સુખ અને દુઃખ: સુખ તમારી આદત હોવી જોઈએ, સુખ તમારો સ્વભાવ હોવો જોઈએ

Published: Oct 10, 2019, 16:46 IST | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી | મુંબઈ

એક વાત યાદ રાખજો કે તમને કોઈ સુખી ન કરી શકે, ક્યારેય નહીં અને કોઈ દિવસ નહીં. કોઈ તમને ખુશી આપી શકે, પણ સુખ તો તમારે જાતે જ શોધવું પડે.

એક વાત યાદ રાખજો કે તમને કોઈ સુખી ન કરી શકે, ક્યારેય નહીં અને કોઈ દિવસ નહીં. કોઈ તમને ખુશી આપી શકે, પણ સુખ તો તમારે જાતે જ શોધવું પડે. સુખી થવાની આદત તમારે જ કેળવવી પડે. ક્યારેય કોઈને સુખી નથી કરી શકાતા, ક્યારેય નહીં. સુખી થવું હોય, સુખી રહેવું હોય તો તમારે જ તમારી જાતને તૈયાર કરવી પડશે અને એ તૈયારી માટે તમારે જ જાગવું પડશે. હું કહીશ કે અમરત્વ કોઈની પાસે નથી અને કોઈને એ મળવાનું પણ નથી. જીવનની કઈ ક્ષણ અંતિમ બની જાય એના વિશે પણ કોઈને ખબર નથી. એવા સમયે જો આ ક્ષણ પણ અંતિમ ક્ષણ બની રહે તો પણ અફસોસ ન રહે એ પ્રકારનું જીવવું એ દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે અને આ અધિકારને વાપરવો એ તેમનો જન્મસિદ્ધ અધિકાર છે.

સુખ એટલે શું એ પ્રશ્ન જો તમારા મનમાં જન્મે તો એની વ્યાખ્યા સમજવા જેવી છે. ધાર્યું થાય એ સુખ અને જો ધાર્યું ન થાય તો એ દુઃખ. વર્ષો પહેલાં સાંભળેલી સુખ અને દુઃખની આ વ્યાખ્યા તલસ્પર્શી છે અને અત્યંત ઉચિત પણ છે. ધાર્યું થાય એ સુખ અને ધાર્યું ન થાય ત્યારે મનમાં જે લાગણી જન્મે એ દુઃખ. ધાર્યું ન થાય તો પણ સુખને પામવાનો પ્રયાસ શું કામ ન થઈ શકે? શું કામ ધાર્યું થાય એવી જીદ પણ મનમાં રહેવી જોઈએ? શું માત્ર અહંને પોષવા માટે કે પછી માત્ર પોતાની જીદને આત્મસંતોષ આપવા માટે? ધાર્યું થાય તો જ સુખ શું કામ મળે, શું કામ એવું ન બને કે તમે કોઈને તમારા મનની વાત કહી દીધી એ પછી પણ તેની પોતાનું ધાર્યું કરવાની પરવાનગી અકબંધ રહે? વાઇફ હોય કે ગર્લફ્રેન્ડ, હસબન્ડ હોય કે બૉયફ્રેન્ડ, દીકરો હોય કે દીકરી બધાં માટે આવો નિયમ શું કામ ન રાખી શકાય કે તારા માટે જે સારું છે, તારા માટે જે સાચું છે એની જાણ કરવાની ફરજ નિભાવી લીધી છે, હવે તને જે યોગ્ય લાગે એ કરવાની જવાબદારી તારી.

સુખી તમારે થવું છે, સુખ તમને જોઈએ છે એ વાતને મગજમાં ઠસાવી રાખવી પડશે. ભૂલી જાઓ કે કોઈ તમારો જમૂરિયો બનીને જીવે અને તમે કોઈના જમૂરિયા બનો. જરા પણ જરૂરી નથી કે કોઈને તમારા શબ્દો સાથે બાંધી રાખવા, કારણ, સુખ તમારે તમારા જીવનમાં જોડવાનું છે અને સુખ સાથે જીવવાનું છે. મૉડર્ન સાયન્સમાં સ્ટ્રેસ નામનો શબ્દ બહુ પૉપ્યુલર થયો છે. આ સ્ટ્રેસ એટલે મારી દૃષ્ટિએ પોતાની વ્યક્તિ પાસે ધાર્યું કરાવવા માટે ખર્ચાતી માનસિક તાકાત. યાદ રહે કે તે તમારું ધાર્યું નહીં કરે તો કંઈ તમે તેના વિના રહી શકવાના નથી, કારણ કે તે તમારી અંગત વ્યક્તિ છે અને તમારી ઇચ્છા મુજબના વર્તન નહીં કર્યા પછી આવનારા ખરાબ પરિણામ પછી પણ તમે તેને છોડી નથી દેવાના, કારણ કે તે તમારી અંગત વ્યક્તિ છે. જો સ્ટ્રેસ નહીં હોય તો તમે સુખી હશો અને જો સ્ટ્રેસ હશે તો તમારી દુન્યવી સુવિધા અને કુશાંદે સગવડ વચ્ચે પણ તમે પારાવાર પીડામાં હશો. સુખ અને દુઃખની વ્યાખ્યા બહુ સરળ છે. માત્ર એને સમજવાની જરૂર છે. ટ્રાન્ક્વાઇલ લીધા પછી ઊંઘનો આશરો મળે એનું નામ દુઃખ અને પથારીમાં પડ્યા પછી એકઝાટકે તમને ઊંઘ આવી જાય એનું નામ સુખ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK