યવાહી કરવા સિવાય છૂટકો નથી.’
કોરોનાનો ગ્રાફ વધ્યો
મુંબઈમાં કેસ વધી રહ્યા છે એ વિશે સુરેશ કાકાણીએ કહ્યું હતું કે ‘ફૉરેનની ફ્લાઇટ વધી હોવાથી અમે ટેસ્ટિંગ વધારી દીધું છે. દિલ્હી, ગુજરાત, કેરળ વગેરે જગ્યાએથી ડોમેસ્ટિક ફ્લાઇટ આવે ત્યારે પણ અમે ટેસ્ટિંગ કરી રહ્યા છીએ. વળી અમે ફોકસ ટેસ્ટિંગ કરી રહ્યા છીએ - જેમ કે હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ, ડાયરેક્ટ કૉન્ટૅક્ટ વગેરે. લોકલ ટ્રેનો શરૂ થઈ હોવાથી મોટી સંખ્યામાં લોકો પ્રવાસ કરી રહ્યા છે. ઉપરાંત લોકો હવે કોરોનાને લઈને ખૂબ રિલૅક્સ થઈ ગયા છે. તેઓ માસ્ક પહેરવો, સૅનિટાઇઝરનો ઉપયોગ કરવો, હાથ વારંવાર ધોવા અને સોશ્યલ ડિસ્ટન્ટિંગ રાખવું જેવા નિયમોનું પાલન કરતા નથી. આ કારણોસર કેસમાં વધારો થતાં મુંબઈમાં કોરોનાના ગ્રાફમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
એસઓપીનું કડક પાલન કરાવીશું
મુંબઈમાં કોરોના પર નિયંત્રણ લાવવા એસઓપીનું પાલન કરવું ફરજિયાત છે એમ જણાવીને સુરેશ કાકાણીએ વધુમાં કહ્યું હતું કે ‘મુંબઈમાં કોરોનાનો ગ્રાફ વધુ ઉપર જાય નહીં એ માટે એના પર નિયંત્રણ લાવવા સરકારે બનાવેલી એસઓપીનું પાલન થવું જરૂરી છે. અગાઉની જે એસઓપી છે એનું જ અમે પાલન કરી રહ્યા છીએ, પણ હવે વધુ સખતાઈથી એનું પાલન થાય એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ. ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન સાથે રિવ્યુ મીટિંગ યોજાઈ હતી જેમાં પણ એસઓપીનું સખતાઈથી પાલન કરાવવા વિશે બીએમસીના તમામ સંબંધિતોને સૂચિત કરાયું છે.’
મેયરે ટ્રેનના પ્રવાસીઓને સુધરી જવાની સલાહ આપી
મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે લોકલ ટ્રેનના પ્રવાસીઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘લોકલ ટ્રેનના પ્રવાસીઓ માસ્ક નથી પહેરતા એ ચિંતાનો વિષય છે. આવા લોકોએ સુધરી જવાની જરૂર છે. આપણે પાછા લૉકડાઉન તરફ જવું કે નહીં એ આ લોકોના હાથમાં છે.’
આ પહેલાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પણ લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ નહીં રાખે અને માસ્ક નહીં પહેરે તો સરકારે મજબૂર થઈને કડક પગલાં લેવાં પડશે એવો ઇશારો આપ્યો હતો.
લોકલ પર રિવ્યુ ૨૧-૨૨ ફેબ્રુઆરીએ
લોકલ ટ્રેન વિશે બીએમસી શું કરવાની છે એ સવાલ પૂછવામાં આવતાં સુરેશ કાકાણીએ કહ્યું હતું કે ‘લોકલ હાલમાં તો જેમ છે એમ જ ચાલતી રહેશે. ૨૧-૨૨ ફેબ્રુઆરીએ અમારી રિવ્યુ મીટિંગ થવાની છે જેમાં લોકલ શરૂ થયા પહેલાં અને પછી કેટલા કેસ આવ્યા, શું પરિસ્થિતિ છે, શું અડચણો છે વગેરે વિશે સવિસ્તર ચર્ચા થવાની છે. ત્યાર બાદ લોકલ વિશે પરિસ્થિતિને જોઈને જરૂરી હશે એ નિર્ણય લેવામાં આવશે.’
મુંબઇમાં આજે નહીં લાગે Corona Vaccine, જાણો વધુ
7th March, 2021 13:45 ISTVideo: 100મા જન્મદિવસે મુંબઇના આ 'દાદી'ને પહેલા વેક્સીન અને પછી આ...
7th March, 2021 12:10 ISTકોરોનાના ઍક્ટિવ કેસ વધુ હોય ત્યાં રસીકરણને વેગ આપવા રાજ્યોને કેન્દ્રનો આદેશ
7th March, 2021 09:27 ISTઅંધેરી તરફ જઈ રહ્યા હો તો સાવચેત રહેજો...
7th March, 2021 09:27 IST