Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વૃદ્ધાશ્રમ : જરૂરિયાત ન હોય એવા આ આશ્રમની આવશ્યકતા કોણે ઊભી કરી?

વૃદ્ધાશ્રમ : જરૂરિયાત ન હોય એવા આ આશ્રમની આવશ્યકતા કોણે ઊભી કરી?

06 May, 2019 09:51 AM IST |
મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

વૃદ્ધાશ્રમ : જરૂરિયાત ન હોય એવા આ આશ્રમની આવશ્યકતા કોણે ઊભી કરી?

વૃદ્ધાશ્રમ : જરૂરિયાત ન હોય એવા આ આશ્રમની આવશ્યકતા કોણે ઊભી કરી?


મેરે દિલ મેં આજ ક્યા હૈ?

સૌથી પહેલાં એક નાનકડી સ્પષ્ટતા કરી દઉં કે મુસ્લિમ કમ્યુનિટીની આ એક જ વાત મને બહુ ગમે છે. તેમની પાસે વૃદ્ધાશ્રમ નથી. યતિમખાના છે. અનાથ થઈ ગયેલાં બાળકોને સાચવી રાખવા માટે આ બનાવવામાં આવ્યું છે. એમ છતાં, વૃદ્ધાશ્રમને એ સમાજમાં કોઈ સ્થાન મળ્યું નથી અને મને લાગતું પણ નથી કે એને મુસ્લિમ સમાજમાં ક્યાંય સ્થાન મળે પણ ખરું. વડીલ ઘરની ઓથ છે અને એ ઓથ મેળવવા માટે તમારે શરણાગતિ સ્વીકારેલી રાખવાની હોય. આપણે ત્યાં મૉડર્નાઇઝેશનના નામે હવે વડીલપણું રહ્યું નથી. વડીલો બોલબોલ કર્યા કરે, ટોક્યા કરે કે પછી કહ્યા કરે પણ આપણે તેમની વાત સાંભળવા, માનવા કે તેમની વાતને કાન આપવા રાજી નથી થતા. શરમની વાત છે કે આ આપણું કલ્ચર બની ગયું છે.



વૃદ્ધાશ્રમને હિન્દુ સંસ્કૃતિમાં ક્યાંય સ્થાન આપવામાં નથી આવ્યું અને મેં અનેક પ્રયાસો કર્યા પછી પણ મને એનું અસ્તિત્વ ક્યારથી અમલમાં આવ્યું એ જાણવા નથી મળ્યું. મારું અંગત માનવું છે કે વૃદ્ધાશ્રમ એ કદાચ વાનપ્રસ્થાશ્રમનું વરવું સ્વરૂપ હોઈ શકે છે. વાનપ્રસ્થાશ્રમ ઇચ્છા સાથે લેવામાં આવતી અવસ્થા હતી, જ્યારે વૃદ્ધાશ્રમ એ અનિચ્છા સાથે જીવનમાં પ્રવેશતી અવસ્થા છે. વૃદ્ધાશ્રમથી કેવી રીતે સમાજને દૂર રાખવો એ જોવાની જવાબદારી સમાજના વડીલોની છે. માન્યું કે કોઈના જીવનમાં બહુ મોટો ખાલિપો આવી ગયો હોય, પરિવારમાં કોઈ રહ્યું ન હોય અને સાવ એકલા પડી જવાયું હોય ત્યારે આ જ વૃદ્ધાશ્રમ આશીર્વાદરૂપ બની જાય છે પણ જેને ઘરમાં રાખવાની તૈયારી નથી હોતી એવા માવતર માટે આ વૃદ્ધાશ્રમ ખરેખર પીડાદાયી છે. આવાં માબાપને એક વખત મળવા જશો તો તમને પણ વાસ્તવિકતા સમજાશે અને તમને પણ તેમની આંખોમાં વેદના દેખાશે.


આ પણ વાંચો : વૉટ્સઍપ પુરાણ: આ ગ્રુપ અને બ્રૉડકાસ્ટના ત્રાસથી બચાવવા માટેનો કોઈ ઉપાય ખરો?

સંતાનોની વાતો માનીને આખી જિંદગી તેની પાછળ ખર્ચી નાખનારાં માબાપે કલ્પના પણ ન કરી હોય કે તેણે પોતાનો પાછળનો સમય આ રીતે એકાંતમાં કાઢવો પડશે, એકલતા વચ્ચે પસાર કરવો પડશે. જે સમયે દીકરાનો, પુત્રવધુનો કે પછી પૌત્ર-પૌત્રીઓનો હાથ હાથમાં હશે એવી ધારણા રાખવામાં આવતી હોય એ સમયે વૃદ્ધાશ્રમની મેટ્રન અને વૃદ્ધાશ્રમની કર્કશ થઈ ગયેલી આયાની રાડો સાંભળવી પડશે. બહુ ખરાબ અનુભવ છે આ. આવો અનુભવ ભૂલથી પણ કોઈના નસીબમાં લખાયેલો ન હોય એવી પ્રાર્થના કરતાં મને આજે એ તમામ દીકરા-દીકરીઓને કહેવું છે કે જીવનમાં થોડું ઓછું કમાશો તો ચાલશે, પણ ભૂલથી પણ માબાપને એવો અનુભવ નહીં કરાવતાં કે હવે તમને તેમનામાં કોઈ રસ નથી રહ્યો. આજે પણ હું જ્યારે મારા બાપુજીને મળું છું ત્યારે મને તેમની આંખોમાં એક ચમકારો જોવા મળે છે. એ ચમકારામાં ક્યાંક ને ક્યાંક દીકરો આવી ગયાનો ભાવ હોય છે. આ ભાવ તેમને ખુશી અને મને તાકાત આપે છે. આ તાકાત પાછલી જિંદગીમાં બહુ ઉપયોગી બનશે, તમારા હિતમાં રહેશે એટલે એને ક્યારેય ગુમાવતા નહીં. જો આજે બાપુજી માટે ટાઇમ હશે તો જ આવતી કાલે તમારાં સંતાનોને તેના બાપુજી માટે ટાઇમ હશે, અન્યથા તે તો એ જ જુએ છે જે તમે તેને દેખાડો છો. આજની તમારી તોછડાઈ તે તમને આવતી કાલે તમારા મોઢા પર મૂકવાના છે એટલે બહેતર છે કે એ જ કરવું જે સામે આવે એવું ઇચ્છી રહ્યા હો.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2019 09:51 AM IST | | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK