ક્વૉરન્ટીન કબૂલાત : કોરોનાથી આભડછેટ નહીં, પણ એને કારણે આવનારી બીમારી સામે સાવધાની રાખતા શીખો

Updated: May 08, 2020, 22:54 IST | Manoj Joshi | Mumbai

બહેતર છે કે શંકાને શંકાના સ્થાન પર જ રહેવા દઈને આગળ વધીએ. આજે એ છે, આવતી કાલે તમે પણ હોઈ શકો છો.

સૌ કોઈને સાવધાની અને સલામતી સાથે ભાઈચારાની ભાવનાથી રાખવામાં આવે.
સૌ કોઈને સાવધાની અને સલામતી સાથે ભાઈચારાની ભાવનાથી રાખવામાં આવે.

કોઈ સોસાયટીમાં એકને કોરોના વાઇરસનું સંક્રમણ થયું એટલે બાકીના સૌને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા. આ થઈ એક વાત અને એ વાત હવે સૌ કોઈ જાણે છે, પણ આ માહિતી હોવા છતાં પણ ક્વૉરન્ટીન થયેલા સૌ કોઈની સાથે એવું વર્તન થઈ જાય છે કે જાણે આભડછેટ રાખવાનો નિયમ બનાવવામાં આવ્યો હોય. અનેક લોકોએ આ બાબતમાં ફરિયાદ કરી છે અને અનેક લોકોએ આ બાબતમાં વસવસો પણ વ્યક્ત કર્યો છે. આવું શું કામ થાય, આવું થવું જોઈએ ખરું?
પહેલા સવાલનો જવાબ સૌથી પહેલાં જોઈએ.
મોત. મોતનો ડર સાહેબ બહુ વિકરાળ છે અને એ ડર જ્યારે આંખ સામે આવી જાય ત્યારે પોતે શું વર્તી રહ્યો છે અને કેવું વર્તી રહ્યો છે એ વાત પણ ભુલાઈ જતી હોય છે. ઉક્તિ છે કે ડૂબતી મા પણ છોકરાને વજન દઈને ઉપર આવે. આવું ન કરવું જોઈએ, પણ એ સહજ રીતે થઈ જતું હોય છે અને સહજ રીતે જ્યારે પણ પ્રતિક્રિયા આવે ત્યારે એને વાજબી રીતે સ્વીકારી લેવાની તૈયારી રાખવી જોઈએ. એક વખત તમારી જાતને એ સ્થાન પર મૂકીને જોવાની. જો તમે ક્વૉરન્ટીન થયા હો અને તમારી સાથે અન્ય સૌ કોઈનો વ્યવહાર છે એ જાતિવાદને જાગૃત કરી દે એ પ્રકારનો થઈ જાય તો તમને કેવો અનુભવ થાય અને એ અનુભવ થાય તો ગેરવાજબી પણ લાગવો જોઈએ ખરો? કોરોના સામે લડવાની ક્ષમતા હવે સૌ કોઈમાં આવી ગઈ છે, પણ પ્રાઇવેટ હૉસ્પિટલ જે પ્રકારનો ચાર્જ વસૂલ કરે છે એ જોઈને ભલભલાને પરસેવો છૂટી જાય છે. એ આંકડો લાખોમાં છે. મુદ્દો અત્યારે એ આંકડાનો નથી, મુદ્દો અત્યારે મોતનો છે અને મોત આંખ સામે આવી જાય ત્યારે ભલભલાની પ્રસ્વેદગ્રંથિ સતેજ થઈ જાય, એટલે આવું વર્તન સહજ હોઈ શકે છે અને એવા વર્તનને ગાંઠે બાંધવાની કોશિશ કરવી નહીં.
હવે સવાલ નંબર બે. આવું થવું જોઈએ ખરું?
ના, ના અને ના જ. ન જ થવું જોઈએ આવું. કોરોના એ કોઈ એવી બીમારી નથી કે જેની માટે તમારે શરમજનક અવસ્થામાં મુકાવું પડે. માન્યું કે ડર લાગે, પણ જો સાવચેતી રાખો તો કોરોનાના સંક્રમણમાં આવેલા પેશન્ટ્સ પાસે પણ રહી શકાય છે. ડૉક્ટર રહી જ રહ્યા છે અત્યારે એ લોકો સાથે, જ્યારે આ તો કોરોના પેશન્ટ્સના કૉન્ટૅક્ટમાં આવેલા લોકો છે. હજુ તેમને આ બીમારી લાગુ પણ નથી પડી. માત્ર એવી શંકા જાગી છે અને એ શંકાને લીધે ક્વૉરન્ટીન થયા છે. બહેતર છે કે શંકાને શંકાના સ્થાન પર જ રહેવા દઈને આગળ વધીએ. આજે એ છે, આવતી કાલે તમે પણ હોઈ શકો છો. હા, તમે હોઈ શકો છો, કારણ કે કોરોનાનો ભરોસો નથી અને જ્યારે અજાણ્યાનો ભરોસો નથી થતો ત્યારે શું કામ જાણીતાની સાથે ખરાબ વ્યવહાર કરીને એને ભરોસાની યાદીમાંથી દૂર ધકેલવો. બહેતર છે કે ક્વૉરન્ટીન થયેલા સાથે ભેદભાવ સાથેનો વ્યવહાર ન કરવામાં આવે અને ક્વૉરન્ટીન થયેલા સૌ કોઈને સાવધાની અને સલામતી સાથે ભાઈચારાની ભાવનાથી રાખવામાં આવે. કોરોનાના જંગ સામે જીતીને પાછા આવનારાનું સ્વાગત જો ભવ્ય રીતે થઈ શકતું હોય તો ક્વૉરન્ટીનમાં સલામત રીતે પાછા આવનારાનું પણ સ્વાગત એટલી જ ભવ્યતાથી કરો. એ જ આ દેશની સંસ્કૃતિ છે, આ દેશના સંસ્કાર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK