Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગૌરવ તરફ એક ડગઃ જીવનને સરળ ન કરી શકો તો કંઈ નહીં, પણ એને અઘરું ન બનાવો

ગૌરવ તરફ એક ડગઃ જીવનને સરળ ન કરી શકો તો કંઈ નહીં, પણ એને અઘરું ન બનાવો

11 July, 2019 10:08 AM IST | મુંબઈ ડેસ્ક
મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ગૌરવ તરફ એક ડગઃ જીવનને સરળ ન કરી શકો તો કંઈ નહીં, પણ એને અઘરું ન બનાવો

ગૌરવ તરફ એક ડગઃ જીવનને સરળ ન કરી શકો તો કંઈ નહીં, પણ એને અઘરું ન બનાવો


મેરે દિલ મેં આજ ક્યા હૈ? 

જીવન બહુ સરળ છે અને એટલું જ સરળ સ્વાસ્થ્ય સાચવી રાખવાનું છે. બહુ લાંબા નીતિનિયમોમાં ન પડવું હોય તો સહજ રીતે જીવનને ગોઠવો. છૂટથી પાણી પીઓ, હૂંફાળું પાણી પીવાનું શરૂ કરો અને ફ્રીઝના ઠંડાગાર પાણીને તિલાંજલિ આપી દો. પાણી પીવું ઓછું ભાવતું હોય તો બજારમાં મળતાં પ્રિઝર્વેટિવ નાખેલા જ્યૂસ પીવાને બદલે સીધા ફ્રૂટ્સ ખાઈ લો, મોળી છાસ પીઓ, મગનું પાણી પીઓ પણ કોલ્ડ્રિંક્સ ટાળો. ઘણા એવું માને છે કે કોલ્ડ્રિંક્સના બદલે સોડા કે ફ્લેવર્ડ સોડા પીએ તો વાંધો ન આવે. આવે, વાંધો આવે અને બહુ વાંધો આવે. કાર્બોહાઇડ્રેડ શરીરમાં એસિડની માત્રા વધારે છે એટલે બને ત્યાં સુધી વગરકારણે સોડા પીવાનું પણ ટાળવું.



નિયમ કરો કે સવારે ઊઠીને તરત જ કશુંક ખાઈ લેવું, જલદી. આવું કરવાના પણ કારણો છે. હોજરી આખી રાત ખાલી પડી છે. જો એને સંકોચાવા દેવી ન હોય તો એને તરત જ કામગીરી આપી દો અને આખી રાતનો ઉપવાસ તોડી નાખો. ઘણા એવું કરે છે કે જાગી ગયા પછી પણ બે-ચાર કલાક સુધી મોઢામાં કશું નથી નાખતાં. ખાસ કરીને બહેનો આવું કરે છે, પણ આ ખોટી રીત છે. પતિ સાથે નાસ્તો કરવાનો આગ્રહ રાખવો એ સંબંધો માટે સારું છે, પણ સ્વાસ્થ્ય માટે જોખમકારી છે. જીવનને સરળ બનાવી દો. ત્રણ નિયમનું પાલન કરો. એક, ભૂખ્યા રહેવું નથી પણ ભોજન બીજી વખત મળવાનું નથી એવું ધારીને અંકરાતિયાપણું પણ મનમાં લાવવું નથી. બીજો નિયમ બનાવો, ભોજનને ઓછામાં ઓછી રાંધણપ્રક્રિયામાંથી પસાર કરવો છે. જો શેકીને ખાવાનું તૈયાર થતું હોય તો એને નવી પ્રક્રિયા નથી આપવી. જો બાફીને કામ નિભાવી લેવાતું હોય તો નવી કોઈ રીતભાત એમાં નથી ઉમેરવી. ત્રીજો નિયમ, માત્ર ખાવા માટે નથી જીવતા. દિવસમાં થોડો સમય એક્સરસાઇઝને પણ આપવો છે. છોડો જીમ, નથી જવું ત્યાં. યોગના શિક્ષકો તોતિંગ ફી માગે છે, મૂકો એને કોરાણે. સાદી કસરત કરો અને એ પણ ન ફાવતી હોય તો ચાલવાનું રાખો. પાંચમા માળે ઘર હોય તો દિવસમાં દસ વખત ચડઉતર કરીને આવો, પણ કરી આવો. કસરત જરૂરી છે અને એ કરવી પડશે. જો એ કરવામાં ભૂલ કરી ગયા તો ડૉક્ટરને ત્યાં અવરજવરની કસરત ચાલુ થઈ જશે.


આ પણ વાંચો : ગૌરવ તરફ એક ડગ:કબૂતરે ક્યારે ચૂલો સળગાવ્યો કે સસલાએ ક્યારે વઘાર કર્યો?

ખાધાખોરાકી માટે સરળતા અપનાવી લો. દિવસમાં બે ટાઇમ ભાણે બેસીને નિરાંતે જમો. અગાઉ વાત થઈ છે એ રીતે ચાવી-ચાવીને જમો અને બે વખત એકવાર સવારે અને એકવાર બપોરે એકેક કપ ચા પીઓ. જો એવું કરશો તો જિંદગી સડસડાટ ચાલે. બે વાર નાસ્તો કરો અને બે વખત ભોજન લો તો એમાં જરાક વિવેક સાચવો. જમવાને અને નાસ્તાને ભેદભાવ સમજાવો. નાસ્તાના નામે થાળીઓ ભરીને બેસી જશો તો એ નહીં ચાલે. આપણે ત્યાં ફરાળમાં એ જ થઈ રહ્યું છે. ફરાળના નામે ભોજનને પણ શરમ આવે એ રીતે થાળી ભરવામાં આવે છે. શરીર માટે ઉપવાસ સારો છે એવું કહી-કહીને આ શ્રાવણ માસમાં સોમવાર કરનારાઓનો તૂટો નહીં હોય, પણ એ પછી જ્યારે એ ફરાળનો આરંભ કરે છે ત્યારે એવું કહેવાનું મન થઈ આવે કે તમે પેટમાં ઓરો છો એ ફરાળ નહીં પણ બૉમ્બ છે, જે ફૂટશે ત્યારે એની કરચો હૉસ્પિટલના બિલના નામે ઘરના એકેક સભ્યને વાગશે.


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2019 10:08 AM IST | મુંબઈ ડેસ્ક | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK