બીત જાએ ઝિંદગાની, કબ આએગી તૂ...

Published: 24th December, 2011 05:38 IST

ઈશ્વરે આખો પીસ બનાવ્યા પછી કલર ખૂટી ગયો કે શું પણ ટમેટાંના સૂપ ઉપર કાળાં મરીનો ભુક્કો ભભરાવ્યો હોય એવી ચંબુના ચહેરાની ડિઝાઇન જોઈ ભલભલાને લાગી આવે, કારણ કે એ ચહેરાની પાછળ બીજો એક નિર્દોષ ચહેરો છુપાયેલો હતો ને લોહીથી તરબતર ધબકતા હૃદયની સાથે એક લાગણીનું પ્રેમાળ હૃદય પણ ધબકતું હતું, પણ એ ન દેખાતી હવાની જેમ અદૃશ્ય હતું એથી કોઈને દેખાયું જ નહીં.(મનોરંજનથી મનોમંથન-સુભાષ ઠાકર)

ઈશ્વરે આખો પીસ બનાવ્યા પછી કલર ખૂટી ગયો કે શું પણ ટમેટાંના સૂપ ઉપર કાળાં મરીનો ભુક્કો ભભરાવ્યો હોય એવી ચંબુના ચહેરાની ડિઝાઇન જોઈ ભલભલાને લાગી આવે, કારણ કે એ ચહેરાની પાછળ બીજો એક નિર્દોષ ચહેરો છુપાયેલો હતો ને લોહીથી તરબતર ધબકતા હૃદયની સાથે એક લાગણીનું પ્રેમાળ હૃદય પણ ધબકતું હતું, પણ એ ન દેખાતી હવાની જેમ અદૃશ્ય હતું એથી કોઈને દેખાયું જ નહીં.

ચંબુને થયું, ‘ઓ હૃદય! તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા તેનો બનાવ્યો છે મને.’ અને એથી પારણાથી શરૂ થયેલી યાત્રા પરણવા સુધીની ઉંમર વટાવી ૮.૨૮, ૮.૩૩, ૮.૫૬, ૯.૦૬ની ફાસ્ટ લોકલની જેમ ધડાધડ આગળ વધવા લાગી, પણ કોઈ ગગીએ ‘ભલે પધાર્યા’નું ર્બોડ હૃદયના દ્વાર પર માર્યું જ નહીં અને ત્રીસ વટાવ્યા પછી પેલા હૈયાનો સળવળાટ ચંબુના મનને અશાંત કરી દેતો. દર વર્ષે લગ્નની સીઝનમાં વરઘોડાનો વરસાદ પડે પણ પ્રેમનું ચોમાસું ચંબુને પલાળ્યા વગર જ ચાલ્યું જાય. ૯.૫૬ની લોકલ ટ્રેનની જેમ કોઈનું વરઘોડું જાય ત્યારે એ જોઈ ચંબુનો જીવ બળીને રાખ થઈ જતો (છતાં ચંબુ જીવતો). ખરેખર, આ જીવ સાલી એવી ચીજ છે કે રાખ થઈ જાય તો પણ સ્ટ્રૉન્ગ મલમ લગાડવાથી પણ રૂઝ નથી આવતી. ચંબુને શરૂ-શરૂમાં દૂધના ઊભરા જેવા નાનકડા રોમૅન્ટિક ઊભરા આવતા, પણ એકત્રીસ વટાવ્યા પછી તો સમુદ્રનાં વિશાળ મોજાં હિલોળાં લેવા લાગ્યાં. આવાં તો કુલ ૮૭,૫૪૫ ઊભરા અને મોજાં આવીને બેસી જતાં... સૉરી, બેસાડી દેવામાં આવતાં. પણ ઇતિહાસનાં પાનાં ન ખૂલ્યાં એ ન જ ખૂલ્યાં.

 


છેવટે ચંબુને તો એવો વિચાર આવ્યો કે ‘આપણા દેવ આનંદની ‘ચાર્જશીટ’ ચાર્જ ન થઈ એ આઘાતમાં દેવને આનંદ આપવા ઉપર ઊપડી ગયા એમ હું ઊપડી તો નહીં જાઉંને? મારો પ્રેમ ક્યારે ચાર્જ થશે?’


‘નગરી-નગરી દ્વારે-દ્વારે ઢૂંઢૂં રે સાંવરિયા’ કરીને નીકળી પડતા ચંબુને ‘ચલે જા, ચલે જા, ચલે જા... જહાં પ્યાર મિલે’ ગાઈ દરેક લલનાના દ્વારેથી જાકારો જ મળતો. જો ભૈ હું તો સાચું કહું, ભરજુવાની આવે ત્યારે કુંવારા હૈયામાં સમણાં જાગવા લાગે, અંતરમાં કોઈ માટે લાગણીઓનાં ફૂલ ખીલી ઊઠે, વાસંતી વાયરા ઝૂમી ઊઠે, પ્રીતની ઝંખના જન્મ લેવા લાગે. આંખની પાંપણ નીચેથી પ્રીતની ધારા વરસતી જાય, પણ ચંબુ માટે સામે પક્ષે કોઈ પોતાનું મંગલ મંદિર ખોલતું નહોતું. લગ્નના શૅરબજારની તેજીમાં પણ ચંબુના પ્રેમના શૅર મંદીમાં જ ફસાયેલા હતા. ધીરે-ધીરે ચંબુને ડર લાગવા માંડ્યો કે જો આમ જ જીવતર ચાલ્યું તો મારે દર વર્ષે ગાવું પડે, ‘મેરે સપનોં કી રાની કબ આએગી તૂ... બીત જાએ ઝિંદગાની કબ આએગી તૂ! ચલી આ... તૂ ચલી આ...ની બૂમ પાડવા છતાં કોઈ પ્રતિભાવ ન મળે તો મારે કલામ, અટલજી, નરેન્દ્ર મોદી અને અણ્ણાની (વાંઢાઓની) લાઇનમાં બેસવું પડે.
ચંબુ મને કહે, ‘ઠાકરિયા, લોકો કહે છે કે દરેકની જોડી ઉપર ઈશ્વરે સ્વર્ગમાં જ નક્કી કરી હોય છે. આ પૃથ્વી પર તો માત્ર આપણે ઉજવણી કરતા હોઈએ છીએ, પણ મને લાગે છે કે મારી તો જોડી અને ઉજવણી બન્ને કદાચ સ્વર્ગમાં જ કરવી પડશે.’


‘એવું અશુભ ન બોલ ચંબુડા.’ મેં આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો.
‘અરે યાર, આ જન્મમાં તો મારા માટે કોઈએ જન્મ લીધો જ નથી.’
‘ધીરજ રાખ, કીડીને કણ અને હાથીને મણ, તો તને પણ ક્યાંક મળી રહેશે. અત્યાર સુધી મળી જ ગયું હોત પણ તારો આ ચહેરો...’

‘ચહેરો, ચહેરો, ચહેરો... શું કરું મારા ચહેરાને.’ ચંબુ તંગ ચહેરે બોલ્યો, ‘એમાં મારો શું દોષ છે? ઈશ્વરે મારી સાથે જરા રૂપ કે કલરમાં છેતરપિંડી કરી એમાં મારો શું ગુનો? હું શું કરું? હવે તું તારા પ્રોગ્રામમાં મારી જાહેરાત કર કે દિલ કો દેખો ચેહરા ના દેખો ચેહરેને લાખોં કો નહીં કરોડોં કો લૂટા (મોંઘવારી છે ભાઈ મારા), દિલ સચ્ચા ઔર ચેહરા ઝૂઠા... મારી આંખમાં ભગવાન કંઈ આંસુ મૂકવાનું ભૂલી નથી ગયો, સમજ્યો? અરે યાર ઠાકર, જીવનમાં એકાદ વ્યક્તિ સાથે સાચો સંબંધ બંધાય તો જીવન જીવવાની મજા આવી જાય, પણ આવો સંબંધ શોધવામાં ને શોધવામાં જીવન પૂરું થઈ જાય તો ફરિયાદ કોને કરવી?’
તમે જ બોલો યાર, કોને...શું કહો છો?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK