Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > સમય અને જિંદગીને પૉઝનું બટન નથી

સમય અને જિંદગીને પૉઝનું બટન નથી

04 August, 2012 08:48 AM IST |

સમય અને જિંદગીને પૉઝનું બટન નથી

સમય અને જિંદગીને પૉઝનું બટન નથી


 

(મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર)



 


 કૃષ્ણ-રાધાનો પ્રેમ અદ્ભુત તો અમારો પ્રેમ શું ભૂત? કૃષ્ણ રાધાને પ્રેમ કરે છે તો અમે જે કરીએ છીએ એ મનમોહન અને સોનિયા ગાંધીની બંધબારણે ચાલતી મીટિંગ? તે લાલો હતો તો અમે શું લલ્લુ છીએ?’

 


આટલું બોલતાં તો ફૂલકા રોટલી કરી શકાય એટલું તમારું મગજ ગરમી પકડવાનું. પણ ડિયર, ગરમ થયા વગર શ્રીશ્રી રવિશંકરના ચેલાની જેમ ધ્યાનમાં ડૂબી સૌપ્રથમ શાંત થાઓ. સમાજને મારો જવાબ માગવાનો જન્મસિદ્ધ અધિકાર છે ને જવાબ આપવો એ મારી ફરજ છે. તો સાંભળો (વાંચો), આપણાં અને રાધા-કૃષ્ણના પ્રેમનો ફરક. યારો, તમે જ કહોને કે રુક્મિણી જેવી પ્રેમાળ પત્ની હોવા છતાં કૃષ્ણ રાધા સાથે વાટકીવ્યવહાર નહીં, તપેલીવ્યવહાર રાખે એ કંઈ રુક્મિણી સહન કરે? ભગવાન બન્યા એટલે બધી છૂટ?

 

કૃષ્ણ તારી હિંમતને સલામ. અલ્યા ભૈ, આપણે તો જરાક ક્યાંક ટ્રાય કરી તો આપણાવાળી રુક્મિણીમાંથી સીધું દ્રૌપદીનું રૂપ ધારણ કરી આપણા સિવાય બીજા ચારને શોધી પાંચનું ટોટલ પૂરું કરે. પછી આપણે આપણી જ વાઇફને પૂછવું પડે, ‘હમારે સિવા તુમ્હારે ઔર કિતને દીવાને હૈ?’ આવું પૂછવાનું શોભે નહીં, પણ સમાજમાં રહેવું હોય તો શોભાવવું પડે.

 

અરે! કૃષ્ણની આવી હિંમતને કારણે ૧૨૫૪ પેઢીઓથી કથાકારોએ વ્યાસપીઠ કે ઠાકુરપીઠ પરથી રાધા-કૃષ્ણના પ્રેમના દાખલા જ આપ્યા છેને બૉસ, આપણા પ્રેમની નોંધ તો આપણા ઘરવાળાએ પણ નથી લીધી કે અમારા ચંબુ-ચંપાનો પ્રેમ રાધા-કૃષ્ણ જેવો હતો. યસ, ચંબુ ચંપાના પ્રેમમાં ગળાડૂબ નહીં, પણ માથું ડૂબી જાય એવા માથોડા પ્રેમમાં પડેલો. ચંપાને જોઈ ત્યારથી પોતાની આંખને જ કહેતો, ‘ઝરા નઝરોં સે કહદો જી, નિશાના ચૂક ના જાએ.’

 

બાણાવળી અજુર્નને જેમ પંખીની આંખ જ દેખાયેલી એમ ચંબુને માત્ર ને માત્ર ચંપા જ દેખાતી, પણ ભોળા ચંબુને એ ભાન કે જ્ઞાન જ ન આવ્યું. તે વન-વે ટ્રાફિક હતો.

 

મેં કહ્યું, ‘ડિયર, તારો પ્રેમ સંપત્તિની જેમ જ એકતરફી છે.’

 

‘એટલે?’

 

‘એટલે માનો કે તારું મકાન સંપત્તિ સાથે બળતું હોય તો તારો જીવ બળે, પણ તું આખો ચિતા પર ભડભડ બળતો હોઈશ તો પણ મકાનનો જીવ બળે છે? મકાન ક્યારેય ન બોલે, તેને ન બાળો, તે મારો માલિક છે. ચંબુ, ચંપાને તું ભલે પ્રેમ કરે, પણ ચંપાએ બીજી બૅન્કમાં ખાતું ખોલાવી રાખ્યું છે.’

 

અને ચંબુના લગ્નના દિવસે જ ગુડબાય કહ્યા વગર જ ચંપા પોતાના ઓરિજિનલ પ્રેમી સાથે પલાયન થઈ ગઈ ત્યારે ચંબુનો ચહેરો ચૂંટણીમાં હારી ગયેલા સંગમા જેવો થઈ ગયો. લગ્નનું વાતાવરણ ઉઠમણા જેવું બની ગયું. દિવાળી હોળીમાં પલટાઈ.’

 

મેં દિલાસો આપ્યો, ‘ચંબુ, આવું તો ચાલ્યા કરે, તને જતી રહે એનું દુ:ખ છે, અમારે જતી નથી એનું દુ:ખ છે, દુ:ખ કોને નથી? બધું મન પર નહીં લેવાનું નહીંતર તું જે ચંપાને હૃદયમાં બેસાડવાનો હતો એ હૃદય જ બંધ પડી જાય. પછી બંધ પડેલું હૃદય અને બંધ પડેલા સંબંધ પાછા ચાલુ નથી થતા.’

 

‘પણ ઠાકર, હું તેના પ્રેમની જ્યોતમાં પતંગિયું બનીને સળગી જઈ કુરબાન થવા તૈયાર હતો, પણ પછી તેનું વિધવા સ્વરૂપ હું કેવી રીતે જોઈ શકું? દુનિયાનો કયો પતિ પોતાની પત્નીને વિધવા જોઈ શક્યો છે? એટલે પતંગિયું બની કુરબાનીનો પ્રોગ્રામ કૅન્સલ કર્યો. મારા જીવનમાં ભરવસંતે પાનખર આવી છે ઠાકર, મારા જીવનનો સૂરજ મધ્યાહ્ને જ અસ્ત...’

 

‘ધીરજ રાખ ચંબુ, તે જ પાછી આવશે.’

 

‘પણ ક્યારે? જો ઠાકર, સમય અને જિંદગીને પૉઝનું બટન નથી. અરે! હું ચોમાસામાં તેની છત્રીનો સળિયો તૂટી જાય તો મારા હાથને એ સળિયો બનાવવા તૈયાર છું, તેની હાથની બંગડી તૂટે તો બંગડી બનવા તૈયાર, માથાની બિંદી કે હોઠની લાલી બનવા તૈયાર છું. પછી ઓ નીલગગનના પંખેરું તું કાં નવ પાછો આવે, મને તારી યાદ સતાવે.’

 

‘પ્રભુ, એ બતાવ કે એ પંખીએ ક્યાં માળો કર્યો છે? મને વિશ્વાસ છે કે ક્યારેક તો આવશે જ.’

 

‘ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમઝોર હો ના.’ ગાવા લાગતો અને માનશો? એક વર્ષ બાદ હર મહાદેવમાં પાર્વતી પ્રગટ થાય એમ ચંપા પ્રગટ થઈ.

 

ચંબુ રાજી-રાજી થઈ ગયો, ‘મને વિશ્વાસ હતો મારા પ્રેમમાં. ચંપુ, હવે આપણા પ્રેમ સામે રાધા-કૃષ્ણ કે લૈલા-મજનૂનો પ્રેમ પાની-કમ-ચાય.’

 

‘ચોક્કસ ચંબુ, લાવ તારો હાથ.’ ચંબુએ હાથ ધર્યો તો કાંડામાં રાખડી બાંધી ચંપા બોલી, ‘ભૈયા મોરે, રાખી કે બંધન કો નિભાના. ભગવાન મારા ચંબુભાઈની રક્ષા કરે એવી આ બહેન ચંપાની શુભેચ્છા.’

 

આ સાંભળી ચંબુ કોમામાં જતો રહ્યો. આપણે શું કરીશું?

 

શું કહો છો?

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2012 08:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK