Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > મને તો વર્તનમાં જ પરિવર્તનની જરૂર લાગે છે, તમને?

મને તો વર્તનમાં જ પરિવર્તનની જરૂર લાગે છે, તમને?

08 December, 2012 09:26 AM IST |

મને તો વર્તનમાં જ પરિવર્તનની જરૂર લાગે છે, તમને?

મને તો વર્તનમાં જ પરિવર્તનની જરૂર લાગે છે, તમને?




(મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર)





તો શું કરવાનું. કરવાનું એટલું જ કે ભૂલવા જેવી અને યાદ રાખવા જેવી વાતોના ભાગલા કરવાના. પણ છેવટે થાય છે શું? ભૂલી જવા જેવું યાદ રાખીએ અને યાદ રાખવા જેવું ભૂલી જઈએ છીએ. માપદંડ કાઢવો હોય તો પહેલાં ‘મિડ-ડે’ અથવા આંખ બેમાંથી એક બંધ કરો. કર્યું? હવે આટલું વાંચ્યું એ એક્ઝૅક્ટ શબ્દશ: યાદ કરો. કસબના કસમ ખાઈને બોલો, એક્ઝૅક્ટ યાદ રહ્યું? હવે તમારી ખસકી અને મારા પર ભડકશો. અલ્યા ટણયા, આટલું યાદ રાખવાનું યાદ દેવડાવીને મગજની નસ શું કામ ખેંચે છે. બસ, આવા જ બુદ્ધુ આપણા બુધાલાલ. જેમ ઉલ્લાસને લાડમાં ઉલ્લુ કહીએ અને જેવો રિસ્પૉન્સ મળે એવો જ બુધાલાલને બુદ્ધુ કહેવાથી મળતો.

એક દિવસ બુધાલાલ મને કહે, ‘ઠાકર, સાલુ આ યાદશક્તિનું કંઈ કરવું પડશે. સાલુ કશું યાદ જ નથી રહેતું.’



‘આવું કેટલા વખતથી થાય છે?’ મેં પૂછ્યું.

‘શું કેટલા વખતથી થાય છે.’ ‘અરે મારા બાપ, આટલી નબળી યાદશક્તિ ક્યારથી છે.’ ‘એટલે?’ ‘એટલે કે આ ભૂલવાની બીમારી ક્યારથી છે?’ ‘હા, પણ શું ભૂલવાની?’

એના જવાબથી મારી આંખો રડુ-રડુ થઈ ગઈ. મને ૫૦૦ કિલોનો ઝાટકો લાગ્યો. ત્યાં તો ‘અરે હા, તું યાદશક્તિની વાત કરે છેને. અરે એમાં તો સૉલિડ લોચો વાગેલો.’ ‘હેં’

‘હા, પરમ દિવસે બજારમાં એક ફુલ સાઇઝની બહેનને જોઈને હું બોલ્યો, બહેન, મેં તમને ક્યાંક જોયાં લાગે છે.’

‘પછી બહેને ઠોકી દીધી હશે.’

‘ના, ભૈ ના, એ બહેન મને ખેંચી તેના ઘરે લઈ ગઈ. અમારો ભેગો ફોટો બતાડીને મને કહે, આ હું અને આ તું. હું તારી ઘરવાળી છું ત્યારે મને યાદશક્તિ ઉપર ગુસ્સો આવ્યો. પછી તરત જ ભૂલી ગયો.’ ‘બા...પ...રે.’

‘અરે ખરું બાપરે તો હવે સાંભળ. હમણાં ચાર દિવસથી રાત્રે મોડો જતો. બારણું ખખડાવતો. દરવાજો ખૂલતો. હું અંદર પ્રવેશ કરતો. અજાણ્યો ચહેરો જોઈ ચાર-ચાર રાતો-દિવસો વીત્યા પછી ખબર પડી કે એ ખખડાવેલો દરવાજો મારો નહીં બલકે બાજુવાળાં પુષ્પાબહેનનો હતો, સૉરી, પુષ્પાબહેનના ઘરનો હતો અને પુષ્પાબહેન પણ સ્વભાવે સારાં અને નસીબદાર કે મને ચાર દિવસ રાખ્યો. આવાં પુષ્પાબહેન દરેકના તકદીરમાં નથી હોતાં, ઠાકર. એ માટે તકદીર સારું અને યાદશક્તિ નબળી જોઈએ.’

‘અરે, તમે જાણો છો કે તમારી યાદશક્તિ નબળી છે તો ચૂંટણીમાં શું કામ ઊભા છો?’

‘અરે મૈં પીતા નહીં હૂં પિલાઈ ગઈ હૈ...’ની જેમ ‘મેં ઊભા નહીં હૂં મુઝે ચૂંટણી મેં ઉભાયા રખ્ખા હૈ...’ ઠાકર જ્યારથી આ લોકોએ મને ઊભો રાખ્યો છે ત્યારથી ઘરમાં જમવા માટે ડાઇનિંગ ટેબલ પર પણ નહીં બેસવાનું. સાલુ ડાઇનિંગ ટેબલ પર પણ ઊભાં-ઊભાં જમીએ તો સમાજમાં આબરૂના ધજાગરા ન ઊડે? (એનો આધાર ધજા પર પણ છે.) અરે, રાતે સુવાનું પણ ઊભાં-ઊભાં, ઘોડો ઊભો-ઊભો ઊંઘે જ છેને આવી વાહિયાત દલીલો ઘરવાળા કરે છે. ઊભાં-ઊભાં સૂવાથી ચૂંટણીમાં ઊભા છો એ યાદ રહેશે... મેં કીધું, મને ઇલેક્શનમાં ઊભો રહેવાની સજા શું કામ?’ ‘અરે એક વાર ટિકિટ મળે અને જીતી જઈએ તો પછી વગરટિકિટે લૉટરી લાગી જ સમજો. પ્લેન, ટ્રેન કે બસ કશામાં જિંદગીભર ટિકિટ નહીં લેવી પડે.’ ‘ઘરવાળાએ સ્વાર્થી સમજ આપી.’ ‘ઍગ્રી. પણ હવે તો ઉપરવાળા પાસે જવાની ટિકિટ ફાટવાનો સમય થવા આવ્યો છે એનું શું? હું મારી પોતાની ૧૧૮ કિલોની કાયા સાથે ખોડંગાતો કાચબાગતિએ માંડ-માંડ ચાલું છું. તો સરકાર કેમ ચલાવીશ? મારી પોતાની જ પાંચ વરસ જીવવાની વૉરન્ટી નથી. સરકાર કેમ ચલાવીશ? મહત્વનું તો મને કશું યાદ પણ નથી રહેતું...’

એક્ઝૅક્ટલી એ જ તો જોઈએ છે. આ દેશ પણ ખોડંગાતો જ ચાલે છે. અને ચૂંટાયા પછી તો દેશને પણ ક્યાં યાદ રાખવાનો છે?

મિત્રો, આ દેશમાં આપણે જેને ચૂંટ્યા છે એણે જ આપણને લૂંટ્યા છે. જે પોતે બે પગનું બરાબર બૅલેન્સ જાળવી ઊભા નથી રહી શકતા તેઓ ચૂંટણીમાં ઊભા છે. ગુજરાત પર દયાનો દંભ કરવાવાળા આ તકવાદીઓની જ મને તો દયા આવે છે. કસબ જેવા આતંકવાદીને ફાંસી મળી પણ આ તકવાદીઓને ક્યારે...? આપણે પણ શું કરશું. ભારતમાં જનમ લીધો એટલે ‘અંધે જહાન કે અંધે રાસ્તે, જાયે તો જાયે કહાં...’

અરે, વર્તનમાં પરિવર્તન આવ્યું તો પાર્ટીની ક્યાં જરૂર છે વહાલા...

શું કહો છો?
Whatsapp-channel Whatsapp-channel

08 December, 2012 09:26 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK