Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સેલ: નકામી વસ્તુઓ ખરીદવાનો અવસર આવે ત્યારે વાસ્તવિકતાની સભાનતા જરૂરી

સેલ: નકામી વસ્તુઓ ખરીદવાનો અવસર આવે ત્યારે વાસ્તવિકતાની સભાનતા જરૂરી

15 July, 2019 11:22 AM IST | મુંબઈ ડેસ્ક
મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

સેલ: નકામી વસ્તુઓ ખરીદવાનો અવસર આવે ત્યારે વાસ્તવિકતાની સભાનતા જરૂરી

સેલ: નકામી વસ્તુઓ ખરીદવાનો અવસર આવે ત્યારે વાસ્તવિકતાની સભાનતા જરૂરી


મેરે દિલ મેં આજ ક્યા હૈ?

એક પણ નહીં, આજે એક પણ શોરૂમ એવા નથી રહ્યા જેની બહાર અંગ્રેજીના મોટા અક્ષરમાં સેલ ન લખ્યું હોય. અરે, સોના-ચાંદીના ઑર્નામેન્ટ્સ વેચતા કરોડો રૂપિયાના ખર્ચે ઊભા થયેલા શોરૂમની બહાર પણ મેકિંગ ચાર્જિસમાં ડિસ્કાઉન્ટનાં બૅનર લાગેલાં હોય છે અને પેપરમાં ઍડ પણ આવતી હોય છે. ટીવી ખરીદો તો મિક્સર ફ્રી અને મોબાઇલ ખરીદો તો મેમરી કાર્ડ ફ્રી. સેલ, સેલ, સેલ. માલ ખરીદો ભાઈ માલ ખરીદો. વેચવા બેઠા છીએ, લૂંટાવા બેઠા છીએ, લૂંટી લો અમને. આવી જ માનસિકતા દેખાઈ આવે અને આવી માનસિકતાની અડફેટમાં સૌકોઈ સપડાયા કરે છે. જ્યારે પણ સેલ શબ્દ વાંચવા મળે ત્યારે પહેલાં હૈયે ધ્રાસકો પડે કે આ વેચાણની રમતમાં હવે કેટલા ફસાશે અને કેવી રીતે એમાં સપડાશે? સેલ ખરાબ નથી, સેલ ખરાબ હોઈ પણ ન શકે, પરંતુ આ સેલની રમત દરમ્યાન ખરીદવામાં આવતો બીજો, બિનજરૂરી સામાન જે ઘરમાં આવે છે એ ખોટું છે. સેલ હવે કામની ચીજવસ્તુઓ માટે નથી ઊભરાતા, સેલ તો હવે નકામી ચીજવસ્તુઓ ખરીદવાનો અવસર આપવાની ઘડી છે.



ઘડી આવી અમારે આંગણે, વધાવી લો એને સૌ સાગમટે.


આવી કોઈ ઉક્તિને પકડીને કવિઓએ નવા જમાનાની કવિતા લખવી જોઈએ. પહેલાંના સમયમાં આઝાદી માટે ગીતો લખાતાં, જે ગીતો શૌર્ય રસથી ભરપૂર હતાં, પણ હવે એવાં કોઈ ગીતો લખાતાં નથી. કહો કે હવે શૌર્ય કોઈને જોઈતું નથી, પણ શૌર્ય માટે નહીં, સવલત માટે પણ હવે આવાં ગીતો લખાવાં જોઈએ. સેલના નામે ચાલી રહેલો વેપાર ખોટો નથી, પણ સેલના નામે કરવામાં આવતી ખરીદી હોય છે એ સ્વીકારવા સિવાય છૂટકો પણ નથી. એક સમય હતો જ્યારે શોરૂમમાં સેલ આવે એની રાહ જોવામાં આવતી. કાગડોળે અને ચાતક નજરે. પહેલેથી પ્લાનિંગ પણ થતું અને એ પ્લાનિંગ વચ્ચે બચત કરવામાં આવતી. આખા વર્ષનાં કપડાં પણ ખરીદી લેવામાં આવતાં અને આખા વર્ષની ચિંતા ટાળી દેવામાં આવતી, પણ હવે ૪૦ ટકા અને ૬૦ ટકાની વાતો એવી રીતે ડિસ્કાઉન્ટમાં આવે છે જાણે બેચાર કે છ ટકાનું કોઈ મહત્ત્વ જ નથી રહ્યું. હકીકત એ છે કે મહત્ત્વ હવે પૈસાનું રહ્યું નથી.

આ પણ વાંચો : તમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોસ?


પૈસા માટે એક સરસ ઉક્તિ વાંચી છે. જો આજે તમે એને બચાવશો તો ભવિષ્યમાં તકલીફ આવશે ત્યારે એ તમને બચાવશે, તમારા પડખે ઊભો રહેશે. એક સરસ વાક્ય મારા જ એક મિત્ર કહે છે. પૈસો મોટા ભાઈ જેવો છે, જો અકબંધ રાખશો તો એ સંકટ સમયે તમારું પીઠબળ બનીને ઊભો રહેશે. વાત ખોટી પણ નથી. જો માનવામાં ન આવતું હોય તો એક વખત, માત્ર એક વખત ઘરમાં જ નજર કરીને જોઈ લેજો. ઘરમાંથી અનેક ચીજવસ્તુઓ એવી મળશે જે ખરીદતી વખતે ખૂબ હોંશ હશે, પણ ઘરમાં આવી ગયા પછી એની કોઈ કિંમત નહીં હોય અને એ દરરોજ અડફેટે આવતી હશે. આ જે અડફેટે આવે છે એ વસ્તુ નથી, એ પૈસો છે, એ તમારી મહેનત છે અને તમારી મહેનતની કમાણી છે. જો મહેનતની કમાણીનું મૂલ્ય આજે નહીં કરો તો એ કમાણી ક્યારે તમારું અવમૂલ્યન કરી નાખશે એની તમને ખબર નહીં પડે. બહેતર છે કે આજે પૈસાનું મૂલ્ય સમજો અને એને વધારે મૂલ્યવાન બનાવવાની દિશામાં કામ કરો.

Whatsapp-channel Whatsapp-channel

15 July, 2019 11:22 AM IST | મુંબઈ ડેસ્ક | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK