કરો કંકુના : મોદીની નકલ નહીં પણ મોદીની નિષ્ઠા અને પ્રામાણિકતાની નકલ કરો

Manoj Joshi | Jan 12, 2019, 10:51 IST

નરેન્દ્ર મોદીની આ જ ખાસિયત છે. તેમના જેવી નિષ્ઠા, તેમના જેવી પ્રામાણિકતા કોઈની પાસે નથી અને તેમની આ જ ખાસિયતને લીધે જ તેમના દુશ્મનોની પણ બોલતી બંધ થઈ જાય છે.

કરો કંકુના : મોદીની નકલ નહીં પણ મોદીની નિષ્ઠા અને પ્રામાણિકતાની નકલ કરો
નરેન્દ્ર મોદી

મેરે દિલ મેં આજ ક્યા હૈ

નરેન્દ્ર મોદીની આ જ ખાસિયત છે. તેમના જેવી નિષ્ઠા, તેમના જેવી પ્રામાણિકતા કોઈની પાસે નથી અને તેમની આ જ ખાસિયતને લીધે જ તેમના દુશ્મનોની પણ બોલતી બંધ થઈ જાય છે. નરેન્દ્ર મોદીનો દુશ્મન પણ કહી ન શકે કે નરેન્દ્ર મોદીએ ફલાણા કામમાં કે ઢીકણા કામમાં એક પૈસો પણ લીધો છે. ના, કોઈના બાપની ત્રેવડ નથી. રાજકીય વિરોધની કે પછી રાજકીય આક્ષેપો વિશે વાત નથી થઈ રહી, પણ આ હકીકત છે. ભારતીય રાજકારણમાં સૌથી મહkવનો મુદ્દો જો કોઈ હોય તો એ જ કે તમારામાં પ્રામાણિકતા હોવી જોઈએ. જો તમે પ્રામાણિક હો તો દુનિયાની કોઈ તાકાત તમને અટકાવી નથી શકતી. બની શકે કે તકલીફો આવે અને બની શકે કે તમે એ તકલીફોને પાર કરવા જતાં ખૂબ જ ત્રસ્ત થાઓ, પણ એમ છતાં પણ પ્રામાણિકતા ક્યારેય ઓછી નથી ઊતરતી, પ્રામાણિકતાને ક્યારેય કોઈની આંચ નથી આવતી. હું કહીશ કે પ્રામાણિકતા ક્યારેય હારી નથી અને પ્રામાણિકતા ક્યારેય ઝૂકી નથી. તમે નખશિખ પ્રામાણિક હો તો તમને હરાવવાનું કામ અશક્ય જ નહીં અસંભવ બની જતું હોય છે. ઇતિહાસનાં પાનાંઓ ઊથલાવશો તો તમને એવા અનેક નરબંકા જોવા મળશે કે જેમણે ખાલી હાથે અને ખાલી ગજવે દુનિયા આખીને પોતાની પ્રામાણિકતા પર ઝુકાવી દીધા હોય.

આ પણ વાંચોઃ જેને પોતાના કોઈ નિયમ નથી તે હંમેશાં બીજાના નિયમો પર ચાલે છે

નરેન્દ્ર મોદી એવી જ વિરલ હસ્તી છે. પૈસો તેમને સહેજ પણ લલચાવી નથી શકતો અને ધન તેમને ક્યારેય આકર્ષિત નથી કરી શક્યું. પૈસો ક્યારેય તેમનું ધ્યાન ખેંચી નથી શક્યું અને પૈસાએ ક્યારેય તેમને વિચલિત નથી કર્યા. પૈસાથી પર રહેવું એ આજના સમયનો સૌથી મોટો સંતત્વનો ગુણ છે. સંસાર છોડીને સાધુત્વના માર્ગે ચાલી નીકળનારાઓ પણ ક્યારેય પૈસા અને ધનથી દૂર નથી રહી શક્યા, સંપતિએ તેમને પણ વિચલિત કર્યા છે એવા સમયે સંસારમાં રહીને અને ખાસ તો રાજકારણમાં રહીને પણ પૈસાથી દૂર રહેવું એ મારી દૃષ્ટિએ વિરલ પ્રતિભાની નિશાની માત્ર છે. નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વમાં વિરલ પ્રતિભા બનવાની આ નિશાની ઝળકે છે. હું તેમને વર્ષોથી ઓળખું છું એવું કહું તો ચાલે. મારા આ વર્ષોના અનુભવો અને તેમને ઓળખનારા અન્ય સૌકોઈના વર્ષોના અનુભવના આધારે કહું છું કે નરેન્દ્ર મોદીને જીવનમાં ક્યારેય પૈસાએ આકર્ષિત નથી કર્યા અને કરી પણ ન શકે. આ દેશના ૯૯.૯૯ ટકા રાજકારણીઓને આ એક જ વાત નડી રહી છે જ્યારે નરેન્દ્ર મોદીને તેમની આ એક જ વાત સૌકોઈની નજરમાં મહાન બનાવી રહી છે. પ્રામાણિકતા સાથે ભળેલી તેમની નિષ્ઠા અને કામ કરવાની તેમની આવડતે નરેન્દ્ર મોદીને દરેક ક્ષેત્રમાં આગળ રાખવાનું કામ કર્યું છે અને આગળ રહ્યા પછી તેમણે પુરવાર પણ કર્યું છે કે તે માત્ર નંબર વન રહેવા માટે જ આવ્યા છે અને નંબર વન જ રહેવાના છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK