વ્યાજમાફી અને પાક વીમો- જરા વિચાર તો કરો, તમારો ખેડૂત પગભર ક્યારે થશે?

Published: Oct 07, 2019, 14:10 IST | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી | મુંબઈ

વિશ્વાસના આધારે જ બીજ રોપવામાં આવે છે અને એ જ વિશ્વાસના આધારે એ બીજમાંથી વટવૃક્ષ તૈયાર થાય છે. કિસાનોએ વિશ્વાસનો આદર કરવો પડશે અને તેણે આ નિયમિત પ્રશ્નોમાંથી હવે છુટકારો પણ મેળવવો પડશે.

ખેડૂત પગભર ક્યારે થશે?
ખેડૂત પગભર ક્યારે થશે?

આપણે ત્યાં એક બહુ મોટો પ્રશ્ન છે અને એ દસકાઓથી છે. કહો કે આઝાદી સમયથી છે. ખેડૂતોના પ્રશ્નોને હંમેશાં રાજકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે અને રાજકીય સ્વરૂપના આધારે હંમેશાં ખેડૂતોના લાભની વાત લઈને આગળ વધનારા નેતાઓ પણ ઊભા થતા રહ્યા છે, પણ આ રાજકીય લાભ ખાટવાની માનસિકતા છે. આ માનસિકતા સાથે જો તમે ઊભા રહો તો પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે દરેક તબક્કે તમે કોઈ ને કોઈ લાચારીને આધીન થતા જાઓ છો. પછી એ એકલદોકલ વ્યક્તિ હોય કે સમાજ. પછી એ કોઈ શિક્ષક હોય કે કોઈ વિદ્યાર્થી.
જે કામ આ દેશમાં અનામતને કારણે થયું છે એ જ કામ આ દેશમાં ખેડૂતોને આપવામાં આવેલી સુવિધાઓને કારણે પણ બન્યું છે. અંગત રીતે કહું તો ખેડૂતોને મળી રહેલી સુવિધાઓથી મને કોઈ પીડા નથી, પણ એ સુવિધા આપવામાં નથી આવતી એવો નિયમિત જે દેકારો વિરોધ પક્ષ કે પછી રાજકીય લાભ ખાટવા માગતી વ્યક્તિ કરે છે એની સામે છે. દેશમાં દર વર્ષે પાક વીમાનો પ્રશ્ન ઊભો થાય છે અને આ ૧૯૪૭થી ચાલ્યું આવે છે. જો તમે સમાચાર વાંચતા હો કે જોતા હો તો તમને આ મુદ્દો ધ્યાનમાં આવ્યા વિના રહ્યો નહીં હોય. પાક વીમો અને બીજો પ્રશ્ન છે વ્યાજમાફી.
આ બે મુદ્દા સાથે આગળ વધતા વિરોધ પક્ષમાં બેઠેલા દેશના રાજકીય નેતાઓ એ વાત ભૂલી ગયા છે કે તેમણે રાજકીય લાભ ખાટવાના હેતુ સાથે આ કામ એ સ્તર પર પહોંચાડી દીધું છે કે આ દેશના ખેડૂત, જે લડી લેવાની અને પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ ધરાવતા હતા એ લાચારીના સ્તર પર આવી ગયા છે. ખેડૂત મહેનતકશ પ્રજા છે. કુદરત સામે બાથ ભીડીને, જમીનમાંથી, ધૂળના ઢેફામાંથી એ જીવન ઉગાડી દેખાડવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રજા કોઈ સામે લાચાર ન હોય અને એને લાચાર બનાવવાની પણ ન હોય, પરંતુ આ કામ માત્ર અને મામૂલી કહેવાય એવી રાહત કે લાભના નામે વિરોધ પક્ષ કરી રહ્યું છે. જડતાની આ ચરમસીમા છે, નિર્દયપણાની આ ચરમસીમા છે. આમાં સુધારો કરવો પડશે. માત્ર રાજકીય લાભ ખાટવાની માનસિકતા રાખનારાઓએ જ નહીં, લાભ અપાવવાની જેને વાતો કરવામાં આવે છે એ કિસાનભાઈઓએ પણ આ જ માનસિકતા રાખવી પડશે કે લાલચ અને લાભ વચ્ચે મહાકાય ફરક છે. લાલચ આપનારાઓ અનેક નીકળશે, પણ લાભ આપવાની માનસિકતા બહુ ઓછા લોકોમાં હોય છે. પાક વીમો આપવાની ફરજ સરકારની છે અને એ ફરજ એણે પૂરી કરવી જ પડશે, પણ એ ફરજને પૂરી કરાવવા માટે કોઈની મદદ લેવાનો સમય આવે તો માનવું કે તમને તમારી સરકાર પર ભરોસો નથી અને જો લોન લીધા પછી વ્યાજમાફી માટે હાથ ફેલાવવાની નોબત આવે તો માનવું કે તમને તમારા ઈશ્વર પર વિશ્વાસ નથી અને વિશ્વાસ કરવો, ભરોસો રાખવો એ તો કિસાનોના લોહીમાં છે.
વિશ્વાસના આધારે જ બીજ રોપવામાં આવે છે અને એ જ વિશ્વાસના આધારે એ બીજમાંથી વટવૃક્ષ તૈયાર થાય છે. કિસાનોએ વિશ્વાસનો આદર કરવો પડશે અને તેણે આ નિયમિત પ્રશ્નોમાંથી હવે છુટકારો પણ મેળવવો પડશે. વન્સ અગેઇન, આઇ રિપીટ, પાક વીમા કે વ્યાજમાફી સાથે મને અંગત રીતે કોઈ દુશ્મની નથી, પણ એ માનસિકતા જાત માટે દુશ્મન સમાન બની જાય એવું બની શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK