એક હતું અલાયદું કાશ્મીર : યાદ છે તમને, કાશ્મીરમાં કલમ-૩૭૦ અમલી હતી?

Published: Sep 22, 2019, 14:17 IST | મુંબઈ ડેસ્ક

ધારો કે એ ફૂટી હોત તો પોલીસ-સ્ટેશનમાં રહેલા ૩૦થી વધુ પોલીસ-કર્મચારીઓનો જીવ ગયો હોત, પણ એવું બન્યું નથી અને એવું બનવું પણ ન જોઈએ.

કાશ્મીર
કાશ્મીર

આજે કોઈને યાદ પણ નથી, આજે કોઈને સાંભરતું પણ નથી કે જમ્મુ-કાશ્મીરમાં પ્રશ્નો હતા અને એ પ્રશ્નોનો સીધો લાભ એ લોકો આર્ટિકલ-૩૭૦નો લેતા હતા. આજે કોઈને યાદ નથી રહ્યું. ૭૦ વર્ષથી જે પ્રશ્ન દેશઆખામાં તકલીફો ઊભો કરતો હતો, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારત સાથે ભળવા નહોતો દેતું એ પ્રશ્ન નેસ્તનાબૂદ નથી રહ્યો અને એ પછી કોઈને એ યાદ પણ નથી. તકલીફોનું એવું જ હોય છે. એ જેટલી જ‌ૂની હોય એટલી વિકરાળ બને. પ્રશ્નો જેટલા જૂના થાય એટલી એની ભયાનકતા તમને વધારે વિહ્‍વળ કરે. નક્સલવાદીઓનો પ્રશ્ન પણ એવો જ છે. આજે પણ એક પ્રશ્ન એવો છે જે દસકાઓથી દેશને નડી રહ્યો છે. ગઈ કાલે આસામના એક પોલીસ-સ્ટેશન પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો, પણ સદ્નસીબે મિસાઇલ ફૂટી નહીં એટલે પોલીસ-સ્ટેશનની અગાસી પર જઈને પડી રહી. ધારો કે એ ફૂટી હોત તો પોલીસ-સ્ટેશનમાં રહેલા ૩૦થી વધુ પોલીસ-કર્મચારીઓનો જીવ ગયો હોત, પણ એવું બન્યું નથી અને એવું બનવું પણ ન જોઈએ.

ખાખી વર્દીધારી ઘણી વખત ન ગમતાં પગલાંઓ લે તો પણ એમાં તેની ઇચ્છા કે અનિચ્છાની વાત હોતી નથી. તેના હાથમાં કાયદો છે અને કાયદાનું પાલન કરવું, કરાવવું એ તની ફરજ છે. માત્ર આસામમાં જ નહીં, અન્યત્ર પણ આ પ્રકારની ઘટના ઘટી છે જેમાં પોલીસ-કર્મચારીઓએ લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હોય, પણ આ એક અલગ વિષય છે અને એના પર આપણે ભવ‌િષ્યમાં ક્યારેક ચર્ચા કરીશું. અત્યારે વાત છે એ આસામની છે અને કાશ્મીર પરથી આ વિષય નીકળ્યો છે.
કાશ્મીરીઓને નહીં ગમે એવી ધારણા સાથે એવી રીતે વર્તવામાં આવી રહ્યું હતું કે આર્ટિકલ-૩૭૦ હટાવવામાં આવશે તો કાશ્મીર આખું સળગી જશે, કાશ્મીરીઓ કાબૂમાં નહીં રહે અને કાશ્મીરીઓ મારકૂટ પર ઊતરી આવશે. જાતજાતની બીક અને ભાતભાતનો હાઉ આપણા સૌના મગજમાં ઊભો કરી રાખવામાં આવ્યો હતો. આ ડરને કારણે જ કૉન્ગ્રેસે આ કાર્ય નહોતું કર્યું. અફકોરર્સ, માત્ર આ એક ડરને લીધે જ નહીં, આ સિવાયના અન્ય ડરને કારણે પણ એવું રાખવામાં આવ્યું હતું કે કાશ્મીરને તો વહાલા બાળક તરીકેની જ ટ્રીટમેન્ટ મળે અને એ એનો હક છે, પણ આ હક લઈ લીધા પછી આજે કાશ્મીર અકબંધ છે અને કાશ્મીરમાં સ્વર્ગની શાંતિ પણ છે. શાંતિ બે પ્રકારની હોય છે; એક સ્મશાનવત્ શાંતિ અને બીજી સ્વર્ગ સમાન શાંતિ. સ્વર્ગની શાંતિમાં ખુશીનો અનુભવ હોય છે, જ્યારે સ્મશાનવત્ શાંતિમાં ક્યાંય મનમરજીની વાત હોતી નથી. એ પરાણે અપનાવેલી શાંતિ છે. આસામ, નાગાલૅન્ડ અને સેવન સિસ્ટર્સ સિરીઝમાં આવતાં અન્ય રાજ્યોમાં સ્મશાનવત્ શાંતિ છે, જ્યારે કાશ્મીરમાં સ્વર્ગની શાંતિની અનુભૂતિ થઈ રહી છે. આ જ શાંતિ આપણે નક્સલીઓને હટાવીને એ રાજ્યોમાં પણ આપવાની છે જે રાજ્યોમાં નક્સલીઓનો ત્રાસ છે. માગણી તમારી ગમે એ સ્તરની વાજબી હોય, પણ એ માગ પૂરી કરાવવા માટે જો તમે કાયદો હાથમાં લો તો તમારી માગ પણ ગેરકાયદે બની જાય છે. નક્સલીઓ એ જ કરી રહ્યા છે અને એટલે જ હવે તેમનો ખાતમો બોલાવવામાં આવે એ અનિવાર્ય થઈ ગયું છે. દેશવાસીઓ સરકાર પાસેથી હવે બીજા મેગા-ઑપરેશનની અપેક્ષા રાખી રહ્યા છે. કાશ્મીર પછીનું બીજું મેગા-ઑપરેશન, જેનો હેતુ એક જ હશે, શાંતિ, પરમ શાંતિ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK