શરીર ટકે શ્વાસથી, વિશ્વ ટકે વિશ્વાસથી

Published: 22nd December, 2012 10:57 IST

મને તો એ વિચાર આવે છે કે તમને એવો વિચાર કેમ નથી આવતો કે તમને વિચાર કરતા મૂકી દે એવા વિચારો મને કેવી રીતે આવતા હશે અને તમને મારા જેવા વિચારો કેમ નથી આવતા... ‘અબે એય ઠાકરિયા, અમારી ખોપરીમાં ભગવાને કોબીજનો દડો નથી મૂક્યો. અમને તારા જેવા વાહિયાત વિચારો આવતા હોત તો આ કૉલમમાં અમારો ફોટો અને નામ હોત, સમજ્યો?’(મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર)


બાય ગૉડ, તેના જવાબથી મને નવાઈ નહીં, આઘાત લાગ્યો. મને કાપો તો લોહી ન નીકળે (તો શું અંદરથી લસણની ચટણી કે ટમેટો સૉસ નીકળે?) એવી થઈ ગઈ. શું હું લેખક તરીકે સાવ ડીઓબીઓ આઇ મીન ડોબો છું? અરે ભૈ મને એનું જ્ઞાન અને ભાન બન્ને છે, પણ હે વાચક! તું પણ સસ્પેન્સ જાણી ગયો. એ તો કહેવાય બાકી વાલીડા, આટલી નાની બાબતમાં તમે મને કાપો શું કામ? ઍન્ડ માઇન્ડ વેલ, કદાચ કાપો તો પણ મને એ નથી સમજાતું કે આપણું શરીર નેવું ટકા પાણીથી ભલે ભરેલું હોય છતાં કાપો તો લોહી જ નીકળે છે, પાણી નહીં ને આપણું હૃદય નેવું ટકા લોહીમાં તરબતર પડ્યું છે છતાં હૃદયને જો જરાક ઠેસ વાગી તો આંખમાંથી પાણી નીકળે છે, લોહી નહીં. આવું કેમ?

‘અરે કેમ શું વળી, આગળ તો લખ્યું. મને નથી સમજાતું. ને હું કંઈ પરમાત્મા છું કે કોઈ પૂછપરછની બારી પર બેઠો છું કે મને ખબર પડે. તમે યાર મને મૂંઝવો નહીં. ઈશ્વરની આવી કારીગરીને કોઈ નથી માપી શકતા કે પામી શકતા. કાલે ઊઠીને તમે મને પૂછશો કે આકાશમાં તારા, સૂર્ય, ચંદ્ર કઈ ખીંટીએ ટિંગાડ્યા છે? જે નેતા બે પગનું બૅલેન્સ જાળવી સખણા ને સરખા ઊભા નથી રહી શકતા તેનું બૅન્કનું બૅલેન્સ કેમ તગડું? પરમ દહાડે ઊઠીને પૂછશો, કીડીનાં આંતરડાંની લંબાઈ કેટલી? અરે ઈશ્વરને જમવા રોજ એક થાળ ને નવા વર્ષે અપચો થાય, ડાયાબિટીઝ થાય એવા છપ્પન ભોગના અન્નકૂટ શું કામ? ઈશ્વર એક દિવસ માટે પણ આવો ખાઉધરો? (હું તો કહું છું ઈશ્વર એક વાર ખાઈ જાય તો બીજા દિવસથી થાળ બંધ થઈ જાય.) આવા તો કરોડો નવાઈ લાગે એવાં ગતકડાં ઈશ્વરે આપણી... સૉરી તેની પૃથ્વી પર ઠાલવી દીધાં છે. (પૃથ્વીનો માલિક તો એ છે, આપણે તો માલિકના ભ્રમમાં ભાડૂઆત છીએ.) કેમ આવું ને કેમ તેવું એવી ખણખોદ જિંદગીના અંત સુધી કરશો તો પણ મજૂરી માથે પડશે એના કરતાં ખોટો સમય બગાડ્યા વગર આ લેખ આગળ વાંચવામાં ધ્યાન આપો, ઓકે? નાઉ ઓવર ટુ મૂળ વાત. જો કોઈ વાતે કોઈના હૃદયને ઠેસ વાગી તો તેની નીતરતી આંખનાં આંસુ રોકવા મદદ કરવી સહેલી છે બૉસ, પણ ઠંડીમાં કોઈના નાકમાંથી નીતરતા પાણીને રોકવામાં મદદ કરવી સહેલી નથી. કોઈની આંખમાંથી આવતાં આંસુ માટે ફટાક કરતો રૂમાલ ધરી દેશો, પણ આ સીઝનમાં શરદીના દરદીના નાકમાંથી ક્યારેક નાનકડી રૂમઝૂમ કરતી ઝાંઝર જેવો કે ક્યારેક ટ્રાફિક-પોલીસની સીટી જેવો અવાજ નીકળી પડે છે ને અંદરનો માલ બહાર આવે ત્યારે તમારો રૂમાલ શું કામ છુપાવો છો? વાય? મને સમજાવો કે આંખ અને નાક વચ્ચે (કેશુ)બાપા  અને મોદી જેવો ભેદભાવ શું કામ? જો ભૈ, આંખમાં આંસુની સીઝન બારે માસ હોય છે, પણ નાકમાંથી આવતા ટ્રેનની જેમ સઇડશુ સઇડશુ અવાજની સીઝન માત્ર શિયાળામાં જ આવે. મને નાકની બહુ દયા આવે. શું બગાડ્યું છે નાકે તમારું કે ઇજ્જતના ધજાગરા થાય તો કહે નાક કપાયું, જીભ કેમ નહીં? કાન કેમ નહીં? છે જવાબ તમારી પાસે? શું દોષ? અરે જે નાક દ્વારા શ્વાસ લઈ જીવન જીવતા હોઈએ એની જ કૂથલી? કેમ ભૂલી ગયો તું કે ‘શરીર ટકે શ્વાસથી અને વિશ્વ ટકે વિશ્વાસથી.’

‘અલ્યા ઠાકર, તું નાકનું ઉપરાણું લેવાનું રહેવા દે. જે નાકને અત્તરની કે પરફ્યુમની સુગંધથી ભરી દઈએ, જેને પ્રતિષ્ઠાનું પ્રતીક બનાવ્યું હોય એ નાક બદલામાં જો કચરો જ આપતું હોય તો એ નાકને વળી કેટલાં માનપાન આપવાનાં? નાક હોવા છતાં નાક વગરના નકટા કહીને નેતાઓને શું કામ જિતાડીએ ને જિવાડીએ છીએ... એ નાકની તું ફેવર કરે છે?’

‘તો માય ડિયર વાચક, બીજાં અંગો પણ કંઈ ઓછાં નથી. જો ભૈ, આંખને ગમે તેટલી સુંદરતા કે સુંદર દૃશ્યો દેખાડશો, બદલામાં આંસુ જ આપે છે. કાનને કથા સંભળાવશો તો પણ મેલ જ આપે છે. દાંતને સારું ચાવવા આપશો તો પણ સડો જ આપશે. જીભને સુંદર સ્વાદ ચખાડીશું તો પણ નિંદા-કૂથલી ને પંચાત જ કરશે અને પેટમાં પકવાન પધરાવશો તો પણ મળમૂત્ર જ આપવાનું. હવે તમે જ કહોને યાર કે જે શરીરને આટલું સુંદર સાચવવા છતાં બદલવામાં કચરો જ આપી બેવફા બનતું હોય તો જગત પાસે શું અપેક્ષા રાખીએ? ખોટું ન લગાડતા માય ડિયર, પણ આ જગતને તમે ગમે તેટલી સુંદર રીતે સમાજ કે પરિવારને સાચવશો પણ બદલામાં તો... સમજનેવાલે સમજ ગએ હૈં, સમજી ગયા?

શું કહો છો?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK