સરદારને વળશે શાતા:કાશ્મીર બાબતે સૌથી વધુ ઉચાટમાં રહ્યા, તો એ સરદાર હતા

Published: Aug 08, 2019, 11:27 IST | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ? | મુંબઈ ડેસ્ક

કાશ્મીરનો પ્રશ્ન એક એવો પ્રશ્ન હતો જેની સીધી અસર દેશઆખાને થતી હતી.

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

સરદાર વલ્લભભાઈ પટેલનો આત્મા હવે સ્વર્ગમાં પહોંચી ગયો છે. હું તો કહીશ કે સરદારનું આ તર્પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથે થયું. જે કામ સરદારની પાર્ટી નહોતી કરી શકે, જે કામ સરદારના રસ્તે ચાલનારાઓ નહોતા કરી શક્યા એ કામ બે ગુજરાતીઓ કરી ગયા.

છેલ્લા બે દિવસથી વૉટ્સઍપ પર પુષ્કળ મેસેજ મળી રહ્યા છે. એ મેસેજ પૈકીનો એક મેસેજ ખૂબ ગમ્યો. ગાંધી-સરદારની જોડી પછી હવે મોદી-શાહની જોડી આવી છે જેણે દેશને સંપૂર્ણ આઝાદી અપાવી. વાત જરા પણ ખોટી નથી. દેશ હવે સંપૂર્ણપણે એક થયો છે. આખો દેશ એક બન્યો છે અને હવે કાશ્મીરીઓ પણ ભારતીય બન્યા છે. આ ગર્વ લેવાની વાત છે. કાશ્મીરીના નામે છાજિયા લેનારા કાશ્મીરના નેતાઓ અને ભારતીય વિરોધ પક્ષ એક વાત યાદ રાખે કે વહાલા-દવલાની નીતિ સાથે ક્યારેય કોઈને ઉપર લાવી ન શકાય. પક્ષાપક્ષી એ લાગવગ માત્ર છે પણ તમારે ભૂલવું ન જોઈએ કે લાગવગથી બનેલો ડૉક્ટર તબીબ કહેવાય, પણ તે શ્રેષ્ઠ સર્જ્યન તો નથી જ કહેવાતો. જરા પણ ભૂલતા નહીં. કાશ્મીરને લાગવગ મળી, પક્ષાપક્ષીનો ફાયદો થયો, પણ એ પછી પણ બન્યું શું, શું ઉકાળી લીધું કાશ્મીરે? આતંકવાદ અને એના સિવાય બીજું કશું નહીં.
કાશ્મીરને આકરા ડામની જરૂર હતી. કૅન્સરના સેલ્સને બાળવા માટે કીમોથેરપીની તાતી આવશ્યકતા હોય અને એ આપવી પડે એવી જ રીતે કાશ્મીરના કૅન્સરના કોષોને મારવા માટે કીમોથેરાપી આપવી અત્યંત આવશ્યક હતી અને એ કામ માત્ર બહારનું જ કોઈ કરી શકે એમ હતું. કૉન્ગ્રેસથી પણ એ શક્ય નહોતું અને કાશ્મીરમાં બેઠેલી પૉલિટિકલ પાર્ટીથી પણ એ શક્ય નહોતું. મેડિકલ ફીલ્ડમાં જોવાયું છે કે અંગત વ્યક્તિની સર્જરી હંમેશાં અજાણ્યા અને ઓછા જાણીતા એક્સપર્ટ પાસે જ કરાવવામાં આવી છે. કાશ્મીરના લાંબા આયુષ્ય માટે આ જરૂરી હતું અને એ કામ માત્ર બીજેપી અને એના નેતાઓ જ કરી શકે એમ હતા. કૉન્ગ્રેસ તો મા હતી અને અન્ય પાર્ટીઓ તો કાશ્મીરનાં મામા-ફઈ અને અન્ય સ્વજન હતી. કોઈ ડામ દેવા રાજી નહોતી અને ડામ મળતો નહોતો એટલે તો બીમારી વકરીને છેક છાપરે ચડી ગઈ હતી.

નરેન્દ્ર મોદી અને અમિત શાહે જે પગલું લીધું છે એ પગલા માટે હું કહીશ કે આખો દેશ તેમનો ઋણી રહેશે. ૩૭૦ અને ૩પ-એ કલમ હટવાથી એના શું લાભ થવાના છે અને એ લાભ કેવા પ્રકારના હશે એની તમે કલ્પના પણ નહીં કરી હોય, પણ ભવિષ્યમાં એ જોવા મળશે અને એ જ્યારે દેખાશે ત્યારે ચોક્કસપણે તમને સુખનો સૂરજ દેખાશે. કાશ્મીરનો પ્રશ્ન એક એવો પ્રશ્ન હતો જેની સીધી અસર દેશઆખાને થતી હતી. ગઈ કાલે કહ્યું એમ, કાશ્મીર એ આતંકવાદનું એપિસેન્ટર હતું, કાશ્મીર એ આતંકવાદીઓનો એન્ટ્રી-ગેટ હતો. આ કલમો અને નવા નિર્ણયોના આધારે હવે એપિસેન્ટર ડામી દેવામાં આવ્યું છે અને આતંકવાદીઓનો એન્ટ્રી-ગેટ હવે કાયમ માટે બંધ થશે, જેનો સીધો લાભ દેશની શાંતિને મળશે.

આ પણ વાંચો : Surveen Chawla: આ એક્ટ્રેસનો કૂલ મૉમ અંદાજ, જુઓ Sizzling તસવીરો

યાદ રાખજો કે વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે દેશમાં શાંતિ અને સુરક્ષા હોય. કાશ્મીર શાંતિ અને સુરક્ષાનો વિરોધાર્થી શબ્દ બની ગયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK