કમાવા માટે ખાવું પડે, ખાવા માટે કમાવું પડે

Published: 27th October, 2012 06:55 IST

‘અલી ચંપુ,’ દરિયાકિનારે બેઠેલા ચંબુએ રોમૅન્ટિક વાતનો શુભારંભ કર્યો. ‘આ દરિયામાં દૂરથી આવતાં મોજાં જોયાં? કેવાં દિલને ઠંડક આપે છે!’(મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર)


‘ક્યાં છે? મને તો દેખાતાં નથી, પણ હશે. એ તો નજર-નજરમાં ફેર રહેવાનો જેમ મને કણ-કણમાં પણ ભગવાન દેખાય છેને તને મંદિરમાં પણ ભગવાન નથી દેખાતો એમ. પણ મને એ વિચાર આવે છે ડિયર, દરિયામાં મોજાં આવતાં હોય તો બૂટ કેમ નહીં? ક્યાંક બૂટ પણ છુપાયાં હશે. જેમ આપણે એકબીજા વગર રહી શકતા નથી એમ મોજાં બૂટ વગર રહી ન શકે.

ઈશ્વર જુદાં ન પાડે. બૂટ વગરનાં મોજાં વર વગરની વિધવા જેવાં લાગે.’

મા કસમ બૉસ તેના આ વિધાનથી ચંબુના મગજમાં ઝૂમઝૂમ કરતાં ૧૧૮૪૦ ક્રોધનાં મોજાં ઊછળવા લાગ્યાં. રોમૅન્ટિક મોજાં તો સરસર કરતાં વરાળ બની ઊડી ગયાં. એ વખતે મને, તમને કે ચંબુને એ જ વિચાર આવે કે હું આપઘાત કરું કે સામેના વિરોધપક્ષનું ખૂન કે પછી ચોખ્ખેચોખ્ખું ખિજાઈને કહી દઉં, ‘ચાલ ઊઠ, દોનોં કિસી કી નજર નહીં આએ, ચલ દરિયામેં ડૂબ જાએં.’

પણ ભૈ ગગા, બે સેકન્ડ થોભી જા. ઉતાવળ ન કર. તમે ગાંડા હો તો પણ આવા ગાંડાવેડા કરી સસ્તામાં આખેઆખો ડૂબીને જીવ ન આપી દેવાય. કેટલી મહેનતે જીવ મળ્યો છે! જીવ કંઈ મફતમાં નથી મળ્યો. તમારો જીવ જાય પછી કેટલાના જીવ બળે એ નંઈ વિચારવાનું? ચંપાનું આવું બોલવા પાછળનું કારણ આપણા (ચંબુના) અજ્ઞાની જીવને ખબર નથી કે ગામડાની આ ચંપાને બચારીને દરિયાની પૂરી ખબર નથી તો મોજાના અર્થની શું સમજ હોય?

‘જો ચંપુ, સામેથી દરિયાની સપાટી પર જે લહેરો, તરંગો દેખાય છે એને મોજાં પણ કહેવાય.’ ચંબુએ સમજ આપી.

‘હાયલા,’ ચંપાનું રીઍક્શન ચાલુ થયું. ‘આવાં મોજાં તો મેં ક્યાંક જોયાં છે. હં... અરે હા, યાદ આવ્યું. પેલા રામદેવભાઈ બાબાના પેટ ઉપર. ચંબુડા, સાલું પેટના ખાડા કેવા ઊંચા-નીચા આડાઅવળા કરી બતાવે છે. એક્ઝેટ આવા જ.’

‘ચંપુ, શું તારી કલ્પના છે! અરે ડિયર, બાબાને પોતાનું પેટ ભરવા પેટના ખાડા બતાડવા પડે છે. ધનિક શેઠિયાઓને ફાંદમાંથી પેટ બનાવવા ખાડો બનાવવો પડે છે ને આપણા જેવા નસીબદાર ગરીબોને (!) વગર મહેનતે ખાડો પડી જતો હોય છે. કોલસાની ખાણ કરતાં ઊંડો પેટનો ખાડો છે.’

(પાંચ સેકન્ડ પછી) ‘ચંબુ, જિંદગી કેવી છે નંઈ? કમાવા માટે ખાવું પડે ને ખાવા માટે કમાવું પડે. છેલ્લે હાથમાં શું આવે, શકોરું? પણ સાલું એ પણ એટલું જ સાચું છે કે પેટ ભરેલું હોય તો જ આત્મા-પરમાત્મા કે હૃદયની વાત થઈ શકે, પણ આપણા પેટની વાત તો ભગવાનો કે માતાજીઓ ક્યાં કોઈ સાંભળે છે?’

‘ક્યાંથી સાંભળે ચંપુડી, તું કેવા ભગા કરે છે એ ખબર છે.’

‘કયાં? ક્યાં? ક્યારે અને શું ભગા કર્યા?’

‘હમણાં નોરતાના ગરબા વખતે પાણીમાં ભેંસ પડે એમ તું વચ્ચે કૂદી પડી પછી આજુબાજુ દેડકા વેરાઈ જાય એમ રમવાવાળા વેરાઈ ગયેલા. એ તો સમજ્યા, પણ અચાનક તું ‘બોલો ગણપતિ બાપ્પા મોરયા’ બોલી ત્યારે રમવાવાળા અને માતાજી કેવાં સ્તબ્ધ થઈ ગયાં. માતાજી પોતે પણ ટેન્શનમાં... ચંપા, તું કોઈ દિવસ ગણપતિમાં ‘અંબે માત કી જય’ બોલેલી? જો સમજી લે, ઉતરાણમાં ફટાકડા ન ફોડાય ને દિવાળીમાં પતંગ ન ઉડાડાય. તારાં ફઈને

મૂછો ઊગે તો પણ ફુઆ ન કહેવાય સમજી? જે થતું હોય એ થાય.’

‘અરે ચંબુ ડિયર, એ તો આ વખતે મારી ગાડી થોડી મોડી ચાલી તેથી ગણપતિ વખતે શ્રાવણના ૐ નમ: શિવાયના જાપ, માતાજી વખતે ગણપતિ ને દિવાળી વખતે... પણ ચંબુ, ગણપતિને જો પુઢચ્્યા વર્ષી લૌકર યા કહીએ તો માતાજીને કેમ નહીં કહેવાનું પુઢચ્યા વર્ષી... આને કહેવાય અન્યાય. અરે ગરબામાં ‘તારા વિના

શ્યામ મને એકલડું લાગે’ ગવાતું ત્યારે માતાજી કેવા ટેન્શનમાં. આ ગીત મીરા, રાધા કે રુક્મિણી ગાય. માતાજીને શું લેવાદેવા?’

‘ચાલ ચંપા, આપણે માતાજીને જઈને પૂછીએ.’

પણ મિત્રો, ગરબાના ગ્રાઉન્ડમાં પહોંચ્યા ત્યાં નહોતું મંદિર કે નહોતાં માતાજી. પણ એક ચાની લારીવાળાને પૂછ્યું તો બોલ્યો, ‘મને પૂરી ખબર નથી, પણ કાલે છેલ્લે ગરબામાં ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ...’ ગાયું પછી માતાજી ક્યાં ગાયબ થઈ ગયાં ખબર નથી. પછી તો માતાજી વગર મંદિરને પણ શું કરવાનું?’

‘તને બધી ક્યાંથી ખબર?’

‘નવ દિવસ માટે હું જ આ મંદિરનો પૂજારી હતો.’

‘ઓહ માય ગૉડ!’ આટલું બોલી ચંબુ ઢળી પડ્યો. શું કામ ઢળી પડ્યો એ આવતા શનિવારે...

શું કહો છો?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK