Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ મારું બેટું કેવું માણસાઈનો છાંટો નથી એને માણસ કહેવાનુ?

આ મારું બેટું કેવું માણસાઈનો છાંટો નથી એને માણસ કહેવાનુ?

04 February, 2019 03:18 AM IST |
સુભાષ ઠાકર

આ મારું બેટું કેવું માણસાઈનો છાંટો નથી એને માણસ કહેવાનુ?

આ મારું બેટું કેવું માણસાઈનો છાંટો નથી એને માણસ કહેવાનુ?


મનોરંજનથી મનોમંથન

જાહેર ચેતવણી : આ લેખ વાંચવાનું શરૂ કર્યો હોય તો અહીં જ અટકી જજો ને તમારા ઘરની છરીને બરાબરની અણીદાર ધાર કઢાવો, શક્ય છે કે આ લેખ પૂરો થયા પછી આપણા સંબંધો ખતમ થઈ જાય અને પછી વાત જો ખૂનામરકી સુધી પહોંચી જાય તો સંબંધો અને આપણે બન્ને ખતમ પણ થઈ જઈએ



હવે તમે ‘બાપ રે એવી તે શી વાત છે’ એવું બોલ્યા તો લો ઘનશ્યામ પરદા હટાતા હૈ.


હાલમાં બધા જ ભગવાનોની દુનિયામાં ખળભળાટ મચી ગયો છે; કારણ કે મંદિર હોય કે દેરાસર, ભક્તિસંધ્યા હોય કે કોઈની પ્રાર્થના સભા, જૈન હોય કે વૈષ્ણવ હોય; પણ પેલું ગીત જબરું ઉપાડ્યું છે. તમે સમજી ગયા પણ જણાવવું એ મારી ફરજ છે તો ગીત તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે ત્યાં મને તું સ્થાન આપી દે ઍગ્રી? હવે ઈશ્વરોને થયું કે જેને અમે જનમ આપી પૃથ્વી પર સ્થાન આપ્યું એ અમારું જ સ્થાન પચાવવાની વાત કરે? વેરી બૅડ. મેરી બિલ્લી મુઝ સે મ્યાઉં. આજ સુધી તમારી બધી જ માગણીઓ પૂરી કરતો ગયો. ક્યારેક નસીબ કરતાં પણ વધારે આપતો ગયો હશે, પણ બાપુ આજે એનું સ્થાન માગી લેવાની આપણી માગણી હદ વટાવી ગઈ.

બધા જ ઈશ્વરો ચમક્યા, મૂંઝાયા, ગભરાયા, અકળાયા. છેવટે ભડક્યા, અલ્યા ટોપા, તું જ પથ્થરમાંથી ઈશ્વર બનાવી મને મંદિરમાં બેસાડે અને પછી મારું સ્થાન માગે?


હવે? નામનો પ્રશ્નાર્થ બધા ભગવાનના ચહેરા પર છવાઈ ગયો. કોઈ પટાવાળો પોતાના શેઠ પાસે જ રાજીનામું માગતો હોય એવું લાગે એટલે બધા ભગવાનોએ એકબીજાને મોબાઇલ, વૉટ્સઍપ, મેસેજ કરી તત્કાલ મીટિંગ ભરવાનું નક્કી કર્યું.

છેવટે સર્વાનુમતે વૈકુંઠમાં ઇન્દ્રના દરબારમાં ઠરાવ માટે સભા બોલાવી. ઇન્દ્રએ શુભારંભ કર્યો, ‘પ્રિય ભગવાનો, હું અજ્ઞાની છું એટલુંય જ્ઞાન માણસમાં નથી એટલે આ માણસ મૂર્તિઓમાં આપણને શોધે છે, પણ હજી માણસમાં માણસ શોધી શક્યો નથી. હવે આપણે એ નક્કી કરવાનું છે કે આપણું સ્થાન આપવું કે નહીં? આપવું તો મફતમાં કે ભાડેથી? ને શું ભાડું લેવું? લિવ લાઇસન્સ પર આપવું કે પાઘડીથી? ને આપણે જો આપવાનો ઇનકાર કરીએ ને જો તે મારામારી કરી પડાવી લે તો આપણે ક્યાં જવું? શું પગલાં લેવાં? એ નક્કી કરવા આપણે તાત્કાલિક મળ્યા છીએ છતાં તમે બધા ભગવાન તમારા સ્થાનના માલિક છો. ઇટ્સ ડિપેન્ડ અપૉન યુ.’

‘જુઓ પ્રભુ,’ નારદ બોલ્યા, ‘એ બાળક છે આપણું જ છે, તેને નથી આપતાં આવડતું કે નથી માગતાં આવડતું.’

‘વાહ ભાઈ વાહ.’ ઇન્દ્ર બોલ્યા. ‘પોતે ટ્રેનમાં ૧૫ મિનિટ કોઈને બેસવાનું સ્થાન આપતો નથી ને આપણું આખું સ્થાન બથાવવાની વાત કેવી રીતે મનાય? છતાંય જે ભગવાને રાજીનામું આપી પોતાનું સ્થાન ખાલી કરી આપવું હોય તો મારી ના નથી, પણ યાદ રાખજો આ માણસ છે, ફૂલ આપીને બગીચો માગી લેશે. પછી કહેતા નહીં કે મંે ચેતવ્યા નહીં. આ તો શું છે કે આપણું સ્થાન આપીએ તો લોકો તેને ભગવાન માને, તેની પૂજા થાય, આરતી ઊતરે બીજું શું?

ગરમ ન થાઓ, ઇન્દ્રપ્રભુ. તેને બિચારાને આપણી મુશ્કેલીઓ ખબર જ નથી. એનું જ્ઞાન પણ નથી. એટલે નારદ બોલ્યા,

‘કેમ? પણ આપણી મુશ્કેલી હોય તો આપણે કયા ભગવાન પાસે જવાનું? છે ભગવાનનો કોઈ ઉપરી ભગવાન? છતાં બોલો રામ, તમારે શું મુશ્કેલી છે? તમારે સ્થાન આપવું છે?’

‘જુઓ ઇન્દ્રજી, મને મારા સ્થાનનો કોઈ મોહ નથી. લઈ લો મારું સ્થાન ને આપી દો, પણ એને પૂછો કે ૧૪-૧૪ વર્ષ સુધી જ વનવાસ ભોગવી શકશે? વાઇફ અને ભાઈ પણ સાથે હશે. વાઇફ સોનાનું હરણ કે હાથી પણ માગી શકે. લાવી શકીશ? રાવણ સાથે યુદ્ધ કરવું પડશે. કરીશ? I am ready to give my place.’

‘અરે રામ, આ તો સાલું ધ્યાનમાં જ ન આવ્યું. ચાલો જોઈએ. દેવોં કે દેવ મહાદેવ, આપનું સ્થાન આપવાનો વિચાર જાગે છે?’

‘અરે મિસ્ટર ઇન્દ્ર,’ મહાદેવ બોલ્યા, ‘મારી વાત તે જાણશે તો વિચારશે કે આપઘાત કરવો સારો પણ સ્થાન ન મગાય. સમજાવું.’

‘એવું?’

‘હા પ્રભુ એવું. જે માણસ ઉંદરથી ડરી દોડાદોડી કરી મૂકે તે ગળામાં મફલરની જેમ સાપને વીંટાળી શકશે? જમતી વખતે કોળિયો ગળેથી નીચે ઉતારી શકે, પણ અધવચ્ચે ઝેર ગળામાં અટકાવી નીલકંઠ બની શકશે? અરે જવા દો પ્રભુ, જેના પર એક ઠંડા પાણીનું ટીપું પડે તો વાઇબ્રેટર મોડ પર આવી જતો હોય અને ઠંડીમાં બે મફલર ને ત્રણ સ્વેટર પહેરીને પણ ધþૂજતો હોય તે જિંદગીભર ઠંડી સહન કરશે? તેનું ઘર, બંગલો કે મકાન બધું છોડી હિમાલયમાં રહી શકશે? જો આ બધાનો જવાબ હા હોય તો માત્ર સ્થાન જ નઈ, આખો હિમાલય તેના નામે, બસ?’

‘વિષ્ણુ તમે બોલો, હવે શું કરશો તમારા સ્થાનનું? માણસને આપશો?’

‘અરે માય ડિયર મિલૉર્ડ ઇન્દ્ર, આ મહાદેવ જે ગળામાં નાગ લઈને ફરે છે એવા નાગની પથારી પર સૂતાં-સૂતાં આખી સૃષ્ટિ ચલાવવાની છે. જે પોતાનું ઘર ચલાવી શકતો નથી તે સૃષ્ટિ કેવી રીતે ચલાવવાનો? મારી જીવનસંગી લક્ષ્મીની પૂજા કરશે, પણ લક્ષ્મીનો કોઈ જરૂરિયાતવાળા માટે ખર્ચ કરવાનો વારો આવશે તો ગેંગેફેંફે થશે. જે દિવસે સમુદ્રમાં નાગ ઉપર બેસી સૃષ્ટિ ચલાવવાની આવડત આવશે અને જ્યારે લક્ષ્મીને ખરચી મહાલક્ષ્મી બનાવશે તો હું સ્થાન આપીશ. ગૅરન્ટી.’

‘વેરી ગુડ. પ્રિય ભગવાનો, આજે આપણે ધર્મના કોઈ વાડામાં પાડ્યા નથી એટલે આનંદની વાત છે કે પ્રભુ મહાવીર અહીં પધાર્યા છે જેણે માત્ર બહારના જ નહીં, પણ અંદર રહેલા દુશ્મનોને પણ જીત્યા છે. તેમની વાણી સાંભળીએ. બોલો.’

‘જો પ્રભુ ધર્મના વાડામાં તો હિન્દુ, મુસલમાન, જૈન આ બધા ધર્મ કરતાં સૌથી મોટો ધર્મ માનવધર્મ અને પૂછો છો એટલે કહું છું કે ટાંકણીની અણી જરાક જો ભોંકાય તો બૂમાબૂમ કરી મૂકે છે તો કાનમાં કોઈ ભરવાડ ખીલા ઠોકશે તો રાડારાડ કરશે. એ વેદના સહન કરશે? અરે અપટુડેટ ઇસ્ત્રી વગર કપડાં નથી પહેરતો તે કપડાંની માયા વગર રહી શકશે? સ્વના માટે નહીં, પણ સવર્‍ માટે જીવન જીવી શકશે? કદાચ એ છોડી શકશે, પણ છૂટી નહીં જાય. પણ વહાલા છોડવું પડે ત્યાં ત્યાગ પણ છૂટી જાય એ વૈરાગ. અને મારું સ્થાન હોય તો આપું. મારું સ્થાન તો મારા ભક્તોના હૃદયમાં છે. પણ અંદર જોતો જ નથીને.’

‘વાહ પ્રભુ વાહ, આપે બહુ મોટી વાત કરી. અરે બોલો હનુમાનજી, શું કહો છો?’

‘મારા પ્રભુ રામની વાત તો આપે જાણી. રામ સાથે મારો પુરાનો નાતો. મારું પોતાનું સ્થાન પ્રભુ રામનાં ચરણોમાં જ છે. હવે આ માણસ જિંદગીભર કુંવારો રહેવા તૈયાર હોય, લંકાને બાળી રાવણ પાસેથી મા સીતાને બચાવી શકે એમ હોય ને રામનાં ચરણમાં શરણ સ્વીકારે તો આઇ ઍમ નૉટ ઇન્ટરેસ્ટેડ ઇન માય પ્લેસ. રાજીનામું તૈયાર જ છે.’

આવા બધા જ ભગવાનોનાં મંતવ્ય પછી ઇન્દ્રે નારદને પૂછ્યું, ‘બોલો નારદ, શું કરશું?’

‘નારાયણ નારાયણ... શું બોલું પ્રભુ.. જબરી મૂંઝવણ છે. એક તો ભૂલ આપણી છે. સાલું માણસાઈનો છાંટો નથી ને માણસ કહેવો પડે છે.’

‘આ મારું બેટું કેવું માણસાઈ નથી છતાંય માણસ કે’વો પડે.’

‘અરે ભગવાન, કોણ એ જ એ નક્કી કરી શકતો નથી. એના ઘરમાં સવારે બાપુજી રામ રામ બોલે, બા જયશ્રીકૃષ્ણ બોલે, દીકરો ગુડમૉર્નિંગ ડૅડ બોલે, દીકરાની વહુ જૈન એટલે જય મહાવીર બોલે, બાજુવાળો ઇકબાલ સલામ આલેકુમ બોલે.’

‘પ્રભુ, નાના મોઢે મોટી વાત કરું, પણ સૌપ્રથમ એ માણસાઈનો પાસર્પોટï બનાવે એના પર સત્કર્મનો પીઝા વીઝા મેળવે પછી પ્રેમ, વિશ્વાસ, સહકાર અને લાગણીઓ નામની બૅગોને ઇમિગ્રેશનમાંથી પાસ કરાવે તો આપણે તેના માટે પુષ્પક વિમાન મોકલી અહીં બોલાવી પૂછીશું, બોલ કયા ભગવાનનું સ્થાન જોઈએ છે? હવે તમારો શું ઓપિનિયન છે?’

‘જુઓ નારદ અને બધા ઈશ્વરો,’ ઇન્દ્ર બોલ્યા, ‘મારો મત એ છે કે આ પુષ્પક બુષ્પક બધું ઠીક છે, પણ પેલા વૃદ્ધાશ્રમમાં મૂકી આવેલાં તેનાં

માતા-પિતાને તે પાછાં લઈ આવે ને તેમનો પ્રેમ અને આર્શીવાદ લે તો તેમનામાં જ જીવતા ભગવાન દેખાશે પછી આપણામાંથી કોઈ ભગવાનનું સ્થાન માગવાની ભૂલ નહીં કરે, ગાવાનું બંધ કરશે અને...’

આ પણ વાંચો : હૈયાના એક્સ-રે પાડી શક્યા નથી ને મનનાં બ્યુટી-પાર્લર ખૂલ્યાં નથી

‘અને શું?’ બધા ભગવાનોએ પૂછ્યું.

‘અને અંતે જ્ઞાન થશે કે અરે જેનું સ્થાન માગું છું એ તો અંદર જ બેઠો છે. પછી રામ મંદિર કે બાબરી મસ્જિદ બનાવવાની જીદ પણ નહીં કરે.’

મિત્રો, હવે પહેલી લાઇન ફરી વાંચો. બોલો આપણે ખૂનામરકી કરવી છે કે સંબંધો વધારવા છે?

શું કહો છો?

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2019 03:18 AM IST | | સુભાષ ઠાકર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK