બેસ્ટનું સર્વર ડાઉન થતાં અનેક પ્રવાસીઓને હાલાકી વેઠવી પડી

Published: Feb 14, 2020, 13:21 IST | Mumbai Desk

બેસ્ટ દ્વારા રોજેરોજ એક જ રૂટ પર પ્રવાસ કરતા પ્રવાસીઓને સુવિધા રહે એ માટે પાસ ઇશ્યુ કરાય છે. સર્વર ડાઉન થઈ જતાં માસિક અને ત્રિમાસિક પાસ જે જગ્યાએ મળે છે એ ઇશ્યુ કે રીન્યુ થઈ શક્યા નહોતા

સર્વર ડાઉન થતાં પાસ ન મેળવી શકેલો બેસ્ટનો પ્રવાસી.
સર્વર ડાઉન થતાં પાસ ન મેળવી શકેલો બેસ્ટનો પ્રવાસી.

દરરોજ હજારો પ્રવાસીઓને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડતી બેસ્ટનું સર્વર ગઈ કાલે સવારે કલાકો સુધી બંધ રહેતાં અનેક પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડી હતી. સવારના સમયે સર્વર ડાઉન થઈ જતાં બેસ્ટના દરેક ડેપોમાં જ્યાં પાસ ઇશ્યુ થાય છે ત્યાં આ સમસ્યા સર્જાઈ હતી. બેસ્ટ દ્વારા રોજેરોજ એક જ રૂટ પર પ્રવાસ કરતા પ્રવાસીઓને સુવિધા રહે એ માટે પાસ ઇશ્યુ કરાય છે. સર્વર ડાઉન થઈ જતાં માસિક અને ત્રિમાસિક પાસ જે જગ્યાએ મળે છે એ ઇશ્યુ કે રીન્યુ થઈ શક્યા નહોતા જેના કારણે અનેક પ્રવાસીઓએ ગિરદીના સમયે ટિકિટ કઢાવીને પ્રવાસ કરવો પડ્યો હતો.

મૂળ કુર્લામાં રહેતા અને બૅન્ક અને પોસ્ટના સ્મૉલ સેવિંગ અને પીગ્મી કલેક્શ‍ન એજન્ટ આજે સવારે વિદ્યાવિહાર-વેસ્ટમાં સ્ટેશન પાસે જ આવેલા બેસ્ટના ડેપો પર પાસ કઢાવવા પહોંચ્યા હતા ત્યારે તેમને કહેવાયું હતું કે સર્વર ડાઉન હોવાથી તેમને પાસ ઇશ્યુ નહીં કરી શકાય. રોજેરોજ એક જ ચોક્કસ વિસ્તારમાંથી કલેક્શન કરવાનું હોવાથી અને ઘડીએ ઘડીએ ઊતરવાનું હોવાથી તેમને બેસ્ટનો પાસ ઘણો જ સુવિધાજનક હોય છે, પણ ગઈ કાલે તેમને પાસ ઇશ્યુ કરનાર કર્મચારીએ કહ્યું હતું કે સર્વર ડાઉન હોવાથી પાસ નહીં નીકળી શકે. એથી તેમણે આખો દિવસ અલગ-અલગ ટિકિટ કઢાવીને પ્રવાસ કરવો પડ્યો હતો.

આ બાબતે મહિતી આપતાં બેસ્ટના પીઆરઓ મનોજ વરાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અન્ય સરકારી ઑફિસોની જેમ બેસ્ટ પણ એમટીએનએલની સુવિધા વાપરે છે. આજે વહેલી સવારથી સર્વર ડાઉન થયું હતું. એ પછી એ બાબતે ટેક્નિકલ ટીમને જાણ કરાઈ હતી. બપોરે એક વાગ્યે સર્વર પાછું ચાલુ થયું હતું. એથી પિક અવર્સમાં કેટલાક પ્રવાસીઓને હાડમારી ભોગવવી પડી હતી.’
એમટીએનએલમાં ૩૧ જાન્યુઆરીએ મોટા ભાગના સ્ટાફે વીઆરએસ લઈ લેતાં સ્ટાફની સખત અછત વર્તાઈ રહી છે અને રોજેરોજ સમસ્યાઓ સર્જાઈ રહી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK