ભૂખ ન હોય છતાં પેટ ને પટારો ભરે જાય એ માણસ

Published: 1st December, 2012 08:21 IST

ગેરકાનૂની ચેતવણી : આ લેખ વાંચતાં પહેલાં તમારા તર્ક-વિતર્ક, મગજ, ‘આવું તો હોતું હશે?’ એ વિચાર, બધાને અભરાઈ પર ચડાવી દેશો તો જ લેખનો આનંદ મુક્તમને માણી શકશો. ચેતવણી પૂરી.(મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર)


હું આ વખતે દેવદિવાળીએ સિંહને મળવા એની ગુફામાં ગયો. ‘અરે આવ ઠાકર, બેસ. હૅપી દેવદિવાળી.’ સિંહે આવકારો આપ્યો. ‘પેલા પ્રધાનની જેમ વર્ષે એક વાર મોઢું બતાવે છે. શું ચાલે છે

તમારા માણસોમાં?’

‘અરે સિંહ, તમે આ વખતે દિવાળીના દિવસે પેલા સરદારજીનો કોળિયો કરી ગયા. એ કંઈ દિલ્હીવાળા થોડા હતા? એ કંઈ વડા પ્ર...’

‘એમ નથી. જો ડિયર, તમને ક્યારેક ચાઇનીઝ ખાવાનું મન થાય તો અમને પંજાબી ડિશ ખાવાનું મન ન થાય? એટલે ફૉર અ ચેન્જ. બાકી જિંદગીમાં હરણાં-બકરાં તો છે જ... બોલો બીજું?’

‘બીજું એ કે તમે વનરાજ છો. માન છે, નામ છે, પ્રતિષ્ઠા છે. દુ:ખ એ બાબતનું છે કે કપડાં વગર આમ દિગમ્બર ફરતાં શરમ નથી આવતી?’

સિંહ મૂછમાં હસ્યો. ‘શરમ શેની યાર? જેવા છીએ એવા જ દેખાવાનું. સાલું તમે તો ગળી ગયેલા કેળા જેવું બૉડી છેને ‘લાયન્સ ક્લબ’ ચલાવો. ઘરમાં બકરી અને બહાર લાયન્સ. અમને કોઈ દિવસ ‘મેન ક્લબ’ ચલાવતા જોયા? અરે તમે તો કપડાં પહેયાર઼્ છે છતાં ચરિત્રથી નાગા છો ને ચરિત્રથી નાગા માણસને તો ઈશ્વર પણ માફ નથી કરતો. અરે, નાગા કરતાં પણ ખતરનાક છો. મુલાયમ સિંહ, શંકર સિંહ, અજિત સિંહ, અમર સિંહ. અરે મૂળ કલાકાર વાઇબ્રેટર પર જીવતા મનમોહન સિંહ... કયો સિંહ ઇજ્જતદાર છે? સાચું પૂછે તો તમારે લાયન્સ ક્લબ નહીં, ફૉક્સ ક્લબ ખોલવી જોઈએ. આખી જાત તમારી લુચ્ચી-પાકી છે. સત્તાના લાલચુ બધા એકબીજાને ગુલામ બનાવવા નીકળી પડ્યા છો. તમારા ગુજરાતમાં તો જે ઉંમરે ભક્તિ કરવાની હોય એ ઉંમરે રાજકીય કુસ્તી કરવા નીકળી પડ્યા છે. સમજાવ તમારી જાતને જરા સમજાવ, ચાલો હું નીકળું. શિકારનો સમય થઈ ગયો છે.’

 બીજી બાજુ બકરી તેનાં બચ્ચાં સાથે મૉર્નિંગ વૉકમાં નીકળીને જંગલમાં ભૂલી પડી. શું કરવું એ સમજાતું નહોતું. ટેન્શન વધ્યું ને ત્યાં સામેથી ધૂળની ડમરીમાંથી વિષ્ણુ પ્રગટ થાય એમ સિંહ પ્રગટ થયો. બકરી-બચ્ચું ગભરાયાં. ‘મમ્મી, સિં...હ, માર્યા ઠાર. આજે આપણો છેલ્લો દિવસ. કાલે જંગલમાં આપણી સાદડી હશે.’

‘એમ ડરવાનું નહીં. ડર ગયા સમજો, મર ગયા.’

‘અરે, શું નહીં ડરવાનું? તું કંઈ ચારણકન્યા છે કે તારા માટે કોઈ ગાશે કે ૧૪ વરસની ચારણકન્યા... સિંહણ તારો ભડવીર ભાગ્યો... એટલે એ ભાગી જશે? અરે એ પેલી ઇટાલિયન બાઈથી જેમ આપણો સિંહ ડરે છે એમ એ સિંહણથી જ ડરે, આપણને તો કાચા ને કાચા...’

‘બીક લાગે છે? તો આગળ આવી જા.’

 એટલામાં સિંહ નજીક આવ્યો. મોટી સાઇઝનું બગાસું ખાધું ને બોલ્યો, ‘કેમ છે બકરીબહેન, મજામાં? ક્યાં નીકળ્યાં છો?’

‘હે રાજન, અમે મૉર્નિંગ વૉક માટે નીકળેલાં ને હાલ ઇવનિંગ વૉકનો સમય થયો, પણ જંગલમાં ભૂલાં પડ્યાં છીએ.’

‘અરે તો તો સવારથી કંઈ પેટપૂજા નહીં કરી હોય. ચાલો મારી સાથે હોટેલમાં. હોટલમાં એક બાજુ સિંહ ને સામે બકરી અને બચ્ચુ બેઠાં.

‘શું લેશો?’

‘અરે બાપુ, તમે જે મગાવો એ ચાલશે.’

‘શું કામ ચાલશે?’

‘ઠીક છે તો એક કિલો ઘાસ...’

‘ઓકે. વેઇટર, આ બે માટે એક કિલો ઘાસ...’

‘બાપુ, આપના માટે?’

ત્યાં તો સિંહે વેઇટરને એક બાજુ ખેંચી ગયો. ‘અલ્યા ટોપા, અક્કલમઠ્ઠા, મને ભૂખ હોત તો આ બકરી અને બચ્ચુ મારી સામે બેઠાં હોત કે મારા પેટમાં પડ્યાં હોત? હું કંઈ માણસ નથી કે ભૂખ ન હોય છતાંય પેટ કે પટારો ભર્યા કરું.’

એ દરમ્યાન બચ્ચું બકરીને કહેવા લાગ્યું, ‘મમ્મી, આ સિંહઅંકલ પહેલાં ખવડાવશે ને પછી આપણને જ

ખાઈ જશે.’

ત્યાં તો સિંહ પોતાની જગ્યા પર આવ્યો અને બોલ્યો, ‘બકરી, આ દીકરીની સ્કૂલ ફી ભરાઈ ગઈ? તારી પાસે ઘરના ઘરની જેમ વાડની વાડ છેને? માલિક બરાબર રાખે છેને? કોઈ વાતે મુંઝાવાનું નહીં. હું છુંને? ચાલ, બિલ ચૂકવી હું નીકળું. આ મારું કાર્ડ. કંઈ કામ હોય તો મોબાઇલ કરજો. ઓકે, ટેક કૅર...’

‘અરે મમ્મી, તું તો કહેતી હતી કે આપણી જાત જ એવી કે માણસ અને હિંસક પશુ બન્ને આપણને ખાઈ જાય ને આજે આ સિંહે કંઈ ન કર્યું.’

‘હા બેટા, કારણ કે જંગલમાં ચૂંટણી આવે છે ને

આ સિંહ ઉમેદવારનું ફૉર્મ ભરવા જાય છે. અત્યારે તો ગાશે - હમેં તુમસે પ્યાર કિતના યે હમ નહીં

જાનતે, મગર જી(ત) નહીં સકતે તુમ્હારે બિના... પછી જો જીતી ગયો તો આપણને ઓળખશે પણ નહીં. ત્યારે આપણે ગાવું પડશે - મતલબ નિકલ ગયા હૈ તો પહચાનતે નહીં...’

શું કહો છો?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK