નાર્કોટિક્સ અને બૉલીવુડ: સમજણ અને શાણપણ દેખાડવાનો સમય આવ્યો છે ત્યારે પાછા પગ નહીં કરતા

Published: 1st December, 2020 12:46 IST | Manoj Joshi | Mumbai

નાર્કોટિક્સ બૉલીવુડની પાછળ પડી ગયું છે એવું કેટલાક લોકોને લાગી રહ્યું છે અને હું કહીશ કે હા, એવું થયું જે બહુ જરૂરી હતું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

નાર્કોટિક્સ બ્યુરોએ છેલ્લે ભારતી સિંહ અને તેના રાઇટર હસબન્ડ હર્ષ લિમ્બાચિયાને ખુલ્લાં પાડ્યાં અને એ દિશામાં હજી પણ કામ ચાલી રહ્યું છે. ભારતી કે પછી હર્ષ પાસેથી મળેલા ડેટાના આધારે નવી શોધખોળ શરૂ કરવામાં આવશે અને શરૂ કરવામાં આવેલી એ નવી શોધખોળ પછી બનશે એવું કે નવું એકાદ નામ બહાર આવશે. નાર્કોટિક્સ બૉલીવુડની પાછળ પડી ગયું છે એવું કેટલાક લોકોને લાગી રહ્યું છે અને હું કહીશ કે હા, એવું થયું જે બહુ જરૂરી હતું.
ભારતવર્ષમાં બે પ્રકારના લોકો સામે આખો દેશ ઝૂકે છે અને આ નગ્ન સત્ય છે. ક્રિકેટરો અને ફિલ્મસ્ટાર્સ. આ ફિલ્મસ્ટાર્સ અને મૅટર ઑફ ફૅક્ટ, ક્રિકેટરોને પણ કોઈ એવી સત્તા મળી નથી જતી જે દેશના કાનૂનને ગણકારવાની મનાઈ કરતી હોય. હું તો કહીશ કે આ જ સાચો સમય છે સમજણ અને શાણપણ દેખાડવાનો, હવે પાછા પગ નહીં કરતા. નશામાં ચૂર રહેતા ઍક્ટરોને ખબર પડવી જોઈએ કે સત્તા સામે સૌકોઈ એક છે તો સાથોસાથ એ પણ ખબર પડવી જોઈએ કે તેમની સોશ્યલ ઇમેજ તેમના પ્રોફેશન સાથે પણ મહત્ત્વની રીતે જોડાયેલી છે. આ પ્રકારના લોકોને આડાહાથ લેવાનું કામ સોશ્યલ મીડિયા પર થઈ રહ્યું છે અને થઈ રહેલું એ કામ ક્યાંક અને ક્યારેક સરાહનીય પણ લાગે, પરંતુ આટલેથી અટકવાની જરૂર નથી. દૃષ્ટાંત એવું બેસવું જોઈએ જેથી આવી હિંમત ખરેખર તો દુઃસાહસ છે એવું ભાવિ પેઢીને પણ સમજાય.
ગાંજો અને ચરસ જેવા પદાર્થના સેવન પર દેશમાં બૅન છે. કાયદો પણ બન્યો છે એને માટે અને એ કાયદો સૌકોઈએ પાળવાનો હોય એ પણ બધા જાણે છે. જેકોઈ ઍક્ટર-ઍક્ટ્રેસ નાર્કોટિક્સ બ્યુરો પાસે પોતાના આ સેવનની કબૂલાત કરી ચૂક્યાં છે એ શું ખાનગીમાં જ આ નશીલા પદાર્થ લેતાં હતાં એવું ધારી શકાય ખરું? મહદંશે ના, એવું નથી. બનારસની યાત્રામાં તે જ જોડાતો હોય છે જેને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા હોય છે અને થાઇલૅન્ડ જનારા ૧૦૦માંથી ૯૦ એવા હોય જેને સૌંદર્ય‍ના જગતમાં રસ લેવાનું સૂઝતું હોય. અસંભવ કે કોઈ એ ન જાણતું હોય કે નશીલા પદાર્થ લેનારા ઍક્ટર સિવાય કોઈ જાણતું નહોતું કે તે આ પ્રકારના પદાર્થનું સેવન કરે છે. જાણતા જ હોય અને ખબર જ હોય કે તેમનું એવું સેવન ચાલી રહ્યું છે. એ પછી પણ તેમની સાથે કામ કરવાની તૈયારી દાખવતા લોકો અજાણતાં જ પોતાની જાતને પણ આ પ્રકારનાં કાળાં કામોમાં હોમી રહ્યા છે, પણ હવે સમય આવી ગયો છે. વ્યક્તિ જ્યારે ખુલ્લી પડી જાય ત્યાર પછી પણ તેની સાથે હાથમાં હાથ નાખીને નીકળતા લોકોએ સમજવું જ પડશે કે તેને પણ અસર થવાની જ છે. કહેવાનો ભાવાર્થ એ કે જો હાથમાં હાથ હોય તો હવે એ હાથ છોડી દો, તમારા હિતમાં છે. તમારા પણ અને ભાવિ પેઢીના હિતમાં પણ. નશો કરીને લોકોને હસાવનારાઓને માત્ર કાયદાકીય દંડની જોગવાઈની જ નહીં, પણ સામાજિક દૃષ્ટિકોણથી પણ સજા મળવી જોઈએ. સજાનો દરેક વખતે હેતુ એવો નથી હોતો કે એની કડકાઈ દુનિયા સામે આવે. સજાનો એક અર્થ એવો પણ છે કે એવી ભૂલ બીજું કોઈ ન કરે. જો નશીલા પદાર્થ લેનારાઓને હજી પણ સ્ક્રીન પર લાવવાની પ્રક્રિયા રોકટોક વિના કરવામાં આવશે તો ભાવિ પેઢીને ખરેખર નુકસાન થશે. યંગસ્ટર્સને આવી ભૂલોની ગંભીરતા નહીં સમજાય. તેમને ગંભીરતા સમજાય એ માટે પણ આવા કલાકારોથી અંતર રાખવામાં આવે અને ચૅનલ-પ્રોડ્યુસર દૂર રહે એ અત્યંત આવશ્યક છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK