અલ્યા ભૈ, બધા બોલશે તો સાંભળશે કોણ?

Published: 24th November, 2012 07:41 IST

અતિ લોભ એ પાપનું મૂળ છે એમ અતિ ક્રોધ એ રોગનું મૂળ છે. પણ યુ નો લોકો રોગ સ્વીકારવા તૈયાર, પણ ક્રોધ છોડવા તૈયાર નથી અને એથી જ ફક્ત પેટના જ ૧૦૮ કિલોના વજન સાથે વિશાળ કાયા ધરાવતા ચંપકલાલ એક હાથમાં ફટાકડાનું ખોખું ને બીજા હાથમાં ધોતિયાનો છેડો ઉલાળતાં-ઉલાળતાં હાર્મોનિયમની ધમણની જેમ હાંફતાં-હાંફતાં દૂરથી દોડતા દેખાયા.(મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર)

 નીરખીને જોઈએ તો મોટા માટલા પર નાનકડું બુઝારુ ડગુમગુ થતું આવતું હોય એવું દૃશ્ય ઊભું થયું. તેમની હાંફના કારણે મૂછના વાળ પણ નાકના નસકોરાંમાં અંદર-બહાર અવરજવર કરતા હતા. થોડી વાર તો તિજોરીનો મોટો કબાટ ખસેડતા હોઈએ એવો ઢર્ર્ર્ કરતો શ્વાસ ચાલ્યો. પછી તે ભલે ઊભા રહ્યા, પણ શ્વાસ ધીરે-ધીરે હેઠો બેઠો. પવનના સુસવાટાથી વૃક્ષનાં પાંદડાં ફરફરે એમ ચંપકકાકાના હોઠ દસ સેકન્ડ ફરક્યા. ગુસ્સામાં કંઈ કહેવા માગતા હતા, પણ ગળામાં ઠળિયો ભરાઈ ગયો હોય એમ શબ્દો એક્ઝિટ નહોતા કરતા. આખા ચહેરો જૂની કબજિયાત જેવો થઈ ગયો. અંતે ટેબલફૅનની જેમ ડોકી આજુબાજુ ફેરવી ગળું ખોંખારી તડતડિયા તારામંડળની જેમ જીભમાંથી શબ્દો ફૂટવા લાગ્યા. ‘એ...ય દુ..કા..ન..દા..ર યુ ચીઇઇઇટર ચીટિંગ મી. યુ ઍન્ડ યૉર ઍટમબૉમ્બ બૉથ આર ચીટર...’

‘શાંત થાઓ અંકલ,’ હું બોલ્યો. ‘એમ ‘હર હર મહાદેવ’ના દુર્વાસા જેવા ક્રોધિત ન બનો. ટીવીમાં એ દુર્વાસાને ક્રોધના અભિનયના રૂપિયા મળે છે. તમે કઈ કમાણી પર આટલો ક્રોધ કરવા નીકળ્યા છો? ક્રોધથી બીપી વધે, બીપીથી લકવો પડે અને ખાલી મગજ હોય તો પણ બ્રેઇન હેમરેજ થઈ જાય. પછી તમને મારવા માટે જરાય મહેનત ન કરવી પડે અને ફટાકડાને બદલે અમારે તમને સળગાવવા પડે એ સારું લાગે? કાકા, હજી તમારું મરવાપણું જોઈ શકાય, પણ કાકીનું વિધવાપણું ન જોઈ શકાય.’

 આવડું મોટું ભાષણ આપ્યું હોવા છતાં તેઓ કોઈ વાત સાંભળવાના મૂડમાં નહોતા. ચહેરા પર લોહીના બદલે ક્રોધની લાલાશે જનમ લીધો હતો. ‘પણ વડીલ, આટલા ક્રોધનું કારણ?’

પણ થોડી વાર તો પેલા અમૃત ઘાયલની પંક્તિની જેમ ‘કારણ નહીં જ આપું કારણ મને ગમે છે’ની જેમ સ્થિતપ્રજ્ઞ સ્ટૅચ્યુની જેમ ઊભા રહ્યા. ‘અલ્યા ભૈ, કારણ ગમતું હોય તો ગમતાંનો કરીએ ગુલાલ (મકરંદ દવે) યાદ રાખોને. આમ સળગતા ગૅસની જેમ ગરમ થવાનું આ મોંઘવારીમાં ન પોસાય. ગૅસનો ભાવ જાણો છો?’

પણ તે મારું સાંભળ્યા વગર જ દુકાનવાળા પર ભડક્યા, ‘આવા ફટાકડા આપો છો? ફટાકડા છે કે રમકડાં? ઍટમબૉમ્બમાં દારૂ ભર્યો છે કે મરચાની ભૂકી? દારૂ ભર્યો છે કે ટૉમેટો સૉસ.’

‘કેમ?’

‘હવે કેમની સગલી થામા. તારા આ પાંચ ઍટમબૉમ્બમાંથી ચાર ફુસી નીકળ્યા. એટલે આ પાંચમો ને અંતિમ પાછો આપવા આવ્યો છું.’

‘હેં?’ એટલું બોલતાં મારું મોઢું પહોળું થઈ ગયું. મને જોઈ બોલ્યા, ‘તું યાર શાનો બગાસાં ખાય છે? હું ભાષણ આપું છું? તું ફુસીનો મતલબ જાણે છે? ફુસી એટલે ઍટમબૉમ્બ પણ તારામંડળ કે ફૂલઝરી બની જાય. પછી ફુઉઉઉસ કરતો નશ્વર દેહ જેવો થઈ જાય, બૉમ્બ પણ પોતાની ઓળખ ભૂલી જાય એ કેમ ચાલે? આ વધેલો પાછો લઈ લે...’

‘અરે માય ડિયર વડીલ, પાંચ દીકરામાં ચાર નપાવટ પાકે એટલે પાંચમો એવો જ હોય એવું ન હોય. એ જ કદાચ કુળનું નામ ઉજાળે. લાવો મને આપો.’

‘યે હાથ મુઝે દે દે’ની જેમ યે બૉમ્બ મુઝે દે દેની મેં ત્રાડ પાડી, પણ મદારી જેમ છાબડીમાં નાગ સંતાડે એમ કાકા બૉમ્બને ઝભ્ભાની આડશમાં છુપાવવા લાગ્યા.

‘તું ખોટી મેથી ન માર, ઠાકર. જો આ પણ નહીં ફૂટે ને ફુસ થઈ જશે તો મારા અંતિમ પુરાવાનું પણ અસ્તિત્વ નષ્ટ થઈ જશે.’

છતાં હું બૉમ્બ પડાવવા મરણિયો બન્યો. થોડી વાર તો એક રોટલા માટે ચાટ આગળ લડતા-ઘૂરકતા બે ડાઘિયા કૂતરાની જેમ બૉમ્બ માટેની ખેંચતાણ ચાલી. અંતે ભગવાન કૃષ્ણએ સુદામા પાસેથી તાંદુલની પોટલી ઝૂંટવી લીધી એમ મેં બૉમ્બ ઝૂંટવી લીધો ને તરત જ બૉમ્બના હૃદયમાંથી બહાર આવેલી વાટને મેં સળગાવી ને પહેલાં સરસરસરને પછી ધ..ડા..મ..

‘બોલો ફૂટ્યો કે નહીં?’

‘જોયું ફૂટ્યો? ફુસી થઈ ગયો કે નહીં, તમે મારું સાંભળતાં જ નથીને...’

‘અરે અંકલ આવડો મોટો...’

‘ધડાકો થયો ને તમે કેમ ન સાંભળ્યો એમ જને?’ પાછળથી ચંપકલાલનો દીકરો બોલ્યો, ‘તો સાંભળી લે ઠાકર, બાપુજીના કાનપુરમાં જ હડતાળ છે. બહારના કોઈ પણ અવાજને કાનમાં નો એન્ટ્રી છે. તેમને સંભળાતું નથી.’

બા..પ..રે.. તેના જવાબથી હું કોઈ સીઆઇડી જેવી સસ્પેન્સ સિરિયલ જોતો હોઉં એવું લાગ્યું. મેં કીધું, ‘ડિયર ચંબુ, તારા બાપુજીને ભોંયચકરડી, રૉકેટ કે તારામંડળ જ બતાડાય; નહીંતર આખી દુકાનના ઍટમબૉમ્બ ફૂટશે તો પણ તારા બાપુજીને ખબર નહીં પડે.’

માય ડિયર વાચક, આપણે પણ નાના ચંપકલાલ જ છીએ. કશું સાંભળતાં નથી અને બધું સાંભળીએ છીએ એવા ભ્રમમાં ફરીએ છીએ. બધાને બોલ-બોલ કરવું છે, પણ સાંભળવું કોઈનું નથી. જનતાનું સરકાર સાંભળતી નથી. આપણે ઘરનાનું સાંભળતા નથી, ઘરવાળા આપણું સાંભળતા નથી. છેલ્લે એટલું જ કહીશ કે પારકાની પંચાતમાંથી ઊંચા નથી આવતા એમાં પોતાને સાંભળવાનું જ ચૂકી જઈએ છીએ.

‘બસ બહુ થયું ઠાકર, બંધ કર લખવાનું.’ એમ બોલ્યાને? ચાલો, મેં તો સાંભળ્યું ને આ કર્યું બંધ બસ? શું કહો છો?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK